Revised Common Lectionary (Semicontinuous)
શાંતિના રાજ્યનું નિર્માણ
11 દાઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે. 2 યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. 3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ન્યાય કરશે નહિ. ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;
4 પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે. 5 તેનાં સર્વ કાર્યોમાં ન્યાય અને નીતિ હશે.
6 ત્યારે વરુઓ અને ઘેટાંઓ સાથે વસશે અને ચિત્તો લવારા સાથે સૂશે; વાછરડાં અને સિંહ તથા માતેલાં ઢોર ભેગા ચરશે અને નાનાં બાળકો પણ તેમને ચરાવવા લઇ જશે. 7 ગાય અને રીંછ ભેગા મળીને ખાશે અને તેમનાં બચ્ચાં પણ ભેગા સૂશે. સિંહો ઢોરની જેમ ઘાસ ખાશે. 8 નાનાં બાળકો નાગના રાફડા પર રમશે. ઝેરી સાપના દરને સ્પર્શશે.
9 યહોવાના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઇ કોઇનું બુરૂં કરે, ન તો કોઇ કોઇને ઇજા કરે; કારણ, જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ યહોવાના જ્ઞાનથી ભર્યો ભર્યો હશે.
10 તે દિવસે રાજા, યશાઇનો વંશજ લોકોને એકત્ર કરવા ધ્વજારૂપ બની રહેશે. દેશવિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે. તે અને તેનું નિવાસસ્થાન મહિમાવંતુ થશે.
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
4 ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે. 5 ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. 6 એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. 7 ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. 8 મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. 9 અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,
“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (A)
10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:
“દેવના માણસોની સાથે સાથે સૌ
બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (B)
11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:
“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (C)
12 અને યશાયા પ્રબોધક કહે છે:
“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (D)
13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.
બાપ્તિસ્મા કરનાર યોહાનનું કાર્ય
(માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17; યોહ. 1:19-28)
3 સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. 2 યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.” 3 યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે. યશાયા પ્રબોધકે કહ્યું છે:
“એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે:
‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો;
અને તેના માટેનો માર્ગ સીધો કરો.’” (A)
4 યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો. 5 યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી, યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં. 6 લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
7 ફરોશીઓ[a] અને સદૂકીઓ[b] તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે? 8 તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે. 9 તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે. 10 અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષ[c] જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી દેશે.
11 “તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે. 12 તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે[d] અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International