Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
લેવીય 4

અજાણતા થયેલાં પાપો માંટેના અર્પણો

તે પછી યહોવાએ મૂસાને બીજી સૂચનાઓ આપી અને તેને કહ્યું કે, “ઇસ્રાએલના લોકોને કહે જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે. જો કોઈ વ્યક્તિ અજાણતા માંરા આદેશોનું ઉલ્લંઘન કરે તેને માંટે આ નિયમો છે.

“જો અભિષિક્ત યાજક એવી રીતે ભૂલ કરે અને લોકોને દોષમાં નાખે. તો તેણે પોતે કરેલાં પાપના પ્રાયશ્ચિત રૂપે યહોવાને એક ખોડખાંપણ વગરનો બળદ તેણે કરેલા પાપાર્થાર્પણ માંટે અર્પણ તરીકે ચઢાવવો. તેણે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવી તેના માંથા પર હાથ મૂકી તેને યહોવાની સમક્ષ વધેરવો. પછી અભિષિક્ત યાજક તેનું લોહી લઈને મુલાકાત મંડપમાં આવે. અને પછી લોહીમાં પોતાની આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પરમપવિત્રસ્થાનના પડદા પર લોહીના છાંટા નાખે. ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળના યજ્ઞવેદીના પાયા આગળ રેડી દેવું. પછી તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી. બે મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી અને કાળજા તેમજ મૂત્રપિંડો પરની બધી જ ચરબી કાઢીને બાજુએ રાખવી, 10 અને પછી તે બધી ચરબી યાજકે યજ્ઞવેદી પર હોમી દેવી. 11 પરંતુ જુવાન વાછરડાનો બાકીનો ભાગચામડું, માંસ, માંથું, પગ, આંતરડાં, 12 અને છાણ, છાવણીની બહાર પવિત્રસ્થાને લઈ જઈ ત્યાં રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકવો.

13 “જો સમગ્ર ઇસ્રાએલની પ્રજા અજાણતાં પાપ કરીને યહોવાની આજ્ઞાનો ભંગ કરી દોષમાં પડે તો, 14 તેની જાણ થતાં જ મંડળીએ પાપાર્થાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો બળદ ચઢાવવો. બળદને મુલાકાતમંડપ આગળ લાવી, 15 વડીલોએ તેના માંથા પર હાથ મૂકી યહોવા સમક્ષ તેને વધેરવો. 16 ત્યાર પછી અભિષિક્ત યાજકે તેનું થોડું લોહી મુલાકાતમંડપમાં લાવી. 17 તેમાં આંગળી બોળી યહોવા સમક્ષ સાત વખત પડદા પર છાંટવું. 18 ત્યારબાદ થોડું લોહી તેણે મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ વેદીના ખૂણાઓ પર રેડવું, અને બાકીનું બધું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યજ્ઞ વેદીનાં પાયામાં રેડી દેવું. 19 ત્યારબાદ તેણે બળદની ચરબી કાઢી લઈ વેદીના લાકડાંના અગ્નિમાં બાળી મૂકવી. 20 તેણે પાપાર્થાર્પણના બળદની જેમજ એ બળદનું પણ કરવું, એ રીતે યાજક લોકોને શુદ્ધ કરશે અને યહોવા તેમને માંફ કરશે. 21 પછી પેલા બળદની જેમ આને પણ છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકવો, આ વખતે આ પાપાર્થાર્પણ સમગ્ર પ્રજાને માંટે છે.

22 “જો કોઈ પ્રજાના આગેવાનોમાંથી અજાણતા પાપ કરે અને દેવના નિયમનું ઉલ્લંઘન કરી દોષિત ઠરે, 23 ત્યારે એની જાણમાં આવતાં જ તેણે ખોડખાંપણ વગરનો નર બકરો લાવી, જ્યાં આહુતિ ચઢાવવામાં આવે છે, 24 ત્યાં યહોવા સમક્ષ તેના માંથા પર હાથ મૂકી તેને વધેરવો. આ પાપાર્થાર્પણ છે. 25 ત્યારબાદ યાજકે પશુનું લોહી આંગળી વડે લઈ યજ્ઞવેદીનાં ટોચકાં પર લગાડવું, અને બાકીનું લોહી યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું અને અર્પણની આહુતિની ચરબીની જેમ એની બધી જ ચરબી વેદી પર બાળી મૂકવી. 26 આમ યાજક રાજાને શુદ્ધ કરશે અને યહોવા તેને માંફ કરશે.

27 “જો કોઈ સામાંન્ય માંણસ અજાણતા પાપ કરે અને યહોવાની કોઈ આજ્ઞાનો ભંગ કરીને દોષમાં પડે તો, 28 તેની જાણ થતાં તેણે પોતે કરેલાં પાપોના પ્રાયશ્ચિત માંટે એક ખોડખાંપણ વગરની બકરી પાપાર્થાર્પણ કરવી. 29 તેણે તેના માંથા પર હાથ મૂકી, જયાં યજ્ઞ ચઢાવવામાં આવે છે ત્યાં તેનો વધ કરવો. 30 યાજકે તેનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનાં ખુણાઓ પર લગાડવું, અને બાકીનું બધું જ લોહી વેદીના પાયામાં રેડી દેવું. 31 શાંત્યાર્પણની વિધિની જેમ યાજકે તેની બધી ચરબી કાઢી લેવી અને વેદી પર તેનું દહન કરવું; અને યહોવા તેનો સ્વીકાર કરશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. યાજક આ રીતે તે માંણસને માંટે પ્રાયશ્ચિત કરશે અને યહોવા તેને માંફ કરશે.

32 “પણ જો કોઈ માંણસ પાપાર્થાર્પણ તરીકે હલવાન લાવે તો તે માંદા હોવું જોઈએ અને ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. 33 તેણે તેના માંથા પર હાથ મૂકી જયાં દહનાર્પણના પશુનો વધ કરવામાં આવે છે, ત્યાં પાપાર્થાર્પણ તરીકે તેનો વધ કરવો. 34 પછી યાજકે પાપાર્થાર્પણનું થોડું લોહી આંગળી પર લઈને યજ્ઞવેદીનો ખૂણાઓ પર લગાડવું. અને બાકીનું બધું લોહી વેદીના પાયામાં રેડી દેવું. 35 યાજકે શાંત્યાર્પણના પશુની જેમ તેની બધી જ ચરબી કાઢી લેવી અને યહોવાને બીજા કોઈપણ અગ્નિના અર્પણની જેમ યાજકે તેને વેદી પર હોમી દેવું. આ રીતે યાજક તે વ્યક્તિને તેના પાપમાંથી શુદ્ધ કરે છે, અને યહોવા તે વ્યક્તિને માંફ કરે છે.

ગીતશાસ્ત્ર 1-2

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
    શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
    યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
    ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
    મારો માલિક તેમની મજાક કરે છે.
અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
    દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
    મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
    આજે હું તારો પિતા થયો છુ.”
તું મારી પાસે માગ,
    એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
    જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.

10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
    સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
    જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
    જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

નીતિવચનો 19

19 જૂઠા બોલો અને મૂર્ખ તવંગર કરતાં સત્યવકતા અને પ્રામાણિકપણે વર્તનાર ગરીબ વ્યકિત સારી છે.

જ્ઞાન વગરની આકાંક્ષા સારી નહિ, ઉતાવળાં પગળાં ભરનાર પાપમાં પડે છે.

વ્યકિત પોતાની મૂર્ખાઇથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.

સંપત્તિ મિત્રો વધારે છે પણ ગરીબના મિત્રો તેને છોડી જાય છે.

જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે છટકવા પામતો નથી.

ઉદાર માણસની સૌ ખુશામત કરે છે. ઉપહાર આપનારના સૌ કોઇ મિત્ર બને છે.

જે દરિદ્રીને તેના બધાં સગાં ધિક્કારે છે; તેનાથી તેના મિત્રો વધારે દૂર થઇ જશે. જ્યારે દરિદ્રી તેઓને બોલાવશે તેઓ અદ્રશ્ય થઇ જશે.

જે જ્ઞાન મેળવે છે તે પોતાનું હિત સાધે છે. જે સારાસારનો વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.

જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહે નહિ, જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.

10 મૂર્ખને મોજશોખ ભોગવવો શોભતા નથી અને ગુલામ રાજકુમારો ઉપર શાશન કરે તે તેનાથી પણ ઓછું શોભે.

11 ક્રોધને કાબૂમાં રાખવો એ ડાહી વ્યકિતનું લક્ષણ છે ક્ષમા આપવી એ તેમના મહિમા છે.

12 રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે; પણ તેની કૃપા ઘાસ પરનાં ઝાકળ જેવી છે.

13 મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે. કજિયાળી પત્ની જાયુ ટપકતા પાણી જેવી છે.

14 ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની તો યહોવાનુ ઈનામ છે.

15 આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ વ્યકિતને ભૂખ વેઠવી પડે છે.

16 જે આજ્ઞાનું પાલન કરે છે તે આત્માનું રક્ષણ કરે છે, પણ જે તેના પ્રત્યે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.

17 ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. યહોવા એ સુકૃત્યનો બદલો આપશે.

18 સુધારવાની આશા હોય ત્યાં સુધી તમારા બાળકને શિક્ષા કરજો; તેને પોતાની જાતને વિનાશ કરવામાં મદદ કરશો નહિ.

19 ઉગ્ર ક્રોધીને સજા ભોગવવી પડશે, જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.

20 સલાહ સાંભળીને શિખામણ સ્વીકારો; પછી અંતે તમે ડાહ્યા બનશો.

21 વ્યકિતના મનમાં અનેક યોજનાઓ હોય છે, પણ ફકત યહોવાની ઇચ્છાઓ જ પ્રચલિત રહેશે.

22 વ્યકિતની વફાદારી બીજાને તેની સાથે રહેવા માટે આકષેર્ છે. જૂઠાબોલા અપ્રામાણિક થવાં કરતાં ગરીબ રહેવું વધારે સારું છે.

23 જે કોઇ યહોવાનો ભય રાખે છે તે જીવન પામે છે, તે ભય વગર સંતોષથી રહેશે.

24 આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું મન થતું નથી.

25 તિરસ્કાર કરનાર વ્યકિતને દંડો ફટકારો જેથી સરળ લોકો પાઠ ભણે, જો તમે ડાહી વ્યકિતને ઠપકો આપશો તો તે જ્ઞાન મેળવશે.

26 જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે નિર્લ્લજ્જ અને નામોશી ભરેલો છે.

27 હે મારા પુત્ર, જો તું જ્ઞાનનીવાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું જ્ઞાનના શબ્દોને ખોઇશ.

28 દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે. અને દુષ્ટ લોકો અનિષ્ટને ગળી જાય છે.

29 ઊદ્ધત લોકો માટે શિક્ષા અને મૂર્ખાની પીઠને સારું ફટકા તૈયાર કરેલાં છે.

કલોસ્સીઓ 2

તમને મદદ કરવા માટે હું ઘણી જહેમત ઉઠાવી રહ્યો છું તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને લાવદિકિયાના લોકોને જેઓ મને કદાપિ મળ્યા નથી તેઓને પણ હું મદદ કરવા પ્રયાસ કરી રહ્યો છું. તેઓ વિશ્વાસમાં સમૃદ્ધ અને શક્તિશાળી બને જે સમજશક્તિ દ્વારા આવે છે અને પ્રેમ વડે એકબીજા સાથે જોડાય તેમ હું ઈચ્છુ છું. સમજશક્તિ દ્વારા જે દ્રઢ વિશ્વાસ ઉદભવે છે, તેમાં તેઓ સમૃદ્ધ બને તેમ હું ઈચ્છુ છું. દેવે જેને જાહેર કર્યુ છે તે મર્મથી તેઓ સંપૂર્ણપણે વાકેફ થાય તેમ હું ઈચ્છુ છું. તે સત્ય સ્વયં ખ્રિસ્ત જ છે. ખ્રિસ્તમાં બધા જ જ્ઞાન તથા બુદ્ધિનો ખજાનો સુરક્ષિત રખાયેલો છે.

હું તમને આ બાબતો એટલા માટે જણાવું છું કે કોઈ પણ વ્યક્તિ તમને એવા ખ્યાલોથી મૂર્ખ ન બનાવે કે જે સારા લાગે ખરાં, પણ હોય ખોટા. હું સદેહે તમારી સાથે નથી, પરંતુ મારું હૃદય તો તમારી સાથે જ છે. તમારું સારું જીવન અને ખ્રિસ્ત પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ જોઈને મને આનંદ થાય છે.

ખ્રિસ્તમય જીવન જીવવાનું ચાલુ રાખો

તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો. તમારે ફક્ત ખ્રિસ્ત પર જ આધારિત રહેવું. જીવન અને સાર્મથ્ય તેના તરફથી આવે છે, તમને સત્ય શીખવવામાં આવ્યુ છે. તમારે તે સત્ય ઉપદેશ અંગે દ્રઢ રહેવાનું ચાલુ જ રાખવું જોઈએ. અને હંમેશા આભારસ્તુતિ કરવી જોઈએ.

જે અર્થહીન હોય તેવા વ્યર્થ ખ્યાલો કે શબ્દો વડે કોઈ વ્યક્તિ તમને દોરે નહિ તે અંગે સાવધ રહો. તેવા ખ્યાલો ખ્રિસ્ત તરફથી નહિ, પરંતુ લોકો તરફથી આવતા હોય છે. દેવ સંપૂર્ણપણે ખ્રિસ્તમાં નિવાસ કરે છે. 10 અને ખ્રિસ્તમાં તમે સંપૂર્ણ છો. તમારે બીજા કશાની આવશ્યકતા જ નથી. બધા જ શાસકો અને સત્તાઓના ઈસુ જ શાસક છે.

11 ખ્રિસ્તમાં તમને વિવિધ પ્રકારની સુન્નત મળી હતી. જે સુન્નત કેટલાક માણસોના હાથથી કરવામાં આવી ન હતી. મારો મતલબ છે કે તમારી પાપી જાતના સાર્મથ્યથી તમને મુક્ત કરવામાં આવેલા. ખ્રિસ્ત તો આ જ પ્રકારની સુન્નત કરે છે. 12 જ્યારે તમે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમારી ર્જીણજાત મૃત્યુ પામી અને ખ્રિસ્તની સાથે તમે દટાયા. અને તે બાપ્તિસ્મામાં ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા, કારણ કે દેવના સાર્મથ્યમાં તમને વિશ્વાસ હતો. જ્યારે તેણે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડયો ત્યારે દેવના સાર્મથ્યને દર્શાવ્યું.

13 તમે તમારા પાપી સ્વભાવ અને તમારી પાપી કાયાની તાકાતથી બંધાયેલા હતા, તેથી તમે આત્મિક રીતે મૂએલા હતા. પરંતુ ખ્રિસ્ત સાથે દેવે તમને જીવતા કર્યા અને દેવે આપણા પાપોની માફી આપી. 14 આપણે દેવના નિયમનો ભંગ કર્યો તેથી આપણે દેવાદાર બન્યા. જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યાં, તેને કરજની યાદી દર્શાવે છે. પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યુ. દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું. 15 આત્મિક શાસકો અને સત્તાઓને દેવે પરાજીત કર્યો. વધસ્તંભ વડે દેવે જય મેળવ્યો અને તે શાસકો અને સત્તાઓને પરાજીત કર્યા. દેવે જગતને બતાવ્યું કે તેઓ સાર્મથ્યહીન હતા.

માનવનિર્મિત નિયમોને ન અનુસરો

16 તેથી કોઈ પણ વ્યક્તિને તમારા માટે ખાવાપીવા અંગેના કે યહૂદી રિવાજો. (ઉત્સવો, ચાંદરાત,[a] કે વિશ્રામવાર) વિષે કોઈ તમને દોષિત ન ઠરાવે. કોઈ પણ વ્યક્તિને આ વિષે તમારા માટે નિયમો ન ઘડવા દો. 17 ભૂતકાળમાં, આ બાબતો પડછાયારૂપ હતી કે જેનું આગમન થઈ રહ્યું છે તે દર્શાવતી હતી. પરંતુ નૂતન બાબતો કે જેનું આગમન થવાનું હતું તે ખ્રિસ્તમાં દેખાઈ છે. 18 કેટલાક લોકો નમ્રતા અને દૂતોની સેવા કરવા ઈચ્છતા હોય, એવું વર્તન કરે છે. તે લોકો હમેશા જે દર્શનો તેઓએ જોયા હોય તેના વિષે કહેતા રહે છે. તે લોકોને ન કહેવા દો કે, “તમે આમ કરતા નથી, તેથી તમે ખોટા છો.” તે લોકો મૂર્ખ અભિમાનથી ભરપૂર છે. કારણ કે તેઓ ફક્ત માનવ વિચારોને જ વિચારી શકે, દેવના વિચારોને નહિ. 19 તે લોકો તેમની જાતને શિરનાં નિયંત્રણ હેઠળ રાખતા નથી. સમગ્ર શરીર ખ્રિસ્ત પર આધારિત હોય છે. ખ્રિસ્તને (શિર) લીધે જ શરીરનાં બધા જ અવયવો એકબીજાની દરકાર રાખે છે અને એકબીજાને મદદ કરે છે. આ શરીરને મજબૂત બનાવે છે. અને તેને સંગઠિત કરે છે. અને તેથી દેવ જે રીતે ઈચ્છે છે તે રીતે શરીર વિકાસ પામે છે.

20 તમે ખ્રિસ્ત સાથે મૂઆ અને દુન્યવી નિરર્થક નિયમોથી મુક્ત થયેલા છો. તેથી તમે હજુ પણ આ દુનિયા સાથે સંકળયેલા હોય તમે વર્તો છો? મારો આ મતલબ છે, કે શા માટે આવા નિયમો પાળો છો: 21 “આ ખાશો નહિ,” “પેલું ચાખવું નહિ,” “પેલી વસ્તુને અડકશો નહિ?” 22 આ નિમયો એવી દુન્યવી વસ્તુઓ વિષે વાતચીત કરી રહ્યાં છે કે જેનો ઉપયોગ કર્યા પછી જેનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. આ નિયમો તો ફક્ત લોકોથી મળેલ આજ્ઞા તથા શિક્ષણ છે, દેવથી નહિ. 23 આ નિયમો સારા લાગે છે. પરંતુ આ નિયમો તો બસ માનવ નિર્મિત ધર્મના ભાગરૂપ છે કે જે માણસોને નમ્રતાનો ઢોંગ રચવા પ્રેરે છે, અને તેઓને દેહદમન માટે પ્રેરે છે. પરંતુ આ નિયમો લોકોને તેઓનો પાપી સ્વભાવ જે દુષ્કર્મો ઈચ્છે તે કરાવે છે, તેને અટકાવવામાં મદદકર્તા નથી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International