Old/New Testament
અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી
35 ફરીથી આ પ્રમાણે મને યહોવાની વાણી સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, સેઇરના પર્વતીય પ્રદેશ તરફ તારું મુખ રાખ અને લોકોની વિરુદ્ધ પ્રબોધ કરીને તેમને ચેતવણી આપ કે, 3 ‘આ યહોવા મારા માલિકના વચન છે:
“‘હે સેઇરના પર્વતીય પ્રદેશ હું તારી સામે પડ્યો છું,
હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને સંપૂર્ણ તારાજ અને વેરાન કરી દઇશ.
4 તારા નગરોને ખંડિયેર બનાવી દઇશ
અને તું તદૃન વેરાન થઇ જઇશ;
ત્યારે તને જાણ થશે કે હું યહોવા છું.
5 “‘ઇસ્રાએલ સાથે તમે સતત દુશ્મનાવટ રાખી છે. અને વિનાશના સમયે, તેમની છેલ્લી સજાને સમયે તમે ઇસ્ત્રાએલીઓને તરવારથી હણવા માટે સુપ્રત કરી દીધાં.’” 6 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું ખાતરીપૂર્વક કહું છું કે તારામાં રકતપાત થશે અને તું બચશે નહિ, તું હત્યાકાંડમાં બહુ આનંદ માણે છે તેથી લોહી તારી પર આવશે અને તને હંફાવી દેશે, હવે તારો વારો આવ્યો છે. 7 હું સેઇરના પર્વતીય પ્રદેશને વેરાન બનાવી દઇશ અને લોકોને હું ત્યાથી પસાર થતાં પણ અટકાવીશ. 8 હું તારા ડુંગરો, ખીણો અને નદીનાળાં યુદ્ધમાં માર્યા ગયેલાઓના શબોથી ભરી દઇશ. 9 હું તને સદાને માટે વેરાન બનાવી દઇશ અને તારા નગરોમાં ફરી વસ્તી થશે નહિ, બાંધકામ થશે નહિ ત્યારે તને જાણ થશે કે હું યહોવા છું.”
10 તમે કહ્યું છે, “ઇસ્રાએલ અને યહૂદા બંને મારા છે, અમે તેનો કબજો મેળવીશું.”
પણ હું યહોવા ત્યાં તેઓની સાથે છું. 11 સર્વસત્તાધિશ યહોવા મારા માલિક કહે છે કે, “હું ખાતરીપૂર્વક કહું છું કે, તમે તમારા ક્રોધાવેશમાં જે કર્યું છે તેનો હું બદલો લઇશ. તમે ઇર્ષા અને અદેખાઇમાં જે કર્યું છે તેના માટે હું તમને સજા કરીશ અને હું તમને જે કઇં કરીશ તે દ્વારા ઇસ્રાએલમાં મારું નામ મોટું મનાવીશ.
12 “અને ત્યારે તમને જાણ થશે કે મેં તમારા અપમાનજનક શબ્દો સાંભળ્યાં હતાં કે, ‘ઇસ્રાએલના પર્વતો વેરાન છે અને તેમના પર વિજય મેળવવાની આ આપણા માટે તક છે.’ 13 તમે બડાશ હાંકી છે કે તમે મારા કરતા મહાન છો, તમે મારી વિરુદ્ધ કઠોર શબ્દો બોલ્યા છો પરંતુ મેં તમને સાંભળ્યાં છે.”
14 યહોવા મારા માલિકના આ વચન છે: “જ્યારે ઇસ્ત્રાએલનો વિનાશ થયો ત્યારે તું ખૂબ ખુશ હતો તેને કારણે હું તારી સાથે પણ એવું જ કરીશ. 15 જેમ તેં ઇસ્રાએલને ઉજ્જડ થતું જોઇને આનંદ માણ્યો હતો, તેમ હવે હું તને પણ ઉજ્જડ બનાવીશ! સેઇરના પર્વતીય પ્રદેશ અને અદોમનો સમગ્ર દેશ વેરાન થઇ જશે. અને હું સર્વ લોકોનો નાશ કરીશ! ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
ઇસ્રાએલ દેશનું ફરી નિર્માણ થશે
36 યહોવાએ કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પર્વતોને મારા વચન સંભળાવ, તેમને કહે; હે ઇસ્રાએલના પર્વતો યહોવાની વાણી સાંભળો, 2 આ યહોવા મારા માલિક કહે છે; ‘દુશ્મન તમારે વિષે વાત કરે છે અને કહ્યું, આહા! હવે આ પ્રાચીન ઉચ્ચસ્થાનો[a] અમારા તાબામાં આવ્યા છે!’
3 “એમને તું એમ કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે ઇસ્રાએલના પર્વતો, બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, અને તમને વેરાન બનાવી દીધા અને તમને બધી બાજુએથી તમને કચડી નાખ્યા એટલે તમે તો કુથલીનો વિષય બની ગયા છો અને લોકો તમારા વિષે ખરાબ વાતો કરે છે.’”
4 માટે, હે ઇસ્રાએલના પર્વતો, મારાં વચનો સાંભળો, યહોવા મારા માલિકે, પર્વતોને અને કોતરોને અને ખીણોને, તથા આસપાસની બીજી પ્રજાઓની લૂંટ અને હાંસીનો ભોગ બનેલા વેરાન ખંડિયેરોને અને ઉજ્જડ શહેરોને જે કહ્યું છે તે સાંભળો; 5 યહોવા મારા માલિક કહે છે, “મારો કોપ અન્ય પ્રજાઓની અને મુખ્યત્વે અદોમની વિરુદ્ધ સળગી ઊઠયો છે: કારણ કે તેઓએ હર્ષાવેશમાં આવીને તિરસ્કારપૂર્વક ઇસ્રાએલના પ્રદેશોનો કબજો લઇને તેને લૂંટી લીધો છે.”
6 “તેથી તું પ્રબોધ કર અને ઇસ્રાએલના ડુંગરોને અને પર્વતોને, ખીણોને અને કોતરોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: તમે આજુબાજુની પ્રજાઓના મહેણાં સહન કર્યા છે. તેથી હું કોપાયમાન થયો છું.’”
7 યહોવા મારા માલિક કહે છે, “તેથી મેં પ્રતિજ્ઞા લીધી છે કે તમારી આસપાસની પ્રજાઓએ પોતે મહેણાંટોણાં વેઠવા પડશે;
8 “પરંતુ, હે ઇસ્રાએલના પર્વતો, તમારાં વૃક્ષોને શાખાઓ ફૂટશે અને ટૂંક સમયમાં પાછા ફરનાર મારા લોકો માટે ફળો બેસશે. 9 કારણ કે જુઓ, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે; 10 હું તમારા પર પુષ્કળ માણસોને વસાવીશ, ઇસ્રાએલના આખા વંશને હું વસાવીશ; શહેરોમાં ફરી વસ્તી થશે અને ખંડિયેરો ફરી બંધાશે. 11 માત્ર લોકોની વસતી જ નહિ, પણ તમારા ઢોરઢાંખર પણ અતિ ઘણાં વધારીશ. હે ઇસ્રાએલના પર્વતો ફરીથી તમે ઘરોથી ઢંકાઇ જશો. મેં અગાઉ તમારે માટે જે કર્યું છે તેથી વિશેષ હું તમારે માટે કરીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 12 હું મારી પ્રજાને ફરીથી તમારા પર ચલાવીશ અને તેઓ ઇસ્રાએલના પર્વતો પર વાસો કરશે અને કબજો જમાવશે. અને હવે પછી કદી તમે તેમના સંતાનોને હરી લેશો નહિ.”
13 યહોવા મારા માલિક કહે છે: “બીજી પ્રજાઓ તારી હાંસી કરતા કહેતી હતી કે, ઇસ્રાએલ એવો દેશ છે જે પોતાના માણસોને ભરખી જાય છે અને પ્રજાને નિ:સંતાન બનાવે છે. 14 તો હવે પછી તું કદી માણસોને ભરખીશ નહિ અને તારા લોકોનાં સંતાનોને હરી લઇશ નહિ,” આ યહોવા મારા માલિકના વચન છે. 15 “હવે પછી તારે કદી બીજા લોકોના મહેણાં સાંભળવાનો કે વિદેશીઓની નિંદા સહેવાનો વખત નહિ આવે. તું તારી પ્રજાને ફરીથી કદીયે ઠોકર ખવડાવશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે.
યહોવા પોતાના સારા નામની રક્ષા કરશે
16 ફરીથી યહોવાની વાણી મને આ પ્રમાણે સંભાળાઇ: 17 “હે મનુષ્યના પુત્ર, જ્યારે ઇસ્રાએલીઓ પોતાની ભૂમિમાં વસતાં હતાં ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી અશુદ્ધ કરી હતી. મારી સામે તેઓ રજસ્વલા સ્ત્રીની જેમ ચાલતાં હતાં. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ધૃણાજનક હતો. 18 તેમણે આ ભૂમિને ખૂનથી અને મૂર્તિપૂજાથી પ્રદુષિત કરી હતી. તેથી મારો રોષ તેઓ પર સળગી ઊઠયો હતો. 19 મેં તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા અને વિદેશોમાં રઝળતા કરી દીધા. તેમના કૃત્યો અને વર્તાવ જેને લાયક હતા તે જ સજા મેં તેમને કરી. 20 પણ જ્યારે તેઓ જે જે પ્રજાઓમાં ગયા તેમની વચ્ચે તેમણે મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો. લોકો તેમને વિષે એવું કહેવા લાગ્યા કે, ‘આ યહોવાના લોકો છે, અને એમને યહોવાના દેશમાંથી નીકળવું પડ્યું છે.’
21 “હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું, કારણ કે મારા લોકોએ સમસ્ત જગતમાં મારા નામને તેઓ જ્યાં જયાં ગયા છે ત્યાં ત્યાં બટ્ટો લગાડ્યો છે. 22 એટલે તું ઇસ્રાએલીઓને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલીઓ, હું આ જે કહું છું તે તમારે માટે નથી કરતો પણ મારા પવિત્ર નામને માટે કરું છું, અને તમે જે વિદેશોમાં ગયા હતા તેમની વચ્ચે બદનામી કરી છે. 23 તમારે લીધે કલંકિત થયેલા મારા નામની પવિત્રતા હું એ પ્રજાઓમાં સિધ્દ કરી બતાવીશ, અને જ્યારે હું તેમની આગળ તમારી મારફતે મારી પવિત્રતા સિધ્દ કરીશ ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.’”
24 દેવ કહે છે, “હું તમને બધાને પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ. 25 હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીને તમને મૂર્તિપૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુકત કરીશ.” 26 દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ. 27 હું તમારામાં મારા પોતાના આત્માનો સંચાર કરીશ, તમે મારા નિયમો પ્રમાણે ચાલો, ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરોતો એમ કરીશ. 28 તમારા પૂર્વજોને આપેલા ઇસ્રાએલના દેશમાં તમે વસશો. તમે મારી પ્રજા થશો અને હું તમારો દેવ થઇશ.” 29 દેવ કહે છે, “હું તમને બધી અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ, તમારે ત્યાં દુકાળ કદી પડવા દઇશ નહિ, 30 હું વૃક્ષોના ફળ અને ખેતીની પેદાશમાં મબલખ વધારો કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવાનું રહેશે નહિ. 31 ત્યારે તમે તમારાં ભૂતકાળના પાપ યાદ કરશો અને તમારા દુષ્કર્મોને લીધે દુ:ખી થશો અને પોતાની જાતનો તિરસ્કાર કરશો.”
32 યહોવા મારા માલિક કહે છે, “પણ હંમેશા યાદ રાખો; આ હું તમારે માટે કરતો નથી એની ખાતરી રાખજો, હે ઇસ્રાએલીઓ, આને તમે તમારા દુષ્કર્મોથી થતી અપકીર્તિ ને બેઆબરૂ સમજો.”
33 યહોવા મારા માલિકનું આ વચન છે: “જ્યારે હું તમને તમારા પાપોથી શુદ્ધ કરીશ ત્યારે હું તમને ફરીથી ઇસ્રાએલમાં તમારા ઘરે પાછા લાવીશ અને ઉજ્જડ થયેલા નગરોને ફરીથી બાંધીશ. 34 તમારા બંદીવાસ દરમ્યાન જે ભૂમિ વરસો સુધી વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વ તમારા દેશને ખંડિયેર જોઇને નવાઇ પામતા હતા તે ભૂમિ ફરીથી ખેડાતી થશે. 35 જ્યારે હું તમને પાછા ‘લાવીશ ત્યારે તેઓ કહેશે, દેવથી તજાયેલી આ ભૂમિ હવે એદનવાડી સમાન થઇ ગઇ છે! ખંડિયેર જેવા નગરોની આસપાસ કોટ બાંધવામાં આવ્યા છે અને તેમાં ઘણા લોકો વસે છે!’”
36 દેવ કહે છે, “ત્યારે આજુબાજુની બચી ગયેલી પ્રજાઓ જાણશે કે હું યહોવા છું અને મેં ખંડિયેર નગરોને ફરી બાંધ્યા છે અને ખેતરોમાં પાક ઉગાડ્યો છે. હું યહોવા તે કહું છું અને હું આ પ્રમાણે કરીશ.”
37 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલીઓની વિનંતી હું સાંભળીશ. હજી હું તેઓ માટે એટલું કરવા તૈયાર છું કે હું એમની ઘેટાંની જેમ વંશવૃદ્ધિ કરીશ. 38 યરૂશાલેમમાં પવિત્ર ઉજવણીને દિવસે બલિદાનના ઘેટાંનાં ટોળા ઊભરાય છે, તેવી જ રીતે આ નાશ થઇ ગયેલા નગરોમાં માણસોના ટોળા ઊભરાશે; અને ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”
1 ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેરિત સિમોન પિતર તરફથી તમને કુશળતા હો.
અમારામાં છે તેવો મૂલ્યવાન વિશ્વાસ જે બધા લોકોમા છે, તે સર્વને આપણા દેવ અને તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ જોગ.
2 કૃપા અને શાંતિ વધુ ને વધુ પ્રમાણમાં તમને પ્રદાન થાઓ. તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થશે કારણ કે તમે ખરેખર દેવ અને આપણા પ્રભુ ઈસુને ઓળખો છો.
જેની આપણને આવશ્યકતા હોય તે બધું જ દેવે આપણને આપ્યું છે
3 ઈસુ દૈવી સાર્મથ્ય ધરાવે છે. તેના સાર્મથ્ય આપણને એ દરેક વાનાં આપ્યાં છે જેની આપણને જીવવા અને દેવની સેવા માટે આવશ્યકતા છે. આપણે તેને જાણીએ છીએ તેથી આપણી પાસે આ વાનાં છે. ઈસુએ તેના મહિમા અને સાત્ત્વિકતાથી આપણને બોલાવ્યા. 4 તેના મહિમા અને સાત્ત્વિકતાથી, ઈસુએ આપણને આપેલાં તે ઘણા મહાન અને સમૃદ્ધ દાનો પ્રદાન કર્યા અને તેથી મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યા છે જેથી તે દ્ધારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને દૈવી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
5 કારણ કે તમને આ આર્શીવાદો પ્રાપ્ત થયા છે, તેથી તમારે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો દ્ધારા આ બાબતોને તમારા જીવનમા ઉમેરવી જોઈએ: તમારા વિશ્વાસમાં ચારિત્ર ઉમેરો; 6 અને તમારા ચારિત્રમાં જ્ઞાન અને તમારા જ્ઞાનમાં સ્વ-નિયંત્રણ; અને તમારા સ્વ-નિયંત્રણમાં ધીરજ ઉમેરો અને તમારી ઘીરજમાં દેવની સેવા; 7 અને દેવ પ્રત્યેની તમારી સેવામાં તમારા ખ્રિસ્તમય ભાઇઓ-બહેનો માટે કરૂણા; અને ભાઈ-બહેનો માટેની કરૂણામાં પ્રેમ ઉમેરો. 8 જો આ બધી બાબતો તમારામાં હોય અને તે વિકાસ પામતી રહે, તો આ બાબતો તમને ક્યારેય નિરુંપયોગી બનવા દેશે નહિ. આ બાબતો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કદાપિ અયોગ્ય ઠરવા દેશે નહિ. 9 પરંતુ જો વ્યક્તિ પાસે આ બાબતો ન હોય, તો તે સ્પષ્ટપણે જોઈ શકતી નથી તે વ્યક્તિ અંધ છે. તે ભુલી ગઇ છે કે તે તેના ભૂતકાળના પાપોથી શુદ્ધ થયો હતો.
10 મારા ભાઇઓ અને બહેનો, પ્રભુએ તમને તેડ્યાં છે અને તેના બનવા માટે તમને પસંદ કર્યા છે. એવું દર્શાવવા વિશેષ પ્રયત્ન કરો કે જેથી સાબિત થાય કે ખરેખર તમે જ પ્રભુના પસંદ કરાયેલ અને તેડાયેલ લોકો છો. જો તમે આ બધી બાબતો કરશો તો તમે કદી ઠોકર ખાશો નહિ. 11 અને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં તમારું ઈષ્માભર્યુ સ્વાગત કરવામા આવશે. તે રાજ્ય સર્વકાળ છે.
12 તમે આ બાબતો જાણો છો. તમને જે સત્ય પ્રગટ થયું છે તેમાં તમે ઘણા સ્થિર છો. પરંતુ આ બાબતોનું સ્મરણ કરાવવામાં હું હંમેશ તમને મદદ કરીશ. 13 જ્યાં સુધી હું અહીં આ પૃથ્વી પર જીવિત હોઉ ત્યાં સુધી હું માનું છું કે મારા માટે તમને આ બાબતોનું સ્મરણ કરાવવું તે યોગ્ય જ છે. 14 હું જાણું છું કે મારે ખૂબ ઝડપથી આ શરીરનો ત્યાગ કરવાનો છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તે દર્શાવ્યું છે. 15 હંમેશા તમને મદદરૂપ બનવા આ બાબતોનું સ્મરણ કરાવવા શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયત્નો હું કરતો રહીશ. મારા ચાલ્યા ગયા પછી તમે આ બાબતોને હંમેશા યાદ રાખવા શક્તિમાન બનો એમ હું ઈચ્છું છું.
અમે ખ્રિસ્તનો મહિમા નિહાળ્યો
16 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાર્મથ્ય અને આગમન વિશે અમે તમને જણાવ્યું છે. તેના આગમન વિશે અમે તમને જણાવ્યું હતું. જે બાબત વિશે અમે તમને જણાવેલ તે લોકો દ્ધારા ઘડી કાઢવામાં આવેલી ચતુરાઈથી કલ્પેલી કહાણીઓ ન હતી. ના! અમારી પોતાની આંખો દ્ધારા અમે ઈસુની મહાનતા જોઈ. 17 ઈસુએ સૌથી મોટા ભવ્ય મહિમાની વાણી સાંભળી હતી. દેવ બાપ તરફથી જ્યારે ઈસુએ માન અને મહિમા પ્રાપ્ત કર્યો ત્યારે તેમ બન્યું. તે વાણીએ કહ્યું કે, “આ મારો વહાલો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેનાથી હું ખૂબ પ્રસન્ન છું.” 18 અને અમે તે વાણી સાંભળી હતી. જ્યારે અમે પવિત્ર પર્વત પર ઈસુની સાથે હતા ત્યારે તે આકાશવાણી સાંભળી હતી.
19 પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે, જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી. જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંત:કરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે. 20 સૌથી મહત્વપૂર્ણ, તમારે સમજવું જ પડે કે: પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન કોઈ એક વ્યક્તિએ કરેલું પોતાનું અર્થઘટન નથી. 21 ના! કોઈ પણ ભવિષ્યવચન કદાપિ કોઈપણ વ્યક્તિની સ્વેચ્છાથી પ્રગટ થયેલ નથી. પરંતુ લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના વચન બોલ્યાં.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International