Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.
14 હે ઇસ્રાએલ, તું જેમ નબળો થઇ ગયો છે,
છતાં તું ગભરાઇશ નહિ,
કારણ કે હું તને મદદ કરીશ.”
હું તમારો યહોવા, તમારો તારક છું;
હું ઇસ્રાએલનો પવિત્ર દેવ છું.
15 “જો હું તને દાણાંના ફોતરાં છૂટાં પાડવાનાં
તીક્ષ્ણ દાંતાવાળા નવા સાધનમાં ફેરવી નાખીશ,
તું પર્વતોને અને ટેકરીઓને રોળીને ભૂકો કરી નાખશે.
16 તું તેઓને ઊપણશે; વાયુ તેઓ સર્વને ઉડાડી મૂકશે
અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે.
પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે;
ઇસ્રાએલના પવિત્ર દેવનાં પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ.
17 “દુ:ખી અને દરિદ્રીઓ પાણી શોધશે,
પણ મળશે નહિ,
તેઓની જીભો તરસથી સુકાઇ જશે.
ત્યારે તેઓ મને પોકાર કરશે અને હું તેમનો પોકાર સાંભળીશ;
હું ઇસ્રાએલનો દેવ, તેમનો ત્યાગ નહિ કરું.
18 હું તેઓને માટે ઉજ્જડ ડુંગરોમાં નદીઓ વહેવડાવીશ
અને ખીણોની વચ્ચે ઝરણાં આપીશ!
અરણ્યમાં પાણીના સરોવરો થશે
અને સૂકી ધરતીમાં ઝરા વહેવા માંડશે.
19 હું અરણ્યમાં દેવદાર ઉગાડીશ; બાવળ, મેંદી અને જૈતૂન ઉગાડીશ.
વળી હું રણ પ્રદેશમાં ભદ્રાક્ષો, સરળ અને સરુના ઝાડ ભેગાં ઉગાડીશ.
20 પ્રત્યેક વ્યકિત આ ચમત્કાર જોશે
અને કબૂલ કરશે કે,
ઇસ્રાએલના પવિત્ર દેવે
એને ઉત્પન્નકર્યુ છે.”
પાઉલ પોતાના કાર્ય વિષે કહે છે
14 મારા ભાઈઓ તથા બહેનો, મને ખાતરી છે કે તમે ભલાઈથી ભરપૂર છો. હું જાણું છું કે જરૂર હોય એટલું સર્વ પ્રકારનું જ્ઞાન તમે ઘરાવો છો, અને તમે એકબીજાને ચેતવણી આપી શકો એમ છો. 15 એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય આર્પણ થાય, માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉ. 16 એ કારણે દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વધારે હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.
17 આમ, ખ્રિસ્ત ઈસુમાં દેવ માટે હું જે કઈ કરી શક્યો છું એનું મને ગૌરવ છે. 18 મેં પોતે જે કઈ કર્યુ છે તે વિષે હું વાત નહિ કરું. બિનયહૂદિ લોકો દેવની આજ્ઞા માને એવું એમને માર્ગદર્શન આપવામાં ખ્રિસ્તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે તે વિષે જ હું બોલીશ. મેં જે બાબતો કહી છે અને કરી છે, એને લીધે તેઓએ દેવની આજ્ઞા પાળી છે. 19 પરાક્રમોની શક્તિ અને જે મહાન વસ્તુઓ એમણે જોઈ છે, અને પવિત્ર આત્માના સાર્મથ્યને લીધે એમણે દેવનો આદેશ માન્યો છે. યરૂશાલેમથી માંડીને ઈલ્લુરિકા સુધી બધે ફરી ફરીને મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. અને આમ મારા કાર્યનો એ ભાગ મેં પરિપૂર્ણ કર્યો છે. 20 જે જે સ્થળોએ લોકોએ કદી પણ ખ્રિસ્ત વિષે સાંભળ્યું ન હોય ત્યાં સુવાર્તા પ્રગટ કરવાનાં કાર્યને મેં હમેશા મારું ધ્યેય બનાવ્યું છે. આમ કરવાનું કારણ એ છે કે બીજી કોઈ વ્યક્તિએ જ્યાં આ કાર્ય પહેલેથી જ શરું કરી દીધું હોય ત્યાં પહોંચી જઈને એણે કરેલા કાર્યના પાયા પર હું કામ ન કરું. 21 પણ, શાસ્ત્રોમાં લખેલું છે:
“જે લોકોને તેના વિષે કશું જ કહેવામાં નથી આવ્યું તે લોકો જોશે,
અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.” (A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International