Revised Common Lectionary (Semicontinuous)
6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
7 મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
8 હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
તમારો નિયમ મારા હૃદયમાં છે.”
9 એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
12 કારણ, મારા માથે સમસ્યાઓનો
ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
તેઓ ફજેત થાઓ
અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
માટે હવે વિલંબ ન કરશો.
53 આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?
2 તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ. 3 લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ.
4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે; 5 પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છીએ. 6 આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.
7 તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યા અને તેને સંકટમાંથી પસાર થવું પડ્યું; તેમ છતાં તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેને હલવાનની જેમ વધ કરવા લાવવામાં આવ્યો; અને જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે, તેમ તેણે પોતાને દોષિત ઠરાવનારની આગળ પોતાનું મોં ખોલ્યું નહિ. 8 તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો. 9 દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું નહોતું.
10 તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ થશે. 11 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે.
પ્રભુ કહે છે, “આમ મારો નિર્દોષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે. 12 તેથી હું તેને પરાક્રમી તથા મહાન માણસોની જેમ યુદ્ધની લૂંટનો ભાગ વહેંચી આપીશ, કારણ, તેણે પોતાનું જીવન આપી દીધું હતું, અને પોતાની ગણતરી ગુનેગારોમાં થવા દીધી હતી, તેણે અનેકોનાં પાપો પોતાને માથે લઇ લીધાં હતાં અને ગુનેગારોને માટે તેણે પ્રાર્થના કરી હતી.”
ખ્રિસ્તનું બલિદાન આપણને સંપૂર્ણ બનાવે છે
10 નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી. 2 જો જૂના નિયમે લોકોને પરિપૂર્ણ બનાવ્યો હોત તો પછી તેઓએ બલિદાન આપવાનું બંધ કર્યુ હોત. તેઓ સદાને માટે શુદ્ધ થઈ ગયા હોત અને તેઓએ તેમના પાપો માટે દોષિત થવું પડ્યું ના હોત. પરંતુ નિયમશાસ્ત્ર તે કરી શક્યું નહિ. 3 પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે. 4 કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International