Revised Common Lectionary (Semicontinuous)
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
યાકૂબના પુત્રોને આશીર્વાદ અને વિદાય
49 પછી યાકૂબે પોતાના પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું, “તમે બધા ભેગા થાઓ એટલે હું તમને તમાંરા પર ભવિષ્યમાં જે વીતશે તે તમને કહું,
2 “યાકૂબના પુત્રો તમે ભેગા થાઓ, ને સાંભળો;
અને તમાંરા પિતા ઇસ્રાએલની વાત ધ્યાનપૂર્વક સાંભળો.
યહૂદા
8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.
તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે;
તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.
9 યહૂદા યુવાન સિંહ છે,
તે ખૂન કરીને આવ્યો છે,
તે સિંહની જેમ થાક ખાવા બેઠો છે.
એને છંછેડવા જેટલું બહાદુર કોઇ નથી?
10 યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે.
તેના પરિવારનો રાજદંડ જ્યાં
સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ.
પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.
11 તે પોતાના ગધેડાને દ્રાક્ષના વેલા સાથે બાંધે છે, પોતાના ખોલકાને સૌથી ઉત્તમ દ્રાક્ષના વેલા સાથે બાંધે છે.
વળી પોતાનાં વસ્રો દ્રાક્ષારસમાં ધૂએ છે, અને પોતાનો પોષાક દ્રાક્ષના રકતમાં ધૂએ છે.
12 દ્રાક્ષારસથી તેની આંખો રાતી થઈ છે,
અને તેના દાંત દૂધથી ઉજળા થયા છે.
ઝબુલોન
13 “ઝબુલોન દરિયાકાંઠે રહેશે
જે વહાણોનું બંદર બનશે.
અને તેની સીમાં છેક સિદોન સુધી પહોંચશે.
નફતાલી
21 “નફતાલી છૂટથી દોડતુ હરણ છે,
એના શબ્દો હરણીના સુંદર બચ્ચાં જેવા છે.
યૂસફ
22 “યૂસફ ફળદ્રુપ ડાળ છે,
ઝરા પાસેથી ફળવંત વેલ,
દ્રાક્ષ એક વેલ જેવી શાખા જે દીવાલ સાથે વધે છે.
23 તીરંદાજો તેની વિરુધ્ધ લડ્યાં,
તેઓએ તેમના તીરો વડે
ક્રૂરતાથી તેના પર આક્રમણ કર્યુ.
24 પણ તેમનાં ધનુષ્ય થંભી ગયાં, તેમના બાહુ ધ્રુજી ઊઠયા,
યાકૂબના સમર્થ દેવના પ્રતાપે આ બધું બન્યું.
25 તેને ઇસ્રાએલના ખડક, તમાંરા પૂર્વજોના દેવ, તરફથી શકિત મળી હતી.
અને તમે સર્વસમર્થ દેવથી આશીર્વાદિત થશો.
તે તમને ઉપર આકાશ અને ખૂબ નીચેથી આશીર્વાદ આપે.
એ તમને છાતી અને ગર્ભમાંથી આશીર્વાદો આપે.
26 તારા પિતાને મળેલા આશીર્વાદો, તારા પિતૃઓને મળેલા આશીર્વાદો કરતાં મોટા છે,
સદાકાળ ટકી રહેનારા પર્વતોની અત્યંત દૂરની સીમાં સુધી વધ્યા છે;
તારા ભાઈઓએ તારા માંટે કાંઇ મૂક્યું નથી
પરંતુ હવે હું પર્વત જેટલા ઉંચા આશીર્વાદોનો ઢગલો તારા પર કરીશ.
ઝખાર્યાનું દેવને સ્તુતિગાન
67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International