Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.
1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4 તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6 નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
7 “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8 પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9 હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
ઇસ્રાએલની વિલાસી પ્રજાની પાયમાલી
6 સિયોનમાં એશઆરામમાં અને આનંદમાં રહેનારા
તથા સમરૂનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા “મુખ્ય” રાષ્ટના
નામાંકિત માણસો જેઓ પાસે “ઇસ્રાએલના લોકો” આવે છે.
કેવી ત્રાસજનક તમારી દશા થશે! દુર્ભાગ્ય તમારું!
2 કાલ્નેહ નગર જઇને જુઓ,
ત્યાંથી મહાન હમાથનગર જાઓ,
અને ત્યાંથી પલિસ્તીઓના ગાથ શહેરમાં જાઓ,
એ રાજ્યો કરતાં તમારી દશા શું સારી છે?
અથવા તેમનો વિસ્તાર તમારા કરતાં શું વિશાળ છે?
3 જે આફતનો દિવસ તમે પાછો ઠેલવા ધારો છો, પણ હિંસાનું રાજ્ય નજીક લાવો છો.
અને તમારા કાર્યોથી ન્યાયકાળના દિવસોને પાસે લાવો છો.
4 તમે એશઆરામથી હાથીદાંતના
પલંગો પર સૂઓ છો વળી
તમે ટોળામાંથી કુમળા હલવાનો
અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.
5 તમે અર્થ વગરના ગીતો કામચલાઉ તંતુવાદ્ય વીણાના સૂર સાથે ગાઓ છો;
તમે પોતા માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવો છો.
6 તમે પ્યાલા ભરીને દ્રાક્ષારસ પીઓ છો
અને પોતાના શરીરે મોંઘામાં મોંઘા અત્તર લગાવો છો,
પણ દેશ ઉપર ઝઝૂમતી
પાયમાલીની તમને પડી નથી!
7 તેથી સૌ પ્રથમ તમને ગુલામો તરીકે લઇ જવામાં આવશે. અને તમારા એશઆરામનો અંત આવશે. 8 મારા પ્રભુ યહોવાએ પોતાના નામે ચેતવણી આપે છે:
“હું ઇસ્રાએલના અભિમાનને અને જૂઠા મહિમાને ધિક્કારું છૂં.
અને તેમના મહેલોનો મને તિરસ્કાર છે.
એટલે એમના શહેરને અને તેમાં જે કઇં છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઇશ,
આ યહોવા સૈન્યોનો દેવના વચન છે.”
થોડાજ ઇસ્રાએલીઓ જીવીત રહ્યાં
9 જો કોઇ ઘરમાં દશ વ્યકિતઓ પાછળ રહી ગઇ હશે તો તેઓ મરી જશે. 10 મૃત માણસના સગામાંથી જે માત્ર એક માણસ જીવતો છે, તે દફનવિધિ માટે શબ બહાર લઇ જવા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારે અંદર છુપાઇ રહેલી વ્યકિતને તે પૂછશે, “શું અહિંયા કોઇ બીજું હજી છે?”
અને તે જવાબ આપશે, “ના.”
ત્યારે તે કહેશે, “ચૂપ રહે, આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી. રખેને તે સાંભળી જાય.”
11 કેમકે, જુઓ, યહોવા આદેશ આપી રહ્યા છે.
તે મોટા ઘરોને ભાંગીને ભૂક્કો કરી નાંખશે
અને નાના ઘરના નાના ટૂકડાં કરી નાખશે.
12 શું ઘોડો ખડક માર્ગ પર દોડી શકે?
શું બળદ ખડકો પર ખેડી શકે?
એવું પૂછવું તે પણ મૂર્ખતા છે.
તમે તો તેના કરતા પણ વધારે મૂર્ખ હતા?
તમે ન્યાયને વિકૃત કરીને ઝેર જેવો બનાવ્યો છે અને દુષ્ટ વાતવરણ પેદા કર્યુ છે.
અને પ્રામાણિકતાના ફળોને કડવા બનાવ્યા છે.
13 તમે કે જે શુન્યવત જગ્યા પર આનંદ પામો છો,
અને તમે જ કહો છો, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”
14 હા, સંભાળ રાખજો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરું છું; તેની સૈના ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં આરાબાહની ખીણ સુધી સંપૂર્ણ પ્રદેશનો વિનાશ કરશે.” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.
ઈસુનું બી વાવનારનું દ્ધષ્ટાંત
(માથ. 13:1-17; માર્ક 4:1-12)
4 ઘણા લોકો ભેગા થવા આવ્યા. દરેક શહેરમાંથી લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ તે લોકોને આ દ્ધષ્ટાંત કહ્યું:
5 “એક ખેડૂત તેનાં બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની ધારે પડ્યા. લોકો તે બી પર ચાલ્યા અને પક્ષીઓ આ બધા બી ખાઈ ગયાં. 6 કેટલાંએક બી ખડક પર પડ્યાં આ બી ઊગવાની શરૂઆત થઈ, પણ પછી કરમાઇ ગયાં કારણ કે બી ને પાણી મળ્યું નહિ. 7 કેટલાંએક બી કાંટાવાળી ઝાડી પર પડ્યાં. આ બી ઊગ્યાં પણ પછી કાંટાઓએ તેને ઊગતાં જ દાબી દીધાં. 8 અને કેટલાંએક બી સારી જમીન પર પડ્યાં. આ બી ઊગ્યાં અને તેમાંથી 100 ગણા દાણા પાક્યાં.”
ઈસુએ દ્ધંષ્ટાત પૂરું કર્યા પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો તે ધ્યાનથી સાંભળો!”
9 ઈસુના શિષ્યોએ તેને પૂછયું, “આ વાર્તાનો અર્થ શું છે?”
10 ઈસુએ કહ્યું, “દેવના રાજ્યનું રહસ્ય સમજવા માટે તમારી પસંદગી થયેલ છે. પણ બીજા લોકોને કહેવા માટે હું દ્ધષ્ટાંતોનો ઉપયોગ કરું છું. આમ કહું છું તેથી:
‘તેઓ નજર કરશે,
પણ તેઓ જોશે નહિ;
અને તેઓ ધ્યાનથી સાંભળશે,
પણ તેઓ સમજશે નહિ.’(A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International