M’Cheyne Bible Reading Plan
બસાલએલ અને આહોલીઆબ
31 વળી યહોવાએ મૂસાને કહ્યું, 2 “જુઓ, મેં યહૂદાના કુળસમૂહના હૂરના પુત્ર ઉરીના દીકરા બસાલએલને ખાસ પસંદ કર્યો છે. 3 મેં તેનામાં દૈવી શક્તિભરી દીધી છે અને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી, અને પુષ્કળ જ્ઞાન અને હોશિયારી આપી છે. 4 મેં તેને નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં સોનાચાંદીને કાંસાની વસ્તુઓ બનાવવામાં, 5 રત્નોને પહેલ પાડવામાં, લાકડામાં કોતરણી કરવામાં તથા બધી જાતના નકશીકામ કરવામાં કુશળ બનાવ્યો છે. 6 વળી તેની સાથે કામ કરવા માંટે મેં દાનના કુળસમૂહના અહી સામાંખના પુત્ર આહોલીઆબને પસંદ કર્યો છે, તથા બીજા બધા કુશળ કારીગરોને પણ મેં કુશળતા આપી છે. જેથી તેઓ મેં તને જે જણાવ્યું તે બધી વસ્તુઓ બનાવી શકે:
7 મુલાકાત મંડપ,
કરારકોશ, તેનું ઢાંકણું,
મંડપનું બધું રાચરચીલું;
8 બાજઠ અને તેનાં સાધનો,
શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો,
ધૂપ કરવાની વેદી,
9 દહનાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો,
હાથપગ ધોવાની કૂંડી અને તેની ધોડી.
10 યાજક હારુન અને તેના પુત્રો
માંટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક,
11 અભિષેક માંટેનું તેલ અને
પવિત્રસ્થાનક માંટેનો સુગંધીદાર ધૂપ.
તેમણે આ બધી જ સામગ્રી મેં જણાવ્યું છે તે પ્રમાંણે બરાબર બનાવવી.”
સાબ્બાથ દિને વિશ્રામ
12 યહોવાએ મૂસાને કહ્યું, 13 “ઇસ્રાએલના લોકોને કહે, ‘સાબ્બાથ દિને વિશ્રામ કરે. કારણ કે “સાબ્બાથ” માંરી અને તમાંરી વચ્ચે બધી પેઢીઓ માંટે નિશાની છે. એ તમને યાદ આપશે કે મેં તમને માંરી ખાસ પ્રજા તરીકે બનાવ્યા છે.
14 “‘આથી તમાંરે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમાંરા માંટે એ પવિત્ર દિવસ છે, જે કોઈ એની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાંજમાંથી બહિષ્કાર કરજો. 15 તમને છ દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસ સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ મને સમર્પિત થયેલો પવિત્ર દિવસ છે. જે કોઈ તે દિવસે કામ કરે તેને મોતની સજા કરવી. 16 ઇસ્રાએલના લોકોએ માંરી અને તેમની વચ્ચેના કરારની સ્મૃતિ તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે. કારણ કે, 17 સાબ્બાથ માંરી અને ઇસ્રાએલી લોકોની વચ્ચે હમેશની નિશાની રહેશે,’” કેમકે મેં, યહોવાએ છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે મેં કામ બંધ કર્યુ અને વિશ્રામ કર્યો.
18 સિનાઈના પર્વત ઉપર મૂસા સાથેનો વાર્તાલાપ પૂર્ણ કરીને યહોવાએ તેને બે સ્માંરક તકતીઓ અર્પણ કરી; એ પથ્થરની તકતીઓ દેવની આંગળી વડે લખાયેલ દશ આજ્ઞાઓવાળી હતી.
ઘેટાંપાળક અને તેનાં ઘેટાં
10 ઈસુ કહે છે, “હું તમને સત્ય કહું છું જ્યારે માણસ ઘેટાંના વાડામાં પ્રવેશે છે, ત્યારે તેણે દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. પછી જો તે બીજા કોઈ રસ્તેથી પ્રવેશ કરે છે, તો તે એક લૂંટારો છે. તે ઘેટાં ચોરવાનો પ્રયત્ન કરે છે. 2 પણ જે માણસ ઘેટાંની સંભાળ રાખે છે તે દરવાજામાંથી પ્રવેશે છે. તે ઘેટાંપાળક છે. 3 જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે. અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે. ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે. 4 તે ઘેટાંપાળક તેનાં બધાં ઘેટાંને બહાર કાઢે છે પછી તે તેઓની આગળ ચાલે છે અને તેમને દોરે છે. ઘેટાં તેની પાછળ જાય છે. કારણ કે તેઓ તેના અવાજને જાણે છે. 5 પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”
6 ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.
ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક
7 તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. 8 મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. 9 હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું. 18 કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”
19 ફરીથી યહૂદિઓ એકબીજા સાથે સંમત થયા નહિ કારણ કે ઈસુએ આ બાબતો કહીં. 20 આ યહૂદિઓમાંના ઘણાએ કહ્યું, “એક શેતાન તેનામાં પ્રવેશ્યો છે અને તેને ગાંડો બનાવ્યો છે, તેનું શા માટે સાંભળો છો?”
21 પણ બીજા યહૂદિઓએ કહ્યું, “એક માણસ જે શેતાન ઘેલો છે તે આના જેવી વાતો કહી શકે નહિ. શેતાન આંધળા લોકોની આંખો સાજી કરી શકે? ના!”
યહૂદિઓ ઈસુની વિરૂદ્ધમાં
22 તે શિયાળાનો સમય હતો. યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ[a] નો સમય આવ્યો. 23 મંદિરમાં ઈસુ સુલેમાનની પરસાળમાં ચાલતો હતો. 24 યહૂદિઓ ઈસુની આસપાસ ભેગા થયા. તેઓએ કહ્યુ, “ક્યાં સુધી તું તારા વિષે અમને સંદેહમાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય તો પછી અમને સ્પષ્ટ કહે.”
25 ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તો તમને બધું જ કહ્યું છે, પણ તમે વિશ્વાસ કરતા નથી. હું મારા પિતાના નામે કામો કરું છું. હું કોણ છું તે મારા કામો બતાવશે. 26 પણ તમે વિશ્વાસ કરતા નથી. શા માટે? કારણ કે તમે મારાં ઘેટાં (લોકો) નથી. 27 મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે. 28 હું મારાં ઘેટાંઓને અનંતજીવન આપું છું. તેઓ કદાપિ મૃત્યુ પામશે નહિ. અને કોઈ પણ વ્યક્તિ તેઓને મારાં હાથમાંથી છીનવી શકશે નહિ. 29 મારાં પિતાએ મને મારું ઘેટું આપ્યું. તે દરેક જણ કરતા મહાન છે. કોઈ પણ વ્યક્તિ મારાં પિતાના હાથમાંથી મારાં ઘેટાંને ચોરી શકશે નહિ. 30 હું અને મારાં પિતા એક જ છીએ.”
31 ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા. 32 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’(A) 35 આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે – તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે. 36 તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે. 37 જો મારા પિતા જે કરે છે તે હું ન કરું તો, પછી હું જે કહું તે ના માનશો. 38 પણ જો હું મારા પિતા જે કરે છે તે જ કરું તો, પછી તમારે હું જે કઈ કરું તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે મારામાં વિશ્વાસ ન કરો, પરંતુ હું જે કંઈ કરું છું તેમાં તમે વિશ્વાસ કરો. પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”
39 ઈસુને પકડવાનો પ્રયત્ન યહૂદિઓએ ફરીથી કર્યો. પરંતુ ઈસુ તેઓની પાસેથી નીકળી ગયો.
40 પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો. તે સ્થળે ઈસુ ગયો. ઈસુ ત્યાં રહ્યો. 41 અને ઘણા લોકો તેની પાસે આવ્યા. તે લોકોએ કહ્યું, “યોહાને કદી ચમત્કારો કર્યા નથી. પરંતુ યોહાને આ માણસ વિષે જે બધું કહ્યું હતું તે સાચું છે.” 42 અને ત્યાં ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
મોહપાશ
7 મારા દીકરા, મારા વચનો પાળજે. અને મારી આજ્ઞા યાદ રાખજે. 2 તારે જીવવું હોય તો મારી આજ્ઞાઓનું પાલન કરજે, અને મારા ઉપદેશને તારી આંખની કીકીની જેમ જાળવજે, 3 એને તારી આંગળીએ બાંધજે, એને તારા હૃદય પર લખજે. 4 જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને “તું મારું કુટુંબ છે.” 5 જેથી એ બંને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. પોતાના શબ્દો વડે ઉંપરાણું કરનાર પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.
6 કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર નાખી; 7 અને ત્યાં મેં ઘણાં અણઘડ યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો. 8 એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેણીના ઘર તરફ જતો હતો. 9 દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતનું અંધારું ફેલાતું હતું. 10 અચાનક એ સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે વારાંગના જેવા વસ્ત્રો પહેર્યા હતાં અને એના મનમાં કપટ હતું. 11 તે ધ્યાનાકર્ષક અને બળવાખોર સ્ત્રી હતી. તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા; 12 કોઇવાર ગલીઓમાં, ક્યારેક બજારની જગ્યામાં, તો કોઇવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી. 13 તે સ્ત્રીએ તેને પકડ્યો અને ચુંબન કર્યુ અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે, 14 “આજે રાત્રે મારે મારા શાંત્યાર્પણો ખાવા પડશે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારા વચનો પૂર્ણ કર્યા છે. 15 તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો ખરો. 16 મેં મારા પલંગ ઉપર સુંદર ચાદરો પાથરી છે આ ચાદરો મિસરથી આવી છે! 17 મેં મારી શૈયાને બોળ, અગર, અને તજથી સુગંધીદાર બનાવી છે. 18 ચાલ, આપણે પરોઢ થતાં સુધી પેટપૂર પ્રીતિ, આખી રાત મોજમાં મગ્ન થઇ પ્રેમની મજા માણીએ. 19 મારો ધણી ઘેર નથી તે લાંબી મુસાફરીએ ગયો છે. 20 તે પોતાની સાથે રૂપિયાની થેલી લઇ ગયો છે. અને છેક પૂનમ લગી તે પાછો આવનાર નથી.”
21 તે તેને ઘણા મીઠા શબ્દોથી સમજાવે છે અને સુંવાળી વાતોથી વહાલથી તે તેને ખેંચી જાય છે. 22 અચાનક તે જેમ બળદ કસાઇવાડે જાય, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઇ જવાય તેમ જલ્દીથી તેની પાછળ જાય છે. 23 આખરે તેનું કાળજુ તીરથી વીંધાય છે; જેમ કોઇ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વગર જાળમાં ધસી જાય છે, તેમ તે જાય છે.
24 માટે, હે પુત્રો, સાંભળો, અને મારા મુખના શબ્દો પર લક્ષ આપો. 25 તારું હૃદય તેણીના રસ્તે વળે નહિ. તેના રસ્તાઓમાં રખડતો નહિ. 26 કારણ, તેણે ઘણાને ઘાયલ કર્યા છે, તેમને મારી નાખ્યાં છે અને અસંખ્ય માણસોના પ્રાણ લીધા છે. 27 તેનું ઘર મૃત્યુ લોકના માર્ગે છે કે, જે મૃત્યુનાં ઓરડામાં પહોંચાડે છે.
એકબીજાને મદદરૂપ બનો
6 ભાઈઓ અને બહેનો, તમારા સમૂહમાંની કોઈ એક વ્યક્તિ કંઈક અપરાધ કરે તો તમે લોકો આધ્યાત્મિક હોવાને નાતે જે વ્યક્તિ અપરાધ કરે છે તેની પાસે જાઓ. તેને ફરીથી સન્નિષ્ટ બનાવવામાં મદદરૂપ બનવું જોઈએ. તમારે આ વિનમ્રતાથી કરવું જોઈએ. પરંતુ સાવધ રહેજો! તમે પોતે પણ પાપ કરવા પરીક્ષણમાં પડો. 2 તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો. 3 જ્યારે એક વ્યક્તિ વિચારે કે તે પોતે મહત્તમ છે પરંતુ તે ખરેખર ન હોય, ત્યારે તે વ્યક્તિ પોતાને જ મૂર્ખ બનાવે છે. 4 કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને બીજા લોકો સાથે સરખામણી ના કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કૃત્યની પોતે તપાસ કરવી જોઈએ. ત્યાર પછી જ પોતે જે કઈ કર્યુ છે તે વિષે તે ગર્વ લઈ શકે. 5 દરેક વ્યક્તિએ પોતાની જવાજદારીનો સ્વીકાર કરવો જોઈએ.
જીવન ખેતરમાં કરેલી રોપણી જેવું છે
6 જે વ્યક્તિ દેવનો ઉપદેશ શીખી રહી છે તેણે પોતાની પાસે જે કઈ સારા વાનાં છે તેમાંથી તેના શીખબનારને હિસ્સો આપવો જોઈએ.
7 ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે. 8 જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે, તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે. પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે, તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે. 9 સત્કર્મ કરતાં આપણે થાકવું નહિ. યોગ્ય સમયે આપણાને અનંતજીવન દ્વારા પુરષ્કૃત કરવામાં આવશે. કારણ કે કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. 10 જ્યારે અન્યના લાભાર્થે કાંઈક કરવાની આપણને તક હોય, ત્યારે તેમ કરવું જોઈએ. પરંતુ વિશ્વાસીઓના પરિવાર માટે આપણે વધારે ખાસ ધ્યાન આપવું જોઈએ.
પાઉલના પત્રની પૂર્ણહૂતિ
11 હું પોતે આ લખી રહ્યો છું. મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો. 12 કેટલાએક લોકો તમને સુન્નત માટે દબાણ કરે છે. તેઓ આમ કરે છે કે જેથી અન્ય લોકો તેઓને અપનાવે તે માણસોને ભય છે કે જો તેઓ માત્ર ખ્રિસ્તના વધસ્તંભને જ અનુસરશે તો તેઓ ઉપર જૂલમ ગુજારવામાં આવશે. 13 પરંતુ ખરેખર તો જેઓની સુન્નત કરાવે છે તે પોતે જાતે જ નિયમને અનુસરતા નથી. પરંતુ તમે સુન્નત કરાવો તેવો આગ્રહ તેઓ રાખે છે. જેથી પછી તેઓ તમને જે કરવાની ફરજ તેઓ પાડી શક્યા તે વિષે તેઓ બડાઈ મારી શકે.
14 હું આશા રાખું છું કે આવી બાબત માટે હું પોતે કદી બડાઈખોર ના બનું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ તે એક જ મારે માટે અભિમાનનું કારણ છે. ઈસુના વધસ્તંભ ઉપરના મૃત્યુના પરિણામે મારે માટે આ દુનિયા મરી ચૂકી છે; અને દુનિયા માટે હું મરી ચૂક્યો છું. 15 એક વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે બિલકુલ મહત્વનું નથી. દેવે સર્જયા છે તેવા નૂતન લોકો થવું તે મહત્વનું છે. 16 જેઓ આ નિયમનું પાલન કરે છે. તે સર્વને શાંતિ અને કૃપા હો. અને દેવના સર્વ લોકોને પણ.
17 તેથી હવે વધુ તસ્દી ન પહોંચાડશો. મારા શરીર ઉપર ઘણા ઘાનાં ચિહનો છે. અને આ ધાના ચિહનો બતાવે છે કે હું ઈસુ ખ્રિસ્તનો છું.
18 મારા ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International