Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.
1 હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
2 વિદેશીઓની પ્રજાને,
તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
તેઓને ત્યાં વસાવ્યા હતા.
3 જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
4 હે દેવ, તમે મારા રાજા છો.
આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
5 અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
6 હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
પણ મારો બચાવ કરી શકશે નહિ.
7 તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
8 આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!
9 પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
તોય અમે તમને ભૂલી નથી ગયા;
ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
હવે ઊંઘસો નહિ;
અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
અને તમારી કૃપાથી અમને બચાવી લો.
14 “તેથી હવે, હું તેણીને વેરાન પ્રદેશ તરફ મોહિત કરીશ અને તેની સાથે માયાળુપણે વાત કરીશ. 15 તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ; યુવાનીમાં મેં તેને મિસરના બંદીવાસમાંથી મુકત કરી ત્યારે તે આનંદના ગીતો ગાતી હતી તેમ ફરીથી તે મને ઉત્તર આપશે.” 16 યહોવા કહે છે.
“તે દિવસે તે મને ‘મારા માલિક’ કહેવાને બદલે ‘મારા પતિ’ એમ કહીને સંબોધન કરશે ને પછીથી બઆલ કહીને નહિ બોલાવે. 17 હે ઇસ્રાએલ, હું તને તારી મૂર્તિઓ ભૂલાવી દઇશ, તેઓનાં નામ પણ તું ઉચ્ચારશે નહિ.
18 “તે દિવસે હું તમારી અને હિંસક પ્રાણીઓ, પક્ષીઓ તથા સર્પોની વચ્ચે કરાર કરીશ કે, તમારે હવે એકબીજાથી ગભરાવું નહિ, હું સર્વ શસ્રોનો નાશ કરીશ, સર્વ લડાઇઓનો અંત આવશે, ત્યારે તમે શાંતિ અને સુરક્ષા અનુભવશો અને નિર્ભય રીતે સૂઇ શકશો. 19 વળી હું યહોવા તને મારી સાથે પવિત્રતા, ન્યાયીપણું, પ્રેમ તથા દયાની સાંકળથી સદાકાળને માટે બાંધીશ, હા, લગ્નબંધનથી બાંધીશ. 20 વિશ્વાસુપણા તથા પ્રેમથી હું તારી સાથે સગાઇ કરીશ. અને તું તારા યહોવાને ઓળખશે. 21 યહોવા કહે છે કે, તે દિવસે હું જવાબ આપીશ,
“હું આકાશોને જવાબ આપીશ,
ને તેઓ પૃથ્વીને જવાબ આપશે;
22 પછી પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને અને જૈતતેલને જવાબ આપશે;
અને તેઓ યિઝએલને જબાબ આપશે.
23 હું તેણીને જમીનમાં મારા માટે રોપીશ.
મેં જેઓને ‘મારા અપ્રિય’ કહ્યાં હતાં તેમને મારો પ્રેમ બતાવીશ,
હું તે લોકો જે ‘મારા લોક નથી’ તરીકે ઓળખાય છે
તેમને ‘તમે મારા લોકો’ છો તેમ કહીશ, અને તેઓ કહેશે, ‘તમે અમારા દેવ છો.’”
હોશિયા ગોમેરને દહેજ આપીને છોડાવી
3 પછી યહોવાએ મને કહ્યું, તારી પત્નીને પ્રેમી હોવા છતાં અને તેણી વારાંગના હોવા છતાં તેણીની પાસે જા અને તેણીને પ્રેમ કરવાનુ ચાલુ રાખ. ઇસ્રાએલના લોકો બીજા દેવો તરફ વળીને સુકા મેવાની વાનગીના અર્પણનો આનંદ લે છે, છતાં યહોવા તેમને પ્રેમ કરે છે એવી રીતે તું એને પ્રેમ કર.
2 તેથી મેં પંદર તોલા ચાંદી અને સાત મણ જવ આપીને તેને ખરીદી, 3 અને મેં તેને કહ્યું, “લાંબા સમય સુધી તું મારી સાથે રહેજે; તું વ્યભિચાર કરીશ નહિ, ને બીજા કોઇ પુરુષની સ્ત્રી થઇશ નહિ; હું પણ તારી સાથે એ જ રીતે વર્તીશ.”
4 એ જ રીતે ઇસ્રાએલી પ્રજા, લાંબા સમય સુધી રાજા કે, આગેવાન વગર, યજ્ઞ વગર, મૂર્તિ કે, શુકન જાણવાની પૂતળી વગર રહેશે. 5 ત્યારબાદ તેઓ પોતાના યહોવા દેવની પાસે, પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને આમ પાછળના દિવસોમાં ઇસ્રાએલી પ્રજા યહોવા દેવનો ભય રાખીને, ધ્રૂજતા ધ્રૂજતા યહોવા પાસે આવશે, અને તેમના આશીર્વાદો પામશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
માનવનિર્મિત નિયમોને ન અનુસરો
16 તેથી કોઈ પણ વ્યક્તિને તમારા માટે ખાવાપીવા અંગેના કે યહૂદી રિવાજો. (ઉત્સવો, ચાંદરાત,[a] કે વિશ્રામવાર) વિષે કોઈ તમને દોષિત ન ઠરાવે. કોઈ પણ વ્યક્તિને આ વિષે તમારા માટે નિયમો ન ઘડવા દો. 17 ભૂતકાળમાં, આ બાબતો પડછાયારૂપ હતી કે જેનું આગમન થઈ રહ્યું છે તે દર્શાવતી હતી. પરંતુ નૂતન બાબતો કે જેનું આગમન થવાનું હતું તે ખ્રિસ્તમાં દેખાઈ છે. 18 કેટલાક લોકો નમ્રતા અને દૂતોની સેવા કરવા ઈચ્છતા હોય, એવું વર્તન કરે છે. તે લોકો હમેશા જે દર્શનો તેઓએ જોયા હોય તેના વિષે કહેતા રહે છે. તે લોકોને ન કહેવા દો કે, “તમે આમ કરતા નથી, તેથી તમે ખોટા છો.” તે લોકો મૂર્ખ અભિમાનથી ભરપૂર છે. કારણ કે તેઓ ફક્ત માનવ વિચારોને જ વિચારી શકે, દેવના વિચારોને નહિ. 19 તે લોકો તેમની જાતને શિરનાં નિયંત્રણ હેઠળ રાખતા નથી. સમગ્ર શરીર ખ્રિસ્ત પર આધારિત હોય છે. ખ્રિસ્તને (શિર) લીધે જ શરીરનાં બધા જ અવયવો એકબીજાની દરકાર રાખે છે અને એકબીજાને મદદ કરે છે. આ શરીરને મજબૂત બનાવે છે. અને તેને સંગઠિત કરે છે. અને તેથી દેવ જે રીતે ઈચ્છે છે તે રીતે શરીર વિકાસ પામે છે.
20 તમે ખ્રિસ્ત સાથે મૂઆ અને દુન્યવી નિરર્થક નિયમોથી મુક્ત થયેલા છો. તેથી તમે હજુ પણ આ દુનિયા સાથે સંકળયેલા હોય તમે વર્તો છો? મારો આ મતલબ છે, કે શા માટે આવા નિયમો પાળો છો: 21 “આ ખાશો નહિ,” “પેલું ચાખવું નહિ,” “પેલી વસ્તુને અડકશો નહિ?” 22 આ નિમયો એવી દુન્યવી વસ્તુઓ વિષે વાતચીત કરી રહ્યાં છે કે જેનો ઉપયોગ કર્યા પછી જેનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. આ નિયમો તો ફક્ત લોકોથી મળેલ આજ્ઞા તથા શિક્ષણ છે, દેવથી નહિ. 23 આ નિયમો સારા લાગે છે. પરંતુ આ નિયમો તો બસ માનવ નિર્મિત ધર્મના ભાગરૂપ છે કે જે માણસોને નમ્રતાનો ઢોંગ રચવા પ્રેરે છે, અને તેઓને દેહદમન માટે પ્રેરે છે. પરંતુ આ નિયમો લોકોને તેઓનો પાપી સ્વભાવ જે દુષ્કર્મો ઈચ્છે તે કરાવે છે, તેને અટકાવવામાં મદદકર્તા નથી.
ખ્રિસ્તમાં તમારું નવું જીવન
3 ખ્રિસ્ત સાથે તમને મૂએલામાંથી ઉઠાડવામાં આવેલા. તેથી તે વસ્તુઓ, જે આકાશમાં છે તે પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરો. મારો મતલબ છે કે એ વસ્તુઓ કે જ્યાં ખ્રિસ્ત દેવના જમણા હાથે બેઠેલો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International