Revised Common Lectionary (Semicontinuous)
2 યહોવાનો હોશિયાને આ પહેલો સંદેશો હતો. તેણે કહ્યું “જા અને તે વારાંગનાને પરણ; જેને તેની વારાંગનાવૃતિથી સંતાન થયા તેને પોતાનાં કરી લે; કેમ કે, દેશ યહોવાનો ત્યાગ કરીને વારાંગના જેવું વર્તન કર્યું છે, તેઓ યહોવામાં અશ્રદ્ધાળુ થયા છે.”
યિઝએલનો જન્મ
3 તેથી હોશિયાએ ત્યાં જઇને દિબ્લાઇમની પુત્રી ગોમેર સાથે વિવાહ કર્યા અને ગોમેરને તેનાથી ગર્ભ રહ્યો અને એક પુત્ર અવતર્યો. 4 યહોવાએ તેને કહ્યું, “તેનું નામ ‘યિઝએલ’ પાડ, કારણકે થોડા જ સમયમાં હું યેહૂના કુટુંબના માણસો પર બદલો લઇશ અને તેના વંશજોને યિઝએલ ખીણમાં તેણે જે રકતપાત કર્યો હતો તેના માટે સજા કરીશ. 5 હું ઇસ્રાએલ રાજ્યનો અંત લાવીશ.”
લો-રૂહામાહાનો જન્મ
6 ગોમેરને ફરીથી ગર્ભ રહ્યો, ને આ વખતે પુત્રી અવતરી, યહોવાએ તેને કહ્યું, “તું તેણીનું નામ લો-રૂહામાહ પાડ; કારણકે હવે પછી હું કદી ઇસ્રાએલના લોકો પર તેમના પાપોને ક્ષમા કરીને દયા દેખાડવાનો નથી. 7 પરંતુ હું યહૂદાના લોકો પર કૃપા કરીશ અને તેમનું રક્ષણ કરીશ. ધનુષ, તરવાર, યુદ્ધ, કે, ઘોડેસવારોથી તેમનો ઉધ્ધાર કરીશ નહિ પરંતુ તેમના દેવ યહોવા તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.”
લો-આમ્મીનો જન્મ
8 લો-રૂહામાહને ધાવણ છોડાવ્યા પછી ગોમેરને ફરી ગર્ભ રહ્યો અને તેને એક પુત્ર અવતર્યો. 9 ત્યારે યહોવાએ કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કારણ કે તમે ઇસ્રાએલના લોકો મારા લોકો નથી, ને હું તમારો દેવ નથી.”
યહોવા દેવના વચન: ઇસ્રાએલીઓ અસંખ્ય થશે
10 “છતાંય ઇસ્રાએલ પુત્રોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય કે, ન તો ગણી શકાય. તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે દેવની પ્રજા નથી,’ તેને બદલે ‘તમે જીવતા જાગતા દેવના દીકરાઓ છો.’ એમ તેમને કહેવામાં આવશે.
નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત
1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3 તેથી હવે તમારા કોપનો ભસ્મ
કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
અને અમને તમારું તારણ પમાડો.
8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
ખ્રિસ્તમય જીવન જીવવાનું ચાલુ રાખો
6 તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો. 7 તમારે ફક્ત ખ્રિસ્ત પર જ આધારિત રહેવું. જીવન અને સાર્મથ્ય તેના તરફથી આવે છે, તમને સત્ય શીખવવામાં આવ્યુ છે. તમારે તે સત્ય ઉપદેશ અંગે દ્રઢ રહેવાનું ચાલુ જ રાખવું જોઈએ. અને હંમેશા આભારસ્તુતિ કરવી જોઈએ.
8 જે અર્થહીન હોય તેવા વ્યર્થ ખ્યાલો કે શબ્દો વડે કોઈ વ્યક્તિ તમને દોરે નહિ તે અંગે સાવધ રહો. તેવા ખ્યાલો ખ્રિસ્ત તરફથી નહિ, પરંતુ લોકો તરફથી આવતા હોય છે. 9 દેવ સંપૂર્ણપણે ખ્રિસ્તમાં નિવાસ કરે છે. 10 અને ખ્રિસ્તમાં તમે સંપૂર્ણ છો. તમારે બીજા કશાની આવશ્યકતા જ નથી. બધા જ શાસકો અને સત્તાઓના ઈસુ જ શાસક છે.
11 ખ્રિસ્તમાં તમને વિવિધ પ્રકારની સુન્નત મળી હતી. જે સુન્નત કેટલાક માણસોના હાથથી કરવામાં આવી ન હતી. મારો મતલબ છે કે તમારી પાપી જાતના સાર્મથ્યથી તમને મુક્ત કરવામાં આવેલા. ખ્રિસ્ત તો આ જ પ્રકારની સુન્નત કરે છે. 12 જ્યારે તમે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમારી ર્જીણજાત મૃત્યુ પામી અને ખ્રિસ્તની સાથે તમે દટાયા. અને તે બાપ્તિસ્મામાં ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા, કારણ કે દેવના સાર્મથ્યમાં તમને વિશ્વાસ હતો. જ્યારે તેણે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડયો ત્યારે દેવના સાર્મથ્યને દર્શાવ્યું.
13 તમે તમારા પાપી સ્વભાવ અને તમારી પાપી કાયાની તાકાતથી બંધાયેલા હતા, તેથી તમે આત્મિક રીતે મૂએલા હતા. પરંતુ ખ્રિસ્ત સાથે દેવે તમને જીવતા કર્યા અને દેવે આપણા પાપોની માફી આપી. 14 આપણે દેવના નિયમનો ભંગ કર્યો તેથી આપણે દેવાદાર બન્યા. જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યાં, તેને કરજની યાદી દર્શાવે છે. પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યુ. દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું. 15 આત્મિક શાસકો અને સત્તાઓને દેવે પરાજીત કર્યો. વધસ્તંભ વડે દેવે જય મેળવ્યો અને તે શાસકો અને સત્તાઓને પરાજીત કર્યા. દેવે જગતને બતાવ્યું કે તેઓ સાર્મથ્યહીન હતા.
માનવનિર્મિત નિયમોને ન અનુસરો
16 તેથી કોઈ પણ વ્યક્તિને તમારા માટે ખાવાપીવા અંગેના કે યહૂદી રિવાજો. (ઉત્સવો, ચાંદરાત,[a] કે વિશ્રામવાર) વિષે કોઈ તમને દોષિત ન ઠરાવે. કોઈ પણ વ્યક્તિને આ વિષે તમારા માટે નિયમો ન ઘડવા દો. 17 ભૂતકાળમાં, આ બાબતો પડછાયારૂપ હતી કે જેનું આગમન થઈ રહ્યું છે તે દર્શાવતી હતી. પરંતુ નૂતન બાબતો કે જેનું આગમન થવાનું હતું તે ખ્રિસ્તમાં દેખાઈ છે. 18 કેટલાક લોકો નમ્રતા અને દૂતોની સેવા કરવા ઈચ્છતા હોય, એવું વર્તન કરે છે. તે લોકો હમેશા જે દર્શનો તેઓએ જોયા હોય તેના વિષે કહેતા રહે છે. તે લોકોને ન કહેવા દો કે, “તમે આમ કરતા નથી, તેથી તમે ખોટા છો.” તે લોકો મૂર્ખ અભિમાનથી ભરપૂર છે. કારણ કે તેઓ ફક્ત માનવ વિચારોને જ વિચારી શકે, દેવના વિચારોને નહિ. 19 તે લોકો તેમની જાતને શિરનાં નિયંત્રણ હેઠળ રાખતા નથી. સમગ્ર શરીર ખ્રિસ્ત પર આધારિત હોય છે. ખ્રિસ્તને (શિર) લીધે જ શરીરનાં બધા જ અવયવો એકબીજાની દરકાર રાખે છે અને એકબીજાને મદદ કરે છે. આ શરીરને મજબૂત બનાવે છે. અને તેને સંગઠિત કરે છે. અને તેથી દેવ જે રીતે ઈચ્છે છે તે રીતે શરીર વિકાસ પામે છે.
ઈસુ પ્રાર્થના કરતાં શીખવે છે
(માથ. 6:9-15)
11 એક વખત ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો. જ્યારે ઈસુએ પ્રાર્થના કરવાની પૂરી કરી ત્યારે તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું, “યોહાને તેના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. પ્રભુ તમે પણ અમને પ્રાર્થના કરતા શીખવો.”
2 ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ રીતે પ્રાર્થના કરો:
‘ઓ બાપ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું નામ સદા પવિત્ર મનાઓ.
અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું રાજ્ય આવો.
3 દરેક દિવસે અમને જરુંરી ખોરાક આપ.
4 અમે કરેલાં પાપ તું માફ કર,
કારણ કે અમે અમારા પ્રત્યેક અપરાધીઓને માફ કરીએ છીએ.
અને અમને પરીક્ષણમાં ના લાવો પણ ભૂંડાઇથી અમારો છૂટકો કર.’”
માગવાનું ચાલુ રાખો
(માર્ક 7:7-11)
5-6 પછી ઈસુએ તેઓને કહ્યું, “ધારો કે તમારામાંનો કોઈ એક મોડી રાત્રે તમારા મિત્રને ઘરે જાય અને કહે, ‘મારો એક મિત્ર મારી મુલાકાતે શહેરમાં આવ્યો છે. પરંતુ મારી પાસે તેને ખવડાવવા કંઈ નથી. કૃપા કરીને મને ત્રણ રોટલી આપ,’ 7 તમારો મિત્ર ઘરમાંથી જ ઉત્તર આપે છે, ‘ચાલ્યો જા, મને તકલીફ ન આપ! હમણા બારણું બંધ છે. હું અને મારા બાળકો પથારીમાં છીએ. હું હમણા ઊઠીને તને રોટલી આપી શકું તેમ નથી.’ 8 હું તમને કહું છું કે તમે એના મિત્ર હોવા છતાં કદાચ તે ન ઊઠે, પણ તમારા સતત આગ્રહને કારણે તે અવશ્ય ઊઠશે અને તમને જરૂરી બધું જ આપશે. 9 તેથી હું તમને કહું છું. માગવાનું ચાલુ રાખો, અને દેવ તમને આપશે. શોધવાનું ચાલુ રાખો અને તમે તે મેળવશો. બારણું ખખડાવવાનું ચાલું રાખો, અને બારણું તમારા માટે ઉઘડશે. 10 હા, જો એક વ્યક્તિ માંગવાનું ચાલુ રાખે છે તો તે વ્યક્તિ મેળવશે. જો વ્યક્તિ શોધવાનું ચાલુ રાખે છે તો તેને મળે છે. જો વ્યક્તિ ખખડાવવાનું ચાલુ રાખે છે, તો તે વ્યક્તિ માટે બારણું ઉઘડશે. 11 તમારામાંથી કોઈને દીકરો છે? જો તમારો દીકરો તમારી પાસે એક માછલી માગશે તો તમે શું કરશો? શું કોઈ પિતા તેના પુત્રને સર્પ આપશે? ના! તમે તેને એક માછલી જ આપશો. 12 અથવા, જો તમારો દીકરો એક ઇંડુ માંગશે તો શું તમે તેને એક વીંછી આપશો? ના! 13 તમે બીજા લોકો જેવા જ છો, તમે ભૂંડા છો છતાં તમે જાણો છો કે તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી. તેથી તમારા આકાશમાંના બાપ જાણે છે. જે લોકો તેની પાસે માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International