Chronological
દાનિયેલને થયેલ સંદર્શન
7 બાબિલના રાજા બેલ્શાસ્સારના રાજ્યશાસનના પ્રથમ વર્ષ દરમ્યાન દાનિયેલ સૂતો હતો ત્યારે, એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું અને તેણે મનચક્ષુથી અનેક સંદર્શનો જોયાં. પછી તેણે તે સ્વપ્ન લખી નાખ્યું. તેણે જે જોયું તે આ પ્રમાણે છે: 2 “રાત્રે મને થયેલાં સંદર્શનમાં મેં જોયું તો, સ્વર્ગના ચાર પવનો મોટા સમુદ્રને (ભૂમધ્ય સમુદ્રને) હલાવી રહ્યાં હતાં. 3 ત્યારબાદ એકબીજાથી જુદાં ચાર મોટાં મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી બહાર નીકળ્યાં.
4 “પહેલું પ્રાણી સિંહ જેવું હતું, પણ તેને ગરૂડ જેવી પાંખો હતી, અને હું જોતો હતો કે, તેની પાંખો ખેંચી લેવામાં આવી જેથી તે ઊડી શકે નહિ. તેને બે પગ ઉપર માણસની જેમ જમીન પર ઊભું રાખવામાં આવ્યું. અને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું હતું.
5 “બીજું પ્રાણી રીંછ જેવું દેખાતું હતું. તે પંજો ઉપાડીને ત્રાટકવાની તૈયારી સાથે ઊભુ હતું. તેના દાંતોની વચ્ચે પણ ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊભો થા! ઘણાં માંસનો ભક્ષ કર!’
6 “આ વિચિત્ર પ્રાણીઓમાંનું ત્રીજું ચિત્તા જેવું પ્રાણી નજરે પડ્યું. તેની પીઠ પર પંખીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાઁ હતાં અને તેને શાસનની સત્તા સોંપવામાં આવી.
7 “પછી રાત્રે મેં મારા સંદર્શનમાં એક ચોથું પ્રાણી જોયું. તેનું વર્ણન થઇ ન શકે તેવું ભયાનક અને મજબૂત તે હતું. તે તેના શિકારને લોખંડના મોટા દાંત વડે ચીરીને ખાતું હતું. અને બીજાઓને પોતાના પગ નીચે કચડી નાખતું હતું. બીજા બધા પ્રાણીઓ કરતાં તે ઘણું જ વધારે ક્રુર અને ઘાતકી હતું અને તેને દશ શિંગડાં હતાં.
8 “હું તેના શિંગડાં જોતો હતો તેવામાં, મેં એક નાના શિંગડાને એ શિંગડા વચ્ચે ફૂટી નીકળતું જોયું અને તેને માટે જગ્યા કરવાને પહેલાના ત્રણને મૂળમાંથી ઉખાડી નાખવામાં આવ્યાં એ શિંગડામાં માણસની આંખો જેવી આંખો હતી અને મોટી મોટી બડાઇ હાંકતું મુખ હતું.
ચોથા પ્રાણીને ન્યાય
9 “હું જોઇ રહ્યો હતો ત્યારે, ત્યાં સિંહાસનો ગોઠવાઇ ગયાં
અને એક ખૂબ વૃદ્ધ માણસ તેના પર બેઠો હતો,
તેના વસ્ત્રો હિમ જેવા સફેદ
અને વાળ શુદ્ધ શ્વેત ઊન જેવા હતાં.
તેનું સિંહાસન અગ્નિની જવાળાઓ જેવું હતું.
અને તેના પૈડાં સળગતાં અગ્નિના હતાં.
10 તેની આગળથી ધગધગતા
અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો.
હજારો તેની સેવા કરતા હતા
અને કરોડો તેની સેવામાં ઉભા હતા.
ન્યાયસભા ભરાઇ
અને પુસ્તકો ખોલવામાં આવ્યાઁ.
11 “પેલું શિંગડું બડાઇની વાતો કરતું હતું. હું જોઇ રહ્યો હતો, એટલામાં એ પ્રાણીને મારી નાખવામા આવ્યું. તેના શરીરનો નાશ કરી સળગતા અગ્નિમાઁ નાખી દેવામાં આવ્યું. 12 બીજા પ્રાણીઓ પાસેથી શાસનની સત્તા લઇ લેવામાં આવી, પણ એમને અમુક સમય સુધી જીવતા રહેવા દેવામાં આવ્યાં.
13 “હજી રાતના હું સંદર્શનમાં જોતો હતો. મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ત્યાં આવતા મેં જોયા. તે વયોવૃદ્ધ પુરુષની નજીક ગયા અને તેમની સમક્ષ હાજર થયાં.
14 “તેને શાસનની સત્તા, ગૌરવ અને રાજ્યાધિકાર સોંપવામાં આવ્યાં, જેથી બધી ભાષાના અને દેશોના લોકો તેનું આધિપત્ય સ્વીકારે. તેની શાસનની સત્તા શાશ્વત છે, તે કદી લોપ ન પામે; તેમ તેનો રાજ્યાધિકાર એવો છે જે કદી નાશ ન પામે.
ચોથા પ્રાણીના સ્વપ્નનું ફળ
15 “હું દાનિયેલ, મેં જે જોયું તેનાથી મૂંઝવણમાં પડી ગયો અને ખૂબ વ્યાકુળ બની ગયો, તેનાથી હું ભયભીત થઇ ગયો. 16 એટલે મેં ત્યાં જેઓ ઊભા રહ્યાં હતા, તેઓમાંના એકની પાસે જઇને તેને પૂછયું કે, ‘આ બધાનો અર્થ શું?’ 17 તેણે મને એ બધી બાબતોનો અર્થ સમજાવતા કહ્યું: ‘આ ચાર વિશાળકાય પ્રાણીઓ ચાર રાજાઓ છે. તેઓ પૃથ્વી પર રાજ કરશે. 18 પણ તેઓ અંતે પરાત્પર દેવના સંતો સમગ્ર પૃથ્વી પર રાજ્ય મેળવશે અને સદા સર્વકાળ સુધી રાજ કરશે.’
19 “ત્યારપછી મેં ચોથા પ્રાણીનું રહસ્ય જાણવાની ઇચ્છા પ્રગટ કરી, જે બીજા બધા કરતાં જુદું હતું, જેને લોઢાના દાંત અને કાંસાના નહોર હતા, તેના હાથમાં જે આવે તેને તે ચીરી નાખતું અને ખાઇ જતું અને બાકી રહે તેને પગ તળે કચડી નાખતું હતું. 20 વળી મેં તેના માથા ઉપરના દશ શિંગડાં વિષે તેમજ જે બીજું શિંગડું ઊગી નીકળ્યું હતું, જેના આવવાથી ત્રણ શિંગડા પડી ગયા, જે શિંગડાને આંખો અને બડાશ મારતું મોઢું હતું અને જે બીજા શિંગડા કરતાં મોટું દેખાતું હતું, તેને વિષે પણ જાણવાની ઇચ્છા દર્શાવી. 21 હજી હું જોતો હતો, ત્યાં તો એ શિંગડું દેવના લોકોની વિરૂદ્ધ યુદ્ધ કરવા લાગ્યું. અને તેઓના ઉપર તેનો વિજય થતો જતો હતો. 22 અંતે પેલા ખૂબ વૃદ્ધ વ્યકિત આવ્યા અને પરાત્પર દેવના લોકોની તરફેણમાં ચુકાદો આપ્યો, અને સમય આવ્યો અને સંતોને રાજ્ય પ્રાપ્ત થયું.
23 “મને આ પ્રમાણે કહેવામાં આવ્યું, એ ચોથું પ્રાણી પૃથ્વી ઉપર ઉત્પન થનારું ચોથું રાજ્ય છે. એ બીજાં બધાં રાજ્યો કરતાં જુદું હશે. અને આખી પૃથ્વીને કોળીયો કરી જશે, તેને પગ તળે કચડશે અને છૂંદી નાખશે. 24 તેનાં દશ શિંગડાં દશ રાજાઓ છે, જે તેના રાજ્યમાંથી ઉત્પન્ન થશે. પછી પેલા દશ કરતાં વધારે ઘાતકી એવો એક રાજા ઊભો થશે અને તેઓમાંના ત્રણને પોતાને તાબે કરશે. 25 પછી તે પરાત્પર દેવની વિરૂદ્ધ બોલશે, અને પરાત્પરના પવિત્રોને હેરાન કરશે, અને ધામિર્ક ઉત્સવો દિવસોને અને નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશે. સંતોને એક વર્ષ માટે, બે વર્ષ માટે અને અડધા વર્ષ માટે તેના હાથમાં સોંપી દેવામાં આવશે.
26 “પરંતુ પછી ખૂબ વૃદ્ધ માણસ આવશે અને ન્યાય સભા મળશે અને આ અધમ રાજાની સર્વ સત્તાઓ તેની પાસેથી છીનવી લેવામાં આવશે. અને અંતે તેનો સંપૂર્ણ નાશ થશે. 27 આકાશ નીચેના બધાં રાજ્યોનો રાજ્યાધિકાર, શાસનની સત્તા, અને વૈભવ, પરાત્પરના પવિત્રોની પ્રજાને સોંપવામાં આવશે અને તેમનો રાજ્યાધિકાર કાયમી રાજ્યાધિકાર હશે અને બધાં જ રાજ્યો તેમનું આધિપત્ય સ્વીકારશે અને તેમની આજ્ઞામાં રહેશે.”
28 “અહીં એ સંદર્શનના વર્ણનનો અંત આવે છે. હું, દાનિયેલ, આ બધા વિચારોથી ખૂબ ફિક્કો અને ભયભીત થઇ ગયો. પણ મેં જે જોયું હતું, તે મેં કોઇને પણ કહ્યું નહિ, હૃદયમાં જ સંઘરી રાખ્યું.”
દાનિયેલને થયેલુ બીજું સંદર્શન
8 રાજા બેલ્શાસ્સારના રાજ્યકાળના ત્રીજા વર્ષે મને દાનિયેલને અગાઉ જે સંદર્શન થયું હતું, તેના જેવું બીજું સંદર્શન થયું. 2 સંદર્શનમાં મે જોયું તો, હું એલામ પ્રાંતમાં આવેલા શુશાન ગઢમાં હતો. હું ઉલાય નદીને કાંઠે ઊભો હતો. 3 મેં જોયું તો ઉલાય નદીને કિનારે એક મેંઢો ઊભેલો હતો. તેને બે શિંગડાં હતાં. એક શિંગડું મોટું હતું. અને મોટું શિંગડુ થોડીવાર પછી બીજા કરતા ઊંચુ થયું. 4 મેં એ મેંઢાને પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં શિંગડા મારતો જોયો. તેની આગળ કોઇ પ્રાણી ટકી શકે એમ નહોતું, અને એના પંજામાંથી કોઇ છોડાવી શકે એમ નહોતું. તે મરજીમાં આવે તેમ કરતો હતો અને અભિમાની બની ગયો હતો.
5 આનો અર્થ શો હશે તે હું વિચારતો હતો, એવામાં અચાનક પશ્ચિમમાંથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ઘસી આવ્યો. તેના પગ જમીનને અડકતા પણ નહોતા એ બકરાની આંખો વચ્ચે એક ભારે મોટું શિંગડું હતું. 6 પહેલા જે શિંગડાવાળા મેંઢાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે આવીને, તે તેના ઉપર પૂરા જોસથી ઘસી ગયો. 7 મેં તેને મેંઢાની પાસે આવતો જોયો. તે મેંઢા પર ક્રોધે ભરાયો હતો. તેણે પૂરા બળથી મેંઢા ઉપર હુમલો કર્યો અને તેના બંને શિંગડાં ભાંગી નાખ્યાં. મેંઢો બિલકુલ લાચાર બની ગયો. બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને પગ તળે કચડી નાખ્યો, કેમકે તેને બકરાથી બચાવનાર કોઇ જ ન હતું.
8 પછી એ બકરો ખૂબ જ અભિમાની બની ગયો, પણ તેનું બળ વધ્યું ત્યાં તેનું મોટું શિંગડું ભાંગી ગયું અને તેને ઠેકાણે ચાર દિશમાં ચાર મોટા શિંગડા ફૂટી નીકળ્યાં.
9 અને તે બધાંમાંથી એક નાનું શિગડું આવ્યું અને દક્ષિણ તરફ, પૂર્વ તરફ અને રળિયામણા દેશ તરફ તે ખૂબ વધી ગયું. 10 વધતું વધતું તે નક્ષત્રમંડળ સુધી પહોંચી ગયું. કેટલાક નક્ષત્રોને અને તારાઓને તેણે પૃથ્વી પર પટક્યાં અને પગ તળે કચડ્યાં. 11 તેણે પોતાને આકાશના સૈન્યના સરદાર જેટલો મહાન કર્યો અને તેની પાસેથી દરરોજનું અર્પણ લઇ લીધું અને તેના મંદિરને અપવિત્ર કર્યું. 12 બળવાને કારણે દૈંનિક અર્પણોની સાથે સૈન્ય પણ આપી દેવામાં આવ્યું; પરિણામે સત્યને જમીન પર ફેકી દેવામાં આવ્યું અને પોતાની મરજી મુજબ ર્વત્યું, ને નઠારૂ-ભૂંડાઇ વિજયી બની અને આબાદ થઇ.
13 પછી મેં એક પવિત્ર દેવદૂતને બોલતો સાંભળ્યો, બીજા પવિત્રે જે પહેલો બોલતો હતો તેને કહ્યું, “જ્યારે રોજીંદા અર્પણો શરૂ થશે, બળવો મંદિરની શરણાગતિ અને સૈન્યને કચડી નાખવાનું એ દ્રશ્યમાન થવાને કેટલો સમય લાગશે?”
14 પહેલાએ જવાબ આપ્યો, “2,300 સવારસાંજ સુધી, ત્યાર પછી મંદિરને પોતાના હક્કનું સ્થાન પાછું મળશે.”
દાનિયેલને સંદર્શન સમજાવવું
15 હું દાનિયેલ આ સંદર્શન જોતો હતો અને તેનો અર્થ સમજવા પ્રયત્ન કરતો હતો ત્યારે એકાએક જોઉં છું તો એક પુરુષ જેવી આકૃતિ મારી સામે ઊભી હતી. 16 મેં ઉલાય નદીને પેલે પારથી આ મનુષ્યનો અવાજ સાંભળ્યો, તેણે કહ્યું, “ગાબ્રિયેલ, દાનિયેલને આ સંદર્શનનો અર્થ સમજાવ.”
17 પછી ગાબ્રિયેલ મારી તરફ આવવા લાગ્યો, તે પાસે આવ્યો; ત્યારે હું એટલો ડરી ગયો કે, હું ઊભો રહી શક્યો નહિ અને ઊંધે મોઢે જમીન પર પડી ગયો. પરંતુ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, સમજી લે કે, આ સંદર્શન અંત કાળનું છે.”
18 એ જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર મૂછિર્ત થઇને પડ્યો હતો, પણ તેણે મને પકડીને હું જ્યાં પડ્યો હતો ત્યાં ઊભો કર્યો. 19 અને કહ્યું, “જો, હું તને જણાવું છું કે, દેવના ક્રોધને અંતે શું થવાનું છે; કારણ આ સંદર્શન અંતકાળ વિષે છે.
20 “તેઁ જોયેલાં બે શિંગડાવાળો મેંઢો, માદી અને ઇરાનના રાજાઓ છે. 21 અને પેલો બકરો જે લાંબા જાડા બરછટ વાળ વાળો છે, તે ગ્રીસનું રાષ્ટ છે, અને તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું ગ્રીસનો પહેલો રાજા છે. 22 તેં જોયું કે, એ શિંગડું ભાંગી ગયું અને તેની જગ્યાએ ચાર શિંગડાં ફૂટી નીકળ્યાં તેનો અર્થ એ છે કે, તેના વંશમાંથી ચાર રાજ્યો ઉદય પામશે, પણ તેમનામાં એના જેવું બળ નહિ હોય.
23 “તેઓના રાજ્યના અંતકાળે તેઓ નૈતિક રીતે અધ:પતન પામ્યા હશે ત્યારે મુત્સદ્દગીરીમાં કુશળ અને બાહોશ રાજા ઊભો થશે. 24 તે મહા બળવાન હશે અને ભારે વિનાશ નોતરશે. તે જે પણ કરશે, તેમાં તે સફળ થશે. તેની સામે થનારા શકિતશાળી સૈન્યોનો પણ તે નાશ કરશે અને દેવના લોકોને હિંસા દ્વારા નાશ કરશે.
25 “તે પોતાની કુશળતાને લીધે છેતરામણા કાર્યો દ્વારા વિજયી નીવડશે. તે પોતાના મનમાં બહું મહાન બની જશે અને ઘણા લોકોનો ચેતવણી વગર નાશ કરશે. તે પોતાને એટલો મહાન સમજશે કે, તે સરદારોના સરદારને પણ યુદ્ધમાં ઘસડી જશે. પણ આમ કરવામાં તે પોતાનો જ સર્વનાશ નોતરશે. પરંતુ કોઇનાય હાથ વગર તેનો નાશ થશે.
26 “સવાર અને સાંજના અર્પણોનું સંદર્શન જે વર્ણવ્યું છે તે સાચું છે; પરંતુ તું એ સંદર્શનને ગુપ્ત રાખજે, કારણકે તે સાચું પડે તે પહેલાં ઘણાં દિવસો પસાર થઇ જશે. અને તેની પહેલા જે થશે તે સાચું હશે.”
27 પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂછિર્ત થઇ ગયો અને ઘણા દિવસો બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજા પ્રત્યેની મારી ફરજો બજાવવા લાગ્યો; પરંતુ એ સંદર્શનથી હું અચંબો પામ્યો, અને હું તે સંદર્શન સમજી શકતો ન હતો.
પ્રજા માટે દાનિયેલની પ્રાર્થના
9 અહાશ્વેરોશનો પુત્ર માદીનો દાર્યાવેશ જે બાબિલ રાજ્યનો રાજા હતો, તેના પહેલા વર્ષમાં આ બનાવ બન્યો. 2 તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.
3 પછી હું ગંભીરતાથી દેવ તરફ પ્રાર્થના સાથે જાણવા માટે વળ્યો, અને ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને રાખના ઢગલા પર બેસીને, મેં સાચા હૃદયથી દેવ મારા માલિકની પ્રાર્થના કરી. 4 મેં દેવ યહોવાને પ્રાર્થના કરીને આપણા પાપોની કબૂલાત કરતા કહ્યું,
“હે યહોવા, હે મહાન અને ભયાવહ દેવ, તું તારા કરારને વળગી રહે છે, અને તારા ઉપર જેઓ પ્રેમ રાખે છે અને તારી આજ્ઞાઓનું જેઓ પાલન કરે છે તેમના ઉપર તું સદા કરૂણા રાખે છે.
5 “પરંતુ યહોવા અમે પાપ કર્યા છે, દુષ્ટ કૃત્યો કર્યા છે, તમારી સામે બળવો કર્યો છે, તમારી આજ્ઞાઓ અને તમારા હુકમોની ઉપેક્ષા કરી છે. 6 અમારા રાજાઓને, આગેવાનોને તથા અમારા વડવાઓને અને દેશના બધા લોકોને તારા નામે ઉપદેશ આપનાર તારા સેવકો પ્રબોધકોની વાત અમે કાને ધરી નથી.
7 “હે યહોવા, તમે તો વિશ્વાસી છો, પણ આજે શરમાવાનું તો અમારે છે-યહૂદાના માણસોને, યરૂશાલેમના બાકીના લોકોને અને દૂરના તથા નજીકના સર્વ ઇસ્રાએલીઓને અમે તમારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવડ્યા તેથી અનેક દેશોમાં તમે અમને વિખેરી નાખ્યાં.
8 “હે યહોવા, આ સર્વ દેશોમાં અમારે શરમાવાનું છે, અમારા રાજાઓને, આગેવાનોને અને અમારા વડવાઓને. કારણ, અમે બધાએ તમારી વિરૂદ્ધ પાપ કર્યા છે, અમે તમારા અપરાધી બન્યા છીએ.
9 “અમારા યહોવા દેવ, તમે તો દયાળુ છો અને ક્ષમા કરો છો, પણ અમે તમારી સામે બળવો પોકાર્યો છે. 10 હે યહોવા, અમારા દેવ, અમે તમારી વાણી માની નથી. તમારા સેવક પ્રબોધકો દ્વારા તમે અમને આપેલા સર્વ નિયમોનો અમે ભંગ કર્યો છે. 11 હા, સર્વ ઇસ્રાએલે તમારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. તેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભયાનક શાપ અમારા પર રેડી દેવામાં આવ્યો છે, કેમકે અમે તેની વિરૂદ્ધ પાપ કર્યુ છે.
12 “તમે અમને અને અમારા રાજ્યકર્તાઓને ચેતવણી આપ્યા પ્રમાણે જ કર્યું છે, અને યરૂશાલેમ પર અતિ ભારે આપત્તિ આવવા દીધી છે, પૃથ્વી પર બીજા કોઇ નગરમાં કદી એવી આપત્તિ આવી નથી. 13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા ઉપર ઊતરી છે, તેમ છતાં તમને, અમારા દેવ યહોવાને રીઝવવા અમે પ્રયત્ન કર્યો નથી; અમે પાપકૃત્યો છોડ્યાં નથી કે, અમે તમારા સત્યને માર્ગે ચાલ્યાં નથી. 14 હે અમારા દેવ યહોવા, તમે અમારા પર આફત ઉતારવાને રાહ જોઇને બેઠા હતા અને તમે તે ઉતારી પણ ખરી. તમે જે કઇં કર્યું છે તે બધું ન્યાયપૂર્વક કર્યું છે. કારણ, અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે.
15 “હે યહોવા, અમારા દેવ, તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને તમારું સાર્મથ્ય પ્રગટ કર્યું છે. તમારા નામનો મહિમા કર્યો છે. યહોવા ફરીથી એવું થવા દો! જો કે, અમે પુષ્કળ પાપ કર્યા છે અને અમે અધમતાથી ભરેલા છીએ. 16 હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે.
17 “માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો. 18 હે મારા દેવ, મારી અરજ તમારા કાને ધરો, ને સાંભળો અને આંખ ઉઘાડીને અમારી તારાજી ઉપર નજર કરો. અને તમારા નામે ઓળખાતી નગરી તરફ જુઓ, કારણ, અમે અમારા પુણ્યને બળે નહિ પણ તમારી અપાર કરુણાને બળે તમને વિનવણી કરીએ છીએ. 19 હે યહોવા, સાંભળો, હે યહોવા, ક્ષમા કરો, હે યહોવા, મારું સાંભળો અને કઇંક કરો. તમારા પોતાને માટે હે મારા દેવ, કારણકે તમારા લોકો અને તમારું નગર તમારા નામે ઓળખાય છે.”
70 સપ્તાહો વિષે સંદર્શન
20 હું આ પ્રમાણે પ્રાર્થના કરતો હતો, મારા અને મારા લોકો ઇસ્રાએલીઓના પાપની કબૂલાતો કરતો હતો અને મારા દેવ યહોવા સમક્ષ પવિત્ર પર્વત વતી વિનવણી કરતો હતો. 21 તે જ સમયે ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો. 22 તેણે મને કહ્યું, “દાનિયેલ, દેવના ભવિષ્યવચનો સમજવામાં તને મદદ કરવા હું અહીં આવ્યો છું. 23 તેઁ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એ જ ક્ષણે યહોવાએ તેનો ઉત્તર આપ્યો અને તે ઉત્તર તને કહેવા માટે હું અહીં આવ્યો છું. કારણકે દેવ તને પુષ્કળ ચાહે છે. હવે તું સાંભળ, અને તેઁ જોયેલા સંદર્શનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર!
24 “તમારા લોકો માટે અને તમારી નગરી માટે સિત્તેર અઠવાડિયાં નક્કી થયાં છે, જેમાં દુષ્કૃત્યો બંધ કરવાના છે, પાપનો અંત લાવવાનો છે, અપરાધોની સજા ભોગવવાની છે. અને સૌથી પવિત્રને સમર્પિત થવાનું છે.
25 “માટે હવે તું સાંભળ! યરૂશાલેમ ફરી બાંધવાની આજ્ઞા અપાઇ એ સમયથી નિયુકત કરેલો રાજકુમાર આવે ત્યાં સુધીનો સમય સાત અઠવાડિયાઁનો હશે. છતાં યરૂશાલેમની શેરીઓ તથા ભીતો બાસઠ અઠવાડિયાઁમાં ફરીથી બંધાશે. આ આપત્તિનો સમય હશે. 26 બાસઠ અઠવાડિયાઁ પછી એ અભિષિકતનો વધ કરવામાં આવશે અને કોઇ તેનો પક્ષ નહિ લે. એક સેનાપતિ સૈના સાથે આવીને નગરીનો અને મંદિરનો નાશ કરશે; એનો અંત અચાનક રેલની જેમ આવશે અને અંતીમ સુધી નિર્માયેલાં યુદ્ધ અને વિનાશ ચાલ્યા કરશે.
27 “એ સેનાપતિ અન્ય લોકો સાથે સાત દિવસનું કબૂલાતનામું બનાવશે, તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે; અને તે સમય દરમ્યાન વિનાશ નોતરશે, અને ધૃણાસ્પદ વસ્તુઓ કરશે. ત્યાં સુધી, જ્યારે અંતમાં યહોવાનો ચુકાદો તેની પર લાગુ કરવામાં આવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International