M’Cheyne Bible Reading Plan
ખાદ્યાર્પણ
2 જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો. 2 પછી તેણે એ હારુનના પુત્રો – યાજકો સમક્ષ લાવવું. પછી એક યાજક તેમાંથી એક મૂઠી લોટ, તેલ અને બધો લોબાન લઈને તેને પ્રતીકરૂપે વેદી પર હોમે. આ ખાદ્યાર્પણ અગ્નિ દ્વારા થાય છે તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. 3 ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોને મળે છે. તે અત્યંત પવિત્ર છે. કારણ કે યહોવાને ધરાવેલા દાણાના અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.
ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ
4 “જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય. 5 જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય. 6 તેના ટુકડા કરીને તેના પર તેલ રેડવું; એ ખાદ્યાર્પણ છે. 7 જો કોઈનું ખાદ્યાર્પણ તવા પર શેકેલું હોય તો તે તેલનું મોણ નાખેલા મેંદાનું બનાવેલું હોય.
8 “આ રીતે શેકેલું, તળેલું આ ખાદ્યાર્પણ યાજક પાસે લાવવું અને તે તેને વેદી પર યહોવા સમક્ષ અર્પણ કરવું. 9 અને પછી યાજક તેમાંથી પ્રતીકરૂપે થોડો ભાગ લઈ ખાદ્યાર્પણ તરીકે વેદીમાંના અગ્નિમાં હોમશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. 10 ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોનો ગણાય. એ અત્યંત પવિત્ર છે, કારણ, યહોવાને ધરાવેલા હોમયજ્ઞમાંથી એ ગ્રહણ કરવામાં આવેલ છે.
11 “યહોવાને અર્પણ કરવાના કોઈ પણ પ્રકારના ખાદ્યાર્પણમાં આથો ન વાપરવો, અર્થાત ખમીરનો ઉપયોગ કરવો નહિ. કોઈ પણ વ્યક્તિએ દહનાર્પણમાં ખમીર કે મધનો ઉપયોગ કરવો નહિ, કારણ કે તેની છૂટ નથી. 12 કોઈ પણ વ્યક્તિ તે વસ્તુઓ ખમીર અને મધ પાકના પ્રથમ ભાગ તરીકે એ ધરાવી શકે પરંતુ તે વસ્તુઓ આહુતિ તરીકે વેદીમાં મીઠો ધુમાંડો બને એ રીતે હોમવી નહિ. 13 પરંતુ તમાંરે તમાંમ પ્રકારની ખાદ્યાર્પણમાં મીઠું નાખવું. તમાંરા ખાદ્યાર્પણ પર દેવનો અતૂટ કરાર છે, તેથી તેના પ્રતીકરૂપ મીઠું નાખવાનું કદી ભૂલવું નહિ. બધાજ અર્પણોમાં મીઠું ઉમરેવું અને ચઢાવવું.
પ્રથમ ફળનું ખાદ્યાર્પણ
14 “જો કોઈ વ્યક્તિ પાકના પ્રથમ ભાગ તરીકે અનાજ ખાદ્યાર્પણ તરીકે ચઢાવે તો તેણે તાજાં કણસલાંના પોંકરૂપે અથવા દળેલા લોટરૂપે ચઢાવે. 15 ખાદ્યાર્પણનાં પર તેલ રેડવું અને ઉપર લોબાન મૂકવો, એ ખાદ્યાર્પણ છે. 16 યાજક પ્રતીકરૂપે તેમાંથી થોડો લોટ અને તેલ તથા બધો લોબાન લઈ યહોવાને ખાદ્યાર્પણ તરીકે વેદીની અગ્નિમાં હોમવો.”
શાંત્યર્પણ
3 જો કોઈ વ્યક્તિ યહોવા સમક્ષ શાંત્યર્પણ લાવવા ઈચ્છતો હોય, તે પશુ ગાય પણ હોઈ શકે, તે અર્પણ પશુ હોય તો નર હોય કે માંદા હોય, પણ તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. 2 જે વ્યક્તિ તે પશુ લાવે તે તેના માંથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરે, ત્યાર પછી હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટે. 3 તે વ્યક્તિએ પશુના નીચેનો ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી, 4 બંને મૂત્રપિંડ અને તે ઉપરની કમર પાસેની ચરબી, તેમજ કાળજા અને મૂત્રપિંડ પરની ચરબી. 5 આ તમાંમ યાજકોએ દહનાર્પણ ઉપરાંત વેદી પરના લાકડાંના અગ્નિમાં હોમવું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
6 “જો કોઈ વ્યક્તિ શાંત્યર્પણ તરીકે બકરું કે ઘેટું યહોવા સમક્ષ લાવે, તો પણ તેનામાં કોઈ ખોડખાંપણ હોવી જોઈએ નહિ, વળી તે નર કે માંદા કોઈપણ હોઈ શકે. 7 જો કોઈ વ્યક્તિ ઘેટું ચઢાવતો હોય તો; 8 તેણે યહોવા સમક્ષ ઘરાવી તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો – યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું. 9 પછી પ્રાણીના નીચે જણાવેલા ભાગો શાંત્યર્પણમાંથી હોમયજ્ઞ તરીકે યહોવા સમક્ષ ચઢાવવા: બધી ચરબી, મેરુ દંડને અડીને કાપી નાખેલી આખી જાડી પૂછડી, આંતરડાં ઉપરની અને તેની આસપાસની બધી જ ચરબી 10 બંને મૂત્રપિંડો અને તેમના પરની કમર પાસેની ચરબી, કાળજા અને મૂત્રપિંડો પરની ચરબી, 11 યાજકે યહોવા સમક્ષ શાંત્યર્પણ તરીકે આ બધું હોમી દેવું.
12 “જો કોઈ વ્યક્તિ બકરું અર્પણ કરવા લાવે તો, 13 તેણે યહોવા સમક્ષ ઘરાવીને તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો-યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું. 14 યાજકે તેના નીચેના ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં પરની અને તેની આસપાસની બધી જ ચરબી, 15 બંને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, કાળજા તેમજ મૂત્રપિંડો પરની ચરબી. 16 આ તમાંમ યાજકે શાંત્યર્પણ તરીકે હોમી દેવું. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય. 17 તમે ગમે ત્યાં નિવાસ કરતા હો, તમાંરી બધી જ પેઢીઓ માંટે તમાંરા દેશમાં સર્વત્ર આ કાયમી નિયમ છે; તમાંરે કદી પણ ચરબી કે લોહી ખાવા નહિ.”
ઈસુના સાત શિષ્યોને દર્શન
21 પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું. 2 શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા. 3 સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.”
બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.
4 બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો. 5 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “મિત્રો તમે કોઈ માછલી પકડી છે?”
શિષ્યોએ કહ્યું, “ના.”
6 ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.
7 ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો. 8 બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા. 9 જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી. 10 પછી ઈસુએ કહ્યું, “તમે માછલીઓ પકડી છે તેમાંથી થોડી લાવો.”
11 સિમોન પિતર હોડીમાં ગયો અને જાળને સમુદ્રકિનારે ખેંચી. તે મોટી માછલીઓથી ભરેલી હતી. ત્યાં 153 માછલીઓ હતી. માછલીઓ ઘણી ભારે હતી, પણ જાળ ફાટી નહિ. 12 ઈસુએ તેઓને કહ્યું, “આવો અને ખાઓ.” શિષ્યોમાંથી કોઈ પણ તેને પૂછી શક્યો નહિ, “તું કોણ છે?” તેઓએ જાણ્યું તે પ્રભુ હતો. 13 ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.
14 મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા.
ઈસુ પિતર સાથે વાત કરે છે
15 જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?”
પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનો[a] ની સંભાળ રાખ.”
16 ફરીથી ઈસુએ પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”
પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેટાંઓની સંભાળ રાખ.”
17 ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?”
પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!”
ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ. 18 હું તને સત્ય કહું છું. જ્યારે તું યુવાન હતો. તું તારો પોતાનો પટ્ટો બાંધી અને તારી જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં ગયો. પણ જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે તું તારા હાથ લાંબા કરીશ અને બીજો કોઈ પુરુંષ તને બાંધશે. તે વ્યક્તિ તારી ઈચ્છા જ્યાં નહિ જવાની હશે ત્યાં દોરી જશે.” 19 (ઈસુએ દેવનો મહિમા પ્રગટ કરવા, તે દર્શાવવા એમ કહ્યું.) પછી ઈસુએ પિતરને કહ્યું, “મારી પાછળ આવ!”
20 પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો. (આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?”) 21 જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?”
22 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય, તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ. તું મારી પાછળ આવ!”
23 તેથી એ વાત ભાઈઓમાં અંદર અંદર પ્રસરી. તેઓ કહેતા હતા કે આ શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતો હતો તે મૃત્યુ પામશે નહિ. પણ ઈસુએ કહ્યું ન હતું કે તે મૃત્યુ પામશે નહિ. તેણે ફક્ત કહ્યું, “ધારો કે મેં નક્કી કર્યુ હોય કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવે એમાં તારે શું?”
24 તે શિષ્ય જે આ બાબત કહે છે, તે જેણે હમણાં આ બાબત લખી છે. અમે જાણીએ છીએ કે તે જે કહે છે તે સાચું છે.
25 ત્યાં બીજી ઘણી બાબતો છે જે ઈસુએ કરી છે. જો તે બાબતોના પ્રત્યેક કામો લખવામાં આવે તો હું ધારું છું કે એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ.
18 એકલો માણસ ફકત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.
2 મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, તેને ફકત પોતાના મંતવ્યોને જ રજૂ કરવા હોય છે.
3 જ્યારે દુરાચાર આવે છે ત્યારે ધિક્કાર તેને અનુસરે છે, અને અપકીર્તિ સાથે શરમ પણ આવે છે.
4 શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે.
5 ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિર્દોષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી.
6 મૂર્ખ બોલે બોલે કજિયા કરાવે છે અને શબ્દે શબ્દે ડફણાં મારે છે.
7 મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે.
8 કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજન જેવા હોય છે, તે તરત ગળે ઉતરી જાય છે અને શરીરના અંતરતમ ભાગમાં પહોચી જાય છે.
9 વળી જે પોતાનાં કામ પ્રત્યે શિથિલ છે તે ઉડાઉનો ભાઇ છે.
10 યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.
11 ધનવાન માને છે કે, મારું ધન મારું કિલ્લેબંદીવાળું નગર છે, ઊંચો કોટ છે.
12 અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.
13 સાંભળ્યા પહેલાઁ જવાબ આપવામાં મૂર્ખાઇ તથા લજ્જા છે.
14 હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
15 બુદ્ધિશાળી વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે, જ્ઞાની વ્યકિતના કાન જ્ઞાન શોધે છે.
16 વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે.
17 ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે.
18 સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે.
19 દુભાયેલા ભાઇને મનાવવો ગઢ જીતવા કરતાં કપરું છે; તે કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
20 યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે.
21 જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે.
22 જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, અને યહોવાની કૃપા પામ્યો જાણવો.
23 ગરીબ કાલાવાલા કરે છે; પરંતુ દ્વવ્યવાન ઉદ્ધતાઇથી જવાબ આપે છે.
24 ઘણા મિત્રો આફત લાવી શકે છે; પરંતુ એક ખાસ પ્રકારનો મિત્ર છે કે જે એક ભાઇ કરતા વધુ નિકટ છે.
1 ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હું પ્રેરિત છું. કારણ કે દેવ જ તેમ ઈચ્છતો હતો. ખ્રિસ્તમાં આપણા ભાઈ તિમોથી તરફથી પણ સલામ.
2 કલોસ્સામાં રહેતા ખ્રિસ્તમાં આપણા પવિત્ર અને વિશ્વાસુ ભાઈઓ અને બહેનોને આપણા દેવ બાપ તરફથી કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
3 હંમેશા અમે અમારી પ્રાર્થનામાં તમારે સારું દેવનો આભાર માનીએ છીએ. દેવ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે. 4 અમે દેવનો આભાર માનીએ છીએ કારણ કે તમે જે વિશ્વાસ ખ્રિસ્ત ઈસુમાં ધરાવો છો અને દેવના સર્વ સંતો માટે તમને જે પ્રેમ છે તેના વિષે અમે સાભંળ્યું છે. 5 તમને ખ્રિસ્તમાં વિશ્વાસ છે. તમારી આશાને કારણે તમે દેવના સંતોને પ્રેમ કરો છો. તમે જાણો છો કે જે વસ્તુની તમે આશા રાખો છો, તે આકાશમાં સલામત છે. તમે તેની આશા જાણવા આવ્યા છો. જ્યારે તમે સત્યના ઉપદેશને સાંભળ્યો, સત્ય સંદેશ એ જ સુર્વાતા છે. 6 જ્યારે તમને સુવાર્તા આપવામાં આવી ત્યારે સુવાર્તા આશીર્વાદ વરસાવી રહી છે. જ્યારે તમે તે સુવાર્તા પ્રથમ સાંભળી અને દેવની કૃપાની (દયા) સત્યતા તમે સમજયા તે સમયે પણ આમ જ બન્યું હતું. 7 એપાફ્રાસ પાસેથી તમે દેવની કૃપા વિષે જાણ્યું. એપાફ્રાસ અમારી સાથે જ કાર્ય કરે છે, અને અમે તેને ચાહીએ છીએ. તે અમારા માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. 8 પવિત્ર આત્મા તરફથી તમને જે પ્રેમ પ્રાપ્ત થયો છે તે પણ એપાફ્રાસે અમને જણાવ્યું છે.
9 જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:
કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ; 10 તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ; 11 દેવ તેના મહિમાના સાર્મથ્ય પ્રમાણે તમને શક્તિશાળી બનાવે, જેથી જ્યારે આપત્તિઓ આવે ત્યારે તમે ડગી ન જાવ અને સહનશીલ બનો.
પછી તમને આનંદ પ્રાપ્ત થશે. 12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે. 13 દેવે આપણને અંધકારની (શૈતાન) સત્તામાંથી મુક્ત કર્યા છે. અને તે જ આપણને તેના પ્રિય પુત્ર (ઈસુ) ના રાજ્યમાં લઈ આવ્યો. 14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે.
જ્યારે આપણે ખ્રિસ્ત તરફ દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે આપણે દેવને નિહાળીએ છીએ
15 કોઈ પણ વ્યક્તિ દેવને જોઈ શક્તી નથી.
પરંતુ ઈસુ દેવની પ્રતિમાં જ છે. ઈસુ જ,
જે બધી વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તેનો શાસક છે.
16 તેના સાર્મથ્ય વડે દરેક વસ્તુનું સર્જન કરવામાં
આવ્યું-આકાશની વસ્તુઓ, પૃથ્વીની વસ્તુઓ, દૃશ્યમાન અને અદૃશ્ય વસ્તુઓ,
સમગ્ર આત્મીય સત્તા, અધિકારીઓ,
દરેક વસ્તુનું સર્જન ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત માટે જ કરવામાં આવ્યું.
17 કોઈ પણ વસ્તુના સર્જન પહેલા ખ્રિસ્ત હતો.
અને તેના જ કારણે દરેક વસ્તુમાં સાતત્ય છે.
18 ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે.
તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે;
કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.
19 કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું; તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો.
20 દેવ પ્રત્યેક વસ્તુને પોતાના માટે ખ્રિસ્ત દ્વારા પુનઃપ્રાપ્ત કરીને પ્રસન્ન થયો
પૃથ્વી પરની અને આકાશની વસ્તુઓ.
દેવે વધસ્તંભના ખ્રિસ્તના રક્ત (મરણ) દ્વારા શાંતિ કરાવી.
21 એક સમયે તમે દેવથી વિખૂટા પડી ગયેલા. મનમાં તો તમે દેવના શત્રું હતા, કારણ કે જે દુષ્ટ આચરણ તમે કરેલું તે દેવ વિરુંદ્ધ હતું. 22 પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીઘા છે. જ્યારે તે તેના શરીરમાં હતો, ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે તેથી ખ્રિસ્તે આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે, જેનામાં કોઈ ક્ષતિ નથી, અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે. 23 જો તમે સાંભળેલ સુવાર્તામાં વિશ્વાસ ધરાવતા રહેશો, તો ખ્રિસ્ત આમ કરશે. તમારે તમારા વિશ્વાસમાં સ્થાપિત અને દ્રઢ બનવાનું ચાલુ રાખવું જોઈએ. સુવાર્તાએ જે આશા તમને પ્રદાન કરી છે તેમાંથી તમારે કદાપિ ચલિત થવું જોઈએ નહિ. અને તે સુવાર્તા આખા વિશ્વમાં પ્રગટ થઈ છે. હું પાઉલ, તે સુવાર્તા પ્રગટ કરવામાં મદદ કરું છું.
મંડળી માટે પાઉલનું કાર્ય
24 તમારા માટે મેં જે દુઃખો સહન કર્યા છે તેનાથી હું હમણાં આનંદ અનુભવું છું. ખ્રિસ્તે હજુ પણ તેના શરીર, મંડળી, દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. જે પીડા ભોગવવાની છે તેને હું મારા શરીરમાં સ્વીકારું છું. હું તેના શરીર, મંડળી માટે યાતના સહું છું. 25 દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપેલું તેથી હું મંડળીનો સેવક બન્યો. આ કાર્ય તમને મદદરૂપ થવાનું છે. મારું કાર્ય સંપૂર્ણપણે દેવની વાત જણાવવાનું છે. 26 પ્રારંભકાળથી જ જેને ગુપ્ત રાખવામાં આવ્યું છે તેવો ઉપદેશ ગૂઢ સત્ય છે. આ સત્યને સર્વ સંતોથી ગુપ્ત રાખવામાં આવેલું. પરંતુ હવે તે ગુઢ સત્યને દેવના સંતો સમક્ષ જાહેર કરવામાં આવ્યું છે. 27 તેના લોકો આ સમૃદ્ધિ અને મહિમાનું સત્ય જાનો તેવો નિર્ણય દેવે કર્યો. તે મહિમાની આશા તમામ લોકો માટે છે. તે સત્ય જે તમારામાં છે, તે ઈસુ ખ્રિસ્ત પોતે જ છે જે મહિમાની આશા છે. 28 દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બધા જ લોકોને અમે દેવ સમક્ષ એવા પ્રસ્તુત કરવા માંગીએ છીએ કે જેઓ ખ્રિસ્તમાં આત્મિક રીતે સંપૂર્ણ થયેલા છે. 29 આમ કરવા માટે, ખ્રિસ્તે મને પ્રદાન કરી છે તે મહાન શક્તિનો હું કાર્ય અને સંઘર્ષ કરવામાં ઉપયોગ કરું છું. તે શક્તિ મારા જીવનમાં કાર્યાન્વિત બની છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International