Old/New Testament
પવિત્ર કામ માટે ભૂમિનાં ભાગલા
45 “જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વંશો વચ્ચે જમીનની વહેંચણી કરો ત્યારે 25,000 હાથ લાંબી અને 25,000 હાથ પહોળી જમીન યહોવા માટે જુદી કાઢવી. એ બધી જ જમીન પવિત્ર ગણાશે. 2 આ જમીનમાંથી 500 હાથ લાંબો અને 500 હાથ પહોળો જમીનનો ટુકડો મંદિર માટે જુદો કરવો અને તેની આજુબાજુ 50 હાથ જમીનનો પટ્ટો ખાલી રાખવો. 3 બધી જમીનમાંથી તમારે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો ટુકડો અલગ કાઢવો. એમાં મંદિર આવશે. એ પરમ પવિત્ર હશે.
4 “આ સમગ્ર વિસ્તાર દેશનો પવિત્ર ભાગ ગણાશે. અને યહોવાની સંમુખ રહીને પવિત્ર સ્થાનમાં જેઓ સેવા કરે છે તે યાજકોના ઘરો અને મારું પવિત્રસ્થાન બાંધવા ઉપયોગમાં લેવાશે. 5 બાકીની જમીનનો ભાગ મંદિરના પરચૂરણ કામો કરતા લેવીઓ માટે રાખવો. એની માલિકી તેમની ગણાશે. એમાં તેમને વસવા માટે જગ્યાઓ હશે.
6 “પવિત્ર ભૂમિની પાસે અડીને 25,000 હાથ લાંબો અને 5,000 હાથ પહોળો જમીનનો ટુકડો સર્વ ઇસ્રાએલના લોકો માટે ખુલ્લો રહેશે. 7 રાજકુમાર માટે પણ જમીન અલગ રાખવામાં આવશે. રાજકુમારની મિલકત પવિત્ર વિસ્તારની બન્ને બાજુએ હશે. અને નગરની મિલકત પૂર્વતરફ અને પશ્ચિમ તરફ હશે. દરેક બાજુની લંબાઇ બીજાં કુળોને આપવામાં આવેલી જમીન જેટલી જ હશે. 8 ઇસ્રાએલની જમીનમાં આ ભાગ રાજકુમારની મિલકત ગણાશે, જેથી તેઓ લોકોને ત્રાસ ન આપે અને દેશનો બાકીનો ભાગ ઇસ્રાએલના વંશજો પાસે રહેવા દે.”
9 યહોવા મારા માલિક કહે છે: “હે ઇસ્રાએલના સરદારો, મારા લોકોને તેઓના પોતાના દેશમાં લૂંટવાનું અને છેતરવાનું તથા તેઓને દેશમાંથી હાંકી કાઢવાનું બંધ કરો. પણ હંમેશા, નીતિમત્તાને માર્ગે અને ન્યાયના માર્ગે ચાલો અને પ્રામાણિક બનો,” એમ યહોવા મારા માલિક કહે છે.
10 “તમારે સાચાં માપ અને વજન વાપરવાં, તમારો ભરવાનો એફાહ સાચો હોવો જોઇએ, તમારો બાથ સાચો હોવો જોઇએ. 11 પ્રવાહી અને અપ્રવાહી વસ્તુઓના માપ માટે હોમેર તે તમારું અધિકૃત કરેલું એકમ રહેશે. અપ્રવાહી વસ્તુઓ માટે નાનું એકમ એફાહ રહેશે અને પ્રવાહી વસ્તુઓ માટે બાથ રહેશે; બંને એફાહ અને બાથ, હોમેરના દશમાં ભાગ જેટલું છે. 12 તમારો વજન કરવાનો વીસ શેકેલ ગેરાહનો હોવો જોઇએ અને માનેહ 60 શેકેલનો હોવો જોઇએ.
13 “આ ખાસ ભેટ તમારે રાજકર્તાને આપવાની રહેશે:
એક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠોભાગ,
ને એક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ.
14 અને તમારા જૈતતેલનો એક ટકા ભાગ,
15 ઇસ્રાએલના સારી રીતે પાણી પાયેલા મેદાનોમાં ચારેલા ધેટામાંથી 200 ઘેટાંએ તમારે એક ઘેટું વિશેષ અર્પણ તરીકે.
“ખાદ્યાર્પણ તરીકે, દહનાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે આપવું.
16 “ઇસ્રાએલના બધા લોકોએ આ પ્રમાણેની ખાસ ભેટ રાજકુમાર આગળ લઇ જવી. 17 અને રાજકુમાર ઇસ્રાએલની સમગ્ર પ્રજા તરફથી મારા ધણીને ચંદ્રદર્શનોએ, સાબ્બાથોએ અને બાકીના બધા ખાસ તહેવારોએ દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો પૂરા પાડશે. ઇસ્રાએલના લોકોનાં પાપના પ્રાયશ્ચિત માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનાર્પણો અને શાંત્યર્પણો પૂરા પાડશે.”
18 આ યહોવા મારા માલિકના વચન છે: “પહેલાં મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો ધરાવી મંદિરની શુદ્ધિ કરવી. 19 યાજકે વધ કરેલા પાપાર્થાર્પણનું લોહી લઇ તે મંદિરના ઉબરે, યજ્ઞવેદીને ચાર ખૂણે અને અંદરની ઓસરીના બારણાની બારસાખે લગાડવું. 20 જો કોઇ પણ વ્યકિતએ ભૂલથી કે અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તે માટે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. મંદિર માટે આ રીતે તમારે પ્રાયશ્ચિત કરવું.
પાસ્ખાપર્વની ઉજવણી સમયે ભેટ
21 “પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાનો તહેવાર ઊજવવાની શરૂઆત કરવી. સાત દિવસ સુધી સૌએ બેખમીર રોટલી જ ખાવી. 22 ઉત્સવને પહેલે દિવસે સરદારોએ પોતાનાં અને ઇસ્ત્રાએલની પ્રજાના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે ધરાવવો. 23 ઉત્સવના દિવસે તેણે ખોડખાંપણ વગરના સાત બળદો અને ખોંડખાંપણ વગરના સાત મેંઢાને દહનાપર્ણ તરીકે યહોવાને બલિ ચઢાવવા. અને તેણે પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરો હોમવો. 24 હોમેલા દરેક બળદ અને ઘેટાં દીઠ સત્તર કિલો ખાદ્યાર્પણ અને ત્રણ લિટર જૈતૂનનું તેલ પણ ચઢાવવાં. 25 સાતમા મહિનાના પંદરમાં દિવસે શરૂ થતાં માંડવાપર્વ માટે પણ તેણે સાતે સાત દિવસ આવો જ બલિ, પાપાર્થાર્પણ, દહનાર્પણ, ખાદ્યાર્પણ અને જૈતૂનના તેલના અર્પણ ચઢાવવા.”
શાસક અને ઉત્સવ
46 આ યહોવા મારા માલિકના વચન છે: “અંદરના ચોકનો પૂર્વનો દરવાજો કામ કરવાના છ દિવસોએ બંધ રહેશે, પરંતુ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શને દિવસે તે ઉઘાડો રાખવો. 2 રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો. 3 દરેક સાબ્બાથ અને ચંદ્રદર્શન દિવસે બધા લોકોએ પણ દરવાજા આગળ નીચા નમીને યહોવાની ઉપાસના કરવી.
4 “સાબ્બાથને દિવસે રાજકુમારે દહનાર્પણ તરીકે યહોવા સમક્ષ ખોડખાંપણ વગરના છ ઘેટા તથા ખોડખાંપણ વગરનો એક મેંઢો લાવવો. 5 દરેક ઘેટાં સાથે સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક મેંઢા સાથે જે કઇં ચઢાવવું હોય તે લાવવું, ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ લાવવું.
6 “ચંદ્રદર્શન દિવસે તેણે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરના છ ઘેટા અને એક મેંઢો ધરાવવા. 7 પ્રત્યેક વાછરડા અને મેંઢા દીઠ સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક ઘેંટા દીઠ યથાયોગ્ય અર્પણ ચઢાવવું ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ પણ ચઢાવવું.
8 “સરદાર અંદર આવે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઇને દાખલ થવું અને એ જ રસ્તે બહાર નીકળવું.
9 “પરંતુ ઉત્સવને દિવસે જ્યારે લોકો યહોવાની ઉપાસના કરવા આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી દાખલ થાય તેઓ ભજન પછી દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણને દરવાજેથી દાખલ થાય તેઓ ઉત્તરના દરવાજેથી, તેઓ જે રસ્તે આવ્યા હોય તે રસ્તે પાછા ન જાય, તેઓએ સામેના દરવાજેથી જવું. 10 રાજકુમારે પણ તેમની સાથે તેમની જેમ જ અંદર આવવું અને તેમની જેમ જ બહાર જવું.
11 “ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં દરેક બળદ કે મેંઢા દીઠ ખાદ્યાર્પણ તરીકે સત્તર કિલો અનાજ અને દરેક ઘેટા દીઠ યથાશકિત અર્પણ ચઢાવવું, એ ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ સાથે ત્રણ લીટર તેલ અર્પણ કરવું.
12 “રાજકુમાર ઐચ્છિકાર્પણ તરીકે કે દહનાર્પણ કે શાંત્યર્પણ ચઢાવવા ઇચ્છતો હોય ત્યારે તેને માટે અંદરના ઓસરીનો પૂર્વનો દરવાજો ખોલવો, તેણે એ બલિદાન અર્પણ કરવું અને તેના બહાર ગયા પછી દરવાજો પાછો બંધ કરી દેવો.
દરરોજની ભેટ
13 “દરરોજ યહોવાને દહનાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષની ઉંમરનો ઘેટો ચઢાવવો, પ્રતિદિન સવારે આ અર્પણ કરવું. 14 એની સાથે દરરોજ સવારે ત્રણ કિલો જેટલો લોટ અને તેને મોહવા માટે એક લિટર જેટલું તેલ ચઢાવવું. આ ખાદ્યાર્પણ યહોવાને ચઢાવવું એ કાયમનો નિયમ છે. 15 દરરોજ સવારે યહોવાને ખાદ્યાર્પણ તરીકે એક ઘેંટુ અને ખાદ્યાર્પણ તથા તેલ ચઢાવવાં.”
પોતાના સંતાનને શાસક દ્વારા ભૂમિ આપવાના નિયમ
16 આ યહોવા મારા માલિકના વચન છે, “જો કોઇ રાજકુમાર પોતાના પુત્રને કઇં ઉપહાર આપે, તો તેના પુત્રની માલિકી ગણાય કારણ કે તે મિલકત કુટુંબની વારસાગત મિલકતનો ભાગ હશે. 17 પણ જો રાજકુમાર એવો ઉપહાર પોતાના કોઇ સેવકને આપે તો તેની માલિકી તે સેવક પાસે ઋણમુકિતના વર્ષ સુધી રહે. અને ત્યાર બાદ તે પાછી રાજા પાસે જાય. એ તેના પુત્રોની મિલકત ગણાય અને તેની માલિકી તેઓની ગણાય. 18 રાજકુમારે લોકોની કોઇ મિલકત લઇ લેવી નહિ, તેણે પોતાને મળેલી જમીનમાંથી પોતાના પુત્રોને જમીન આપવી જેથી મારા લોકોમાંથી કોઇને પોતાની મિલકત ખોવાનો વખત આવે નહિ.”
વિશેષ રસોઇ ઘર
19 ત્યાર બાદ તે માણસ મને અંદરના ચોકમાં ઉત્તર તરફ યાજકો માટે જુદી રાખેલી ઓરડીઓ આગળ લઇ ગયો. તેણે મને ઓરડીઓની પશ્ચિમ બાજુએ એક જગ્યા બતાવીને કહ્યું, 20 “આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ અને પાપાર્થાર્પણ માંસ રાંધશે અને ખાદ્યાર્પણની રોટલી શેકશે અને તેને તેઓ બહારના પ્રાંગણમાં બહાર લઇ આવશે તોપણ તે લોકોમાં પવિત્રતા ફેલાવશે નહિ.”
21 ત્યાર બાદ તે માણસ મને બહારના ચોકમાં લઇ જઇને તેને ચારે ખૂણે લઇ ગયો. એ દરેક ખૂણામાં એકએક ચોક હતો. 22 એ દરેક ચોક માપમાં સરખા હતાં; 40 હાથ લાંબા અને 30 હાથ પહોળા, 23 એ દરેકની આસપાસ ભીંત હતી અને ભીંતને અડીને રાંધવાના ચૂલાઓ હતા. 24 તે માણસે મને કહ્યું, “આ તો રસોડા છે, જ્યાં મંદિરના સેવકોએ લોકોના બલિદાનો રાંધવાના હતાં.”
ઈસુ આપણો મદદગાર છે
2 મારાં વહાલાં બાળકો, હું આ પત્ર તમને લખું છું જેથી તમે પાપ કરશો નહિ. પણ જો કાઈ વ્યક્તિ પાપ કરે છે, તો આપણી પાસે આપણી મદદમાં ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે ઈસુ દેવ બાપ આગળ આપણો બચાવ કરે છે. 2 ઈસુના દ્વારા આપણા પાપો દૂર કરવામાં આવે છે. અને કેવળ આપણાં જ નહિ, સમગ્ર જગતનાં પાપો દૂર કરનાર તે જ છે.
3 જો આપણે દેવે જે આપણને કહ્યું છે તેનુ પાલન કરીશું, તો પછી આપણને ખાતરી છે કે આપણે ખરેખર દેવને ઓળખીએ છીએ. 4 એક વ્યક્તિ કહે છે કે, “હું દેવને જાણું છું!” પણ જો તે વ્યક્તિ દેવની આજ્ઞાઓનું પાલન કરતો નથી, તો પછી તે વ્યક્તિ જૂઠો છે. તેનામાં સત્ય નથી. 5 પણ જ્યારે એક વ્યક્તિ દેવના વચનનું પાલન કરે છે, તો તેનામાં દેવ પરનો પ્રેમ તેના લક્ષ્યાંક સુધી પહોંચ્યો છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આપણે દેવને અનુસરીએ છીએ. 6 જો કોઈ વ્યક્તિ કહે કે તે દેવમાં જીવે છે, તો પછી તેણે ઈસુ જેવું જીવન જીવ્યો તેવું જીવન જીવવું જોઈએ.
દેવે બીજા લોકોને પ્રેમ કરવા આપણને આજ્ઞા કરી છે
7 મારા વહાલા મિત્રો, હું તમને નવી આજ્ઞા લખતો નથી. જે તમને શરુંઆતથી આપવામાં આવી છે તે એ જ આજ્ઞા છે. જે વચન તમે સાંભળ્યું છે તેની તે જ આ આજ્ઞા છે. 8 પણ હું આ નવી આજ્ઞા તરીકે તમને લખું છું. આ આજ્ઞા સત્ય છે. તમે તેનું સાચાપણું ઈસુમાં અને તમારી જાતમામ જોઈ શકશો. અંધકાર દુર જઈ રહ્યો છે અને ખરો પ્રકાશ આ સમયે હમણા પ્રકાશી રહ્યો છે.
9 કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું,” પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે. 10 જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરે છે તો તે પ્રકાશમાં જીવે છે, અને તે વ્યક્તિમાં એવું કશું નથી જેથી તે ખોટું કરી શકે. 11 પરંતુ જે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે તે અધંકારમાં છે. તે અધંકારમાં જીવે છે. તે વ્યક્તિ જાણતો નથી કે તે ક્યાં જાય છે. શા માટે? કારણ કે અંધકારે તેને આધળો બનાવી દીધો છે.
12 વહાલા બાળકો, હું તમને લખું છું,
કારણ કે તમારાં પાપો ખ્રિસ્ત દ્વારા માફ કરવામાં આવ્યાં છે.
13 પિતાઓ, હું તમને લખું છું
કારણ કે આરંભથી તમે તે કોણ છે તે જાણો છો,
જુવાનો, હું તમને લખું છુ,
કારણ કે તમે દુષ્ટ વ્યક્તિ (શેતાન) પર વિજય મેળવ્યો છે.
14 બાળકો હું તમને લખું છું,
કારણ કે તમે પિતાને ઓળખો છો.
પિતાઓ, મેં તમને લખ્યું છે
કારણ કે જે આરંભથી ત્યાં હતો
તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે.
કારણ કે તમે બળવાન છો;
દેવનું વચન તમારામાં છે,
અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.
15 જગત પર અથવા જગતમાંના વાનાં પર પ્રેમ ના રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે છે, તો તેનામાં બાપ પરનો પ્રેમ નથી. 16 જગતમાં આ દુષ્ટ વસ્તુઓ છે આપણા પાપી સ્વભાવને પ્રસન્ન કરવા માટેની ઈચ્છા, આંખોની લાલસા માટેની ઈચ્છા, આપણી સંપત્તિનું ખૂબ અભિમાન હોવું, આ બધું બાપ (દેવ) પાસેથી આવતું નથી, આ સર્વ જગતમાંથી આવે છે. 17 જગત અને દુનિયાની જે બધી વસ્તુઓ લોકો ઈચ્છે છે તેનો પણ લય થશેજ. પરંતુ જે વ્યક્તિ દેવની ઈચ્છા પ્રમાણે કરે છે તે અનંતકાળ જીવે છે.
ખ્રિસ્તવિરોધીઓને અનુસરો નહિ
18 મારાં વહાલાં બાળકો, અંત નજીક છે! તમે સાંભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે ખ્રિસ્તવિરોધીઓ ઘણાં અહીં છે. તેથી અમે જાણીએ છીએ કે હવે અંત નજીક છે. 19 ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.
20 તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો. 21 મારે તમને શા માટે લખવું? તમે સત્યને જાણતા નથી તેથી મારે લખવું? ના! હું આ પત્ર લખું છું કારણ કે તમે સત્યને જાણો છો. અને તમે જાણો છો કે કોઈ પણ જુઠાણું સત્યમાંથી આવતું નથી.
22 તેથી જુઠો કોણ છે? તે એ વ્યક્તિ છે જે કહે છે કે ઈસુ, ખ્રિસ્ત નથી. તે ખ્રિસ્તવિરોધી છે. તે વ્યક્તિ પિતામાં વિશ્વાસ કરતો નથી. અથવા તેના પુત્રમાં વિશ્વાસ કરતો નથી, તો તેને બાપ હોતો નથી, પરંતુ જે વ્યક્તિ પુત્રને સ્વીકારે છે તો તેને બાપ પણ છે.
23-24 તમે આરંભથી જે સાંભળ્યું છે તે તમારામાં રહો, આરંભથી જે તમે સાંભળ્યું છે તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામા રહેશો. તેની ખાતરી રાખજો. 25 પુત્રએ આપણને અનંતકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે.
26 જે લોકો તમને ખોટા રસ્તે દોરવાનો પ્રયત્ન કરે છે તે લોકો વિષે હું આ પત્ર લખું છું 27 ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.
28 હા, મારાં બાળકો, તેનામાં જીવો. જો આપણે આ કરીશુ, તો આપણે ખ્રિસ્ત ઈસુ જ્યારે પાછો આવવાનો છે તે દિવસે નિર્ભય બનીશું જ્યારે તે આવે ત્યારે આપણે છુપાઈ જવાની કે શરમાઈ જવાની જરુંર નથી. 29 તમે જાણો છો કે ઈસુ ન્યાયી છે. તેથી તમે એ બધા લોકોને જાણો છો જે સાચું હોય તે જ તે કરે છે. તે દેવનાં છોકરાં છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International