Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 44

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
    જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
    તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
વિદેશીઓની પ્રજાને,
    તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
    તેઓને ત્યાં વસાવ્યા હતા.
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
    અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
    પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
    કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
હે દેવ, તમે મારા રાજા છો.
    આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
    અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
    પણ મારો બચાવ કરી શકશે નહિ.
તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
    જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
    અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!

પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
    તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
    અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
    અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
    શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
    અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
    તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
    અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
    જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
    તોય અમે તમને ભૂલી નથી ગયા;
    ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
    અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
    અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
    અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
    યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
    તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
    હવે ઊંઘસો નહિ;
    અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
    તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
    અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
    અને તમારી કૃપાથી અમને બચાવી લો.

હોશિયા 6:11-7:16

11 યહૂદા, તારા માટે કાપણીનો સમય પણ છે.
    એ તે સમયે બનશે, જ્યારે હું મારા લોકોને બંધનાવસ્થાથી પાછા લાવીશ.”

યહોવા કહે છે,

“હું જ્યારે ઇસ્રાએલનાં ઘા ને મટાડવા ઇચ્છતો હતો,
    ત્યારે સમરૂનનાં દુષ્ટ કૃત્યો પ્રગટ થયા
અને એફ્રાઇમના પાપો ખુલ્લા થયા,
    કારણકે તેઓ દગો કરે છે, ઘરોમાં ઘૂસી જાય છે અને શેરીઓમાં લૂટ ચલાવે છે.
લોકો કદી એવો વિચાર કરતા જ નથી કે, હું તેઓનું નિરીક્ષણ કરું છું.
    તેઓના પાપમય કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે
    અને હું તે સર્વ નિહાળું છું.
તેઓની દુષ્ટતામાં રાજા આનંદ અનુભવે છે
    અને તેઓના જૂઠાણામાં સરદારો રીઝે છે.
તેઓ બધા જ વ્યભિચારીઓ છે;
    તેઓ સળગતી ભઠ્ઠી જેવા છે
અથવા એ ભઠિયારા જેવા છે,
    જે લોટને મસળે ત્યારથી
તેને ખમીર ચઢે
    ત્યાં સુધી આગને સંકોરતા નથી.
આપણા રાજાના ઉત્સવનાં દિવસે રાજકુમારો મદિરાપાનથી ચકચૂર થઇ જાય છે.
    પછી હાંસી ઉડાવનારાઓ સાથે
    રાજા મદ્યપાન કરે છે.
કારણ ગુપ્ત યોજનાઓ બનાવતા
    તેમના હૃદય ભઠ્ઠીની જેમ ઉત્તેજનાથી તપતા હોય છે.
આખી રાત તેમનો આવેશ બળતો રહે છે
    અને સવારના તે આગનાં ભડકાઓમાં બદલાઇ જાય છે.
તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે,
    ને પોતાના ન્યાયાધીશોને સ્વાહા કરી જાય છે,
તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે;
    અને છતાં કોઇ મદદ માટે મારી પ્રાર્થના કરતું નથી.

ઇસ્રાએલ પોતાના વિનાશથી અજાણ

“ઇસ્રાએલના લોકો વિધર્મી પ્રજાઓ સાથે ભળે છે;
    એ તો ફેરવ્યા વગરની અધકચરી શેકાયેલી ભાખરી જેવા છે.
વિદેશીઓના દેવોની સેવા કરવાથી તેઓનું સાર્મથ્ય હણાઇ જાય છે.
    છતાં તેની ખબર એમને પડતી નથી.
તેમના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી કે,
    તેઓ કેટલા નબળા અને ઘરડા થઇ ગયા છે.
10 ઇસ્રાએલનું ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી પૂરે છે,
    તેમ છતાં એ લોકો પોતાના
દેવ યહોવાને શરણે આવતા નથી કે,
    નથી તેમને શોધવાનો પ્રયત્ન કરતા.
11 ઇસ્રાએલ મૂર્ખ કબૂતર જેવું બની ગયું, નિર્દોષ અને બુદ્ધિહીન,
    કોઇવાર તે મિસરની મદદ માગે છે,
    કોઇવાર તે અશ્શૂર તરફ મદદ માટે ફરે છે.
12 એ લોકો જ્યાં જશે
    હું તેમના પર મારી જાળ પાથરીશ
અને પકડાયેલા પંખીઓની જેમ
    તેમને નીચે જમીન પર ખેચી લાવીશ.
    હું તેમને પ્રબોધકોએ જે શબ્દો કહ્યાં હતા તે પ્રમાણે સજા કરીશ.
13 વિપત્તિ તેઓને! કારણકે તેઓએ મને છોડી દીધો છે.
    તેઓનો નાશ થશે! કેમકે તેઓએ મારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ છે.
હું તેઓને બચાવી લેવા ઇચ્છતો હતો,
    પણ તેઓ મારા વિષે જૂઠ્ઠુ બોલ્યા છે.
14 તેઓ સાચા હૃદયથી મને પોકારતા નથી;
    તેઓ પથારીમાં પડ્યા પડ્યા ખેતીના પાક માટે રોદણાં રડે છે.
અને પોતાના શરીર ઉપર પ્રહાર કરે છે,
    તેમ છતાં તેઓ મારી વિરૂદ્ધ બંડ કરે છે.
15 તેમને સજા કરનાર અને બળવાન બનાવનાર હું છું,
    પણ તેઓ મને ઇજા કરવા યોજના કરે છે.
16 તેઓ પાછા આવે છે, પણ મહાન દેવ ભણી,
    સ્વર્ગ ભણી જોવાને બદલે નિર્માલ્ય દેવો ભણી પાછા વળે છે.
તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ જેવા છે.
    તેઓના સરદારો પોતાની તોછડી અવિવેકી જીભને કારણે
તેઓ શત્રુઓની તરવારનો ભોગ થઇ પડશે
    અને મિસરના સર્વ લોકો તેઓની હાંસી ઉડાવશે.”

માથ્થી 5:43-48

બધાને પ્રેમ કરો

(લૂ. 6:27-28, 32-36)

43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’(A) 44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. 45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે. 46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે. 47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે. 48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International