Revised Common Lectionary (Semicontinuous)
આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 દેવની સભામાં ઇશ્વર
ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.
2 દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો?
ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”
3 “તમે અબળ અને અનાથને ન્યાય કરો,
દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
4 અબળ અને દરિદ્રી ને છોડી મૂકો
તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.
5 “તેઓ જાણતા નથી કે સમજતા નથી;
તેઓ અંધકારમાં ચાલે છે.
જ્યારે દુનિયા તેમની આજુબાજુ
નીચે ઉતરી રહી છે.”
6 મેં કહ્યું કે “તમે દેવો છો,
અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
7 તો પણ માણસની જેમ મૃત્યુ પામશો
અને અન્ય સરદારની મ પડશો.”
8 હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ,
સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.
ભૂમિકા
1 યહૂદિયાના રાજા ઉઝિઝયા અને ઇસ્રાએલના યોઆશના પુત્ર રાજા યરોબઆમના સમયમાં, આમોસ તકોઆ જાતિના ભરવાડોમાંનો એક હતો આ ઇસ્રાએલ વિષેના સંદેશાઓ છે જે તેને ધરતીકંપ થયાના બે વર્ષ પહેલા.
અરામને સજા
2 તેણે કહ્યું,
“યહોવા સિયોનમાંથી ગર્જના કરશે,
યરૂશાલેમ મોટેથી કહેશે;
ભરવાડો આક્રંદ કરશે,
અને કામેર્લની ટોચ સૂકાઇ જશે.”
3 યહોવા આ પ્રમાણે કહે છે: “દમસ્કના લોકોએ વારંવાર પાપ કર્યા છે, અને હું તે ભૂલીશ નહિ. હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. જેમ અનાજ ધોકાવાની લોખંડની ગાડીથી ધોકાવાય છે, તેમ ગિલયાદમાં મારા લોકોને તેઓએ માર્યા છે. 4 પરંતુ હું હઝાએલના મહેલને આગ ચાંપીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મીભૂત કરી દેશે.
5 “વળી હું દમસ્કના દરવાજાઓ તોડી નાખીશ, અને આવેનની ખીણમાંના લોકોનો નાશ કરીશ. બેથ-એદેનના નેતાઓને શિક્ષા કરીશ. અરામના લોકો દેશ નિકાલ થયેલની જેમ કીર પાછા ફરશે.” આ યહોવાના શબ્દો છે.
પલિસ્તીઓને સજા
6 યહોવા કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર પાપ કર્યા છે. તેઓએ ધીમે ધીમે ઘસડીને આખા સમાજને અદોમના લોકોને ગુલામ તરીકે સોપી દીધેલ છે. આ માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, 7 હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાંખશે. 8 હું આશ્દોદના બધા લોકોને મારી નાખીશ. એક્રોન અને આશ્કલોનના રાજાનો પણ નાશ કરીશ. બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે, તેમ દેવ યહોવા કહે છે.”
તૂરના લોકોને સજા
9 યહોવા કહે છે: “તૂરના લોકોએ વારંવાર પાપ કર્યા છે. અને હું તે ભૂલીશ નહિ, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ઇસ્રાએલ સાથેની મિત્રતાના કરારનો ભંગ કર્યો છે. અને ઇસ્રાએલ પર હુમલો કરીને સમગ્ર પ્રજાને દેશનિકાલ થયેલાની જેમ અદોમ લઇ આવ્યા. 10 તેને માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, હું તૂરની દીવાલોને આગ લગાડીશ અને આગ શહેરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાખશે.”
અદોમને સજા
11 યહોવા કહે છે: “અદોમના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેણે દયાને નેવે મૂકીને હાથમાં તરવાર લઇને પોતાના જાતભાઇઓ યાકૂબના વંશજોનો પીછો કર્યો હતો. તેનો ક્રોધ સદા ભભૂકતો જ રહ્યો. તેનો રોષ કદી શમ્યો જ નહિ, 12 તે માટે હું જરૂર તેને સજા કરીશ. હું ‘તેમાનને’ આગ લગાડીશ અને આગ ‘બોસ્રાહના’ કિલ્લાને નષ્ટ કરી નાખશે.”
આમ્મોનને સજા
13 યહોવા કહે છે: “આમ્મોનના લોકોએ વારંવાર પાપ કર્યા છે, તેમણે પોતાની સરહદ વિસ્તારવા માટે ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં છે; આથી હું તેમને જરૂર સજા કરીશ. 14 હું રાબ્બાહની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી મહેલો, ઘરોને નષ્ટ કરી નાખશે. ચારેતરફ યુદ્ધનાદ થશે, અને જાણે પ્રચંડ વાવાઝોડાનો પ્રકોપ થઇ રહ્યો હોય એમ લાગશે. 15 તેઓના રાજાઓ અને તેઓના અમલદારો સાથે દેશવટો લેશે.” આ યહોવાના શબ્દો છે.
મોઆબને સજા
2 યહોવા કહે છે: “મોઆબના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. તેમણે અદોમના રાજાના હાડકાં બાળીને ચૂરો કરી નાખ્યાં હતાં; આથી હું તેમને જરૂર સજા કરીશ. 2 હું મોઆબને આગ લગાડીશ અને આગ કરીયોથના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરી દેશે. યુદ્ધના આક્રંદ અને રણશિંગડાંના અવાજો મધ્યે મોઆબ નાશ પામશે. 3 હું તેના રાજકર્તાને ત્યાંજ મારી નાખીશ અને તેની સાથે તેના સર્વ અમલદારોને મારી નાખીશ.” આ યહોવાના વચન છે.
વિશ્વાસ અને સારા કાર્યો
14 મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના! 15 ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય. 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે. 17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.
18 કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે, તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ. 19 દેવ એકજ છે એવું તમારું માનવું તે સારું છે! ભૂતો પણ એવો જ વિશ્વાસ કરે છે! અને તેઓ બીકથી ધ્રુંજે છે.
20 ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે. 21 આપણા પૂર્વજ ઈબ્રાહિમે જ્યારે પોતાના પુત્ર ઈસહાકને યજ્ઞવેદી પર બલિદાન માટે આપ્યો. તેના એ કાર્યને લીધે તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો. 22 તું જુએ છે કે, ઈબ્રાહિમ વિશ્વાસને લીઘે બધુજ કરવા તૈયાર હતો. તેનાં સારા કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો. 23 આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.”(A) ઈબ્રાબિમને “દેવનો મિત્ર”(B) કહેવામા આવ્યો. 24 તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.
25 તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.
26 કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International