Chronological
41 અલીશામાનો પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રાજવી કુટુંબનો સભ્ય અને રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહ ખાતે અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા આવ્યો. ગદાલ્યાએ તેઓને ભોજન માટે આમંત્રણ આપ્યું. 2 જ્યારે તેઓ ભોજન લઇ રહ્યા હતાં ત્યારે ઇશ્માએલ તથા તેની સાથેના દશ માણસો એકદમ ઊઠયા અને પોતાની તરવાર ખેંચીને ગદાલ્યાને મારી નાખ્યો. 3 ઇશ્માએલે ત્યાં મિસ્પાહમાં ગદાલ્યા સાથે હાજર રહેલા યહૂદિયાના બધાં માણસોને અને ખાલ્દીઓના યોદ્ધાઓને પણ મારી નાખ્યા.
4 બીજા દિવસે, આ વાતની કોઇને ખબર પડે તે પહેલાં, 5 શખેમ, શીલોહ તથા સમરૂનમાંથી એંસી માણસો યહોવાની ભકિત કરવા માટે મંદિરમાં આવ્યા. તેઓએ પોતાની દાઢી મૂંડાવેલી હતી તથા પોતાનાં કપડા ફાડ્યાં હતાં, અને પોતાના શરીરો પર ઘા કર્યા હતા. તેઓ અર્પણો તથા ધૂપ લઇને આવ્યા હતા. 6 નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!” 7 તેઓ બધા શહેરની મધ્યમાં પહોંચ્યા પછી ઇશ્માએલ તથા તેના માણસોએ દશ માણસો સિવાય સર્વને મારી નાખ્યા અને તેઓના મૃતદેહોને ટાંકામાં ફેંકી દીધા. 8 પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખશો. અમારી પાસે ઘઉં, જવ, તેલ અને મધ ખેતરોમાં સંતાડેલા છે.” આથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેમના સાથીઓ ભેગા મારી ન નાખ્યા. 9 ઇશ્માએલે મૃતદેહોને જે ટાંકામાં નાખી દીધા તે ઘણું મોટું હતું. આસા રાજાએ ઇસ્રાએલના રાજા બાઅશાથી રક્ષણ મેળવવા મિસ્પાહના નગરને કિલ્લેબંધ કર્યું ત્યારે તે બંધાવ્યું હતું.
10 ત્યારબાદ ઇશ્માએલ રાજકુમારીઓને તથા બાકી રહેલા લોકોને બંધકો તરીકે લઇ ગયો. જેઓને રક્ષક ટૂકડીના સરદાર નબૂઝારઅદાને અહીકામના પુત્ર ગદાલ્યાના તાબામાં સોપ્યાં હતાં. એ સર્વને લઇને તે આમ્મોન તરફ આગળ વધ્યો.
11 પરંતુ નથાન્યાનો પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડા કાર્યો કર્યા હતાં, તે વિષે કારેઆહના પુત્ર યોહાનાન અને સૈન્યના સર્વ અધિકારીઓ, જે તેની સાથે હતા તેઓએ સાંભળ્યું. 12 તેઓ પોતાના સર્વ માણસોને લઇને ઇશ્માએલની પાછળ તેની સાથે યુદ્ધ કરવા માટે ગયા. તેઓએ ગિબયોન પાસેના મોટા જળસમૂહ પાસે તેને પકડી પાડ્યો. 13 ઇશ્માએલે જેમને મિસ્પાહ ખાતે કેદ પકડ્યા હતા તે બધા માણસો યોહાનાન અને તેની સાથેના સૈનાનાયકોને જોઇને પ્રસન્ન થયા. 14 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઇ ગયો હતો તેઓ પાછા ફરીને યોહાનાનની સાથે ગયા. 15 પરંતુ ઇસ્માએલ આઠ માણસો સાથે છટકી ગયો અને આમ્મોનના પ્રદેશમાં ભાગી ગયો.
16 ગદાલ્યાને મારી નાખ્યાં પછી ઇશ્માએલ જે પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને અધિકારીઓને, ગિબયોનથી લઇ આવ્યો હતો તે સર્વ બાકી રહેલા લોકોને પછી યોહાનાન અને તેના સૈન્યના અધિકારીઓ પોતાની સાથે લઇ ગયા.
મિસરમાં બચી નીકળવું
17 તેઓ ત્યાંથી બાબિલવાસીઓથી બચવા મિસર જવા નીકળ્યાં અને માર્ગમાં તેમણે બેથલેહેમ પાસે કિમ્હામ આગળ મુકામ કર્યો. 18 તેઓને ડર લાગતો હતો કે હવે તે સમાચાર બાબિલ પહોંચશે ત્યારે તેઓ શું કરશે. કારણ કે બાબિલના રાજાએ ગદાલ્યાને પસંદ કરીને નીમ્યો હતો અને ઇશ્માએલે ગદાલ્યાને મારી નાખ્યો.
42 પછી કારેઆહનો પુત્ર યોહાનાન અને હોશાયાનો પુત્ર યઝાન્યા પણ બધા સૈનાનાયકો; નાના મોટા બધા લોકો સાથે પ્રબોધક યર્મિયા પાસે ગયા અને કહેવા લાગ્યા. 2 “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારા તરફથી અને બાકી રહેલા આ લોકો તરફથી તમારા દેવ યહોવાને પ્રાર્થના કરો. 3 તમે જુઓ છો કે અમે કેટલા બધા હતા અને કેટલા ઓછા થઇ ગયા છીએ. તમે એવી પ્રાર્થના કરો જેથી અમારા દેવ યહોવા અમારે ક્યાં જવું અને શું કરવું તે કહે.”
4 પ્રબોધક યર્મિયાએ કહ્યું, “ઠીક, મેં તમારી અરજ સાંભળી છે. હું તમારી ઇચ્છા મુજબ તમારા દેવ યહોવાને પ્રાર્થના કરીશ અને તે જે જવાબ આપશે તે તમને જણાવીશ. કશું છુપાવીશ નહિ.”
5 ત્યારે તેમણે યર્મિયાને કહ્યું, “જો તમારી મારફતે યહોવાએ આપેલી બધી સૂચનાઓનું અમે પાલન ન કરીએ તો ભલે યહોવા અમારી વિરુદ્ધ મજબૂત અને વિશ્વાસુ સાક્ષી બની રહે. 6 અમને પસંદ પડે, ન પડે પણ અમે અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું, જેની પ્રાર્થના કરવા અમે તમને મોકલીએ છીએ. અમે જો અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું તો સૌ સારા વાનાં થશે.”
7 દશ દિવસ વીતી ગયા પછી યર્મિયાને યહોવાએ પોતાનો જવાબ આપ્યો. 8 તે સાંભળી તેણે યહોવાને તથા તેની સાથેના બધા સૈનાનાયકોને તેમજ નાનામોટા બધા લોકોને તેડાવી મંગાવ્યા. 9 અને કહ્યું, “તમે મને ઇસ્રાએલના દેવ યહોવા પાસે તમારી અરજ રજૂ કરવા મોકલ્યો હતો. તે કહે છે; 10 ‘જો તમે ફરી આ દેશમાં જ નિવાસ કરશો તો હું તમને આશીર્વાદ આપીશ, તોડી પાડીશ નહિ, તમારા મૂળીયાં રોપીશ, ઉખેડી નાખીશ નહિ, કારણ તમારા પર મેં આફત ઉતારી તેનો મને પસ્તાવો થાય છે. 11 બાબિલના રાજાથી હવે તમે જરાય ડરશો નહિ, કારણ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું. 12 હું તમારા પર દયા લાવીને તેના હૃદયમાં તમારે માટે દયા જગાડીશ, અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.’ આ યહોવાના વચન છે. 13 ‘પરંતુ જો તમે યહૂદિયામાં બાકી રહેલા લોકો, એમ કહેવાનુ ચાલુ રાખશો, કે ના, અમે આ શહેરમાં નહિ રહીએ, તો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરશો.’ 14 અને એમ કહેશો કે, ‘અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારે તો મિસર જવું છે, જ્યાં અમારે યુદ્ધ જોવું ન પડે કે રણશિંગડાનો નાદ સાંભળવો ન પડે, તેમ ખાવા માટે અનાજની પણ ખોટ ન પડે. અમારે તો ત્યાં રહેવું છે.’ 15 તો યહોવાના વચન ધ્યાનથી સાંભળો. ઇસ્રાએલના દેવ સર્વસમર્થર્ યહોવાના આ વચન છે, ‘જો મિસર જવાનો અને ત્યાં ભાગી જવાનો તમારો નિર્ણય હોય; 16 તો તમે જે યુદ્ધથી ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે, અને ત્યાં તમે મરી જશો. 17 તમારામાંથી જે લોકો મિસરમાં જઇને ત્યાં વસવાનો આગ્રહ રાખે છે તે પ્રત્યેક માટે આ વિપત્તિઓ રાહ જોઇ રહી છે. હા, તમે તરવાર, દુકાળ અને મરકીથી મૃત્યુ પામશો. ત્યાં હું તમારા પર જે સર્વ વિપત્તિઓ લાવીશ તેમાંથી કોઇ પણ બચવા પામશે નહિ.’
18 “કારણ કે આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: ‘જેમ મારો ક્રોધ અને રોષ યરૂશાલેમના વતનીઓ પર વરસ્યો હતો તેમ તે તમારા પર વરસશે જો તમે મિસર જશો તો. તમને જોઇને તે લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે; લોકો તમારી હાંસી ઉડાવશે અને તમારું નામ શાપરૂપ બની જશે. તમે ફરી કદી આ જગ્યા જોવા નહિ પામો.’”
19 યર્મિયાએ વધુમાં કહ્યું, “યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમને યહોવા કહે છે, ‘તમે મિસર જશો નહિ.’ આ બરાબર સમજી લેજો. મેં આજે તમને ચેતવણી આપી દીધી છે. 20 જો તમે જશો તો તમારો જીવ ગુમાવશો, કારણ કે તમે તમારી જાતે જ મને તમારા માટે વિનંતિ કરવા મોકલ્યો હતો અને મને કહ્યું હતું, ‘તમારા યહોવા દેવ તને જે કહે તે તું અમને કહેજે અને અમે તેને આધીન થઇશું.’ 21 યહોવાએ મને જે કહ્યું તે સર્વ મેં આજે તમને જણાવ્યું છે. પરંતુ અગાઉ ઘણી વખત કર્યું હતું તેમ હમણાં પણ તમે આધીન થવાના નથી, 22 અને તેથી તમે ખચીત સમજી લોે કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તે મિસરમાં તમે યુદ્ધથી, દુકાળથી અને રોગચાળાથી મૃત્યુ પામશો.”
43 અને પછી જેવો યર્મિયાએ યહોવા તેમના દેવ તરફથી આવેલો સંદેશો લોકોને કહેવાનું પુરું કર્યુ.
2 હોશાયાના પુત્ર અઝાર્યાએ અને કારેઆહના પુત્ર યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યર્મિયાને કહ્યું, “‘તું જૂઠું બોલે છે! અમે મિસરમાં જઇએ તેવું અમારા દેવ યહોવાએ તને કહ્યું નથી!’ 3 નેરિયાના પુત્ર બારૂખે અમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે અને આ પ્રમાણે અમને કહેવા તને જણાવ્યું છે, જેથી અમે અહીં વસવાટ કરીએ અને બાબિલનું સૈન્ય આવે ત્યારે તે અમને મારી નાખે અથવા ગુલામો તરીકે અમને બાબિલ લઇ જાય.”
4 તેથી યોહાનાને, સૈનાનાયકોએ અને સર્વ લોકોએ યહોવાનું કહ્યું કરવાની અને યહૂદિયામાં રહેવાની ના પાડી. 5 આથી યોહાનાન અને સૈનાનાયકોએ યહૂદિયાના બાકી રહેલા લોકોને, 6 એ બધી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અને રાજકુમારીઓ જેને રક્ષકોના નાયક નબૂઝારઅદાને ગદાલ્યાને સોંપ્યાં હતાં, અને પ્રબોધક યર્મિયા, નેરિયાના પુત્ર બારૂખને પણ. 7 તેઓ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરીને મિસર ગયા અને ત્યાં તાહપાન્હેસ પહોંચ્યા.
8 તાહપાન્હેસમાં યહોવાએ ફરીથી યર્મિયા સાથે વાત કરી, અને કહ્યું: 9 “તું મોટા પથ્થરો લે, પછી યહૂદિયાના માણસોને ભેગા કર અને તેઓના દેખતા અહીં તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળના ફરસબંધીવાળા માર્ગમાં એ મોટા પથ્થરને દાટી દે. 10 પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, ‘સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હું ચોક્કસ અહીં મિસરમાં લાવીશ. કારણ કે તે મારો સેવક છે. આ જે પથ્થરો મેં જડેલાં છે તેના પર હું તેનું સિંહાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો રાજવી મંડપ ઊભો કરશે. 11 તે આવીને મિસર પર હુમલો કરશે; જેઓ રોગચાળાથી મરવા નિર્માયેલા છે તેઓ રોગચાળાથી મૃત્યુ પામશે, જેઓ કેદ પકડાવા નિર્માયા છે તેઓ કેદ થશે અને જેઓ યુદ્ધમાં મરવા સજાર્યા છે તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે. 12 તે મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરશે, તે લોકોને બંદીવાન બનાવી લઇ જશે. જેમ કોઇ ભરવાડ પોતાની ચાદરમાંની જૂ વીણીને સાફ કરી નાખે છે તેમ તે મિસરને વીણીને સાફ કરી નાખશે અને વિજયી બનીને પાછો જશે. 13 તે મિસરમાંના બેથ-શેમેશના પૂજાસ્તંભો તોડી પાડશે; અને મિસરના દેવોના મંદિરો બાળી મૂકશે.’”
યહૂદા અને મિસરના લોકોને યહોવાનો સંદેશ
44 મિસરના ઉત્તર ભાગમાં મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથોસના પ્રદેશમાં વસતા યહૂદિયાવાસીઓ વિષે યહોવાનો સંદેશો યર્મિયા પાસે આવ્યો. 2 “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: યરૂશાલેમ અને યહૂદિયાના બધા નગરો પર મેં જે આફત ઉતારી છે તે તમે જોઇ છે. આજે પણ એ નગરો ખંડેર હાલતમાં અને વસ્તી વગરના છે. 3 જે ‘દેવો’ ને તેઓએ કે તમે તમારા પિતૃઓમાંથી પણ કોઇએ જાણ્યા નથી, તે દેવોની તેઓએ પૂજા કરી; તેથી હું તેઓ પર અતિ કોપાયમાન થયો. 4 મેં સતત મારા સેવકો, પ્રબોધકો, મોકલીને તેમને ચેતવ્યા હતા કે, ‘આ અધમ કૃત્ય કરશો નહિ; હું તિરસ્કાર કરું છુ.’ 5 પરંતુ તમારા વડવાઓએ સાંભળ્યું નહિ, અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફર્યા નહિ; તેઓએ તો આ ‘દેવો’ આગળ પોતાના બલિદાનો ચઢાવવાનું ચાલું જ રાખ્યું. 6 આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો અને તે શહેરો ખંડેર અને વેરાન થઇ ગયાં, આજે પણ તેમની એ જ દશા છે, ઉજ્જડ પડેલાં છે.”
7 અને હવે હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું: “આવી સમસ્યાઓ તમે તમારે માથે શા માટે નોતરો છો? તમે શા માટે યહૂદિયાના સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને ધાવણાં બાળકોનો વિનાશ થવા દો છો? તમે શા માટે તમારીં પાછળ કોઇને બાકી રહેવા દેતા નથી? 8 તમે મૂર્તિઓ બનાવી છે અને અહીં મિસરમાં તેઓની પૂજા કરીને તેઓની આગળ બલિ ચઢાવી ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને વધુ કોપાયમાન કર્યો છે અને તમારો સંપૂર્ણ વિનાશ કરવા તથા તમને પૃથ્વીના સર્વ દેશોમાં શાપરૂપ તથા નિંદારૂપ કરવા તમે મને ફરજ પાડી છે. 9 તમારા પિતૃઓના પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ, અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરૂશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલા પાપ શું તમે ભૂલી ગયા? 10 આજપર્યંત તમે તે માટે પશ્ચાતાપ કર્યો નથી, કે મેં તમારી અને તમારા પિતૃઓની આગળ રજૂ કરેલા નિયમો અને કાયદાઓનું પાલન કર્યું નથી.”
11 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે: “જુઓ, હું તમારી પર ભયાનક મુસીબતો મોકલવા માટે અને યહૂદિયાના લોકોનો જડમૂળથી નાશ કરવા માટે કૃત નિશ્ચયી છું. 12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે. 13 યરૂશાલેમની જેમ જ મિસરમાં વસનારાઓને પણ હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી સજા કરીશ. 14 તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઇને વસવાની આશાએ મિસરમાં જઇને વસ્યા છે તેમાંથી કોઇ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી, કારણ, થોડા ભાગી છૂટેલા સિવાય કોઇ મારા કોપમાંથી બચી શકવાના નથી.”
15 આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલી ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેમને તેમ જ મિસરમાં પાથોસમાં વસતાં બધા માણસોને યર્મિયાએ કહ્યું, 16 “તું અમારા માટે દેવનો સંદેશ લાવે છે, પણ અમે એ સાંભળવાનાં નથી. 17 અમે જે જે કરવાની પ્રતિજ્ઞા કરી છે તે જ અમે ચોક્કસ કરીશું. અમે અને અમારા વડીલો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો જેમ યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમમાં થાય છે, તેમ આકાશની સમ્રાજ્ઞીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવતા રહીશું. તે વખતે અમને જોઇએ તેટલું ખાવા મળતું હતું, અમે ઘણા સુખી અને સમૃદ્ધ હતા. 18 પરંતુ જ્યારથી અમે આકાશની સામ્રાજ્ઞીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, યુદ્ધનો કે દુકાળનો અમે ભોગ થઇ પડ્યા છીએ.”
19 સ્ત્રીઓ બોલી ઊઠી, “શું તું એવું ધારે છે કે અમારા પતિઓની સંમતિ વગર, તેઓની મદદ વિના ‘આકાશની સામ્રાજ્ઞી’ ની પૂજા કરતા હતાં અને તેને પેયાર્પણ ચઢાવતા હતાં તેમ જ તેની મુદ્રાવાળી રોટલીઓ તૈયાર કરી તેને અર્પણ કરતા હતાં? ના, એવું નથી.”
20 પછી યર્મિયાએ એવો ઉત્તર આપનારા સૌ કોઇને, સ્ત્રીઓને અને પુરુષોને કહ્યું, 21 “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમજ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતાં, તને લાગે છે કે તેને તે યાદ નથી? ચોક્કસ, તે આ બધું તેના મનમાં રાખે છે. 22 તમે જે દુષ્કર્મો કરતા હતા તે યહોવા વધુ વખત સહન કરી શક્યા નહિ; તેથી તેમણે તમારો દેશ જેમ આજે છે તેમ ઉજ્જડ, વેરાન, શ્રાપરૂપ અને નિર્જન કરી નાખ્યો. 23 તમારા પર આ આફત આવી છે અને આજે પણ કાયમ છે તેનું કારણ, તમે એ અપીર્ને યહોવાનો અપરાધ કર્યો, તેનું કહ્યું કર્યુ નહિ કે તેના નિયમો, કાયદાઓ અને આજ્ઞાઓનું પાલન પણ ન કર્યું.”
24 પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, “મિસરમાં વસતા યહૂદિયાના નાગરિકો તમે સર્વ યહોવાનું વચન ધ્યાનથી સાંભળો! 25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, ‘જ્યા સુધી આ બાબત તને અને તારી પત્નીને લાગુ પડે છે, તેં એ જ કર્યુ છે જે તે કહ્યું હતું, “તે કહ્યું હતું, અમે સ્વર્ગની રાણીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવીને અમારી પ્રતિજ્ઞા ચોક્કસ પાળીશું તેથી કોઇ પણ ભોગે તમે તમારી પ્રતિજ્ઞાઓ પૂરી કરો.”’ 26 પણ મિસરમાં વસતા બધાં યહૂદીઓ, તમે મારા વચન ધ્યાનથી સાંભળો; હું મારા મોટા નામનાં સમ ખાઇને કહું છું. ‘આ હું યહોવા બોલું છું, કે આખા મિસરમાં હવે કોઇ પણ યહૂદી મારું નામ લઇ શકશે નહિ. કોઇ પણ યહૂદી “યહોવાના સમ કહીને સમ લઇ શકશે નહિ.” 27 સાવધાન, હું તમારા પર મારી નજર રાખીશ પણ તમારા ભલા માટે નહિ! તમારા પર આફત આવે તેવું હું કરીશ, અને તમે બધાં યુદ્ધ અને દુકાળથી સમાપ્ત થઇ જશો. કોઇ પણ બચવા નહિ પામે. 28 તેમ છતાં મિસરમાં વસતાં થોડા યહૂદીઓ મોતમાંથી ઊગરી જશે અને તેઓ યહૂદિયા પાછાં જશે. ત્યારે બચવા પામેલા લોકોને ખબર પડશે કે કોના વચન સાચાં છે, મારાં કે તેમના. 29 હું તને આ પ્રમાણે નિશાની આપીશ કે, તેથી હું તને મિસરમાં શિક્ષા કરીશ, કે જેથી તને ખબર પડે કે હું તારી પર ખરેખર ભયાનક વિપત્તિ લાવીશ.’ 30 યહોવા કહે છે: ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના દુશ્મનના હાથમાં, તેનો જીવ લેવાની શકિત લોકોના હાથમાં સોંપીશ.’”
બારૂખને યહોવાનો સંદેશ
45 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના અમલમાં ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના પુત્ર બારૂખે પ્રબોધક યર્મિયાએ લખાવ્યા પ્રમાણે આ શબ્દો એક પોથીમાંથી લખી લીધા. 2 ત્યારબાદ યર્મિયાએ તેને કહ્યું, “બારૂખ, તારી બાબતમાં ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: 3 તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.’” 4 યહોવા કહે છે, “બારૂખને આ પ્રમાણે કહે: ‘આ દેશને મેં બાંધ્યો છે, હવે હું તેનો નાશ કરીશ. જે મેં સ્થાપન કર્યું છે તેને હું દૂર કરીશ. 5 તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International