Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 17-18

યહોશાફાટના શાસનનો પ્રારંભ

17 ત્યારબાદ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. અને ઇસ્રાએલથી સુરક્ષિત રહેવા તેણે યહૂદાને શકિતશાળી બનાવ્યું. તેણે યહૂદાના બધાં કિલ્લેબંદીવાળા નગરોમાં લશ્કર ગોઠવ્યું, અને આખા યહૂદાના તેમજ તેના પિતાએ કબજે કરેલાં એફ્રાઇમનાં શહેરોમાં સૂબાઓ મૂક્યા,

યહોવા તેની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા તે માર્ગ પર જ યહોશાફાટ ચાલ્યો. તેણે મૂર્તિઓની પૂજા કરી નહિ. ઇસ્રાએલના પ્રદેશમાં વસતા લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તે તેના પિતૃઓના દેવની આજ્ઞાઓને આધીન રહીને જીવન ગુજારતો હતો. આથી યહોવાએ તેના હાથમાં યહૂદા પરની સત્તા કાયમ રાખી, આખું યહૂદા તેને ભેટસોગાદ આપતું હતું. અને તે પુષ્કળ કીર્તિ અને સંપત્તિ પામ્યો. તે યહોવાની સેવામાં ગૌરવ લેતો હતો અને તેણે યહૂદામાંની ટેકરીઓ ઉપરના સ્થાનકોનો તેમજ પૂજાસ્તંભોનો પણ નાશ કર્યો.

તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અમલદારો બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મીખાયાને, લેવીઓ શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબીયા, અને ટોબઅદોનિયા તેમજ યાજકો અલીશામા અને યહોરામ સાથે યહૂદાના ગામેગામ ઉપદેશ કરવા મોકલ્યા. દેવના નિયમશાસ્ત્રના પુસ્તકની નકલો તેઓ પોતાની સાથે લઇ ગયા. અને યહૂદિયાનાં સર્વ ગામોમાં જઇને લોકોને નિયમશાસ્ત્રનું શિક્ષણ આપ્યું.

10 આથી યહૂદાની આસપાસના બધા પ્રદેશોમાં રાજાઓ યહોવાથી ડરવા લાગ્યા, અને તેમણે યહોશાફાટ સાથે લડાઇ કરી નહિ. 11 કેટલાક પલિસ્તી લોકો ખંડણી તરીકે તેની પાસે ઉપહાર તરીકે ચાંદી લઇને આવ્યા. રણના રહેવાસીઓ પણ 7,700 બકરીઓ અને 7,700 ઘેંટાની ભેટ લઇને આવ્યા.

12 યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા 13 અને તેણે યહૂદાના શહેરોમાં ઘણું કામ કર્યુ. તેણે રાજધાની યરૂશાલેમમાં મોટું સૈન્ય રાખ્યું. 14 યરૂશાલેમમાં તેણે શૂરવીર યોદ્ધાઓનું થાણું ઉભું કર્યું હતું અને તેની કુળસમૂહવાર યાદી નીચે પ્રમાણે છે:

યહૂદાના સેનાનાયકો- યહૂદાના મુખ્ય સેનાપતિ આદનાહના

અને તેના હાથ નીચે 3,00,000 સૈનિકો;

15 તેના પછી યહોહાનાન અને તેના હાથ નીચે 2,80,000 સૈનિકો;

16 તેના પછી યહોવાને સ્વેચ્છાએ આત્મસમર્પણ કરનાર અમાસ્યા જે ઝિખ્રીનો પુત્ર હતો; તેના હાથ નીચે 2,00,000 સૈનિકો.

17 બિન્યામીનના કુળસમૂહના સેનાનાયકો:

શૂરવીર એલ્યાદાહ અને તેના હાથ નીચે 2,00,000 ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો;

18 તેના પછી યહોઝાબાદ અને તેના હાથ નીચે 1,80,000 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ.

19 આ સર્વ સૈન્યો હતા. અને તે પાટનગરના રાજાની પાસે હતા. સમગ્ર યહૂદા રાજ્યના કિલ્લેબંદીવાળાં નગરોમાં રાજાએ જેમને નિયુકત કર્યા હતા તે સૈન્યો તો જુદા.

પ્રબોધક મીખાયાની ચેતવણી

18 યહૂદાના રાજા યહોશાફાટે પુષ્કળ સંપત્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેણે તેના પુત્રનું સગપણ ઇસ્રાએલના રાજા આહાબની પુત્રી સાથે કર્યુ. થોડાં વરસો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબ તેને અને તેના રસાલાને માટે મોટી સંખ્યામાં બકરીઓ અને બળદનું બલિદાન આપ્યું અને તેને રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવા ભોળવ્યો. આહાબે યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ-ગિલયાદ આવશો?” યહોશાફાટે કહ્યું, “આપણે બે કાઇં જુદા નથી. મારા સૈનિકો એ તમારા જ સૈનિકો છે. આપણે સાથે મળીને આપણી લડાઇ લડીશું.” પણ પહેલાં યહોવાને પશ્ર્ન કરો કે, “તમારી શી ઇચ્છા છે તે કૃપા કરીને કહો.”

તેથી ઇસ્રાએલના રાજાએ આશરે 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા, અને તેમને પૂછયું, “અમારે રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવો કે, રોકાઇ જવું?”

તેમણે કહ્યું, “હુમલો કરો. દેવ તેને તમારા હાથમાં સોંપી દેશે.”

યહોશાફાટે પૂછયું, “અહીં યહોવાનો બીજો કોઇ પ્રબોધક નથી, જેને આપણે પ્રશ્ર્ન કરી શકીએ?”

ઇસ્રાએલના રાજાએ કહ્યું, “બીજો એક છે જેની મારફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ, પણ મને તેનો તિરસ્કાર છે, કારણ, તે કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી, હંમેશા માઠું ભવિષ્ય જ ભાખે છે, તે તો યિમ્લાનો પુત્ર મીખાયા છે.”

યહોશાફાટ બોલી ઉઠયો, “નામદાર, એવું ન બોલશો.”

આથી ઇસ્રાએલના રાજાએ એક અમલદારને બોલાવીને કહ્યું, “મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.”

ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા બાદશાહી પોશાક પહેરીને સમરૂનના દરવાજાની આગળ બે સિંહાસન પર બેઠેલા હતા. બધા પ્રબોધકો પોત પોતાનો સંદેશો, એક મોટી ખુલ્લી જગ્યામાં તેમની સામે આપી રહ્યાં હતા. 10 એમાંનો એક સિદકિયા કે જે કનાઅનાહનો પુત્ર હતો જેણે પોતાના માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બોલ્યો, “આ, યહોવાનાં વચનો છે; આવાં શિંગડાઓ વડે આપ અરામીઓને મારીને પૂરા કરી નાખશો.” 11 સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો છે કે, “રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીને વિજયી થા; કારણકે યહોવા તે તારા હાથમાં સોંપી દેશે.”

12 મીખાયાને તેડવા મોકલેલ માણસોએ મીખાયાને કહ્યું, “ખ્યાલ રાખજો કે બધા પ્રબોધકોએ એક અવાજે રાજાને માટે સારું ભવિષ્ય ભાખ્યું છે. તમે પણ તેમના જેવું જ ભવિષ્ય ભાખજો અને વિજયની આગાહી કરજો.”

13 પણ મીખાયાએ કહ્યું, “યહોવાના સોગંદ, હું તો મારા દેવ જે કહેશે તે જ ભાખીશ.”

14 મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?”

મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. એ તમારા હાથમાં આવશે.”

15 પરંતુ રાજાએ કહ્યું, “યહોવાને નામે મને કેવળ સત્ય જ કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવાં?”

16 એટલે મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને ભરવાડ વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વેરવિખેર થઇ ગયેલા જોયા છે, અને મેં યહોવાને બોલતા સાંભળ્યાં છે કે, ‘એ લોકોનો કોઇ ધણીધોરી નથી. તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જતા.’”

17 આ સાંભળીને ઇસ્રાએલના રાજા આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો જ નથી. માઠું જ ભવિષ્ય ભાખે છે.”

18 મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો; મેં યહોવાને તેના સિંહાસન ઉપર બિરાજેલા જોયા છે, તેને ડાબે અને જમણે હાથે બધા દેવદૂતો તેની તહેનાતમાં ઊભા હતા. 19 યહોવાએ કહ્યું કે, ‘કોણ ઇસ્રાએલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલયાદ લઇ જાય કે, ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાએ તેમ કહ્યું. 20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઊભા રહ્યીને કહ્યું કે, ‘હું તેને ફોસલાવીશ’- યહોવાએ તેને પૂછયું કે, ‘શી રીતે?’ 21 તેણે કહ્યું, ‘હું જઇને તેના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ યહોવા બોલ્યા, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થશે. જા અને એ પ્રમાણે કર.’

22 “તેથી આપ જોઇ શકો છો કે, યહોવાએ આપના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવી છે. કારણ, તેણે આપને માથે આફત ઉતારવાનું નક્કી કર્યુ છે.”

23 ત્યારે કનાનનો પુત્ર સિદકિયા મીખાયા પાસે ગયો અને તેના ગાલ પર તમાચો મારીને બોલ્યો, “તું જૂઠો છે, યહોવાનો આત્મા મને તજીને તારામાં ક્યારે આવ્યો?”

24 મીખાયાએ જવાબ આપ્યો, “એ તો તું જે દિવસે ભાગી જઇને અંદરના ખંડમાં છુપાઇ જશે ત્યારે તને ખબર પડશે.”

25 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને પકડો. અને તેને આમોન શહેરના પ્રશાસક અને રાજકુંવર યોઆશને સોંપી દો, અને કહો, 26 ‘રાજાનો એવો હુકમ છે કે, આને કેદમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી જીવતો રહે એટલા જ રોટલા ને પાણી સિવાય કશું આપશો નહિ.’”

27 મીખાયાએ જણાવ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો યહોવા મારા દ્વારા બોલ્યા નથી એમ માનજે.” પછી આસપાસ ઊભા રહેલા લોકો તરફ ફરીને તેણે કહ્યું, “મેં જે કહ્યું તેની નોંધ લો.”

રામોથ-ગિલયાદ પર આદાબનું મૃત્યુ

28 પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સૈન્યો સાથે રામોથ-ગિલયાદ ઉપર ચઢાઇ કરવા ગયો. 29 ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “યુદ્ધમાં જતી વખતે હું વેશપલટો કરીશ પણ તમે તમારો બાદશાહી પોશાક પહેરી રાખજો.” આમ ઇસ્રાએલના રાજાએ વેશપલટો કર્યો અને યુદ્ધમાં ગયો.

30 હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવો હુકમ આપ્યો હતો કે, “તમારે ઇસ્રાએલના રાજા સિવાય બીજા ગમે તેના ઉપર હુમલો કરવો નહિ.” 31 રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં. 32 રથાધિપતિઓએ જોયું કે, એ તો ઇસ્રાએલનો રાજા નથી, ત્યારે તેને પકડવાની કોશિષ મૂકી દીધી.

33 પરંતુ એક યોદ્ધાએ અમસ્તુ જ બાણ છોડ્યું અને તેણે ઇસ્રાએલના રાજાને બખતરના સાંધા આગળથી વીંધી નાખ્યો. આહાબે પોતાના સારથીને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઇ જા. હું ઘવાયો છું.”

34 તે દિવસે યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું. સાંજ થતાં સુધી આહાબ, અરામીઓ તરફ મોં રાખીને રથમાં ટટ્ટાર બેઠો હતો. પછી તે મરી ગયો.

યોહાન 13:1-20

પ્રભુ ઈસુ તેના શિષ્યોના પગ ધૂએ છે

13 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ સમય હતો. ઈસુએ જાણ્યું કે આ જગત છોડવાનો તેના માટેનો સમય હતો. હવે તે સમય ઈસુ માટે પિતા પાસે પાછા જવાનો હતો. ઈસુએ હંમેશા જગતમાં જે તેના હતા તે લોકોને પ્રેમ કરતો હતો. તેનો પ્રેમ સંપૂર્ણ શ્રેષ્ઠ હતો. હવે ઈસુનો તેનો પ્રેમ તેઓને બતાવવાનો સમય હતો.

ઈસુ અને તેના શિષ્યો સાંજના ભોજનમાં સાથે હતા. શેતાને અગાઉથી યહૂદા ઈશ્કરિયોતને ઈસુની વિરૂદ્ધ થવા સમજાવ્યો હતો. (યહૂદા સિમોનનો દીકરો હતો.) પિતાએ ઈસુને બધી વસ્તુઓ પરની સત્તા સોંપી હતી. ઈસુએ આ જાણ્યું. ઈસુએ તે પણ જાણ્યું કે તે દેવ પાસેથી આવ્યો છે. અને એમ પણ જાણ્યું કે હવે તે દેવ પાસે પાછો જતો હતો. યારે તેઓ જમતા હતા, ઈસુએ ઊભા થઈને પોતાનો ઝભ્ભો ઉતારી નાખ્યો. ઈસુએ રુંમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું. તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી. તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા. જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો.

ઈસુ સિમોન પિતર પાસે આવ્યો. પરંતુ પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, તારે મારા પગ ધોવા જોઈએ નહિ.”

ઈસુએ ઉત્તર આપ્યો, “હમણા હું શું કરું છું તે તું જાણતો નથી. પરંતુ પાછળથી તું સમજી શકીશ.”

પિતરે કહ્યું, “ના! હું કદાપિ મારા પગ ધોવા દઈશ નહિ.”

ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું તારા પગ નહિ ધોઉ, તો પછી તું મારા લોકોમાંનો એક થશે નહિ.”

સિમોન પિતરે કહ્યું, “પ્રભુ, મારા પગ ધોયા પછી તું મારા હાથ અને મારું માથું પણ ધો!”

10 ઈસુએ કહ્યું, “વ્યક્તિના સ્નાન કર્યા પછી તેનું આખું શરીર ચોખ્ખું થાય છે. તેને ફક્ત તેના પગ ધોવાની જ જરુંર છે. અને તમે માણસો ચોખ્ખા છો, પરંતુ તમારામાંના બધા નહિ.” 11 ઈસુએ જાણ્યું કે, કોણ તેની વિરૂદ્ધ થશે. તે જ કારણે ઈસુએ કહ્યું, “તમારામાંથી દરેક ચોખ્ખા નથી.”

12 ઈસુએ તેમના પગ ધોવાનું પૂરું કર્યુ. પછી તેણે પોતાનાં કપડાં પહેર્યા અને ફરીથી મેજ પર બેઠો. ઈસુએ પૂછયું, “તમે સમજો છો મેં તમારા માટે શું કર્યું? 13 તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું. 14 હું જ તમારો ‘ગુરું’ અને ‘પ્રભુ’ છું. પણ મેં તમારા પગ સેવકની જેમ ધોયા. તેથી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15 મેં તમારા માટે એક નમૂના તરીકે આ કર્યુ. તેથી મેં તમારા માટે જે કર્યુ તેવું તમારે એકબીજા માટે કરવું જોઈએ. 16 હું તમને સત્ય કહું છું. એક સેવક તેના ધણી કરતાં મોટો નથી. અને જે વ્યક્તિને કંઈક કરવા મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. 17 જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.

18 “હું તમારા બધા વિષે બોલતો નથી. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું. પરંતુ શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે થવું જોઈએ. ‘જે માણસ મારા ભોજનમાં ભાગીદાર બન્યો છે તે મારી વિરૂદ્ધ થયો છે.’ 19 હું તમને તે બનતા પહેલા આ કહું છું. જેથી જ્યારે એ બને, ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. 20 હું તમને સત્ય કહું છું. જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર જે કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે મારા મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International