Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 27-29

યહોવાએ નબૂખાદનેસ્સારને શાસનકર્તા બનાવ્યો

27 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાની કારકિદીર્ના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાની પાસેથી આવ્યું, “યહોવાએ મને કહ્યું, તું તારે માટે ઝૂંસરી જોડતર બનાવ અને તે તારી ડોક પર મૂક, જેમ ખેતર ખેડતા બળદની ડોક પર હોય છે. ત્યારબાદ અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને યહૂદિયાના રાજા સિદકિયાના દરબારમાં આવેલા તેના એલચીઓ મારફતે સંદેશા મોકલ: તેઓને કહે કે, ‘તમે જઇને તમારા માલિકોને કહો કે, સૈન્યોનો દેવ યહોવા ઇસ્રાએલના દેવે આ સંદેશો તમને મોકલાવ્યો છે, મેં પોતે જ મહાન સાર્મથ્ય અને શકિતથી પૃથ્વીને અને એના પર વસતાં માણસો અને પશુઓને સર્જ્યા છે, અને હું ચાહું તેને તે આપી દઇ શકું છું. તેથી હવે તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી જંગલી પશુઓ પણ તેની સેવા કરે તેવું મેં ઠરાવ્યું છે. બધી પ્રજાઓ તેના અને તેના પુત્રના અને પૌત્રના તાબામાં રહેશે, અને અંતે જ્યારે તેના દેશનો વારો આવશે ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેને તાબે કરશે; તેને આધીન થાઓ અને તેની સેવા કરો.

“‘બળવાન પ્રજા અને રાજ્ય, બાબિલની ઝૂંસરી નીચે તમારી ગરદન મૂકો! જે કોઇ પ્રજા તેના ગુલામ બનવા ના પાડશે તેને હું શિક્ષા કરીશ. તે પ્રજા પર હું યુદ્ધ, દુકાળ અને મરકી મોકલીશ જેથી અંતે તે બાબિલના હાથમાં સોંપાઇ જાય. માટે તમારા પ્રબોધકો, જોશીઓ, ભૂવાઓ અને જાદુટોણા કરનારાઓ જેઓ તમને કહે કે, તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ, તો તેની તરફ ધ્યાન ના આપશો. 10 કેમકે તેઓએ તમને જૂંઠુ કહ્યું છે, જો તમે તેમની સલાહ માનશો અને બાબિલના રાજાના શરણે નહિ જાવ તો તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢવામાં આવશે. હા, હું તમારો પીછો પકડીશ. અને તમે નાશ પામશો.

11 “‘પણ જો કોઇ પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી આગળ ગરદન ઝુકાવી દેશે, તો હું તેને પોતાની ભૂમિમાં સુખથી રહેવા દઇશ. તેઓ ત્યાં ખેતી કરશે અને વસસે.’” આ યહોવાના વચન છે.

12 યહૂદિયાના રાજા સિદકિયાને આ બધી બાબતો મે કહી, મેં કહ્યું, “તમે બાબિલના રાજાને શરણે જાવ, જેથી તમે જીવતા રહેશો. 13 તારે તથા તારી પ્રજાએ યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી શા માટે મરવું જોઇએ? જે કોઇ પ્રજા બાબિલના રાજાની તાબેદારી ન સ્વીકારે તેની યહોવાએ આ દશા કરવાની ધમકી આપેલી છે.

14 “તેણે કહ્યું છે, ‘પ્રબોધકોની વાત ના સાંભળશો, જેઓએ તમને કહ્યું છે કે, તમારે બાબિલના રાજાની સેવા ન કરવી, કારણ કે તેઓ જૂઠા છે. 15 મેં તેમને મોકલ્યા નહોતા. તેઓ મારા નામે તમને જૂઠાણા કહે છે. જો તમે તેઓનું સાંભળ્યા કરશો તો હું તમને આ દેશમાંથી હાંકી કાઢીશ, અને તમે આ ખોટું ભવિષ્ય ભાખનારા પ્રબોધકો સાથે નાશ પામશો.’”

16 ત્યારબાદ મેં યાજકોને અને બધા લોકોને આ પ્રમાણે કહ્યું, “આ યહોવાના વચન છે: જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાના મંદિરની સાધનસામગ્રી થોડા જ વખતમાં બાબિલમાંથી પાછી લાવવામાં આવશે તેમની વાત સાંભળશો નહિ.’ તેઓ તમને જૂઠું કહે છે; 17 તે લોકોનું કહેવું તમે સાંભળશો નહિ. બાબિલના રાજાની શરણાગતિ સ્વીકારો જેથી તમે જીવતા રહેશો, શા માટે આખું શહેર નાશ પામે? 18 જો તેઓ સાચા યહોવાના પ્રબોધકો હોય, જો તેઓ મારી વાણી ઉચ્ચારતા હોય, તો તેમણે અત્યારે મારી સૈન્યોના દેવ યહોવાની એવી પ્રાર્થના કરવી કે, મંદિરમાં અને યહૂદિયાના રાજમહેલમાં અને યરૂશાલેમમાં બાકી રહેલી સાધનસામગ્રી બાબિલ ચાલી ન જાય.

19 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તથા યહૂદિયાના તેમ જ યરૂશાલેમના સર્વ કુલીન લોકોને યરૂશાલેમમાંથી બાબિલમાં બંદીવાસમાં લઇ ગયો. 20 ત્યારે મંદિરની સામેનો સ્તંભ, મંદિરના આંગણામાંનો પિત્તળનો મોટો હોજ, ધાતુના પાયા અને ક્રિયાકાંડ માટેના પાત્રો તે લઇ ગયો નહોતો. 21 જે પાત્રો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરૂશાલેમમાં હજુ રહેલા છે, તેના વિષે હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, આમ કહું છું; 22 તે સર્વ ખજાનો બાબિલ લઇ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. ત્યાર પછી હું તે સર્વ ખજાનાને ફરીથી યરૂશાલેમ લાવીશ.”

જુઠો પ્રબોધક હનાન્યા

28 તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં ચોથા વર્ષનાં પાંચમા મહિનામાં ગિબયોનના વતની આઝઝુરના પુત્ર પ્રબોધક હનાન્યાએ યહોવાના મંદિરમાં, યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું, “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે. બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરની જે સાધન-સામગ્રી બાબિલ લઇ ગયો હતો તે બધી અહીં પાછી લાવીશ. તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તેમ જ બાબિલમાં દેશવટે ગયેલા યહૂદિયાના બધા લોકોને પાછા લાવીશ, કારણ, હું બાબિલના રાજાની સત્તા તોડી નાખીશ.’” આ યહોવાના વચન છે.

ત્યારબાદ પ્રબોધક યર્મિયાએ મંદિરમાં યાજકો અને બધા લોકો સમક્ષ પ્રબોધક હનાન્યાને જવાબ આપ્યો: “આમીન! યહોવા એ પ્રમાણે કરો. તમે જે વચનો ઉચ્ચાર્યા છે તેને તો તમે સાચાં પાડો અને મંદિરની બધી સાધન-સામગ્રી અને દેશવટે ગયેલા બધા લોકોને તે બાબિલથી ફરી અહીં લઇ આવો.

“તેમ છતાં મારે તને અને આ સૌ લોકોને જે કહેવાનું છે તે સાંભળો. તારા અને મારા પહેલાં થઇ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ અનેક દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને હંમેશા યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ચેતવણી આપી હતી. જ્યારે પણ કોઇ પ્રબોધક સુખશાંતિની આગાહી કરે છે અને તેનાં શબ્દો સાચાં પડે છે, ત્યારે ખાતરી થાય છે કે યહોવાએ તેને મોકલ્યો છે.”

10 પછી પ્રબોધક હનાન્યાએ યર્મિયાની ડોક પર મૂકેલી ઝૂંસરી લઇ લીધી અને તેને ભાંગી નાખી. 11 તેણે બધા લોકો સમક્ષ કહ્યું, “આ યહોવાના વચન છે; ‘આ જ રીતે આજથી બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ડોક પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ.’”

એ પછી યર્મિયા મંદિરમાંથી ચાલ્યો ગયો.

12 ત્યારબાદ તરત જ યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો. 13 “તું હનાન્યા પાસે જઇને તેને કહે કે, ‘યહોવા કહે છે, તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું એની જગ્યાએ લોઢાની ઝૂંસરીઓ મુકીશ. 14 હા મેં આ બધી પ્રજાઓની ડોક પર લોઢાની ઝૂંસરી મૂકી છે અને તેઓ બાબિલના રાજા નબૂખાદનેસ્સારના તાબામાં છે. તેઓ તેની આજ્ઞા માનશે. આ હુકમને કોઇ બદલી શકશે નહિ, એમ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવા કહે છે, જંગલી પશુઓ પણ નબૂખાદનેસ્સારનું દાસત્વ સ્વીકારશે.’”

15 ત્યારબાદ યર્મિયાએ પ્રબોધકને કહ્યું, “સાંભળ હનાન્યા, યહોવાએ તને મોકલ્યો નથી, અને તારે કારણે આ લોકો જૂઠાણામાં માને છે, 16 તેથી આ એ છે, જે યહોવા કહે છે, ‘હું પૃથ્વીના નકશા પરથી તારું નામોનિશાન મીટાવી દઇશ. આ વર્ષના અંત પહેલા તું મૃત્યુ પામીશ. કારણ કે તે જ લોકો પાસે દેવની આજ્ઞાનો અનાદર કરાવ્યો છે.’”

17 અને સાચે બન્યું પણ એમ જ. પ્રબોધક હનાન્યા તે જ વર્ષે સાતમા મહિનામાં મૃત્યુ પામ્યો.

બાબિલમાં નિર્વાસિતો પર યર્મિયાનો પત્ર

29 યકોન્યા રાજા, રાજમાતા, રાજ્યના અધિકારીઓ, કુળોના આગેવાનો અને કુશળ કારીગરોને બાબિલમાં બંદીવાન તરીકે નબૂખાદનેસ્સાર લઇ ગયો. ત્યારે બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરૂશાલેમમાંથી બાબિલમાં લઇ ગયો હતો. તે બધાની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલઆસાહ તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો પુત્ર ગમાર્યા, તે બંનેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે:

યરૂશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં તેમણે મોકલેલા સર્વ પર સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ તરફથી આ સંદેશો છે: “તમે ઘર બાંધો અને ઠરીઠામ થઇને રહો, દ્રાક્ષાનીવાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ, કારણ કે તમે ત્યાં ઘણાં વર્ષો સુધી રહેવાના છો. તમે પરણો અને પ્રજા પેદા કરો. પછી તમારાં છોકરાં-છોકરીઓને પરણાવો. જેથી તેઓ પણ પ્રજા પેદા કરે. તમારે તમારી સંખ્યા વધારવાની છે, ઘટવા દેવાની નથી. તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમારો દેશનિકાલ કર્યો છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.” હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ, કારણ, એ લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેમને મોકલ્યા નથી,” એમ યહોવા કહે છે.

10 સત્ય તો આ છે: “તમે 70 વર્ષ બાબિલમાં રહેશો, પરંતુ ત્યાર પછી હું યહોવા આવીશ અને મેં આપેલા વચન પ્રમાણે સર્વ સારી બાબતો હું તમારે માટે કરીશ અને તમને ફરીથી યરૂશાલેમમાં પાછા લાવીશ. 11 તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. 12 તે સમય દરમિયાન તમે મારી પાસે આવીને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ. 13 તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” 14 યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું.

15 “પણ જે જૂઠાં પ્રબોધકો તમારી મધ્યે છે, તેઓનો તમે સ્વીકાર કરો છો અને કહો છો કે યહોવાએ તેમને મોકલ્યા છે.” 16 દાઉદની ગાદી પર બેસનાર રાજાને વિષે અને આ શહેરમાં વસતાં સૌ લોકો વિષે, તમારા જે દેશબંધુઓ તમારી સાથે દેશવટે નહોતા આવ્યા તેમને વિષે સૈન્યોનો દેવ યહોવાએ આ પ્રમાણે કહેલું છે: 17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “એ લોકોને હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાનો ભોગ બનાવીશ; હું એમને ખાઇ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઇશ. 18 હું, યુદ્ધ, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને તેઓની એવી દશા કરીશ કે, સમગ્ર દુનિયાના લોકો તે જોઇને ધ્રૂજી ઊઠશે. અને મેં તેમને જે જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા છે તે પ્રજાઓમાં એ લોકોની નામોશી અને હાંસી થશે અને તેમનું નામ શાપરૂપ લેખાશે. 19 આ બધું એટલા માટે બન્યું છે કે મારા પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળવાની ના પાડી દીધી.” આ યહોવાના વચન છે. 20 “અને તમે બધાં યહૂદિયાના બંધકો-જેને મેં યરૂશાલેમથી બાબિલ મોકલ્યાં હતાં, દેવના વચનો સાંભળો તેથી બાબિલમાં બંદીવાન થયેલા તમે સર્વ યહૂદીઓ, યહોવાના વચનો સાંભળો.”

21 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે: “કોલાયાનો પુત્ર આહાબ, અને માઅસેયાનો પુત્ર સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે પ્રબોધ્યા હતાં તેમના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને નબૂખાદનેસ્સારના હાથમાં સુપ્રત કરું છું. 22 યહૂદિયાથી બાબિલ દેશવટે ગયેલા બધા માણસો કોઇ શાપ આપવા માગતા હશે ત્યારે એમ કહીને આપશે કે, ‘યહોવા તારા હાલ સિદકિયા અને આહાબ જેવા કરો, જેમને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા હતા.’ 23 કારણ કે આ માણસોએ મારા લોકો મધ્યે ભયંકર કૃત્યો કર્યા છે. તેઓએ પોતાના પડોશીઓની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે, અને મારા નામે જૂંઠાણું પ્રગટ કર્યું જે મેં તેમને કહેવા માટે હુકમ કર્યો નહોતો. હું જાણું છું કેમ કે તેઓનાં સર્વ કૃત્યો મેં જોયાં છે.” આ યહોવાના વચન છે.

શમાયાને દેવનો સંદેશ

24 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાએ નેહેલામીના શમાયા વિષે યર્મિયાને એક સંદેશો આપ્યો. 25 “જ્યારે તમે પોતે જ યરૂશાલેમના બધાં લોકોને આ પત્ર તમારા પોતાના નામે મોકલ્યા, અને માઅસેયાના પુત્ર સફાન્યા અને બધા યાજકોને કહ્યું, 26 ‘યહોવાએ તમને યાજક તરીકે યાજક યહોયાદાને સ્થાને નીમ્યા છે, અને મંદિરના અધિકારી તરીકે જે કોઇ ગાંડો માણસ પોતાને પ્રબોધક તરીકે ખપાવતો હોય તેને સજા કરવાના માંચડામાં મૂકવાની ફરજ આવી છે. 27 તો પછી અનાથોથના યર્મિયા જે તમારી આગળ પોતાને પ્રબોધક તરીકે ખપાવવાનો પ્રયત્ન કરે છે, તેને ઠપકો કેમ નથી આપતા? 28 કારણ કે બાબિલમાં અહીં તેણે અમારા પર લખ્યું છે કે, અમારો બંદીવાસ લાંબા સમય સુધી ચાલશે. એણે અમને ઘર બનાવી અહીં રહેવાનું કહ્યું અને વાડીઓ રોપીને તેના ફળોનો આનંદ માણવા કહ્યુ.’”

29 યાજક સફાન્યા તે પત્ર લઇને યર્મિયા પાસે આવ્યો અને તેને તે વાંચી સંભળાવ્યો. 30 ત્યારે યહોવાએ યર્મિયાને આ વાણી સંભળાવી: 31 “બધા લોકોને જેમનો દેશ નિકાલ કર્યો છે એમને આ સંદેશો મોકલજે: નેહેલામીના શમાયા વિષે યહોવા આ પ્રમાણે કહે છે: ‘શમાયાએ મારા મોકલ્યા વગર તમને વાણી સંભળાવી છે અને તમે બધાં તેના જૂઠાણાને માનવા લાગ્યા છો. 32 માટે હું તેને તથા તેના પરિવારને શિક્ષા કરીશ, મારા લોકો માટે જે સારી બાબતો મેં રાખી મૂકી છે, તે તેના વંશજો જોવા પામશે નહિ, કારણ કે તેણે તમને યહોવાની વિરુદ્ધ બંડ કરવાનું શીખવ્યું છે.’” આ હું યહોવા બોલું છું.

તિતસ 3

જીવન જીવવાનો સાચો માર્ગ

તું લોકોને કહે કે તેઓ હંમેશા આ બાબતો યાદ રાખે: રાજસત્તાને અને અધિકારીઓની સત્તા હેઠળ રહેવું; એ અધિકારીઓની આજ્ઞા પાળવી અને દરેક સારી વસ્તુ કરવા તત્પર રહેવું; કોઈ પણ વ્યક્તિના વિષે ખરાબ ન બોલવું; બીજા લોકો સાથે શાંતિથી રહેવું; બીજા લોકો સાથે વિનમ્ર થવું; અને તેઓની સાથે માયાળુ થવું. બીજા લોકો સાથે દયાળુ બનવું. બધા લોકોની સાથે આવો વ્યવહાર કરવાનું તું વિશ્વાસીઓને કહે.

ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા. પરંતુ ત્યારબાદ દેવ આપણા તારનારની દયા અને પ્રેમ સૌને પ્રગટ થયાં. તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે. આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવે એ પવિત્ર આત્મા આપણા ઉપર પુષ્કળ રેડયો છે. આમ, દેવની કૃપા વડે જ આપણે ન્યાયી થયા. અને દેવે આપણને આત્મા આપ્યો જેથી આપણને અનંતજીવન મળે. આપણે એની જ તો આશા રાખીએ છીએ. આ વાત સાચી છે.

આ બધી બાબતો લોકો સમજે એની તું ખાતરી કર એમ હું ઈચ્છું છું. તો જ દેવમાં વિશ્વાસ કરનારા લોકો સારા કાર્યો કરવા માટે પોતાના જીવનને સમર્પિત કરશે. આ બધી વાતો સારી છે, અને સૌ લોકોને મદદરુંપ થશે.

એવા લોકોથી દૂર રહેજે જે મૂર્ખાઈભરી દલીલો કરતા હોય, જે લોકો નકામી વંશાવળીઓની વાતો કર્યા કરતા હોય, જે લોકો મૂસાના નિમયશાસ્ત્રના ઉપદેશ વિષે મુશ્કેલીઓ ઊભી કરીને ઝધડતા હોય. આ બાબતો નકામી છે અને તે લોકોને સહાયરુંપ નહિ થાય. 10 જો કોઈ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ માગતી હોય, તો તું એને ચેતવણી આપ. જો એ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ ચાલુ રાખે, તો ફરી એક વાર એને ચેતવજે. તેમ છતાં જો તે દલીલબાજી કરવાનું કારણ ચાલુ જ રાખે, તો તે માણસ સાથે કોઈ સંબંધ રાખતો નહિ. 11 તું જાણે છે કે એવી વ્યક્તિ દુષ્ટ અને પાપી હોય છે. તેનાં પાપ જ સાબિત કરે છે કે તે ખોટો છે.

યાદ રાખવા જેવી કેટલીક બાબતો

12 હું આર્તિમાસ અને તુખિકસને તારી પાસે મોકલીશ. જ્યારે તેઓને હું ત્યાં મોકલું ત્યારે, તું નિકોપુલિસમાં મારી પાસે આવવાનો પ્રયત્ન કરજે. આ શિયાળા દરમ્યાન ત્યાં રહેવાનું મેં નક્કી કર્યુ છે. 13 ત્યાંથી ઝેનાસ શાસ્ત્રી અને અપોલોસ પ્રવાસ કરવાના છે. તારાથી થઈ શકે એટલી બધીજ મદદ તું એમના પ્રવાસ માટે કરજે. જરુંર હોય એવી દરેક વસ્તુ એમને મળી રહે એની તું ખાતરી કરજે. 14 આપણા લોકોએ સારા કામો કરવા માટે તેમના જીવનનો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. જે લોકોને જરુંર હોય એવાનું તેઓએ ભલું કરવું જોઈએ. તે પછી તે લોકોના જીવન નકામા નહિ રહે.

15 અહીં મારી સાથેના બધા લોકો તને ક્ષેમકુશળ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ રાખે છે તેમને તું ક્ષેમકુશળ કહેજે.

તમ સર્વ પર કૃપા થાઓ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International