Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
ભાગ્યપરિવર્તન અને સ્તુતિગાન
26 તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે:
અમારું નગર મજબૂત છે.
અમારું રક્ષણ કરવાને માટે યહોવાએ કોટ અને કિલ્લા ચણેલા છે.
2 દરવાજા ઉઘાડી નાખો જેથી ધર્મને માર્ગે
ચાલનારી પ્રજા જે વફાદાર રહે છે તે ભલે અંદર આવે.
3 હે યહોવા, જેમનાં ચિત્ત ચલિત થતાં નથી,
તેમને તું પૂરેપૂરી શાંતિમાં રાખે છે;
કારણ કે તેઓ તારા પર વિશ્વાસ રાખે છે.
4 સદા યહોવા પર ભરોસો રાખો,
તે જ આપણો સનાતન ખડક છે.
5 તેણે ઊંચી હવેલીઓમાં વસનારાઓને નીચા નમાવ્યાં છે,
તેમના ગગનચુંબી નગરને
તેણે તોડી પાડીને ભોંયભેગુ કરી નાખ્યું છે.
ધૂળભેગું કર્યું છે.
6 તે પગ તળે કચડાય છે, ને દીનદલિતોના પગ તળે તે રોળાય છે.
7 ન્યાયીના માર્ગે ચાલનારનો રસ્તો સુગમ છે;
તમે યહોવા એને સરળ બનાવો છો.
8 અમે તમારા નિયમોને માર્ગે ચાલીએ છીએ,
અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ,
તમારું નામસ્મરણ એ જ અમારા
પ્રાણની એકમાત્ર ઝંખના છે.
9 આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું;
મારા ખરા હૃદયથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ;
કારણ કે જ્યારે તમે પૃથ્વીનો ન્યાય કરીને શિક્ષા કરો છો,
ત્યારે લોકો પોતાની દુષ્ટતાથી પાછા ફરે છે અને યોગ્ય માર્ગે વળે છે.
વિશ્વાસથી જીવવું
16 તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. 17 થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે. 18 અમે તે વસ્તુનો વિચાર કરીએ છીએ જે જોઈ શકાતી નથી જે વસ્તુ અમે જોઈએ છીએ તે ક્ષાણિક છે. અને જે વસ્તુ અમે જોઈ શકતા નથી તેનું સાતત્ય અનંત છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International