Old/New Testament
યહૂદાના રાજા સિદકિયાને ચેતવણી
34 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે દેશો પર રાજ્ય કરતો હતો તે સર્વ સૈન્યો સાથે ચઢી આવ્યો અને યરૂશાલેમ તથા યહૂદિયાના નગરો સાથે યુદ્ધ કર્યું. તે સમયે યર્મિયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો:
2 “ઇસ્રાએલના દેવ યહોવાના આ વચનો છે: જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, આ મારાં વચન છે: ‘હું આ યરૂશાલેમ શહેર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને બાળી મૂકશે. 3 તું જાતે ભાગી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઇ જવાશે અને બાબિલના રાજાને સુપ્રત કરી દેવામાં આવશે. તારે તેને મોઢામોઢ મળવાનું થશે અને તે તારી સાથે વાત કરશે. તે તને બાબિલમાં બંધક તરીકે લઇ જશે. 4 તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા, હું યહોવા કહું છું કે, તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ. 5 પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેમણે તારા પિતૃઓ માટે કર્યું હતું તેમ તારી યાદમાં તારા લોકો ધૂપસળી બાળશે, અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અરેરે, ઓ રાજા!”’” આ યહોવાના વચન છે.
6 તેથી પ્રબોધક યર્મિયાએ આ બધું શબ્દે શબ્દ યહૂદિયાના રાજા સિદકિયાને કહી સંભળાવ્યું. 7 તે સમયે બાબિલનું સૈન્ય યહૂદિયાના બાકી રહેલા કિલ્લેબંદીવાળા નગરો યરૂશાલેમ, લાખીશ અને અઝેકાહની આસપાસ ઘેરો ઘાલતું હતું.
લોકોએ એક કરાર તોડ્યો
8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરૂશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ. 9 કારણ કે રાજા સિદકિયાએ ફરમાન બહાર પાડ્યું હતું કે, દરેક જણે પોતાનાં સ્ત્રી કે પુરુષ હિબ્રૂ ગુલામને છોડી દેવાના હતાં. અને કોઇએ પછી કોઇ જાતભાઇને ગુલામ રાખવાનો નહોતો. 10 કરાર કરનાર બધા જ અમલદારો અને લોકો પોતાનાં સ્ત્રીપુરુષ ગુલામોને મુકત કરવા તથા તેમને હવે ગુલામ તરીકે ન રાખવા કબૂલ થયાં હતાં અને તેમણે એનું પાલન કરી તેમને છોડી મૂક્યાં. 11 પાછળથી તેઓનાં મન બદલાઇ ગયાં અને તેઓએ ફરીથી પોતાના ચાકરોને ગુલામ બનાવ્યાં.
12 એ વખતે યરૂશાલેમમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ; 13 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે: “હું તમારા પિતૃઓને ગુલામીના દેશ મિસરની બહાર લઇ આવ્યો ત્યારે મેં તેમની સાથે કરાર કર્યો હતો કે, 14 ‘તમે જે જાતભાઇને ગુલામ તરીકે ખરીદેલો હોય અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષે છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ. 15 મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે તાજેતરમાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે મંદિર મારા નામથી ઓળખાય છે તેમા તમે મારી આગળ કરાર કર્યો હતો. 16 પરંતુ હવે તમે ફરી ગયા, તમે ના પાડીને મારા નામનું અપમાન કર્યું, અને તમે છોડી મૂકેલાં સ્ત્રીપુરુષ ગુલામને તમે પાછા લાવ્યાં અને ફરી ગુલામ બનાવ્યાં.
17 “‘તમે મારું સાંભળ્યું નથી અને ગુલામોને મુકત કર્યા નથી. તેથી હું તમને યુદ્ધ, દુકાળ અને મરકી, તરવાર, રોગચાળો દ્વારા મૃત્યુને હવાલે કરીશ. બીજા શહેરના લોકો જ્યારે તારી સાથે શું થયું છે એ સાંભળશે ત્યારે ભયભીત થઇ જશે. યહોવા આમ કહે છે. 18 જેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે તેમને હું વાછરડા જેવા બનાવીશ, જેને તેઓએ બે ટુકાડામાં કાપ્યાં હતાં અને કરાર બનાવતી વખતે તેની વચ્ચેથી પસાર થયા હતાં. 19 તે લોકોને એટલે યહૂદિયાના તથા યરૂશાલેમના સરદારોને, ત્યાંના અધિકારીઓને, યાજકોને, તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઇને ગયેલી દેશની સર્વ પ્રજાને. 20 હું તેમનો જીવ લેવા ટાંપી રહેલા તેમના શત્રુઓના હાથમાં તેમને સોંપી દઇશ. અને તેમનાં શબ આકાશનાં પંખી અને જમીનનાં પશુઓ ખાશે. 21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે એ જેઓ તેઓનો સંહાર કરવા માંગે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સુપ્રત કરીશ. 22 હું હુકમ કરીશ, અને બાબિલના સૈન્યોને પાછા બોલાવીશ, તેઓ આ નગર પર હુમલો કરશે, એને જીતી લઇને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન ઉજ્જડ જગ્યા બનાવીશ.’” આ યહોવાના વચન છે.
નિષ્ઠાવાન રેખાબીઓ
35 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: 2 “રેખાબીઓ પાસે જઇને તેમને વાત કર, તેમને મંદિરના એક ઓરડામાં લઇ આવ અને તેઓને પીવા માટે દ્રાક્ષારસ આપ.”
3 આથી હું હબાસીન્યાના પુત્ર યર્મિયાના પુત્ર યાઅઝાન્યાને તથા તેના સર્વ ભાઇઓ અને પુત્રોને એટલે કે રેખાબીના સર્વ કુટુંબોના પ્રતિનિધિઓને મળવા ગયો. 4 મંદિરમાં તેઓને ગદાલ્યાના પુત્ર હનાન પ્રબોધકના પુત્રોને આપવામાં આવેલા ઓરડામાં લઇ આવ્યો. આ ઓરડો મહેલના અધિકારીના ઓરડા પાસે તથા મંદિરના દરવાન શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડાની બરોબર પર હતો. 5 પછી મેં તેઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને તે પીવા માટે આમંત્રણ આપ્યું.
6 પરંતુ તેઓએ કહ્યું, “ના, અમે દ્રાક્ષારસ પીતા નથી. કારણ કે અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા પુત્રો કોઇ કાળે દ્રાક્ષારસ પીશો નહિ; 7 વળી તેમણે અમને એમ પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવા નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમજ દ્રાક્ષાવાડીઓ રોપવી નહિ, તમારે એવી કોઇ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; તે પછી તમે આ ભૂમિમાં જ્યાં તમે વિદેશીઓ તરીકે રહો છો, લાંબા સમય સુધી જીવશો.’ 8 અમે આ સર્વ અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે કહ્યા પ્રમાણે કર્યુ છે. ત્યારથી અમે, અમારી પત્નીઓએ, અમારા પુત્રો કે પુત્રીઓ અને અમે પોતે કદી દ્રાક્ષારસ પીતા નથી. 9 અમે ઘરો બાંધ્યા નથી કે નથી રાખ્યા પોતાનાં ખેતરો કે નથી કરી અમે અનાજની વાવણી. 10 અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે, 11 પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઇ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ‘બાબિલવાસીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમારે યરૂશાલેમ ભાગી જવું.’ અને આમ અમે યરૂશાલેમમાં વસીએ છીએ.”
12 ત્યારબાદ યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: 13 ઇસ્રાએલના દેવ યહોવા કહે છે કે: “યહૂદિયા અને યરૂશાલેમમાં જઇને કહે કે, શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?” આ યહોવાના વચન છે. 14 “રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઇ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતા નથી કે આધીન પણ થતાં નથી. 15 મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો. તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ, ને મારું સાંભળ્યું નહિ. 16 રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથીં.”
17 અને તેથી હું કહું છું: “મેં જે જે આફતોની ધમકી આપી છે તે બધી હું યહૂદિયા અને યરૂશાલેમના વતનીઓ પર ઉતારીશ. કારણ, મેં તેમને કહ્યું ત્યારે તેમણે સાંભળ્યું નહિ, અને મેં તેમને હાંકલ કરી ત્યારે તેમણે મને જવાબ ન આપ્યો.” આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
18 પછી યર્મિયાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે કે, ‘તમે તમારા પિતૃઓ યોનાદાબની આજ્ઞા માની છે, તથા તેની સર્વ આજ્ઞાઓનું પાલન કર્યું છે, અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે;’ 19 માટે સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનારની ખોટ તને કદી પડશે નહિ.’”
રાજા યહોયાકીમે યર્મિયાના ઓળિયાને બાળ્યું
36 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાનું આ વચન યર્મિયાની પાસે આવ્યું. 2 “યોશિયાના શાસનમાં જ્યારે હું તારી સાથે પહેલી વાર બોલ્યો હતો ત્યારથી માંડીને આજસુધી મેં તને ઇસ્રાએલ અને યહૂદિયા તેમજ બીજી પ્રજાઓ વિષે જે જે કઇં કહ્યું હતું તે બધું એક ઓળિયું લઇને તેના પર લખી નાંખ. 3 કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ જાણવા પામે અને ખોટે રસ્તે જવાનું છોડી દે, તો હું તેમનાં દુષ્કૃત્યો અને પાપ માફ કરું.”
4 તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારૂખે બધા ભવિષ્યવચનો લખ્યાં. 5 ત્યારબાદ યર્મિયાએ બારૂખને આ પ્રમાણે કહ્યું, “મને યહોવાના મંદિરમાં જવાનો નિષેધ છે. 6 માટે, તું ચોક્કસ જા અને મે તને જે યહોવાના વચનો લખાવ્યા છે તેને તું, એ બધા લોકોની સામે જે ઉપવાસના દિવસે મંદિરમાં આવ્યાં છે. તેની સામે વાંચ, ઉપરાંત તારે યહૂદિયાના સર્વ લોકો જેઓ પોતાના ગામમાંથી આવ્યા છે તેમની સામે પણ જરૂર વાંચવું. 7 કદાચ તે લોકો યહોવાને આજીજી કરે અને ખોટે માર્ગેથી પાછા વળે; કારણ, યહોવાએ એ લોકોને ભારે રોષ ને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.” 8 યર્મિયાએ કહ્યું હતું તે મુજબ નેરિયાના પુત્ર બારૂખે કર્યું અને મંદિરમાં લોકોની આગળ સર્વ સંદેશાઓ વાંચી સંભળાવ્યાં.
9-10 યોશિયાના પુત્ર યહોયાકીમ રાજાના અમલ દરમિયાન પાંચમા વર્ષે નવમા મહિનામાં યરૂશાલેમના બધા લોકોએ તેમજ યહૂદિયાનાં ગામોમાંથી ત્યાં આવેલા બધા માણસોએ યહોવા સમક્ષ ઉપવાસ પાળ્યો. એ વખતે યહોવાના મંદિરમાં બધા લોકોના સાંભળતા બારૂખે યર્મિયાના વચનો વાંચી સંભળાવ્યાં. શાફાન ચિટનીસના પુત્ર ગમાર્યાના ઓરડામાંથી તેણે આ વચનો વાંચી સંભળાવ્યાં, એ ઓરડો મંદિરના નવા દરવાજાના ઓટલા આગળ ઉપલા ચોકમાં આવેલો હતો.
11 શાફાનના પુત્ર ગમાર્યાના પુત્ર મીખાયાએ યહોવા તરફથી આવેલા આ સંદેશાઓ સાંભળ્યાં. 12 ત્યારે તે નીચે ઊતરીને મહેલનાં વહીવટી સભાખંડમાં ગયો. અલીશામા મંત્રી ત્યાં હાજર હતો. અને તેની સાથે શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા તથા બીજા બધા અમલદારો પણ ત્યાં હાજર હતાં. 13 બારૂખ લોકોની સમક્ષ વાંચતો હતો તે સંદેશાઓ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યું.
14 પછી અમલદારોએ કૂશીના પુત્ર, શેલેમ્યાના પુત્ર, નથાન્યાના પુત્ર યેહૂદીને મોકલી બારૂખને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું લઇને અહીં આવ.”
15 તેથી બારૂખ ઓળિયું લઇને તેમની પાસે આવ્યો. તેમણે કહ્યું, “મહેરબાની કરીને બેસ અને એ ઓળિયું અમને વાંચી સંભળાવ.”
આથી બારૂખે તેમને તે વાંચી સંભળાવ્યું.
16 બારૂખે તેમની સામે જે વાંચન કર્યુ, તે જેવું તેઓએ સાંભળ્યું કે, તેઓ એકબીજાની સામે ભયથી જોવા લાગ્યા અને બારૂખને કહ્યું, “તેં જે બધું વાંચ્યું છે તેના વિષે આપણે જરૂર રાજાને જણાવવું જોઇએ.” 17 પરંતુ પહેલા તું અમને જણાવ કે, આ સંદેશાઓ તારી પાસે કેવી રીતે આવ્યા: “શું યર્મિયાએ પોતે આ સંદેશાઓ તને લખાવ્યા હતા?”
18 તેથી બારૂખે ખુલાસો કર્યો, “યર્મિયાએ મને શબ્દે શબ્દ લખાવ્યો અને મેં તે ઓળિયામાં શાહીથી લખી લીધો.”
19 પછી અધિકારીઓએ બારૂખને કહ્યું, “તું અને યર્મિયા ક્યાંક છુપાઇ જાઓ. તમે ક્યાં છો તે વિષે કોઇને પણ જાણ કરશો નહિ!”
20 ત્યારબાદ અધિકારીઓએ મંત્રી અલીશામાની ઓરડીમાં તે ઓળિયાને સંતાડી દીધું અને તેઓ રાજાને તેની વાત કરવા ગયા.
21 રાજાએ યેહૂદીને ઓળિયું લઇ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું મંત્રી અલીશામાની ઓરડીમાંથી લઇ આવ્યો અને રાજાને તે વાંચીને સંભળાવ્યું. તે વખતે બધા અમલદારો રાજાની આજુબાજુ ઊભેલા હતા. 22 તે સમયે રાજા તેના મહેલના શિયાળું ખંડમાં બેઠા હતા. નવમો મહિનો ચાલતો હતો. તેની આગળ સગડીમાં લાકડા બળતાં હતાં. 23 યેહૂદી ત્રણચાર ફકરા વાંચી રહે એટલે રાજા લહિયાની છરીથી તેટલો ભાગ કાપી લઇ બળતા લાકડામાં નાખી દેતો. આમને આમ આખું ઓળિયું સગડીમાં હોમાઇ ગયું. 24 આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પશ્ચાતાપમાં કપડાં ફાડ્યાં;
25 જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને ટઓળિયું ન બાળવા કહ્યું હતું, પણ તેના પર ધ્યાન આપ્યું નહોતું. 26 પછી રાજાએ બારૂખ તથા યર્મિયાને પકડવા માટે યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાએ તેઓને સંતાડી રાખ્યા હતા.
27 રાજાએ ઓળિયાને બાળી નાખ્યું, પછી યહોવાએ યર્મિયાને કહ્યું:
28 “બીજું ઓળિયું લઇને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાના ઓળિયામાં જે લખ્યું હતું તે બધું લખી કાઢ. 29 અને યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે, ‘આ યહોવાના વચન છે: “તે પોતે આ ઓળિયું બાળીને યર્મિયાને એમ કહીને ઠપકો આપ્યો છે કે, તું આવું તો કેવી રીતે કહી શકે કે, બાબિલનો રાજા આ દેશમાં ચોક્કસપણે આવી જે અહીંના માણસોનો અને પશુઓનો સંહાર કરી નાખશે?” 30 આથી હું યહોવા તને કહું છું કે તારા પછી દાઉદની ગાદીએ બેસનાર કોઇ વંશજ તારો રહેશે નહિ, અને તારું શબ દિવસના બળબળતા તાપમાં અને રાત્રીની કડકડતી ઠંડીમાં બહાર ફેકી દેવામા આવશે. 31 હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેમનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ, અને તમારા પર, યરૂશાલેમના વતનીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે જે અનિષ્ટ લાવવાની ધમકી આપી હતી તે તમારી પર અવશ્ય ત્રાટકશે, મેં તેઓને ધમકી આપી હતી પણ તેમણે સાંભળ્યું નહિ.’”
32 ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના પુત્ર બારૂખ લહિયાને લખવા આપ્યું. પછી પહેલાં લખાયું હતું તે સર્વ તેણે બારૂખને ફરીથી લખાવ્યું, પરંતુ આ વખતે યહોવાએ તેમાં ઘણાં વચનો ઉમેર્યા.
આપણું તારણ નિયમ કરતાં મહાન છે
2 આથી આપણને જે કઈ સત્ય શીખવવામાં આવ્યું છે તેના તરફ ખૂબજ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ જેથી આપણે સત્યના માર્ગથી દૂર ફંટાઇ ન જઇએ. 2 દેવે દૂતો દ્ધારા જે શિક્ષણ આપ્યું તે સત્ય કરી બતાવ્યું હતું. અને દરેક વખતે જ્યારે યહૂદિ લોકો આ શિક્ષણની વિરૂદ્ધમા કંઈક કરતા તો તેમને આજ્ઞાભંગ માટે શિક્ષા કરવામાં આવતી હતી. 3 જે તારણ આપણને આપવામાં આવેલું છે તે અતિ મહાન છે તેથી ખાતરી પૂર્વકની વાત છે કે જો આપણે પણ તારણની ઉપેક્ષા કરીશું તો આપણને પણ શિક્ષા થશે. પ્રભુએ પોતે લોકોને પ્રથમ તારણની વાત કરી. અને જેમણે તેનું સાંભળ્યું તેમણે એ સાક્ષી પૂરી કે આ તારણ તે સાચું તારણ છે. 4 દેવે પોતે પણ આ સત્યતાને, ચિહ્રનો, અદભૂત કૃત્યો, જુદા જુદા ચમત્કારો અને ભેટો વડે પ્રમાણિત કરી છે, અને તેની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્મા તરફથી દાન મેળવીને સાક્ષી આપતો રહ્યો છે.
તેઓને તારવા ખ્રિસ્તે માનવદેહ ધારણ કર્યો
5 નવી દુનિયા જે આવી રહી હતી તેના ઉપર શાસન કરવા દેવે દૂતોને પસંદ કર્યા નહિ. આપણે જે ભવિષ્યની દુનિયાની વાત કરીએ છીએ તે આ દુનિયા છે. 6 તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે,
“હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે?
મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે?
શું તે એટલો બધો અગત્યનો છે?
7 થોડા સમય માટે તેં તેને દૂતો કરતાં ઊતરતો ગણ્યો છે.
તેં તેને ગૌરવ તથા માનનો મુગટ આપ્યો છે. અને તારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8 સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” (A)
તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી. 9 થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો.
10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.
11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી. 12 ઈસુ કહે છે,
“હે દેવ, હું મારા ભાઈઓ અને બહેનોને તારા વિષે કહીશ.
તારા સર્વ લોકો આગળ હું તારાં સ્તોત્રો ગાઇશ.” (B)
13 તે એમ પણ કહે છે,
“હું દેવ પર ભરોસો રાખીશ” (C)
અને તે કહે છે,
“દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.” (D)
14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે. 15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે. 16 એ સ્પષ્ટ છે કે ઈસુ દૂતોને નહિ, પરંતુ મનુષ્યો જે ઇબ્રાહિમનાં[a] સંતાનો છે તેમને મદદ કરે છે. 17 આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International