Revised Common Lectionary (Semicontinuous)
મસીહા આગમન વિષે ભવિષ્યવાણી
9 પરંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટ્રોને પ્રતિષ્ઠા અપાવી. 2 અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે.
3 કારણ કે ઇસ્રાએલ ફરીથી મહાન કહેવાશે, યહોવાએ પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેણીનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતાં આનંદ પ્રમાણે, તેમ જ લોક લૂંટ વહેંચતા આનંદ માણે છે તે મુજબ તેઓ તારી સંમુખ આનંદ કરે છે. 4 કારણ કે ભૂતકાળમાં તમે જેમ મિદ્યાનની સેનાને હાર આપી હતી. તેમ એ લોકોને ભારરૂપ ઝૂંસરી તેમના ખભા પર પડતી લાકડી, તેમને હાંકનારનો પરોણો તમે ભાંગી નાખ્યો છે.
દાઉદનું ગીત.
1 યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
શા માટે મારે કોઇનાથી ડરવું?
4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
“મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
5 સંકટના સમયે તેઓ ખરેખર
મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
કરિંથની મંડળીની સમસ્યાઓ
10 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે હું તમને વિનંતી કરું છું કે તમે બધા એક મતના થાઓ. જેથી કરીને તમારામાં કોઈ ભાગલા ન પડે. હું તમને વિનંતી કરું છું કે તમે એ જ હેતુથી એ જ વિચારમાં સંપૂર્ણ રીતે એક થાઓ.
11 મારા ભાઈઓ અને બહેનો, ખ્લોએ પરિવારના કેટલા એક સભ્યોએ મને તમારા વિષે જણાવ્યું. મેં સાંભળ્યું છે કે તમારામાં અંદરો અંદર મતભેદ છે. 12 મારું કહેવું આમ છે: તમારામાંનો એક કહે છે, “હું પાઉલને અનુસરું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું અપોલોસને અનુસરું છું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું કેફાને અનુસરું છું;” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું ખ્રિસ્તને અનુસરું છું.” 13 ખ્રિસ્તને વિવિધ જૂથોમાં વિભાજીત ન કરી શકાય. શું પાઉલ તમારા માટે વધસ્તંભ પર મરણ પામેલો? ના! તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા? ના! 14 મને આનંદ છે કે કિસ્પુસ અને ગાયસ સિવાય બાકીના કોઈને પણ મેં બાપ્તિસ્મા આપ્યાં ન હતાં. 15 મને આનંદ છે કારણ કે હવે કોઈ પણ એવું કહી શકશે નહિ કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા છો. 16 (મેં સ્તેફનાસના પરિવારને તો બાપ્તિસ્મા આપેલુ, પણ એ સિવાય મેં બીજા કોઈનું પણ બાપ્તિસ્મા કર્યુ હોય તેવું હું જાણતો નથી.) 17 ખ્રિસ્તે મને લોકોને બાપ્તિસ્મા આપવાનું કામ સોંપ્યું ન હતું. ખ્રિસ્તે તો મને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું હતું. પરંતુ ખ્રિસ્તે મને દુન્યવી શાણપણના શબ્દોનો ઉપયોગ કર્યા સિવાય સુવાર્તા કહેવા મોકલ્યો હતો. જો મેં દુન્યવી જ્ઞાનનો સુવાર્તા કહેવામાં ઉપયોગ કર્યો હોત, તો ખ્રિસ્તના વધસ્તંભે[a] તેનું સાર્મથ્ય ગુમાવ્યું હોત.
ખ્રિસ્તમાં દેવનું સાર્મથ્ય અને જ્ઞાન
18 જે લોકો ભટકી ગયેલા છે, તેઓને માટે વધસ્તંભ અંગેનો ઉપદેશ મૂર્ખતા ભરેલો છે. પરંતુ આપણે માટે કે જેનું તારણ થયેલું છે, તેમના માટે તો તે દેવનું સાર્મથ્ય છે.
ગાલીલમાં ઈસુનાં સેવા કાર્યો
(માર્ક 1:14-15; લૂ. 4:14-15)
12 ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી તે ગાલીલ પાછો ગયો. 13 તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો. 14 યશાયા પ્રબોધકે[a] જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ:
15 “ઝબુલોનના પ્રદેશમાં, અને નફતાલીન પ્રદેશમાં,
સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં,
યર્દન નદી પાસેના, જ્યાં વિદેશીઓ રહે છે.
16 જેઓ અંધકારમાં જીવતા હતાં.
પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો;
તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી
પર જીવે છે તેમના માટે આવ્યો છે.” (A)
17 ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો, તેણે કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે.”
ઈસુ દ્વારા કેટલાક પ્રેરિતોની પસંદગી
(માર્ક 1:16-20; લૂ. 5:1-11)
18 ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન (જે પિતર કહેવાતો) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ જાળથી માછલા પકડતા હતાં. તેઓ માછીમાર હતા. 19 ઈસુએ કહ્યું, “ચાલો મારી પાછળ આવો. હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ. તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે.” 20 તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં.
21 ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી. તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે, મારી સાથે ચાલો. 22 બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા.
ઈસુ બોધ કરે છે અને લોકોને સાજા કરે છે
(લૂ. 6:17-19)
23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં[b] ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International