Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
2 જે સાધુશીલતા પાળે છે,
જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
3 તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
4 તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
5 તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
17 “વિદેશીઓ કે અનાથો ન્યાયથી વંચિત રહી ન જાય તેનું ધ્યાન રાખવું. વિધવાનાં વસ્રો તેના દેવા પેટે કદી ગીરવે લેવાં નહિ. 18 તમે મિસરમાં ગુલામ હતા અને તમાંરા યહોવા દેવે તમને મુકત કરાવ્યાં હતાં એ હંમેશા યાદ રાખવું. તેથી જ હું તમને આમ કરવાની આજ્ઞા જણાવું છું.
19 “જયારે પાકની કાપણી કરો ત્યારે એકાદ પૂળો ખેતરમાં રહી જાય, તો તે લેવા પાછા ખેતરે જવું નહિ; વિદેશીઓ, અનાથો તથા વિધવાઓ માંટે તેને ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી તમાંરા યહોવા દેવ તમને આશીર્વાદ આપશે અને તમાંરા કામમાં લાભ આપશે. 20 જયારે તમે ફળ લેવાં જૈતૂનના વૃક્ષને ઝૂડો ત્યારે કોઈ ડાળને બીજી વાર ઝૂડવી નહિ, કંઈ રહી ગયું હોય તો તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દેવું. 21 એ જ રીતે જયારે તમે દ્રાક્ષની વાડીમાંથી પાક ઉતારો ત્યારે દ્રાક્ષ બીજી વાર વીણો નહિ. જે કંઈ રહી જાય તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દો. 22 યાદ રાખો કે તમે મિસરમાં ગુલામ હતા, તેથી હું તમને આમ કરવાની આજ્ઞા કરું છું.
25 “જો કોઈ બે માંણસો વચ્ચે ઝઘડો હોય કે તકરાર હોય તો તેઓએ ન્યાય માંટે અદાલતમાં જવું જોઇએ. અને ન્યાયાધીશો કોણ નિર્દોષ છે અને કોણ ગુનેગાર છે તેનો ફેસલો કરશે. 2 ગુના અનુસાર જો ગુનેગાર ફટકા માંરવા યોગ્ય હોય તો એ નક્કી કરાશે કે તેને કેટલા ફટકા માંરવા. ગુનેગારે પોતાનું મોઢું નીચે તરફ રાખી સુવુ અને તેને ઉચીત માંત્રામાં ફટકા માંરવા. 3 ચાબુકના ચાળીસ ફટકાથી વધારે ફટકાની સજા કરી શકાય નહિ; જો ચાળીસથી વધારે ફટકા માંરવામાં આવે તો તે બતાવે છે કે તમે તેના જીવનનું મહત્વ જેટલું અાંકવું જોઇએ તેટલું આંકતા નથી.
4 “કોઈ પણ વ્યકિતએ બળદ ડૂંડાં ખૂંદતો હોય ત્યારે તેને મોરી પહેરાવવી નહિ.
વડીલોને સાથે રહેવા માટે કેટલાક નિયમો
17 મંડળીનો સારી રીતે અધિકાર ચલાવનાર વડીલોને માન પાત્ર ગણવા જોઈએ. ખાસ કરીને આ સાચું છે કે વડીલોને માન મળવું જોઈએ. જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે. 18 એવું શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે કે, “જ્યારે કામમાં જોતરેલો બળદ અનાજ છુટું પાડવાનું કામ કરતો હોય ત્યારે, એનું મોઢું બાંધીને તેને અનાજ ખાતો રોકવો નહી.”(A) અને વળી શાસ્ત્ર એ પણ કહે છે કે, “મજૂરને તેની મજૂરી આપવી જોઈએ.”(B)
19 મંડળીના વડીલ પર આક્ષેપ મૂકનાર વ્યક્તિની વાત સાંભળતો નહિ. એ વડીલે કંઈક ખોટું કર્યુ છે એવું કહેનાર બીજા બે-ત્રણ માણસો નીકળે તો જ પેલા માણસની વાત સાંભળવી. 20 પાપ કરનારાઓને કહેજે કે તેઓ ખોટા છે. આખી મંડળીની સમક્ષ આ કર. જેથી બીજા લોકોને પણ ચેતવણી મળી જશે.
21 દેવ તથા ઈસુ ખ્રિસ્ત અને ખાસ પસંદગી પામેલા દૂતોની સમક્ષ હું તને આ બધું કરવાની આજ્ઞા આપું છું. પરંતુ સત્ય હકીકતો જાણ્યા વિના તું લોકોનો ન્યાય તોળવા બેસી ના જતો. અને દરેક વ્યક્તિ સાથે એક સરખો વ્યવહાર રાખજે.
22 કોઈ પણ વ્યક્તિને મંડળીના વડીલ તરીકે નિયુક્ત કરવા તું તેના પર હાથ મૂકે તે પહેલા કાળજીપૂર્વક વિચાર કરજે. બીજા લોકોના પાપમાં ભાગીદાર થતો નહિ. તું તારી જાતને શુદ્ધ રાખજે.
23 તિમોથી, આજ સુધી તે ફક્ત પાણીજ પીધા કર્યુ છે. હવે પાણી પીવાનું બંધ કરીને થોડો દ્રાક્ષારસ પીજે. તેનાથી તારું પેટ સારું થશે, અને તું વારંવાર બિમાર નહિ થાય.
24 કેટલાએક લોકોનાં પાપ સહેલાઈથી જણાઈ આવે છે. તેઓનાં પાપ જણાવે છે કે તેઓને ન્યાય તોળોશે. પરંતુ બીજા કેટલાએક લોકોનાં પાપ પાછળથી ખબર પડે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International