Revised Common Lectionary (Semicontinuous)
6 તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી.
તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી.
તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
7 મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ
ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
8 હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું.
તમારો નિયમ મારા હૃદયમાં છે.”
9 એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે,
હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
10 મેં કયારેય તમારી નિષ્પક્ષતાને
મારા હૃદયમાં છુપાવી નથી.
મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા
અને તારણ વિષે જાહેરાત કરી છે.
11 હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો.
તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
12 કારણ, મારા માથે સમસ્યાઓનો
ઢગલો ખડકાયો છે;
મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે
હું દબાઇ ગયો છું મારા પાપો
મારા માથાના વાળથીયે વધારે છે.
મેં મારી હિંમત ગુમાવી છે.
13 હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો.
હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
14 હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે
તેઓ ફજેત થાઓ
અને પરાજય પામો જેઓ
મારું નુકશાન કરવા માગે છે
તેઓ શરમથી નાસી જાઓ.
15 જેઓ મારી મજાક કરે છે;
તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
16 યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો.
ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
17 હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો;
હે મારા દેવ,
તમે મારા સહાયક તથા મુકિતદાતા છો;
માટે હવે વિલંબ ન કરશો.
12 યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો,
મારા પસંદ કરેલા ઇસ્રાએલીઓ,
મને સાંભળો! હું જ દેવ છું.
હું જ આદી છું
અને હું જ અંત છું.
13 મેં મારે પોતાને હાથે આ પૃથ્વીનો પાયો નાખ્યો હતો,
અને આ આકાશને પાથર્યું હતું.
હું જ્યારે તેમને બોલાવું છું
ત્યારે તેઓ ઉભા થાય છે.
14 “તમે બધા એકઠા થાઓ અને સાંભળો,
તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું,
યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે.
બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે.
તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.
15 “મેં મારી જાતે જ આ આગાહી કરી હતી
અને કોરેશને હાંક મારીને બોલાવ્યો છે;
હું તેને અહીં લઇ આવ્યો છું અને તેને સફળ બનાવીશ.
16 મારી નજીક આવો, અને આ સાંભળો, શરુઆતથી જ
હું જાહેરમાં જે થવાનું છે તે સ્પષ્ટ શબ્દોમાં કહેતો આવ્યો છું
અને આ બધું બન્યું
તે બધો સમય હું હાજર હતો.”
અને હવે મારા માલિક યહોવાએ મને પોતાના આત્મા સાથે મોકલ્યો છે. 17 ઇસ્રાએલના પરમપવિત્ર દેવ યહોવા, તમારા તારક એમ કહે છે કે,
“હું યહોવા તારો દેવ છું,
હું તારા હિત માટે તને શીખવું છું,
તારે જે માર્ગે જવું જોઇએ તે માર્ગે હું તને લઇ જાઉં છું.
18 તેં જો મારી આજ્ઞાઓ કાને ધરી હોત તો કેવું સારું થાત!
તારી સુખસમૃદ્ધિ સદા
સરિતા સમી વહેતી હોત
અને વિજય પામીને
તું સાગરના તરંગો જેમ ઊછળતો રહ્યો હોત.
19 તારી સંતતિની સંખ્યા રેતી જેટલી
અને તારા વંશજો તેના કણ જેટલા થયા હોત
અને તેમનાં નામ મારી નજર
આગળથી ભૂંસાઇ ગયા ન હોત.”
20 છતાં હજી બાબિલમાંથી બહાર ચાલ્યા જાઓ.
ખાલદીઓ પાસેથી ભાગી જાઓ,
અને ત્યાંથી પાછા ફરતાં હર્ષનાદ સાથે પોકાર કરો,
ધોષણા કરો, અને પૃથ્વીના છેડા સુધી
એના સમાચાર મોકલો કે,
“યહોવાએ પોતાના સેવક યાકૂબના વંશજોનો ઉદ્ધાર કર્યો છે.”
21 તેમણે તેઓને અરણ્યમાંથી દોર્યા ત્યારે તેઓને તરસ વેઠવી પડી નહોતી.
કારણ કે તેણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું હતું;
તેણે ખડકને તોડી નાખ્યો
અને પાણી ખળખળ કરતું વહેવા લાગ્યું.
ઈસુ બીજા યહૂદિધર્મ-નેતાઓથી જુદા છે
(માર્ક 2:18-22; લૂ. 5:33-39)
14 પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવ્યા. તેઓએ ઈસુને પૂછયું કે, “અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ તો તારા શિષ્યો શા માટે ઉપવાસ કરતા નથી?”
15 ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય? અલબત્ત નહિ જ, પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે.
16 “જો કોઈ જૂનાં કપડાં પર કોરા કપડાંનું થીંગડું મારે તો એ થીંગડાંથી કપડાંમાં કાણું વધારે મોટુ બનશે. 17 લોકો તાજો દ્રાક્ષારસ ભરવા માટે જૂની મશકોનો ઉપયોગ નથી કરતાં તેમ કરવાથી જૂની મશકો ફાટી જશે, ત્યાર પછી દ્રાક્ષારસ વહીજશે અને બંને દ્રાક્ષારસ અને દ્રાક્ષારસની મશકો નાશ પામશે. તેથી લોકો હંમેશા નવો દ્રાક્ષારસ ભરવા માટે નવી જ મશકોનો ઉપયોગ કરે છે. આમ કરવાથી દ્રાક્ષારસ અને મશકો બંને સારી રીતે સાચવી શકાય છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International