Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ,
તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
2 યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો,
તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો,
તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા,
અને મારા પગલા સ્થિર કર્યા.
3 તેમણે આપણા દેવનું સ્તોત્ર,
મારા મુખમાં મૂક્યું છે,
એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે;
અને યહોવા પર ભરોસો રાખશે.
4 જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે.
તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
5 હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે.
તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે.
તમારા જેવું કોઇ નથી!
હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
7 મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
8 હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
તમારો નિયમ મારા હૃદયમાં છે.”
9 એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
પ્રબોધક બનતો એલિશા
19 એલિયા ત્યાંથી વિદાય થયો, અને તેણે શાફાટના પુત્ર એલિશાને ખેડ કરતો જોયો, તેની આગળ બાર જોડ બળદ હતા, અને તે પોતે છેલ્લી જોડ સાથે હતો; એલિયાએ ત્યાંથી પસાર થતાં પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો. 20 એલિશા, બળદોને છોડીને એલિયાની પાછળ દોડયો અને કહેવા લાગ્યો, “માંરે માંરા પિતા અને માંતાને વિદાય વચન કહેવું છે, પછી હું તારી સાથે આવીશ.”
એલિયાએ કહ્યું, “જા, અને પાછો આવ. હું તને રોકીશ નહિ.”
21 એટલે એલિશાએ પાછા ફરી શાંત્યર્પણ તરીકે બળદની જોડ લીધી અને માંસ રાંધી લોકોને વહેંચી દીધું અને ત્યાર પછી તે એલિયાને અનુસર્યો અને તેનો સેવક બની ગયો.
પિતર, યાકૂબ, યોહાન ઈસુને અનુસરે છે
(માથ. 4:18-22; માર્ક 1:16-20)
5 ગન્નેસરેત ગાલીલ સરોવરને કાંઠે ઈસુ ઊભો હતો તે દેવના વચનનો ઉપદેશ કરતો હતો. તેઓ તેનો ઉપદેશ સાંભળતા હતા. 2 ત્યારે તેણે સરોવરને કિનારે બે હોડી લાંગરેલી જોઈ. માછીમારો તેઓની જાળ પાણીમાં ધોઇ રહ્યાં હતા. 3 તેમાની એક હોડી સિમોનની હતી. ઈસુ તે હોડીમાં બેસવા ચઢી ગયો. ઈસુએ તેને કાંઠાથી થોડે દૂર હોડી હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો.
4 ઈસુએ ઉપદેશ આપી રહ્યાં પછી સિમોનને કહ્યું, “હોડીને દૂર ઊંડા પાણીમાં લઈ જાઓ. અને માછલાં પકડવા જાળો નાખો. તમને કેટલાંક માછલાંઓ મળશે.”
5 સિમોને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત ખૂબ મહેનત કરી છે, પરંતુ અમને કશું જ પ્રાપ્ત થયું નથી. પરંતુ તું કહે છે તે કારણથી હું જાળો નાખીશ.” 6 માછીમારોએ પાણીમાં જાળો નાખી અને જાળોમાં એટલી બધી માછલીઓ ભરાઇ કે તેના ભારથી જાળો તૂટવા માંડી. 7 તેથી તેઓએ બીજી હોડીમાં બેઠેલા એમના મિત્રોને ઇશારો કર્યો. તેઓ આવ્યા અને બંને હોડીઓમાં એટલી બધી માછલીઓ ભરી કે હોડીઓ ડૂબવા માંડી.
8-9 જ્યારે સિમોન પિતરે આ જોયું ત્યારે તે ઈસુના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, “પ્રભુ! હું તો એક પાપી માણસ છું. તું મારાથી દૂર રહે.” તેણે આ એટલા માટે કહ્યું કારણ કે આટલી બધી માછલીઓ પકડાઇ તેથી તે અને તેના સાથીદારો ભારે આશ્ચર્ય પામ્યા. 10 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન તથા પિતરના ભાગીદારો જે સિમોનના મિત્રો હતા તેઓને પણ આ જોઈને ભારે આશ્ચર્ય થયું હતું.
તેથી ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઇશ નહિ, હવે પછી તું માછલીઓ નહિ, પરતું માણસોને ભેગા કરીશ!”
11 પછી તે લોકો તેઓની હોડીઓ કિનારે લાવ્યા અને સર્વસ્વનો ત્યાગ કરીને ઈસુને અનુસર્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International