Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
હઝકિયેલ 5-8

હઝકિયેલે કરાવેલું મુંડન ‘જાહેર નમૂના’

“હે મનુષ્યના પુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તરવાર લઇ તારુ માથું અને દાઢી મૂંડી નાખ. પછી ત્રાજવા લઇને તેં ઉતારેલા વાળના ત્રણ સરખા ભાગ કર. તેં દોરેલા યરૂશાલેમના નકશાના મધ્યભાગમાં ત્રીજા ભાગના વાળ મૂક, ઘેરો પૂરો થયા પછી તેને ત્યાં બાળી નાખ. બીજા એક તૃતીયાંશ ભાગને તારા નકશા પરના યરૂશાલેમ નગરની આસપાસ તરવારથી કાપી નાખ, વાળના છેલ્લા ત્રીજા ભાગને પવનમાં ઉડાવી દે. કારણ કે હું મારા લોકોનો તરવારથી પીછો પકડીશ. એ વાળમાંથી થોડા લઇને તારા ઝભ્ભાની ચાળમાં વીંટી દેજે. તેમાંથી થોડા વાળ લઇને દેવતામાં નાખી બાળી મૂકજે. એમાંથી અગ્નિ પ્રગટી સમગ્ર ઇસ્રાએલી પ્રજામાં વ્યાપી જશે.”

યહોવા મારા માલિક કહે છે: “યરૂશાલેમને જુઓ, તેને મેં પૃથ્વીની મધ્યમાં ગોઠવી છે અને બીજા દેશો એની આજુબાજુ આવેલા છે. પરંતુ એ તેની આજુબાજુની પ્રજાઓ કરતાં પણ વધારે દુષ્ટ નીકળી અને તેણે મારા કાયદાઓ અને નિયમો સામે તેમનાં કરતાં વધુ બળવો કર્યો છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને મારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.”

આથી યહોવા મારા માલિક કહે છે, “તમારી બાજુના પડોશીઓ કરતાં તમે વધારે દુષ્ટ છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી; મારા નિયમોનું પાલન કર્યું નથી; તમે તમારી આજુબાજુની બીજી પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું.” તેથી, યહોવા મારા માલિક, કહે છે કે, “હું પોતે તમારી વિરુદ્ધ છું: હું બધાની હાજરીમાં તમારી પર ન્યાયશાસનનો અમલ કરીશ. તમારા બધા ધૃણાજનક આચારોને કારણે હું તમને એવી સજા કરીશ જેવી મેં કદી કરી નથી, ને ભવિષ્યમાં કદી કરવાનો નથી. 10 પરિણામે તમારા લોકોમાં પિતા પોતાના પુત્રને ખાશે, ને પુત્ર પોતાના પિતાને ખાશે; હું તમને સજા કરીશ અને તમારા જે વતનીઓ બચવા પામ્યા હશે તેમને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.”

11 યહોવા મારા માલિક કહે છે કે, “હું મારા સમ ખાઇને કહું છું કે, તે તારી તિરસ્કૃત વસ્તુઓથી (મૂર્તિઓથી) અને ધૃણાજનક વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે તેથી હું પણ તમને વેતરી નાખીશ. હું તમારા પર કરૂણા નહિ રાખું કે દયા બતાવીશ નહિ. 12 તમારી વસ્તીનો ત્રીજો ભાગ રોગચાળાથી અને ભૂખમરાથી માર્યો જશે અને ત્રીજો ભાગ શહેરની ફરતે યુદ્ધમાં તરવારથી કપાઇ જશે અને ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને ઉઘાડી તરવારથી તેમનો પીછો કરીશ. 13 એ રીતે મારો ક્રોધ શમી જશે. હું તેમના પર મારો રોષ વરસાવીશ, ત્યારે જ મને શાંતિ વળશે. મારો ક્રોધ હું તેમના પર પૂરેપૂરો ઉતારીશ ત્યારે એમને ખબર પડશે કે, હું યહોવા પુણ્યપ્રકોપથી આ બોલ્યો હતો.”

14 દેવ કહે છે, “હું તમને ખંડિયેરનો ઢગલો બનાવી દઇશ અને આસપાસની પ્રજાઓ અને જતાઆવતા લોકો તમારી હાંસી ઉડાવશે. 15 હું જ્યારે તને રોષે ભરાઇને સજા કરીશ ત્યારે આજુબાજુની પ્રજાઓ ભયથી થરથર કાંપશે અને તું એમને માટે હાંસીપાત્ર બની જઇશ અને તેમના માટે ચેતવણી રૂપ તથા અચંબારૂપ થઇ જઇશ; હું યહોવા આમ બોલ્યો છું. 16 હું મારા દુકાળરૂપી જીવલેણ બાણો છોડીશ; તે તમારો જીવ લઇ લેશે, હું મારા જીવલેણ બાણો છોડ્યા કરીશ અને તમારા અનાજના ભંડારો ખાલી કરીને તમારી વચ્ચે ભૂખમરો વધારીશ. 17 હું તમારી સામે દુકાળને અને જંગલી પશુઓને મોકલીશ, તેથી તમારા પર મોત અને ખૂનરેજી ફરી વળશે; તમે મારી તરવારનો ભોગ બનશો, આ હું યહોવા બોલ્યો છું.”

મૂર્તિપૂજા વિરુદ્ધ યહોવાનો પ્રબોધ

યહોવાની વાણી મને ફરીથી સંભળાઇ: “તેણે કહ્યું હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને તેમને મારા વચનો સંભળાવ: ‘હે ઇસ્રાએલના પર્વતો, યહોવા મારા માલિકનો સંદેશો સાંભળો, યહોવા મારા માલિક પર્વતોને અને ડુંગરોને અને ખીણોને કહે છે; હું યહોવા તમારા પર યુદ્ધ લાવીશ અને તમારા ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ. તમારી વેદીઓ તોડી પાડવામાં આવશે અને તમારી ધૂપવેદીઓ ભાંગી નાખવામાં આવશે. અને હું તમારા મૃતદેહોને તમારી અપવિત્ર મૂર્તિઓ આગળ નીચે પાડી દઇશ. હું ઇસ્રાએલનાં લોકોના મૃતદેહો તેમની અશુદ્ધ મૂર્તિઓ સમક્ષ નાખીશ અને તેમના હાડકાંને તેમની વેદીઓની આસપાસ વિખેરી નાખીશ. ઇસ્રાએલના સર્વ નગરોને ખંડિયેર બનાવી દેવામાં આવશે અને તમારા મૂર્તિપૂજાના થાનકોને ભોંયભેંગા કરવામાં આવશે; તમામ વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે અને ધુપદાનીઓને તોડી નાખવામાં આવશે; તમારી એકેએક વસ્તુનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે. તમારી ચારેબાજુ હત્યા થશે, ત્યારે જેઓ બચી જશે તેઓ જાણશે કે હું યહોવા છું.’”

દેવે કહ્યું, “પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઇશ, તેઓ હત્યામાંથી બચી જશે. અને પછી તેઓ વિદેશી પ્રજાઓમાં વેરવિખેર થઇ દેશવટો ભોગવશે. ત્યાં તેઓ મને યાદ કરશે અને તેમને સમજાશે કે તેમના હૃદયો દગાબાજ નીવડી મૂર્તિઓ ઉપર મોહી પડ્યા હતાં તેથી તેમને શરમાવવા માટે મેં તેમને સજા કરી હતી. આમ, પોતે કરેલાં ધૃણાજનક કૃત્યો બદલ તેમને પોતાના પર તિરસ્કાર થશે. 10 અને તે રીતે તેઓને ખાતરી થશે કે હું એકલો જ યહોવા છું; અને હું તેઓને કહેતો હતો કે આ સર્વ વિપત્તિઓ તમારા પર લાવીશ. તે મેં અમસ્તુ કહ્યું ન હતું.”

11 યહોવા મારા માલિકે કહ્યું, “ઇસ્રાએલના લોકોએ તિરસ્કૃત દુષ્કૃત્યો કર્યા છે માટે હાથ અફાળીને, પગ પછાડીને ઘૃણાથી બડબડાટ કરો, એ લોકો યુદ્ધથી, ભૂખમરાથી અને રોગચાળાથી મૃત્યુ પામશે. 12 જેઓ બંદીવાસમાં છે તેઓ માર્યા જશે, જેઓ ઇસ્રાએલ દેશમાં છે તેઓ યુદ્ધમાં માર્યા જશે અને બાકીના જેઓ ઘેરાબંધીની અંદર છે તેઓ દુકાળમાં માર્યા જશે. અને તેથી આમ હું તેમના પર મારો ગુસ્સો ઉતારીશ. 13 મૂર્તિઓની ફરતે વેદીઓની આસપાસ એકેએક પર્વતની ટોચ પર, એકેએક ઘટાદાર ઝાડ નીચે, એકેએક વૃક્ષ નીચે, ટૂંકમાં જ્યાં જ્યાં તેઓ મૂર્તિને બલિ ચઢાવે છે ત્યાં ત્યાં તેમના કપાઇને પડેલા મડદાં રઝળશે. 14 ત્યારે હું તેમને શિક્ષા કરીશ અને તેમના સમગ્ર પ્રદેશને વેરાન વગડો બનાવી દઇશ. રણમાં આવેલા રિબ્બાથી માંડીને દરેક પ્રદેશ જ્યાં તેઓ રહ્યાં હતાં તેનો વિનાશ થશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”

ઇસ્રાએલ પર દેવનો રોષ

યહોવાએ મને એક વધુ સંદેશો આપ્યો; “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલને કહે કે,

“તમારા દેશમાં જ્યાં જશો ત્યાં પૂર્વ-પશ્ચિમ,
    ઉત્તર-દક્ષિણ ચારે ખૂણાઓનો
    અંત આવ્યો છે.
આખો દેશ પુરો થવા બેઠો છે, હવે તારો અંત આવી પહોંચ્યો છે.
    મારો રોષ તારા પર ઊતરનાર છે.
હું તારાં દુષ્કર્મોનો હિસાબ માગીશ
    અને તારાં ધૃણાજનક કર્મોની ઘટતી સજા કરીશ.
હું તારા પર કોઇ દયા બતાવીશ નહિ કે અનુકંપા રાખીશ નહિ.
    તારા દુષ્કર્મોની હું તને સજા કરનાર છું.
હું તારા બધાં ધૃણાજનક કૃત્યો માટે હું તારો ન્યાય કરીશ,
    જેથી તને ખબર પડે કે હું યહોવા છું.”

યહોવા મારા માલિકના આ વચન છે: “એક પછી એક આફત આવી રહી છે. અંત આવી રહ્યો છે. તમારો અંત આવી રહ્યો છે, અત્યારે જ આવી રહ્યો છે. ઇસ્રાએલના રહેવાસીઓ માટે ભયસૂચક ધ્વની કરવામાં આવી છે, તમારો સજા માટેનો સમય આવી પહોંચ્યો છે. વિપત્તિનો દિવસ નજીક આવી રહ્યો છે. આ દિવસ આનંદના ઉત્સવોનો નહિ પણ ખેદ કરવાનો દિવસ હશે! હમણાં જ હું મારો રોષ તમારા ઉપર ઉતારું છું, મારો કોપ ઠાલવું છું. હું તમારા દુષ્કર્મોનો હિસાબ માગનાર છું અને તમારા ધૃણાજનક કૃત્યોની ઘટતી સજા કરનાર છું. હું તમારી દયા રાખનાર નથી કે તમારી કરૂણા કરનાર નથી, હું તમને તમારા દુષ્કૃત્યો માટે સજા કરીશ. તમારા ધૃણાજનક કૃત્યો માટે થઇને હું તમારો ન્યાય કરીશ, જેથી તમને ખબર પડે કે હું યહોવા સજા કરું છું.

10 “ઇસ્રાએલ માટે વિનાશનો દિવસ આવે છે, ભયની ઘંટડી વાગી ચૂકી છે, ન્યાયનો દંડ મ્હોરી ચૂક્યો છે અને ઉદ્ધતાઇ સમૃદ્ધ થઇ છે. 11 હિંસા ક્યારનીયે વધી ગઇ છે અને તેણે દુષ્ટતાનો ટેકો લઇ લીધો છે. એ તેમનામાંથી કે તેમના સંગ્રાહકોમાંથી કે તેમના વિષ્વાસઘાતીઓમાંથી કે તેમના બળવાખોરોમાંથી નથી આવતી.

12 “સમય આવી રહ્યો છે, દિવસ ઉગવાની તૈયારીમાં છે. ખરીદનારે હરખાઇ જવાનું નથી, કે વેચનારે પસ્તાવાનું નથી, કારણ, મારો રોષ બધા પર એકસરખો ઊતરનાર છે. 13 રણશિંગાના વર્ષમાં જ્યારે પાછા આવવાનો સમય થશે ત્યારે પોતે જીવતો હશે તોપણ વેચનાર પોતાના સ્થળે પાછો નહિ આવે. કારણ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરવાના નથી.[a] કોઇ માનવીનું જીવન તેણે કરેલા અનિષ્ટોને કારણે બચશે નહિ.

14 “ઇસ્રાએલના સૈન્યને એકત્ર કરવા એ લોકો રણશિંગડું વગાડે છે. લડાઇ માટે બધી તૈયારીઓ કરે છે પણ કોઇ યુદ્ધમાં જતું નથી, કારણ મારો રોષ સૌ ઉપર એકસરખો ઊતરનાર છે. 15 કિલ્લાની બહાર તરવાર છે અને અંદર રોગચાળો અને ભૂખમરો છે. જેઓ લડાઇનાં મેદાનમાં છે તેઓ તરવારનો ભોગ બનશે. અને જેઓ નગરમાં છે તેમને રોગચાળો અને ભૂખમરો ગળી જશે.

16 “અને જો કે તેમનામાંથી અમૂક લોકો ભાગી જઇને પર્વતો તરફ દોડી જશે, તેઓ ખીણમાંના પારેવાં જેવા હશે જે દરેક પોતાના પાપને કારણે નિસાસો નાખી રહ્યાં છે. 17 દરેકના હાથ અશકત થઇ જશે અને પગ પાણીની જેમ ઢીંલા થઇ જશે. 18 તેઓ શોકના વસ્ત્રો ધારણ કરશે અને માથાથી તે પગ સુધી ધ્રૂજ્યા કરશે. બધાના ચહેરા પર શરમ અને માથે મૂંડન હશે. 19 તમારા નાણાં, તમારું સોનું અને ચાંદી વિષ્ટાની જેમ રસ્તા ઉપર ફેંકી દો. કારણ યહોવાના કોપને દિવસે તે તમારો બચાવ કરશે નહિ, તે તમારી ભૂખ સંતોષસે નહિ, કે તેનાથી કોઇનું પેટ ભરાશે નહિ.

20 “અને તેઓ તેના કરારના શહેરમાં આનંદ પામશે, પણ તેઓએ તેમાં અણગમતી મૂર્તિઓ બનાવી છે, તેથી મે તેને તેમનાં માટે અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે. 21 હું એ પરદેશી લૂંટારાના હાથમાં દુનિયાના ઉતાર જેવા માણસોના હાથમાં લૂંટ તરીકે સોંપી દેવા ઇચ્છું છું. તેઓ એને ષ્ટ કરશે. 22 તેઓ મારા મંદિરને ષ્ટ કરશે ત્યારે હું તે તરફથી મારું મુખ અવળું ફેરવી લઇશ અને તેઓને અટકાવીશ નહિ, લૂંટારુઓ એમાં પ્રવેશ કરશે અને તેને ષ્ટ કરશે.

23 “મારા લોકોને માટે સાંકળો તૈયાર કરો. કારણ કે સમગ્ર દેશ લોહીથી ખરડાયેલો છે. ગામેગામ હિંસા ફાટી નીકળી છે. 24 હું દુષ્ટમાં દુષ્ટ પ્રજાઓને અહીં લઇ આવીશ અને તેમને આ લોકોનાં ઘર પડાવી લેવા દઇશ. હું બળવાનોનો ઘમંડ ઉતારીશ અને તેમનાં મંદિરો ષ્ટ કરાવીશ.

25 “જ્યારે ભયનો સમય નજીક આવે ત્યારે, તેઓ નિરાશ થઇ જશે અને લોકો શાંતિ ઝંખશે પણ કદી શાંતિ પામશે નહિ. 26 આફત એક પછી એક આવી પડશે, એક પછી એક અફવા ફેલાશે, તેઓ પ્રબોધકોને ભાવી જાણવા ફોગટ પૂછ-પૂછ કરશે. યાજકો પણ કશું માર્ગદર્શન નહિ આપી શકે, તેમ વડીલો કશી સલાહ નહિ આપી શકે. 27 રાજાઓ શોક કરશે, અમલદારો પાયમાલીથી ઘેરાઇ જશે, ને લોકો ભયથી કાંપી ઊઠશે. તમારા આચરણ પ્રમાણે હું તમને સજા કરીશ; તથા તેઓના કાર્યો મુજબ હું તેમને ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

યહૂદાના લોકોની પાપલીલા

છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે યહૂદાના આગેવાનો સાથે હું મારે ઘેર બેઠો હતો એવામાં અચાનક મારા માલિક યહોવાની શકિતનો મારામાં સંચાર થયો. મેં જોયું તો માણસ જેવું કઇંક દેખાયું; તેની કમરની નીચેનો ભાગ અગ્નિ જેવો હતો અને કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો ઉજ્જવળ હતો. તેણે હાથ જેવું લંબાવીને મારા વાળ પકડ્યા પછી દેવના આત્માએ મને આકાશ અને પૃથ્વીની વચ્ચે ઉપાડી લીધો અને દેવના સંદર્શનમાં તે મને યરૂશાલેમના મંદિરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લઇ ગયો, જ્યાં તિરસ્કૃત મૂર્તિ હતી, જે જોઇને યહોવા રોષે ભરાય છે. અને જે પ્રમાણે મેં ખીણમાં સંદર્શન જોયું હતું બરાબર તે જ પ્રમાણે ઇસ્રાએલના દેવનો મહિમા ત્યાં હતો.

યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઉત્તર તરફ જો.” મેં જોયું તો વેદીના દરવાજાની ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ દેવના અપમાનરૂપ એક મૂર્તિ હતી.

પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એ લોકો શું કરે છે તે તમે જોયું? અહીં ઇસ્રાએલીઓ જે અધમ કૃત્યો કરે છે તેને લીધે હું મારા મંદિરમાંથી દૂરને દૂર થતો જાઉં છું. પણ તમે આનાથી પણ વધુ અધમ કૃત્યો જોવા પામશો.”

આમ કહીને પછી તે મને મંદિરના ચોકના બારણા આગળ લાવ્યા. ત્યાં મેં ભીતમાં એક કાણું જોયું. તેમણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, અહીં ભીંતમાં ખોદ, મેં ખોધ્યુ તો બારણું નીકળ્યું.”

તેમણે મને કહ્યું, “અંદર જા, અને અહીં એ લોકો જે અધમ કૃત્યો કરે છે તે જો.” 10 તેથી મેં અંદર જઇને જોયું તો ચારે બાજુની ભીંતો ઉપર પેટે ચાલનારા પ્રાણીઓની નિષિદ્ધ પશુઓની અને ઇસ્રાએલીઓની બીજી બધી મૂર્તિઓ કોતરેલી હતી.

11 શાફાનનો પુત્ર યાઅઝાન્યા તથા ઇસ્રાએલના 70 વડીલો ત્યાં ઊભા હતા. દેરકની પાસે ધૂપદાનીઓ હતી, તેથી તેઓનાં માથા પર ધૂપના ગોટેગોટા ઉડતા હતા. 12 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તેં જોયું કે ઇસ્રાએલીઓના આગેવાનો અહીં અંઘારામાં પોતપોતાની મૂર્તિના ગોખલા આગળ શું કરે છે? એ લોકો એમ માને છે કે, ‘યહોવા અમને જોતા નથી, તે તો દેશને છોડીને ચાલ્યા ગયા છે.’” 13 પછી યહોવાએ મને કહ્યું, “તું આના કરતા વધુ અધમ કૃત્યો કરતાં એમને જોશે.”

14 ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તરના દરવાજે લઇ આવ્યા અને ત્યાં મેં સ્ત્રીઓને ખોટા દેવ તામ્મૂઝના મૃત્યુ માટે દુ:ખી થતા જોઇ.

15 તેમણે મને પૂછયું, “હે મનુષ્યના પુત્ર, આ જોયું? આથી પણ વધારે અધમ કૃત્યો તું જોવા પામીશ.” 16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લઇ આવ્યા. તો ત્યાં મંદિરના પ્રવેશદ્વાર આગળ, મંદિર અને વેદીની વચ્ચે આશરે પચીસ માણસો પવિત્રસ્થાન તરફ પીઠ કરીને અને પૂર્વાભિમુખ થઇને ઊગતા સૂરજની પૂજા કરવા માટે નીચે નમતા હતા.

17 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, શું તેં આ જોયું? યહૂદાના લોકો આવા ભયંકર પાપ કરે છે તો શું તેઓ એવું વિચારી રહ્યા છે કે તેઓ જે કરી રહ્યાં છે તે ક્ષુલ્લક વસ્તુ છે? તેઓએ સમગ્ર દેશને અપવિત્ર મૂર્તિપૂજા તરફ વાળ્યો છે. તેઓએ સર્વત્ર હિંસા ફેલાવી છે. તેઓ નાકે ડાળી રાખીને મારું અપમાન કરે છે અને મને વધુને વધુ કોપાયમાન કરે છે. 18 તેથી હું તેઓ પર મારો રોષ જરૂર ઉતારીશ. હું તેમના ઉપર દયા કરીશ નહિ કે હું તેમના પર સહાનુભૂતિ બતાવીશ નહિ, તેઓ દયા માટે મોટા સાદે પોકાર કરશે છતાં હું તેમને સાંભળીશ નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International