Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત
1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3 તેથી હવે તમારા કોપનો ભસ્મ
કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
અને અમને તમારું તારણ પમાડો.
8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
આગેવાનોએ ઇસ્રાએલ અને યહૂદાથી પાપ કરાવ્યા
5 હે યાજકો, તમે આ સાંભળો! હે ઇસ્રાએલીઓ, ધ્યાન આપો! હે રાજકુટુંબના સર્વ માણસો ધ્યાનથી સાંભળો!
તમને દોષિત ઠરાવવામાં આવ્યાં છે. કારણકે મિસ્પાહમાં તમે ફાંદારૂપ બન્યા હતાં, તાબોર પર્વત ઉપર જાળની જેમ પથરાયા હતાં. 2 બંડખોરોએ તેઓને ફસાવવા માટે શિટ્ટિમમાં ઊંડા ખાડાઓ ખોદ્યા છે, પરંતુ હું તમને સૌને શિક્ષા કરીશ. 3 હું જાણું છું એફ્રાઇમ શું કરી રહ્યું છે. ઇસ્રાએલના કૃત્યો મારાથી છુપા નથી. હા, હું જાણું છું કે, એફ્રાઇમ વારાંગનાની જેમ ર્વત્યુ. ઇસ્રાએલ અપવિત્ર બન્યું. 4 તેઓના દુષ્ટ કૃત્યો તેમને દેવ તરફ પાછા ફરતાં દૂર રાખે છે. કારણકે તેઓના હૃદયમાં વ્યભિચારી આત્મા દ્વારા પકડાયેલા છે, અને તેઓ યહોવાને નથી જાણતા. 5 ઇસ્રાએલનો ગર્વ તેની વિરૂદ્ધ સાક્ષી છે. ઇસ્રાએલ અને એફ્રાઇમ પોતાના પાપમાં ઠોકર ખાશે અને યહૂદા તેની સાથે પડશે.
6 અંતે તેઓ દેવની શોધ કરવા પોતાના ઘેટાં, બકરાં અને ઢોરઢાંખર સાથે આવશે અને તેઓનું બલિદાન દેવને અર્પશે. પરંતુ ત્યારે ઘણું જ મોડું થઇ ગયું હશે. તેઓ યહોવાને શોધી શકશે નહિ. દેવ તેઓથી વિમુખ થશે અને તેઓને એકલા મૂકી દેવામાં આવશે. 7 તેઓએ યહોવાને દગો દીધો હતો. કારણકે તેઓએ બીજા કોઇના સંતાનોને જન્મ આપ્યો છે. તેથી તે ચંદ્રદર્શનનો દિવસ તેમનો અને તેમની ભૂમિનો નાશ કરશે.
ઇસ્રાએલના વિનાશની ભવિષ્યવાણી
8 ચેતવણીનો ઘંટ વગાડો!
ગિબયાહમાં તથા રામામાં
અને બેથ-આવેન સુધી રણશિંગડું વગાડી ચેતવણી આપો;
બિન્યામીનનો પ્રદેશ ધ્રુજી ઊઠો!
9 હે ઇસ્રાએલ! સજાનો દિવસ આવી રહ્યો છે,
ઇસ્રાએલ તારાજ થઇ જશે.
ઇસ્રાએલના લોકો માટે હું જે જાહેર કરું છું
તે અચૂક થવાનું જ છે.
10 યહોવા કહે છે, “યહૂદાના આગેવાનો દુષ્ટ લોકોની જેમ ર્વત્યા;
જેમણે પાડોશીઓની જમીનની સરહદના પથ્થરો ખસેડ્યાં.
તેમના ઉપર હું મારો ક્રોધ પાણીના ધોધની જેમ વહેવડાવીશ.
11 એફ્રાઇમને સજા થશે અને કચરી નાખવામાં આવશે કારણ
તેણે મૂર્તિઓના યાજકોના આદેશ પાળ્યાં છે.
12 આથી હું ઇસ્રાએલ અને યહૂદાને ઊધઇ
અને કીડાની જેમ કોરી ખાઇશ.
13 જ્યારે ઇસ્રાએલને પોતાના રોગની ખબર પડી અને યહૂદાએ પોતાનો ઘા જોયો,
ત્યારે ઇસ્રાએલે આશ્શૂર જઇ સમ્રાટને તેડાવ્યો.
પણ તે તેમને સાજો કરી શકે એમ નથી કે,
તેમના ઘા રૂજાવી શકે એમ નથી.
14 કારણ સિંહની જેમ હું એફ્રાઇમ
અને યહૂદાના લોકો પર આક્રમણ કરીશ.
હું મારી જાતે તેમને ટુકડાઓમાં ભાંગી નાખીશ
અને દૂર ફેંકી દઇશ.
હું તેઓને જ્યારે લઇ જઇશ ત્યારે તેઓની રક્ષા કોઇ કરી શકશે નહિ.
15 તેઓ પોતાનો અપરાધ કબૂલ કરશે
અને મારું મુખ શોધશે પણ હું
મારે સ્થાને જરૂર પાછો ચાલ્યો જઇશ.
દુ:ખમાં આવી પડશે ત્યારે તેઓ મને શોધવા નીકળશે.”
22 “મારા યહૂદિ ભાઈઓ, આ શબ્દો ધ્યાનથી સાંભળો: નાસરેથનો ઈસુ એક ઘણો વિશિષ્ટ માણસ હતો. દેવે તમને આ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. દેવે પરાક્રમો અને આશ્ચર્યો તથા ચમત્કારોથી તે સાબિત કર્યુ છે. તે ઈસુ દ્ધારા કરવામાં આવ્યું હતું. તમે બધાએ આ બાબતો જોઈ છે. તેથી તમે જાણો છો કે આ સાચું છે. 23 તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે આ બધું થવાનું છે. આ દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે આ યોજના ઘડી હતી. 24 ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો. મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ. 25 દાઉદે ઈસુના સંદર્ભમાં આમ કહ્યું છે:
‘મેં પ્રભુને હંમેશા મારી સંન્મુખ જોયો;
મને સલામત રાખવા માટે તે મારી જમણી બાજુએ છે.
26 તેથી મારું હ્રદય પ્રસન્ન છે,
અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે.
હા, મારું શરીર પણ આશામાં રહેશે.
27 કારણ કે તું મારા આત્માને મૃત્યુના સ્થળે છોડશે નહિ.
તું તારા પવિત્રને પણ કબરમાં કોહવાણ જોવા દઇશ નહિ.
28 તેં મને જીવન જીવતાં શીખ્વયું છે.
તું તારી નજીક આવીશ અને મને આનંદથી ભરપૂર કરીશ.’(A)
29 “મારા ભાઈઓ, હું તમને આપણા પૂર્વજ દાઉદના સંદર્ભમાં સાચું કહીશ. તે મૃત્યુ પામ્યોં હતો અને તેને દફનાવવામાં આવ્યો હતો. તેની કબર આજે પણ આપણી પાસે છે. 30 દાઉદ એક પ્રબોધક હતો અને દેવે જે કહ્યું તે જાણતો હતો. દેવે દાઉદને વચન આપ્યું હતું કે તે દાઉદના પરિવારમાંથી કોઈ વ્યક્તિને દાઉદના જેવો રાજા બનાવશે. 31 દાઉદે તે થતાં પહેલા આ જાણ્યું. તેથી તે વ્યક્તિના સંદર્ભમાં દાઉદે આમ કહ્યું:
‘તેને મૃત્યુની જગ્યાએ રહેવા દેવામાં આવ્યો ન હતો.
તેનું શરીર કબરમાં સડવા દીધું નહિ.’
દાઉદ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામેલ ખ્રિસ્તના સંદર્ભમાં કહેતો હતો. 32 તેથી ઈસુ મૃત્યુમાંથી સજીવન થયેલ દેવ છે, દાઉદ નહિ! આપણે બધા આ માટે સાક્ષી છીએ. આપણે તેને જોયો છે! 33 ઈસુનો આકાશમાં લઈ જવામાં આવેલ છે. તેથી ઈસુ દેવની જમણી બાજુએ દેવની સાથે છે. પિતાએ (દેવ) હવે ઈસુને પવિત્ર આત્મા આપેલ છે. દેવે જે વચન આપ્યું હતું તે પવિત્ર આત્મા છે. તેથી હવે ઈસુ તે આત્મા રેડી રહ્યો છે. તમે જે જુઓ છે અને સાંભળે છો તે આ છે. 34 જે એકને આકાશમાં લઈ જવામાં આવેલ છે તે દાઉદ ન હતો. જેને આકાશમાં લઈ જવામાં આવ્યો હતો તે તો ઈસુ હતો. દાઉદે પોતે જ કહ્યું છે:
‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને કહ્યું:
35 જ્યાં સુધી હું તારા દુશ્મનોને હું તારી સત્તામાં ના સોંપું
ત્યાં સુધી મારી જમણી બાજુએ બેસ.’(B)
36 “તેથી બધા યહૂદિ લોકોએ આ સત્ય જાણવું જોઈએ, દેવે ઈસુને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યો છે. તે એ જ માણસ છે જેને તમે વધસ્તંભે ખીલા મારીને જડ્યો!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International