Revised Common Lectionary (Semicontinuous)
ગિમેલ
17 મને તમારા સેવકને બદલો આપો;
જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.
18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે;
મારી આંખો ઉઘાડો.
19 પૃથ્વી પર હું તો એક યાત્રી છું;
તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.
20 મારું હૃદય તમારા ન્યાયવચનો
માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
21 તમે ઉદ્ધત લોકોને જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી.
તેમને ઠપકો આપો છો.
22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો;
કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
23 સરદારો પણ આસનો પર બેઠાબેઠા
મારી વિરુદ્ધ બોલતા હતા;
પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
24 હું તમારા નિયમોને માનું છું. અને હા,
તેઓ મારા સલાહકારો પણ છે.
દાલેથ
25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
દેશના લોકોને સજા નષ્ટ કરશે
5 યહોવા સૈન્યોનો દેવ અને સૈન્યોનો પ્રભુ છે.
તેમનો સ્પર્શ થતાં જ પૃથ્વી ઓગળી જાય છે.
અને તેમાં વસનારા સર્વ શોક કરે છે,
તે પૃથ્વી ઊપર આવે છે
અને પછી નાઇલ નદીની જેમ મંદ પડી જાય છે.
6 એ યહોવા છે કે તેનું ઘર આકાશમાં બાંધે છે
અને તેના ઘુમ્મટનો પાયો પૃથ્વી ઉપર નાખે છે,
તે સમુદ્રના પાણીને બોલાવીને
પૃથ્વીના પડ ઉપર રેડી દે છે.
તેનું નામ યહોવા છે.
યહોવાએ ઇસ્રાએલને સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરી
7 આ યહોવાના વચન છે,
“હે ઇસ્રાએલના લોકો, શું તમે મારે મન ‘કૂશના’ લોકો જેવા નથી?
હું જેમ તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી લાવ્યો હતો,
તેમ પલિસ્તીઓને કાફતોરથી
અને અરામીઓને કીરમાંથી લાવ્યો નહોતો?”
8 જુઓ, યહોવા મારા માલિકની દ્રષ્ટિ પાપી ઇસ્રાએલની
પ્રજા ઉપર છે;
“હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ.
તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરું.
9 હું આજ્ઞા કરીશ કે,
જેવી રીતે અનાજને ચારણીમાં ચાળવામાં આવે;
તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો
પણ નીચે પડશે નહિ,
તે રીતે બીજા રાષ્ટ્રો દ્વારા ઇસ્રાએલ પરતંત્ર થઇ જાય.
10 “પણ મારા લોકોમાંના બધા પાપીઓ,
જેઓ એમ કહે છે કે,
‘અમને કોઇ આફત સ્પશીર્ શકે એમ નથી કે અમારી સામે આવી શકે એમ નથી.’
તેઓ તરવારથી નાશ પામશે.”
દેવે રાજ્યને ફરી સ્થાપીત કરવાની પ્રતીજ્ઞા કરી
11 “તે દિવસે હું દાઉદના ખખડી ગયેલા ઝૂંપડા જેવા રાજ્યને ફરી
બેઠું કરીશ અને તેમાં પડેલી ફાટો સાંધી દઇશ.
તેના ખંડેરો સમાં કરીશ,
તે પહેલાં જેવું હતું તેવું નગર નવેસરથી બાંધીશ;
12 હું તેમ કરીશ જેથી ઇસ્રાએલના લોકો અદોમના બાકી રહેલા પ્રાંતો
અને બીજા બધા દેશો જે પહેલાં મારા હતા
તેને શાસનમાં લઇ શકે.”
આ સર્વનો કરનાર હું યહોવા બોલું છું.
13 જુઓ યહોવા કહે છે, “એવા દિવસો આવી રહ્યાં છે.
ખેડૂતો બીજી તરફ ધાન્યની
વાવણી કરવાનું શરુ કરે છે કે,
તે સમયે પણ ધાન્યની પહેલી
લણણીનું કામ પૂરું નહિ થયું હોય.
ઇસ્રાએલના પર્વતો ઉપર દ્રાક્ષના
બગીચામાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે.
14 હું મારા ઇસ્રાએલી લોકોને
બંદીવાસમાંથી પાછા લાવીશ.
તેઓ તારાજ થયેલાં નગરોને ફરીથી બાંધશે
અને તેમાં વસશે.
તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે
અને તેનો દ્રાક્ષારસ પીશે
તથા બગીચા તૈયાર કરશે
અને તેના ફળ ખાશે.”
15 પછી તમારા દેવ યહોવા કહે છે:
“હું તેમને તેમની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ
અને તેમને મેં જે ભૂમિ આપી છે તેમાંથી કોઇપણ તેઓને ખસેડી શકશે નહિ.”
41 યહૂદિઓએ ઈસુ વિષે ફરિયાદો શરું કરી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે, “હું આકાશમાંથી નીચે ઉતરેલી રોટલી છું.” 42 યહૂદિઓએ કહ્યું, “આ ઈસુ છે. અમે તેના માતાપિતાને ઓળખીએ છે. ઈસુ, યૂસફનો દીકરો છે. તે કેવી રીતે કહી શકે કે, ‘હું આકાશમાંથી નીચે આવ્યો છું’?”
43 પણ ઈસુએ કહ્યું, “તમે માંહોમાંહે ફરિયાદો કરવાનું બંધ કરો. 44 તે પિતા એ જ મને મોકલ્યો છે. અને તે જ પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી. 45 પ્રબોધકોનાં પુસ્તકોમાં આ લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે. 46 હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.
47 “હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે. 48 હું રોટલી છું જે જીવન આપે છે. 49 તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. 50 હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ. 51 હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International