Revised Common Lectionary (Semicontinuous)
ઈમ્માનુએલ – દેવ આપણી સાથે છે
10 થોડા વખતમાં આહાઝ રાજા ઉપર યહોવાએ બીજો સંદેશો મોકલ્યો: 11 “યહોવાને, તારા દેવને એંધાણી બતાવવા કહે; પછી ભલે એ નીચામાં નીચા પાતાળમાંથી કે, ઊંચામાં ઊંચા આકાશમાંથી બતાવે.”
12 પરંતુ આહાઝે કહ્યું, “ના, મારે એંધાણીની માંગણી કરી યહોવાની કસોટી કરવી નથી.”
13 ત્યારે યશાયાએ જવાબ આપ્યો, “સાંભળ, દાઉદના વંશજ. તું માણસોને વાજ આણીને ધરાયો નથી? તારે મારા દેવને પણ વાજ આણવો છે?” 14 એટલે યહોવા પોતે તમને એંધાણી બતાવશે:
જુઓ, એક કુમારીને ગર્ભ રહ્યો છે,
અને તે એક પુત્રને જન્મ આપશે.
અને તેનું નામ “ઇમ્માનુએલ” એટલે કે આપણી સાથે દેવ એવું પડશે.
15 તે સારાસારનો વિવેક કરતો થાય,
ત્યાં સુધીમાં તો તે દહીં અને મધ ખાતો થઇ ગયો હશે.
16 એ બાળક નરસાનો ત્યાગ કરી, સારાને પસંદ કરતા શીખશે.
તે પહેલાઁ તું જેનાથી ભયભીત થાય છે તે બે રાજાઓના દેશો ઉજ્જડ થઇ જશે.
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
1 બધા લોકોને દેવની સુવાર્તા સંભળાવવા હું પસંદગી પામેલ છું.
દેવે મને એક પ્રેરિત થવા બોલાવ્યો છે. એવા ખ્રિસ્ત ઈસુના દાસ પાઉલ તરફથી કુશળતા હો.
2 તેના લોકોને આ સુવાર્તા આપવાનું વચન દેવે તેના પ્રબોધકો મારફતે આપ્યું હતું. પવિત્ર શાસ્ત્રમાં આ વચન લખેલું છે. 3-4 આ સુવાર્તા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે દેવનો દીકરો છે, જો કે એક વ્યક્તિ તરીકે તેનો જન્મ દાઉદના કુટુંબમાં થયો હતો. પવિત્ર આત્માના પ્રતાપે મૂએલામાંથી પાછા ઉઠવાના પરાક્રમથી તેને દેવનો દીકરો જાહેર કરવામાં આવ્યો હતો.
5 દેવે ખ્રિસ્ત દ્વારા, તેના પ્રેરિત બનવાનું આ ખાસ મહત્વનું કામ મને સોંપ્યું છે. બધા દેશોના લોકો દેવમાં વિશ્વાસ રાખીને તેની આજ્ઞા પાળે એવું માર્ગદર્શન આપવાનું કામ દેવે મને આપ્યું છે. ખ્રિસ્ત માટે આ કાર્ય હું કરી રહ્યો છું. 6 હે રોમવાસીઓ, તમે પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડાયેલાં છો.
7 તમે તે લોકો છો જેઓને દેવ ચાહે છે અને પોતાના પવિત્ર લોકો થવા માટે તમને બોલાવ્યા છે. એવા તમ સર્વ લોકોને હું આ પત્ર લખું છું.
આપણા પિતા દેવથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા અને શાંતિ થાઓ.
ઈસુ ખ્રિસ્તનો જન્મ
(લૂ. 2:1-7)
18 ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે. 19 મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.
20 જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરા[a] તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી[b] છે. 21 તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ[c] પાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”
22 આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય. 23 “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે.”(A) (ઈમ્માનુએલ એટલે “દેવ આપણી સાથે છે.”)
24 જયારે યૂસફ જાગ્યો, ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો. 25 પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International