Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 37

કરારકોશની રચના

37 પછી બઝાલએલે બાવળના લાકડામાંથી પવિત્રકોશ બનાવ્યો, જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ અને ઊંચાઈ દોઢ હાથ હતી. તેણે તેને અંદર બહાર શુદ્ધ સોનાથી મઢીને તેની ફરતે સોનાની પટી મૂકી હતી. તેના ચાર પગોમાં સોનાનાં ચાર કડાં જોડેલા હતાં. પ્રત્યેક છેડા ઉપર બે કડાં. પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેને સોનાથી મઢી લીધાં. અને કોશ ઉપાડવા માંટે બંને બાજુના કડામાં પરોવી દીઘા. ત્યારબાદ તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું ઢાંકણ તૈયાર કર્યું. તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી. એક છેડે એક કરૂબદેવદૂત અને બીજે છેડે એક કરૂબદેવદૂત; તેણે તેને ઢાંકણ સાથે જોડી દીધી. દેવદૂતોની પાંખો ઊંચે પસારેલી હોવાથી ઢાંકણ પાંખોથી ઢંકાઈ જતું હતું. દેવદૂતોનાં મોં એકબીજાની સામસામે હતાં, અને ઢાંકણ તરફ વાળેલાં હતાં.

વિશિષ્ટ મેજ

10 બાવળના લાકડામાંથી તેણે 2 હાથ લાંબો, 1 હાથ પહોળો અને દોઢ હાથ ઊચો બાજઠ બનાવ્યો, 11 આખા બાજઠને શુદ્ધ સોનાથી મઢી લઈને બાજઠની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી. 12 પછી તેણે તેની ફરતે ચાર ઈચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી. 13 તેણે એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયે જડી દીધાં. 14 બાજઠ ઉપાડવાની દાંડીની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા. 15 દાંડીઓ બાવળના લાકડાની બનાવી અને તેને સૂવર્ણથી મઢી લીધી. 16 પછી તેણે બાજઠને માંટેનાં વાસણો-રકાબીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માંટેના વાટકા શુદ્ધ સોનાનાં બનાવ્યા.

દીવીની બેસણી

17 તેણે શુદ્ધ સોનાની દીવી બનાવી; દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવ્યાં અને તેના ઉપરનાં શોભાનાં ફૂલો, કળીઓ અને પાંદડીઓ તેની સાથે જડી દીધાં. 18 દીપવૃક્ષની બંને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી. 19 પ્રત્યેક શાખા ઉપર શોભા માંટે કળીઓ અને પાંદડીઓ સાથે બદામ ઘાટનાં ત્રણ ત્રણ ફૂલ હતાં. 20 દીપવૃક્ષની થાંભલીઓને કળીઓ અને પાંદડીઓવાળાં ચાર શોભાનાં ફૂલ હતાં. 21 દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું. અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું. આમ ચાર ફૂલ હતાં. 22 દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં, અને એ બધું શુદ્ધ સોનાની એક જ ઢાળકીમાંથી ઘડીને બનાવવામાં આવ્યું હતું. 23 દીવી માંટે તેણે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમાંરવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં. 24 દીપવૃક્ષ અને એનો સાજ બનાવવામાં તેણે 75 પૌંડ શુદ્ધ સોનું વાપર્યું હતું.

ધૂપ માંટેની વેદી

25 ધૂપ માંટેની વેદી તેણે બાવળના લાકડામાંથી બનાવી. તે 1 હાથ લાંબી, 1 હાથ પહોળી અને 2 હાથ ઊચી ને સમચોરસ હતી. વેદી પર ચાર શિંગ હતાં દરેક ખૂણામાં એક શિંગ હતું. આ શિંગો એકબીજા સાથે જોડેલા હતા, એક નંગ બનાવવા એક ભાગ તરીકે એક જ એકમમાં તેના ખુણાઓ ઉપર શિંગ તૈયાર કરેલાં હતાં. 26 આખી વેદીને શુદ્ધ સોનાથી મઢી લેવામાં આવી અને તેની ચારે તરફની ધાર ઉપર સોનાની કિનારી બનાવવામાં આવી. 27 તેણે તેને માંટે બે સોનાનાં કડા બનાવીને બંને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેમાં ઉપાડતી વખતે દાંડા પરોવી શકાય. 28 પછી તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢયા.

29 વળી તેણે અભિષેક માંટેનું તેલ તેમજ સરૈયો બનાવે તેવો શુદ્ધ સુગંધીદાર ધૂપ પણ બનાવ્યો.

યોહાન 16

16 “હું તમને આ વચનો કહું છું તેથી તે લોકો તમારા વિશ્વાસનો નાશ કરવા શક્તિમાન થશે નહિ. લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે. લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી. મેં તમને હવે આ વચનો કહ્યાં છે. તેથી જ્યારે આ વસ્તુઓ થવાનો સમય આવે ત્યારે મેં તમને આપેલી ચેતવણી તમે યાદ કરશો.

પવિત્ર આત્માનું કાર્ય

“મેં તમને શરુંઆતમાં આ વચનો કહ્યાં ન હતા કારણ કે ત્યારે હું તમારી સાથે હતો. હવે હું જેણે મને મોકલ્યો છે તેની પાસે પાછો જાઉ છું, પણ તમારામાંથી કોઈએ મને પૂછયું નહિ, ‘તું ક્યાં જાય છે?’ તમારાં હૃદયો વ્યાકુળતાથી ભરાયેલાં છે. કારણ કે મેં તમને આ વચનો કહ્યાં છે. પણ હું તમને સત્ય કહું છું. મારું દૂર જવું એ તમારા માટે સારું છે. શા માટે? કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ. પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ.

“જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે. સંબોધક ખાતરી કરશે કે લોકો પાપી છે, કારણ કે તેઓને મારામાં વિશ્વાસ નથી. 10 તે તેઓને મારા ન્યાયીપણા વિષે ખાતરી કરાવશે, કારણકે હવે હું પિતા પાસે જાઉં છું. પછી તમે મને જોશો નહિ. 11 અને સંબોધક જગતને ન્યાય વિષે ખાતરી કરાવશે. કારણ કે ખરેખર આ જગતનો શાસક (શેતાન) નો ન્યાય ચુકવવામાં આવ્યો છે.

12 “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે. 13 પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે. 14 સત્યનો આત્મા મને મહિમાવાન કરશે. કેવી રીતે? તે મારી પાસેથી વાતો મેળવશે અને તમને તે વાતો કહેશે. 15 પિતા પાસે જે બધું છે તે મારું છે. તેથી હું કહું છું કે આત્મા મારી પાસેથી મેળવશે અને તમને તે કહેશે.

ઉદાસીનતા પ્રસન્નતામાં પરિવર્તન પામશે

16 “ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”

17 કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’” 18 શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે? તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”

19 ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?” 20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.

21 “જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે. 22 તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ. 23 તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે. 24 તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.

જગત પર વિજય

25 “મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ. 26 તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ. 27 ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું. 28 હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું. હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું.”

29 પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી. 30 હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે. તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે. તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે.”

31 ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો? 32 ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.

33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”

નીતિવચનો 13

13 જ્ઞાની પુત્ર પોતાના પિતાની સૂચનાઓ સાંભળે છે, ઉદ્ધત પુત્ર ઠપકાને ગણકારતો જ નથી.

સજ્જન પોતાની વાણીનાં હિતકારી સુફળ ભોગવે છે, પરંતુ દગાબાજ કપટી તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.

મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.

આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

સદાચારી જૂઠને ધિક્કારે છે, પણ દુર્જન શરમ અને અપમાન લાવે છે.

સદાચાર ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુરાચાર પાપીઓને પછાડી નાખે છે,

કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે, તો કોઇ ભંડાર ભરેલા હોવા છતાં કંગાળ હોવાનો દેખાવ કરે છે.

ધનવાન વ્યકિત પૈસા આપીને પોતાનો જીવ બચાવે છે, પણ નિર્ધન વ્યકિતને પોતાના જીવ માટે ધમકી સાંભળવી પડતી નથી.

સદાચારીઓનો દીવો ઉજવળતાથી પ્રકાશે છે, પરંતુ દુરાચારીનો દીવો હોલવી નાખવામાં આવશે.

10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.

11 સરળતાથી મેળવેલી સંપત્તિ ટકતી નથી. પણ સખત પરિશ્રમથી મેળવેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.

12 આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.

13 શિખામણને નકારનાર આફત નોતરે છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.

14 જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.

15 સારી સમજશકિત સન્માન પામે છે, વિશ્વાસઘાતી લોકો, વિનાશને નોતરે છે.

16 પ્રત્યેક ડાહ્યો માણસ સમજદારીથી વતેર્ છે. પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ જાહેર કરે છે.

17 એક દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં મૂકાઇ જાય છે; પણ વિશ્વાસુ સંદેશવાહક સાંત્વન લાવે છે.

18 શિખામણ ફગાવી દેનારના ભાગ્યમાં ગરીબી અને અપમાન છે, સુધારાઓને સ્વીકારનારને સન્માન મળે છે.

19 ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને માટે આઘાત જનક લાગે છે.

20 જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.

21 દુર્ભાગ્ય પાપીનો પીછો પકડે છે, પણ ભલા માણસોને સારી વસ્તુઓ બદલા રૂપે મળે છે.

22 એક ભલો માણસ પોતાનાં છોકરાંના છોકરાને માટે વારસો મૂકી જાય છે; અને પાપીનું ધન પુણ્યશાળી માટે ભરી મૂકવામાં આવે છે.

23 ગરીબના ખેતરમાં ભલે ઘણું અનાજ ઊપજે, પણ તે અન્યાયથી આચકી લેવામાં આવે છે.

24 જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પરંતુ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.

25 સજ્જન પેટ ભરીને ખાય છે, પણ દુર્જનનું પેટ ખાલીને ખાલી રહે છે.

એફેસીઓ 6

માતાપિતા અને સંતાન

જે રીતે પ્રભૂની ઈચ્છા છે તે રીતે બાળકો, તમારા માતાપિતાના આજ્ઞાંકિત બનો, જે કરવું યોગ્ય છે. “તમારે તમારા માતા અને પિતાને માન આપવું જોઈએ.”(A) આ પહેલી આજ્ઞા છે જેની સાથે વચન સંલગ્ન છે. તે વચન આ છે: “પછી તમારું બધું જ સારું થશે અને પૃથ્વી ઉપર તમને લાંબુ આયુષ્ય મળશે.”(B)

પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો.

દાસો અને માલિક

દાસો, આ પૃથ્વી ઉપર તમારા માલિકને માન અને ભય સાથે અનુસરો. અને આમ સાચા હૃદયથી કરો; જે રીતે તમે ખ્રિસ્તને અનુસરો છો. જ્યારે તમારો માલિક દેખરેખ રાખતો હોય ત્યારે જ ફક્ત તેને પ્રસન્ન કરવા તેની આજ્ઞાનું પાલન ના કરો. પણ તેથી વિશેષ કંઈ કરવાની જરૂર છે. તમે જેમ ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરો છો તેમ તેની આજ્ઞાનું પાલન કરો. દેવ જે ઈચ્છે છે તે તમારે સંપૂર્ણ હૃદયથી કરવું જોઈએ: તમારું કામ પ્રસન્નતાથી કરો, જે રીતે તમે પ્રભુની સેવા કરો છો, માત્ર લોકોની સેવા કરો છો તે રીતે નહિ. યાદ રાખો કે પ્રભુ પ્રત્યેકને, પછી તે દાસ હોય કે મુક્ત હોય તેમને જેવા શુભકામ કર્યા હોય, તેવો બદલો આપશે.

માલિકો, એ જ રીતે તમે તમારા દાસો પ્રત્યે ભલું વર્તન રાખો. ધમકીનો ઉપયોગ બંધ કરો. યાદ રાખો તે એક જે તમારો અને તેઓનો પણ ધણી છે તે આકાશમાં છે. અને ધણી (દેવ) દરેક વ્યક્તિનો એક સરખો ન્યાય કરે છે.

દેવનાં સર્વ હથિયારો સજો

10 મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું. 11 દેવનું સંપૂર્ણ બખ્તર (રક્ષણ) પહેરો કે જેથી તમે શેતાનની દુષ્ટ ચાલબાજી સામે લડી શકો. 12 આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી. પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ. 13 અને તેથી તમે દેવનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દઢે ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો.

14 તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો. 15 અને તમારા પગે શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં ધારણ કરો કે જેથી તમે શક્તિપૂર્વક ઊભા રહી શકો. 16 અને વિશ્વાસની ઢાલનો પણ ઉપયોગ કરો કે જેથી તમે દુષ્ટતા બળતા ભાલાઓ હોલવી શકશો. 17 દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો. 18 હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો.

19 અને મારા માટે પણ પ્રાર્થના કરો કે જ્યારે હું બોલું ત્યારે મને દેવ તરફથી શબ્દો પ્રદાન થાય કે જેથી ભય વિના સુવાર્તાના ગૂઢ સત્યને હું કહી શકું. 20 મારું કામ સુવાર્તા કહેવાનું છે અને તે હું અહી બંદીખાનામાંથી કરી રહ્યો છું. પ્રાર્થના કરો કે જ્યારે હું સુવાર્તાનો ઉપદેશ આપું ત્યારે ભય વિના મારે જે રીતે આપવો જોઈએ તે રીતે આપું.

આખરી અભિવાદન

21 હું તમારી પાસે અમારા ભાઈ તુખિકસને મોકલું છું, જેને અમે ચાહીએ છીએ. તે પ્રભુના કાર્ય પ્રત્યે વિશ્વાસુ સેવક છે. મારા પ્રત્યે જે કઈ બની રહ્યુ છે તે બધું તે તમને કહેશે જેથી તમને ખબર પડશે કે હું કેમ છું અને શું કરી રહ્યુ છું. 22 મારી ઈચ્છા છે કે તમે જાણો કે અમે કેમ છીએ અને તમને હિંમત આપવા હું તેને મોકલી રહ્યો છું.

23 દેવ બાપ અને પ્રભુ ખ્રિસ્ત તરફથી તમને શાંતિ તથા વિશ્વાસસહિત પ્રીતિ થાઓ. 24 તમે બધા કે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રીતિ રાખો છો તેઓ પર દેવની કૃપા થાઓ. આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International