Revised Common Lectionary (Semicontinuous)
7 યહોવા કહે છે,
“યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ,
મહાન કોમ માટે જયજયકાર કરો.
તેથી મુકતકંઠે સ્તુતિગાન કરીને કહો,
‘દેવ યહોવા તારા લોકોને
ઇસ્રાએલના અવશેષને બચાવ.’
8 હું તેઓને ઉત્તરમાંથી લાવીશ,
ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ.
હું તેઓનાં અંધજનોને અને લંગડાઓને,
ગર્ભવતી તથા નાનાં બાળકોવાળી
સ્ત્રીઓને રઝળતા નહિ મૂકું.
તેઓ એક મોટા સમુદાયની
જેમ અહીં પાછા ફરશે.
9 હું તેમને પાછા લાવીશ ત્યારે તેઓ
રડતાં રડતાં અરજ કરતાં કરતાં આવશે.
હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે
થઇને વહેતાં ઝરણાં આગળ લઇ જઇશ,
કારણ કે હું ઇસ્રાએલનો પિતા છું
અને એફ્રાઇમ મારો જયેષ્ઠ પુત્ર છે.
10 “હે વિશ્વની પ્રજાઓ, તમે યહોવાના વચન સાંભળો,
અને દૂર દૂરના દ્વીપોને તે જાણ કરો.
‘જેણે ઇસ્રાએલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા
તે પોતે જ તેમને એકત્ર કરશે
અને તેમની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.’
11 કારણ કે યહોવાએ યાકૂબને બચાવ્યો છે,
ને તેનાં કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.
12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે,
અને યહોવાએ આપેલા ધાન્ય,
દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી
સમૃદ્ધિથી ખુશખુશાલ થશે.
તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે
અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
13 ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે;
કારણ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ,
હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હષિર્ત કરીશ,
કારણ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે.
14 હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ.
અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઇ જશે.”
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.
19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
ખ્રિસ્તમાં આત્મિક આશીર્વાદ
3 આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. 4 વિશ્વનું સર્જન થયું તે પહેલા ખ્રિસ્તમાં દેવે અમને પસંદ કર્યા છે. દેવે અમને તેની પાસે પવિત્ર અને નિર્દોષ થઈએ તે માટે પસંદ કર્યા. 5 અને ઈસુ ખ્રિસ્તમાં પ્રસ્થાપિત દેવે, વિશ્વનું સર્જન થયું તે પહેલા પણ આપણને તેના સંતાન બનાવવા નકકી કર્યુ. દેવ આમ કરવા ઈચ્છતો હતો. અને તેમ કરવાથી તે પ્રસન્ન હતો. 6 તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
7 ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો. દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે. 8 દેવે તે કૃપા આપણને ઊદારતાથી અને મુક્તપને આપી. તેની રહસ્યપૂર્ણ યોજનાની માહિતી દેવે આપણને પૂરી સમજ અને જ્ઞાનથી આપી. 9 આપણે તેના ગૂઢ રહસ્યોને જાણીએ. આ બધી જ દેવની ઈચ્છા હતી. અને ખ્રિસ્ત થકી આમ કરવાનું તેનું આયોજન હતું. 10 દેવની યોજના યોગ્ય સમયે તેના આયોજનને પરિપૂર્ણ કરવાની હતી. દેવનું આયોજન હતું કે ઈસુ ખ્રિસ્તમાં સ્વર્ગમાંની અને પૃથ્વીની દરેક વસ્તુનું એકીકરણ થાય.
11 ખ્રિસ્તમાં આપણે દેવના લોકો તરીકે પસંદ કરાયા. દેવે આપણને તેના વારસો બનાવવાનું આયોજન ક્યારનું ય કર્યુ હતું. કારણ કે દેવ એ જ ઈચ્છતો હતો. અને દેવ એક છે જે ઈચ્છે છે અને માંગે છે તેને અનુરૂપ બધી વસ્તુઓને કરી શકે છે. 12 જેઓને ખ્રિસ્તમાં આશા હતી તેવા આપણે સૌથી પહેલા લોકો હતા. અને આપણે દેવના મહિમાની સ્તુતિ કરીએ તે માટે આપણે પસંદ કરાયા હતા. 13 તમારી સાથે પણ આવું જ છે. તમે સત્યનું વચન તમારા તારણની સુવાર્તા સાભળી. જ્યારે તમે આ સુવાર્તા સાંભળી ત્યારે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. અને ખ્રિસ્ત થકી દેવે પવિત્ર આત્મા રૂપે પોતાનું ચિહન તમારામાં પ્રસ્થાપિત કર્યુ. આમ કરવાનું દેવે વચન આપ્યું હતું. 14 દેવે તેના લોકોને જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ થશે, તેની ખાતરી તે આ પવિત્ર આત્મા છે. જે લોકો દેવના છે તેઓને આના થકી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. આ સર્વનો ધ્યેય દેવના મહિમાને માટે સ્તુતિ કરવાનો છે.
ખ્રિસ્ત જગતમાં આવે છે
1 જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો. 2 તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. 3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. 4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો. 5 તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.
6 ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો. 7 યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે. 8 યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. 9 સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.
10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ. 11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ. 12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.
14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. 15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે. મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.’”
16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા. 17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં. 18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International