Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
દેવે ઇબ્રામને બોલાવ્યો
12 યહોવાએ ઇબ્રામને કહ્યું,
“તું તારો દેશ, તારા સગાંસંબંધી,
અને તારા પિતાના પરિવારને છોડી દે
અને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.
2 હું તને આશીર્વાદિત કરીશ.
હું તને એક મહાન રાષ્ટ બનાવીશ.
હું તારા નામને પ્રસિધ્ધ કરીશ.
લોકો તારા નામ દ્વારા
બીજાને આશીર્વાદ આપશે.
3 જે લોકો તારું ભલું કરશે તે લોકોને
હું આશીર્વાદ આપીશ.
પરંતુ જેઓ તને શ્રાપ આપશે તેઓને હું શાપ દઈશ.
પૃથ્વી પરના બધા મનુષ્યોને આશીર્વાદ આપવા માંટે હું તારો ઉપયોગ કરીશ.”
ઇબ્રામનું કનાન ગમન
4 ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો. 5 ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં. 6 ઇબ્રામે કનાનના પ્રદેશમાં થઇને શખેમ નગર સુધી યાત્રા કરી. અને મોરેહના મોટા વૃક્ષ સુધી ગયો. એ સમયે તે દેશમાં કનાની લોકો વસતા હતા.
7 યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”
આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી.
વિશ્વાસ
11 વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ. 2 પુરાતન સમયમાં જીવતા લોકો પર દેવ ખૂબ જ ખુશ હતો કારણ તેઓને દેવમાં વિશ્વાસ હતો.
3 વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે.
4 કાઇન અને હાબેલ દેવને અર્પણ ચઢાવ્યું પણ હાબેલને વિશ્વાસ હતો તેથી વિશ્વાસથી તે કાઇનના અર્પણ કરતાં વધુ સાંરું એટલે દેવને પસંદ પડે તેવું અર્પણ લાવ્યો. દેવે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો અને હાબેલને ન્યાયી ઠરાવતી સાક્ષી આપી. હાબેલ મરણ પામ્યો, પણ આજે પણ તે પોતાના વિશ્વાસ દ્ધારા આપણને કહી રહ્યો છે.
5 હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો. તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ. શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો, ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો. તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. 6 વિશ્વાસ રાખ્યા વગર તમે તેને પ્રસન્ન કરી શકો નહિ. દેવ પાસે આવનાર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે તેનું અસ્તિસ્વ છે, અને સાચા હ્રદયથી શોધનારને તે મળે છે દેવ તેનો બદલો આપશે.
7 નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો.
8 વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો; એટલે પોતે ક્યાં જાય છે, એનાથી અજ્ઞાત હોવા છતાં તે પોતાનું વતન છોડી ચાલી નીકળ્યો. 9 દેવે જે દેશમાં જવાનું વચન આપ્યું હતું ત્યાં જઈને રહ્યો. ઇબ્રાહિમ ત્યાં એક મુસાફરની માફક રહ્યો. કારણ કે તેને વિશ્વાસ હતો. ઈસહાક અને યાકૂબને પણ તે જ વચન મળ્યું હતું. તેઓ પણ તંબુમાં રહ્યા હતા. 10 ઈબ્રાહિમ તે શહેરની રાહ જોતો હતો. જેનો પાયો દઢ હોય, એવું શહેર કે જેનો શિલ્પી અને બાંધનાર દેવ હોય.
11 ઈબ્રાહિમ ખૂબ ઘરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો. અને સારા માતા બની શકે તેમ નહતી પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. છેવટે સારા ગર્ભવતી થઈ અને ઈબ્રાહિમ પિતા બન્યો. 12 આ માણસ એટલો બધો વૃદ્ધ હતો કે તે મૃત અવસ્થામાં હતો. પણ એ એક જ વ્યક્તિમાંથી અનેક પ્રજા ઉત્પન્ન થઈ. તેનાં સંતાન આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International