Revised Common Lectionary (Semicontinuous)
ફળની ટોપલીનું દર્શન
8 પછી સૈન્યોનો દેવ યહોવાએ મને દર્શનમાં પાકેલાં ફળોથી ભરેલો એક ટોપલી બતાવી. 2 તેમણે મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?”
મેં કહ્યું, “પાકા ફળોની ટોપલી.”
પછી યહોવાએ કહ્યું, “આ ફળો મારા ઇસ્રાએલી લોકોને રજૂ કરે છે. તેઓને શિક્ષા કરવાનો સમય પાકી ચૂક્યો છે, હું ફરી કદી તેમને માફ નહિ કરું. 3 મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે અને આંસુ સારશે. સર્વત્ર શબો પડ્યાં હશે તેથી શાંત રહો! હું યહોવા બોલ્યો છું,”
ઇસ્રાએલના વેપારી ફકત કમાવામાં પડ્યાં
4 વેપારીઓ તમે સાંભળો, તમે ગરીબોને લૂંટો છો
અને લાચારને કચડી રાખો છો.
5 તમે સાબ્બાથદિન તથા ધામિર્ક ઉત્સવોના
દિવસો પૂરા થવાની રાહ જુઓ છો,
જેથી બહાર જઇને તમે અનાજ વેચી શકો
અને તમારાં ખોટાં ત્રાજવાં
અને વજનીયાનો ઉપયોગ કરી
છેતરપિંડી કરી શકો;
6 એક જોડી પગરખા માટે,
ગરીબો અને દરિદ્રોને
પૈસાથી ખરીદો છો,
કાપણી વખતે જમીન
પર વેરાયેલા ઘઉંને
પણ વેચો છો.
7 યહોવાએ ઇસ્રાએલના ગૌરવના સમ ખાધા છે કે,
“નિશ્ચે હું કદી એ લોકોનાં કુકર્મો ભૂલીશ નહિ.
8 એ પાપોને લીધે ધરતી ધ્રુજી ઊઠશે,
એના ઉપર રહેનારા સૌ શોકમાં ડૂબી જશે,
આખી પૃથ્વી ઉપર આવશે,
તે ખળભળી જશે અને પછી
નાઇલ નદીની જેમ મંદ પડી જશે.
9 “તે દિવસે હું ખરે બપોરે સૂર્યાસ્ત કરીશ.
અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર પાથરી દઇશ.
10 તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી નાખીશ
અને તમારાં ગીતોને આક્રંદમાં ફેરવી દઇશ.
તમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હોય
તેમ તમે ટાટ પહેરશો
અને શોકની નિશાની તરીકે
માથાના વાળ મુંડાવશો;
તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.”
દેવની દુનિયાને ભયંકર ભૂખમરો
11 આ યહોવાના વચન છે:
“જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે
હું દેશમાં દુકાળ મોકલીશ.
લોકોને ભૂખ લાગશે પણ રોટલાની ભૂખ નહિ;
તરસ લાગશે પણ પાણીની નહિ,
યહોવાનું વચન સાંભળવાની ભૂખ અને તરસ લાગશે.
12 ત્યારે લોકો સમુદ્રથી સમુદ્ર સુધી
અને ઉત્તરથી પૂર્વ સુધી યહોવાના
વચનોની શોધમાં ભટકશે.
તેની શોધમાં તેઓ અહીં તહીં દોડશે
પણ તે તેઓને મળશે નહિ.
નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.
1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4 તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6 નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
7 “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8 પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9 હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
જ્યારે આપણે ખ્રિસ્ત તરફ દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે આપણે દેવને નિહાળીએ છીએ
15 કોઈ પણ વ્યક્તિ દેવને જોઈ શક્તી નથી.
પરંતુ ઈસુ દેવની પ્રતિમાં જ છે. ઈસુ જ,
જે બધી વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તેનો શાસક છે.
16 તેના સાર્મથ્ય વડે દરેક વસ્તુનું સર્જન કરવામાં
આવ્યું-આકાશની વસ્તુઓ, પૃથ્વીની વસ્તુઓ, દૃશ્યમાન અને અદૃશ્ય વસ્તુઓ,
સમગ્ર આત્મીય સત્તા, અધિકારીઓ,
દરેક વસ્તુનું સર્જન ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત માટે જ કરવામાં આવ્યું.
17 કોઈ પણ વસ્તુના સર્જન પહેલા ખ્રિસ્ત હતો.
અને તેના જ કારણે દરેક વસ્તુમાં સાતત્ય છે.
18 ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે.
તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે;
કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.
19 કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું; તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો.
20 દેવ પ્રત્યેક વસ્તુને પોતાના માટે ખ્રિસ્ત દ્વારા પુનઃપ્રાપ્ત કરીને પ્રસન્ન થયો
પૃથ્વી પરની અને આકાશની વસ્તુઓ.
દેવે વધસ્તંભના ખ્રિસ્તના રક્ત (મરણ) દ્વારા શાંતિ કરાવી.
21 એક સમયે તમે દેવથી વિખૂટા પડી ગયેલા. મનમાં તો તમે દેવના શત્રું હતા, કારણ કે જે દુષ્ટ આચરણ તમે કરેલું તે દેવ વિરુંદ્ધ હતું. 22 પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીઘા છે. જ્યારે તે તેના શરીરમાં હતો, ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે તેથી ખ્રિસ્તે આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે, જેનામાં કોઈ ક્ષતિ નથી, અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે. 23 જો તમે સાંભળેલ સુવાર્તામાં વિશ્વાસ ધરાવતા રહેશો, તો ખ્રિસ્ત આમ કરશે. તમારે તમારા વિશ્વાસમાં સ્થાપિત અને દ્રઢ બનવાનું ચાલુ રાખવું જોઈએ. સુવાર્તાએ જે આશા તમને પ્રદાન કરી છે તેમાંથી તમારે કદાપિ ચલિત થવું જોઈએ નહિ. અને તે સુવાર્તા આખા વિશ્વમાં પ્રગટ થઈ છે. હું પાઉલ, તે સુવાર્તા પ્રગટ કરવામાં મદદ કરું છું.
મંડળી માટે પાઉલનું કાર્ય
24 તમારા માટે મેં જે દુઃખો સહન કર્યા છે તેનાથી હું હમણાં આનંદ અનુભવું છું. ખ્રિસ્તે હજુ પણ તેના શરીર, મંડળી, દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. જે પીડા ભોગવવાની છે તેને હું મારા શરીરમાં સ્વીકારું છું. હું તેના શરીર, મંડળી માટે યાતના સહું છું. 25 દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપેલું તેથી હું મંડળીનો સેવક બન્યો. આ કાર્ય તમને મદદરૂપ થવાનું છે. મારું કાર્ય સંપૂર્ણપણે દેવની વાત જણાવવાનું છે. 26 પ્રારંભકાળથી જ જેને ગુપ્ત રાખવામાં આવ્યું છે તેવો ઉપદેશ ગૂઢ સત્ય છે. આ સત્યને સર્વ સંતોથી ગુપ્ત રાખવામાં આવેલું. પરંતુ હવે તે ગુઢ સત્યને દેવના સંતો સમક્ષ જાહેર કરવામાં આવ્યું છે. 27 તેના લોકો આ સમૃદ્ધિ અને મહિમાનું સત્ય જાનો તેવો નિર્ણય દેવે કર્યો. તે મહિમાની આશા તમામ લોકો માટે છે. તે સત્ય જે તમારામાં છે, તે ઈસુ ખ્રિસ્ત પોતે જ છે જે મહિમાની આશા છે. 28 દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બધા જ લોકોને અમે દેવ સમક્ષ એવા પ્રસ્તુત કરવા માંગીએ છીએ કે જેઓ ખ્રિસ્તમાં આત્મિક રીતે સંપૂર્ણ થયેલા છે.
મરિયમ અને માર્થા
38 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યાત્રા કરતા હતા. ત્યારે ઈસુ એક શહેરમાં ગયો. માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર રાખ્યો. 39 માર્થાને મરિયમ નામની બહેન હતી. મરિયમ ઈસુના પગ પાસે બેઠી હતી અને તેને ઉપદેશ ધ્યાનથી સાંભળતી હતી. પણ તેની બહેન માર્થા ઘરકામમાં વ્યસ્ત હતી. 40 માર્થા ઘણા કામોમાં વ્યસ્ત હતી ઘણું કામ કરવાનું હતું, માર્થા અંદર ગઇ અને કહ્યું, “પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? મને મદદ કરવા માટે તેને કહે!”
41 પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બધી બાબતોમાં ચિંતા કરે છે અને ગભરાય છે. 42 ફક્ત એક જ વાત મહત્વની છે, મરિયમે યોગ્ય પસંદગી કરી છે; અને તે તેની પાસેથી કદાપિ લઈ લેવામાં આવશે નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International