Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
મિખાહ 6:1-8

યહોવા દેવની ફરિયાદ

હવે યહોવા શું કહે છે તે તમે સાંભળો:
“ઊઠ, ઊભો થા, અને ડુંગરો
    અને પર્વતોને ફરિયાદ સાંભળવા માટે બોલાવ.
હે પર્વતો તથા પૃથ્વીના અચલ પાયાઓ,
    તમે યહોવાની ફરિયાદ સાંભળો,
કારણકે તેમની ફરિયાદ પોતાના ઇસ્રાએલી લોકો વિરુદ્ધ છે,
    તે તેઓની સામે કાયદેસરના પગલાં ભરશે.”

યહોવા કહે છે, “હે મારી પ્રજા, મેં તમને શું કર્યુ છે?
    તમને કઇ રીતે દુ;ખ આપ્યું છે?
    એનો મને જવાબ આપો.
હું તમને મિસરમાંથી બહાર લઇ આવ્યો,
    મેં તમને ગુલામીમાંથી મુકત કર્યા
અને તમને દોરવણી આપવા માટે મેં મૂસાને,
    હારુનને અને મરિયમને મોકલ્યાં હતાં.
હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી,
    અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો?
યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું,
    જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”

દેવ આપણી પાસે શું માગે છે?

હું જ્યારે પરાત્પર દેવની ઉપાસના કરવા આવું ત્યારે સાથે શું લેતો આવું?
    એક વર્ષના વાછરડાઓનાં અર્પણ સાથે શું અમે યહોવાની સમક્ષ નમન કરીએ?
    ના, એમ નહિ!
જો તમે હજારો ઘેટાં અને 10,000 કરતાં વધારે જૈતતેલની નદીઓનું તેમને અર્પણ કરો,
    તો શું તે રાજી થશે?
શું તેનાથી તેને સંતોષ થશે?
શું હું મારા પ્રથમ જન્મેલા બાળકનું મારા આત્માના પાપ માટે બલિદાન કરું?
    મારા અપરાધો માટે મારું પોતાનું શરીર ફળ ભોગવશે.

ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે.
    અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે,
ફકત તમે ન્યાય આચરો,
    દયાભાવને ચાહો
    અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.

ગીતશાસ્ત્ર 15

દાઉદનું ગીત.

હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
    તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
જે સાધુશીલતા પાળે છે,
    જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
    તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
    અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
    જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
    પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
    તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
    જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.

1 કરિંથીઓ 1:18-31

ખ્રિસ્તમાં દેવનું સાર્મથ્ય અને જ્ઞાન

18 જે લોકો ભટકી ગયેલા છે, તેઓને માટે વધસ્તંભ અંગેનો ઉપદેશ મૂર્ખતા ભરેલો છે. પરંતુ આપણે માટે કે જેનું તારણ થયેલું છે, તેમના માટે તો તે દેવનું સાર્મથ્ય છે. 19 શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે કે:

“હું જ્ઞાની માણસોના જ્ઞાનનો વિનાશ કરીશ.
હું બુધ્ધિમાન માણસોની બુધ્ધિને નિર્માલ્ય બનાવી દઈશ.” (A)

20 જ્ઞાની વ્યક્તિ ક્યાં છે? શિક્ષિત વ્યક્તિ ક્યાં છે? આ યુગનો તત્વજ્ઞાની ક્યાં છે? દેવે દુન્યવી જ્ઞાનને મૂર્ખતામાં ફરવી દીધું છે. 21 તેમના આ જ જ્ઞાન વડે દેવ આવું ઈચ્છતો હતો: દુનિયા પોતાના જ્ઞાનથી દેવને ન ઓળખી શકી ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવે ઈચ્છયું.

22 યહૂદિઓ પ્રમાણ તરીકે ચમત્કારોની માગણી કરે છે. ગ્રીકો શાણપણ માગે છે. 23 પણ અમે આવો ઉપદેશ આપીએ છીએ: ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. આ યહૂદિઓ માટે અસ્વીકાર્ય છે. અને બિનયહૂદિઓને આ મૂર્ખામી ભરેલું લાગે છે. 24 દેવે જેને બોલાવ્યો તેવા યહૂદિ (પસંદ કરેલા) અને ગ્રીક લોકો માટે ખ્રિસ્ત તો દેવનું સાર્મથ્ય તથા જ્ઞાન છે. 25 દેવની મૂર્ખતા પણ માણસો કરતાં વધુ જ્ઞાનવાળી હોય છે. દેવની નિર્બળતા પણ માણસો કરતાં વધુ શક્તિશાળી હોય છે.

26 ભાઈઓ અને બહેનો, દેવે તમને પસંદ કર્યા. તેના વિષે વિચાર કરો! અને દુનિયા જે રીતે જ્ઞાનને મુલવે છે, તે રીતે તમારામાંના ઘણા જ્ઞાની ન હતા. તમારામાના ઘણાનો વિશિષ્ટ પ્રભાવ ન હતો. કે તમારામાંના ઘણા વિશિષ્ટ ખાનદાનમાંથી પણ આવતા ન હતા. 27 જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી. 28 જગત જેને બિનમહત્વનું ગણે છે, અને જેને દુનિયા ધિક્કારે છે જે કશું જ નથી. દેવ તેને પસંદ કરે છે. જેને જગતે મહત્વનું ગણ્યું તેનો વિનાશ કરવા માટે દેવે પસંદ કર્યુ. 29 કોઈ પણ માણસ દેવ સામે બડાશ મારી શકે નહિ તેથી દેવે આમ કર્યુ. 30 દેવ એક જ છે જે આપણને ખ્રિસ્ત ઈસુના અંશરૂપ બનાવે છે. દેવ તરફથી ખ્રિસ્ત આપણું શાણપણ બન્યો છે. ખ્રિસ્તના કારણે આપણે દેવે પ્રત્યે ન્યાયી છીએ. ખ્રિસ્તના કારણે પાપમાંથી મુક્તિ મળી છે. ખ્રિસ્તના કારણે જ આપણે પવિત્ર છીએ. 31 તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”(B)

માથ્થી 5:1-12

ઈસુ લોકોને શિક્ષણ આપે છે

(લૂ. 6:20-23)

ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં. ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:

“જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.
    કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે.
    કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે.
    કેમ કે તેઓ પૃથ્વીનું વતન[a] પામશે.
બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે,
    તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે.
    કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓને દેવના દર્શન થશે.
જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
10 સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે.
    કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.

11 “તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે. 12 ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International