Revised Common Lectionary (Semicontinuous)
યહોવાનો સેવક
42 યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે,
જેનો મેં હાથ જાલ્યો છે,
એ મારો પસંદ કરેલો છે,
જેના પર હું પ્રસન્ન છું,
એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે,
અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.
2 તે પોતાનો સાદ ઊંચો કરશે નહિ,
અને શેરીઓમાં ચોરેચૌટે ઝઘડા કરી
બૂમરાણ મચાવશે નહિ.
3 તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ
કે મંદ પડેલી વાટને હોલાવી નાખે નહિ,
તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે.
4 તે નબળો નહિ પડે કે હારશે નહિ,
જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ
અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”
યહોવા સૃષ્ટિનો શાસનકર્તા અને સર્જનહાર છે
5 જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.
6 “હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ,
હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ,
કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે.
લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.
7 તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે.
અને અંધકારમાં સબડતાં કેદીઓને
કારાગારમાંથી બહાર કાઢવાના છે.
8 “હું યહોવા છું,
એ જ મારું નામ છે,
હું મારો મહિમા બીજા જૂઠા
દેવોને નહિ લેવા દઉં,
તેમ મારી સ્તુતિ હું કંડારેલી
મૂર્તિઓને નહિ લેવા દઉં.
9 મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે
અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું.
તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલાં
હું તે તમને જણાવું છું.”
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
પિતરનું કર્નેલિયસના ઘરમાં ભાષણ
34 પિતરે બોલવાનું શરું કર્યુ, “હવે હું ખરેખર સમજું છું કે દેવ સમક્ષ પ્રત્યેક વ્યક્તિ એક સમાન છે. 35 અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી. 36 દેવે યહૂદિ લોકોને કહ્યું છે. દેવે તેમને સુવાર્તા મોકલી છે કે ઈસુ ખ્રિસ્ત દ્ધારા શાંતિ આવી છે. ઈસુ તે સર્વનો પ્રભુ છે!
37 “યહૂદિયામાં સર્વત્ર શું બન્યું છે તે તું જાણે છે. યોહાને લોકોને બાપ્તિસ્માના સંદર્ભમાં બોધ આપ્યો પછી તે ગાલીલમાં શરું થઈ. 38 તમે નાસરેથના ઈસુ વિષે જાણો છો. દેવે તેને પવિત્ર આત્મા અને સાર્મથ્યથી અભિષિક્ત કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોનું સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો.
39 “ઈસુએ યહૂદિયા અને યરૂશાલેમમાં જે બધું કર્યુ તે અમે જોયું. અમે સાક્ષી છીએ. વળી ઈસુની હત્યા થઈ હતી. તેઓએ તેને લાકડાના વધસ્તંભ પર લટકાવ્યો. 40 પરંતુ, તેના મૃત્યુ પછીના ત્રીજા દિવસે દેવે ઈસુને મૂએલામાંથી ઉઠાડ્યો. દેવે લોકોને સ્પષ્ટ રીતે ઈસુના દર્શન કરાવ્યા. 41 પરંતુ બધા જ લોકો ઈસુને જોઈ શક્યા નહિ. ફક્ત સાક્ષીઓ કે જેમને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓએ તેને જોયો. અમે તે સાક્ષીઓ છીએ. ઈસુ જ્યારે મૃત્યુમાંથી ઉઠ્યો પછી, અમે તેની સાથે ખાધું છે અને પીધું છે.
42 “ઈસુએ અમને લોકોને બોધ આપવાનું કહ્યું અને સાક્ષી આપો કે દેને એને જ જીવતાંનો તથા મૂએલાંનો ન્યાયાધીશ તરીકે પસંદ કરેલ છે. 43 પ્રત્યેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેને પાપની માફી મળશે. દેવ ઈસુના નામે તે લોકોના પાપ માફ કરશે. બધા જ પ્રબોધકો કહે, આ સાચું છે.”
ઈસુનું યોહાન દ્વારા બાપ્તિસ્મા
(માર્ક 1:9-11; લૂ. 3:21-22)
13 તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો. ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા[a] લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. 14 પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?”
15 ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો.
16 બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો. પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો. 17 અને આકાશવાણી થઈ, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International