Revised Common Lectionary (Semicontinuous)
મૂસાને દેવના કાનૂનની પ્રાપ્તિ
12 યહોવાએ મૂસાને કહ્યું, “તું માંરી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાઓ ઉપર નિયમો અને આજ્ઞાનો લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.”
13 આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા, અને મૂસા દેવના પર્વત પર ગયો. 14 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમાંરી રાહ જુઓ. અને જુઓ, હારુન અને દૂર તમાંરી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તે એ બે જણ પાસે જાય.”
મૂસાની દેવ સાથે મુલાકાત
15 પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો. 16 યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ એ પર્વતને ઢાંકી રાખ્યો, અને સાતમે દિવસે યહોવાએ વાદળમાંથી મૂસાને હાંક માંરીને બોલાવ્યો. 17 અને યહોવાનું ગૌરવ ઇસ્રાએલીઓને પર્વતની ટોચે સર્વભક્ષી અગ્નિ જેવું લાગ્યું.
18 અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ચઢયો; અને તે ત્યાં 40 દિવસ અને 40 રાત રહ્યો.
1 બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
2 કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
3 તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”
4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
મારો માલિક તેમની મજાક કરે છે.
5 અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
6 યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”
7 મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
આજે હું તારો પિતા થયો છુ.”
8 તું મારી પાસે માગ,
એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
9 તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.
10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.
1 યહોવા રાજ કરે છે,
પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
સમગ્ર પૃથ્વી કાપો.
2 સિયોનમાં યહોવા મહાન છે
તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
3 તેઓ તમારા મહાન
અને ભયાવહ નામની સ્તુતિ કરો;
તે પવિત્ર છે.
4 સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
તમે ભલાઇનું સર્જન કર્યુ છે
અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
5 આપણા દેવ યહોવા મોટો મનાવો,
અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
6 તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
સહાયને માટે યહોવાને વિનંતી કરી;
ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
7 તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
તેઓ તેમને આપેલા તેના આદેશો
અને કાયદાને અનુસર્યા.
8 હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
9 આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.
અમે ખ્રિસ્તનો મહિમા નિહાળ્યો
16 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાર્મથ્ય અને આગમન વિશે અમે તમને જણાવ્યું છે. તેના આગમન વિશે અમે તમને જણાવ્યું હતું. જે બાબત વિશે અમે તમને જણાવેલ તે લોકો દ્ધારા ઘડી કાઢવામાં આવેલી ચતુરાઈથી કલ્પેલી કહાણીઓ ન હતી. ના! અમારી પોતાની આંખો દ્ધારા અમે ઈસુની મહાનતા જોઈ. 17 ઈસુએ સૌથી મોટા ભવ્ય મહિમાની વાણી સાંભળી હતી. દેવ બાપ તરફથી જ્યારે ઈસુએ માન અને મહિમા પ્રાપ્ત કર્યો ત્યારે તેમ બન્યું. તે વાણીએ કહ્યું કે, “આ મારો વહાલો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેનાથી હું ખૂબ પ્રસન્ન છું.” 18 અને અમે તે વાણી સાંભળી હતી. જ્યારે અમે પવિત્ર પર્વત પર ઈસુની સાથે હતા ત્યારે તે આકાશવાણી સાંભળી હતી.
19 પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે, જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી. જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંત:કરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે. 20 સૌથી મહત્વપૂર્ણ, તમારે સમજવું જ પડે કે: પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન કોઈ એક વ્યક્તિએ કરેલું પોતાનું અર્થઘટન નથી. 21 ના! કોઈ પણ ભવિષ્યવચન કદાપિ કોઈપણ વ્યક્તિની સ્વેચ્છાથી પ્રગટ થયેલ નથી. પરંતુ લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના વચન બોલ્યાં.
મૂસા અને એલિયાને ઈસુએ સાથે જોયા
(માર્ક 9:2-13; લૂ. 9:28-36)
17 છ દિવસ પછી, ઈસુ પિતરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને એક ઊંચા પર્વત પર એકાંતમાં ચાલ્યો ગયો. ત્યાં તેઓ એકલા જ રહ્યા. 2 અને શિષ્યો આગળ તેનું રૂપાંતર થયું. તેનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત થયો અને તેનાં વસ્ત્રો પ્રકાશ જેવાં તેજસ્વી થયાં. 3 એકાએક મૂસા અને એલિયા ત્યાં દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યાં.
4 પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તારી ઈચ્છા હોય તો, હું ત્રણ માંડવા અહીં ઊભા કરી દઉં, એક તારા માટે, એક મૂસા માટે, એક એલિયા માટે.”
5 જ્યારે પિતર વાત કરતો હતો, ત્યારે એક ચમકતા વાદળે તેઓના પર આવી તેમને ઢાંકી દીધા અને વાદળમાંથી વાણી થઈ, “આ (ઈસુ) મારો વહાલો દીકરો છે, જેનાથી હું ખૂબજ પ્રસન્ન છું, તમે બધા તેને ધ્યાનથી સાંભળો!”
6 તે શિષ્યોએ આ વાણી સાંભળી અને તેઓ ખૂબ ભયભીત થયા. જેથી તેઓ જમીન પર પડ્યા. 7 ઈસુએ પાસે આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, “ઊઠો, બીશો નહિ.” 8 તેઓએ ઊચે નજર કરી તો ત્યાં એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ.
9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે ઉતરતા હતા, ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા કરી, “તમે જે કાંઈ પર્વત પર જોયું તે વિષે કોઈપણ વ્યક્તિને વાત કરતાં નહિ, જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી ઊઠે નહિ ત્યાં સુધી રાહ જુઓ. તેના પછી તમે જે કાંઈ દર્શન કર્યા છે તે વિષે વાત કરી શકશો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International