Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
હઝકિયેલ 38-39

ગોગની વિરુદ્ધ દેવવાણી

38 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, માગોગ દેશમાંના જરોશ, મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ તરફ તારું મુખ રાખ્ અને તેની વિરુદ્ધ પ્રબોધ કર. તેને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ, હું તારી સામે પડ્યો છું. હું તારા જડબામાં આંકડી નાખીને તને પાછો ફેરવીશ; તારા, ભભકાદાર વસ્ત્રો સજેલા ઘોડાને, શસ્ત્રસજ્જ ઘોડેસવારોને અને નાનીમોટી ઢાલોથી સજ્જ અને તરવાર ચલાવતી તારી સમગ્ર સેનાને ઘસડી જઇશ. એ સેનામાં ઇરાનના, કૂશના અને પૂટના માણસો છે અને તે બધા ઢાલ અને ટોપથી સજ્જ છે. તારી સાથે ગોમેર દેશની આખી સેના છે, છેક ઉત્તરના બેથ-તોગાર્માહની સમગ્ર સેના છે અને બીજી અનેક પ્રજાઓના માણસો પણ છે.

“‘હે ગોગ, તું તૈયાર રહેજે, તું તેઓનો સરદાર છે, સમગ્ર સેનાને તૈયાર રાખજે. લાંબા સમય પછી એવો વખત આવશે જ્યારે તને હાંકલ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું એવા દેશ પર ચઢાઇ કરીશ, જ્યાંના મોતમાંથી ઊગરી ગયેલા વતનીઓને જુદી જુદી પ્રજાઓમાંથી ફરી એકઠાં કરવામાં આવ્યાં હશે. લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ, જ્યાં લોકોને અનેક પ્રજાઓમાંથી ફરી એકઠા કરવામાં આવ્યાં હશે, લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ. જ્યાં અનેક પ્રજાઓમાંથી આવેલા લોકો શાંતિને સુરક્ષિત રીતે રહેતાં હશે. તું, તારી વિશાળ સેના તથા તારી સાથે લડનારી બીજી પ્રજાઓના લોકો વાવાઝોડાની જેમ આવી પહોંચી દેશમાં વાદળની જેમ છવાઇ જશો.’”

10 યહોવા મારા માલિક ગોગને કહે છે; “એ સમયે તારા મનમાં ભૂંડા વિચારો આવશે અને તું દુષ્ટ યોજના વિચારી કાઢશે. 11 તને થશે, ‘હું આ અરક્ષિત દેશ પર ચઢાઇ કરું અને એના દિવાલો કે દરવાજા કે લોખંડના સળીયા વગરના નગરોમાં અને ગામોમાં શાંતિ અને સલામતીમાં વસતા લોકો પર હુમલો કરું. 12 એકવાર ખંડિયેર થઇ ગયેલા એ નગરોમાં ઘણાં દેશોમાંથી પાછા ફરેલા બધાં ઇસ્રાએલી લોકો વસે છે. હવે તેઓ પાસે પુષ્કળ ઢોરઢાંખર અને વિપુલ સંપત્તિ છે. હવે તેઓ બીજી બધી જાતિઓના કેન્દ્ર સ્થાને છે. હું તેઓ પર હુમલો કરીશ અને ઢોરઢાંખર તથા મિલકત લૂંટી લઇશ અને ખૂબ લૂંટ ભેગી કરીને લઇ જઇશ.’

13 “શેબા અને દેદાનના લોકો તથા તાશીર્શના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી ઉપાડી જવા માટે અને ઢોરઢાંખર અને માલસામાન ઉઠાવી જવા અને ભારે સંપત્તિ લૂંટી જવા માટે સેના ભેગી કરી છે?’”

14 તેથી દેવ કહે છે, “હે મનુષ્યના પુત્ર, તું ગોગને મારી વાણી સંભળાવ, અને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘જે વખતે મારા લોકો ઇસ્રાએલીઓ શાંતિ અને સુરક્ષિત રીતે રહેતા હશે. 15 તું ઉત્તરના છેડામાં આવેલા તારા સ્થાનેથી અનેક પ્રજાઓમાંથી એકઠા કરેલા વિશાળ અને પરાક્રમી ઘોડેસવાર સૈન્યને લઇને આક્રમણ કરવા આવશે. 16 તું મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર ચઢી આવશે અને આખા દેશ ઉપર વાદળની જેમ છવાઇ જશે. હવે પછી હું તને મારા દેશ ઉપર ચઢાઇ કરવા માટે મોકલીશ, જેથી હે ગોગ, તારી મારફતે મેં બતાવેલો મારી પવિત્રતાનો પરચો જોઇને બધી પ્રજાઓ જાણે કે હું કોણ છું.’

17 “ભૂતકાળમાં મારા સેવકો ઇસ્રાએલના પ્રબોધકો મારફતે મેં જ્યારે એવી વાણી ઉચ્ચારાવી હતી કે, હું કોઇ પાસે ઇસ્રાએલ ઉપર હુમલો કરાવીશ, ત્યારે મારા મનમાં તું જ હતો.” આ યહોવા મારા માલિકના વચન છે.

18 યહોવા મારા માલિક કહે છે: “તે દિવસે, જ્યારે ગોગ ઇસ્રાએલ પર ચઢાઇ કરશે, ત્યારે મારો રોષ ભભૂકી ઊઠશે. 19 મારા પુણ્યપ્રકોપમાં અને મારા ક્રોધાજ્ઞિમાં હું પ્રતિજ્ઞા કરું છું કે, તે દિવસે ઇસ્રાએલમાં ભયંકર ધરતીકંપ થશે. 20 મને જોઇને દરિયાની માછલીઓ, આકાશના પંખીઓ, જંગલના પ્રાણીઓ અને પેટે ચાલનારા જીવો તેમજ પૃથ્વી પરનાં બધાં માણસો ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે, અને ખડકો ધસી પડશે અને ભીંતો ભોંયભેગી થઇ જશે.”

21 યહોવા મારા માલિક કહે છે, “હું ગોગને બધી જાતની આફતોથી ખડભડાવી મૂકીશ. આ હું યહોવા તમારો માલિક બોલું છું. તેના માણસો અંદરો અંદર તરવાર ચલાવશે. 22 હું તેની સાથે, તેના સૈન્ય સાથે અને તેની સાથેના બધા લોકો ઉપર રોગચાળા અને મૃત્યુથી, મૂશળધાર વરસાદથી, કરાંના તોફાનોથી અને તેમની ઉપર ગંધક બાળીને, ન્યાય કરીશ. 23 આ રીતે હું તમામ પ્રજાઓને બતાવીશ કે હું કેવો મોટો અને પવિત્ર છું અને ત્યારે તેમને જાણ થશે કે હું યહોવા છું.

ગોગ અને તેના સૈન્યનું મૃત્યુ

39 “હે મનુષ્યના પુત્ર, તું ગોગની વિરુદ્ધ પ્રબોધ કર અને કહે: યહોવા મારા માલિક તને આ કહે છે, ‘હેરોશ, મેશેખ તથા તુબાલના રાજકર્તા ગોગ, હું તારી વિરુદ્ધ છું. હું તને ધૂમાવીને આગળ ધકેલી દઇશ. તને ઠેઠ ઉત્તરમાંથી દોરીને ઇસ્રાએલના ડુંગરો પર ચઢાઇ કરવાને લવાશે. હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણાં હાથમાંથી તીર છીનવી લઇશ. તું અને તારી સમગ્ર સેના તથા તારી સાથેની બધી પ્રજાઓ ઇસ્રાએલના ડુંગરો પર મૃત્યુ પામશો અને શિકારી પંખીઓ અને જંગલી પ્રાણીઓ તમને ખાઇ જશે. તમે ખુલ્લી જમીન પર પડ્યાં રહેશો.’” આ યહોવા મારા માલિક બોલે છે.

દેવ કહે છે, “હું માગોગ પર અને દરિયાકિનારે સુરક્ષિત વસતા તારા સર્વ મિત્ર રાજ્યોના લોકો પર અગ્નિ વરસાવીશ અને તેઓ જાણશે કે હું યહોવા છું. હું જોઇશ કે મારા ઇસ્રાએલી લોકોમાં મારું નામ પવિત્રને જાણીતું થાય, અને એને હું હવે કદી અપમાનિત થવા દઇશ નહિ; અને ત્યારે તમામ પ્રજાઓને જાણ થશે કે હું યહોવા, ઇસ્રાએલનો પરમપવિત્ર દેવ છું. આ બધું બનવાનું જ છે, જરૂર આ પ્રમાણે થશે જ આ યહોવા મારા માલિક બોલે છે, જે ન્યાયનો દિવસ આવશે એમ મેં કહ્યું હતું તે આવવાનો જ છે.

“ઇસ્રાએલના નગરોના વતનીઓ બહાર નીકળશે અને પોતાનાં હથિયારોના નાનીમોટી ઢાલ, ધનુષ્ય, બાણ અને ભાલાં બાળીને સળગાવી દેશે અને તે સાત વરસ સુધી ચાલશે. 10 સાત વર્ષ સુધી તેઓને બળતણ માટે બીજું કશું વાપરવું પડશે નહિ, માણસોને લાકડાં વીણવા વગડામાં જવું પડશે નહિ કે લાકડા કાપવા જંગલમાં નહિ જાય, પણ હથિયારથી જ તાપણાં સળગતા રાખશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂટશે અને તેમનું પડાવી લેનારનું તેઓ પડાવી લેશે.” આ યહોવા મારા માલિકના વચન છે.

11 દેવ કહે છે, “એ દિવસે હું ગોગ માટે ઇસ્રાએલની ભૂમિમાં મૃતસરોવરની પૂવેર્ આવેલી મુસાફરોની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. તે મુસાફરોનો રસ્તો રોકશે કારણ કે ત્યાં ગોગ અને તેના સમગ્ર સૈન્યને દફનાવાશે અને એ ખીણ ‘ગોગના સૈન્યની’ ખીણ કહેવાશે. 12 એ તમામને દફનાવતા અને દેશને સાફ કરતાં ઇસ્રાએલીઓને સાત મહિના લાગશે. 13 પ્રત્યેક ઇસ્રાએલી તેમાં મદદ કરશે. કારણ કે તે દિવસ ઇસ્રાએલ માટે મહિમાવંત વિજયનો દિવસ હશે જ્યારે હું મારો મહિમા પ્રગટ કરીશ.” એવું યહોવા મારા માલિક કહે છે.

14 દેવ કહે છે, “સાત મહિના પછી દેશમાં ફરતા રહી જમીન પર બાકી રહી ગયેલાં શબો શોધી કાઢી અને તેઓને દફનાવીને દેશને સાફ કરવા માટે માણસો પસંદ કરવામાં આવશે. 15 તે સમયે જો કોઇ વ્યકિત મનુષ્યનું હાડકું જુએ તો તેણે હાડકા પાસે ચિહન મૂકવું. પછી કબર ખોદનારાઓ આવીને તેને ગોગના સૈન્યની ખીણમાં દાટી દે. 16 ત્યાં જે નગર છે તે ‘હામોનાહ’ કહેવાશે અને આમ દેશ પાછો સ્વચ્છ થઇ જશે.”

17 આ યહોવા મારા માલિકના વચન છે, “હે મનુષ્યના પુત્ર, યહોવા મારા માલિક કહે છે, ‘હવે પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને બોલાવ અને તેઓને કહે: મહાબલિદાનરૂપ ઉજાણી માટે એકઠાં થાઓ, પાસેના તથા દૂરના સર્વ ઇસ્રાએલના પર્વતો પર આવો, આવો, માંસ ખાઓ અને લોહી પીઓ! 18 યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના રાજકર્તાઓનું લોહી પીઓ. એ બધા તમારા ઘેટાંબકરાં છે અને બાશાનના માતેલા બળદો છે. 19 તૃપ્ત થાઓ ત્યાં સુધી તમે ચરબી ખાઓ અને જ્યાં સુધી નશો ના ચઢે ત્યાં સુધી તમે લોહી પીઓ. આ બલિદાનયુકત ઉજાણી મેં તમારા માટે જ તૈયાર કરી છે. 20 મારા ભોજનસમારંભની મેજ પર તમે ઉજાણી માણો, ઘોડાઓ, ઘોડેસવારો અને શૂરવીર યોદ્ધાઓની ઉજાણી માણો.’” એમ યહોવા મારા માલિક કહે છે.

21 દેવ કહે છે, “આ રીતે હું બીજી પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. ગોગને થયેલી શિક્ષા સર્વ લોકો જોશે અને તેઓ જાણશે કે મેં તે કર્યું છે. 22 તે દિવસથી ઇસ્રાએલીઓ જાણવા પામશે કે હું તેમનો દેવ યહોવા છું. 23 બધી પ્રજાઓ જાણશે કે ઇસ્રાએલીઓએ પાપ કર્યા હતા, તેઓ મને વિશ્વાસઘાતી નીવડ્યા હતા. માટે તેમને દેશવટે જવું પડ્યું હતું. એથી મેં તેમનાથી વિમુખ થઇને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા, અને તેઓ બધા જ તરવારનો ભોગ બન્યા હતા. 24 તેમનાં ષ્ટાચાર અને પાપોને ઘટે એ રીતે જ મેં તેમની સાથે વ્યવહાર રાખ્યો અને હું તેમનાથી વિમુખ થઇ ગયો હતો.”

25 “પણ હવે, હું યાકૂબના વંશજો ઇસ્રાએલીઓ પર દયા કરી તેમનો ભાગ્યપલટો કરીશ. બંદીવાસનો અંત લાવીશ, અને તેઓની આબાદી પાછી આપીશ; કારણ કે હું મારા પવિત્ર નામની પ્રતિષ્ઠા વિષે જાગૃત છું. 26 તેઓ પાછા પોતાના વતનમાં શાંતિને સલામતીમાં રહેતા થશે. અને તેઓ કોઇનાથી ડરશે નહિ, ત્યારે મારા પ્રત્યે વિશ્વાસઘાતી થવાની સજા અને શરમ પૂરા થશે. 27 હું તેઓને પોતાના શત્રુઓના દેશમાંથી ઘેર પાછા લાવીશ. હું તેમ કરીશ ત્યારે મારો મહિમા સર્વ પ્રજાઓ સમક્ષ દ્રશ્યમાન બનશે. તેમના મારફતે હું બીજી પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઇશ. 28 અને ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો દેવ યહોવા છું, કારણ, મેં તેમને બીજી પ્રજાઓમાં દેશવટે મોકલ્યા હતા. અને હું જ તેમને પોતાના વતનમાં પાછા ભેગા કરનાર છું. એકને પણ બહાર રહેવા દેનાર નથી. 29 અને ઇસ્ત્રાએલી કુળ પર મારો પ્રાણ રેડ્યા પછી ફરી કદી હું તેમનાથી વિમુખ નહિ થાઉં?” આમ યહોવા મારા માલિક કહે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International