Revised Common Lectionary (Semicontinuous)
નુન
105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે;
મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી,
“હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું;
તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો;
અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે;
છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે;
છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ,
તે મારા હૃદયનો આનંદ છે.
112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે
મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
આળસુના બનો
6 ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા. 7 તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી. 8 છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
9 ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ? 10 તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.” 11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
દુષ્ટ માણસ
12 નકામો અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતો કરશે. 13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે. 14 તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે. 15 આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.
એ સાત વાતો જેને યહોવા ઘૃણા કરે છે
16 યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
17 તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ,
નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથ,
18 દુષ્ટ કાવતરાં રચનાર હૃદય,
નુકશાન કરવા દોડી જતા પગ,
19 શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી.
અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
20 મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓને માનજે. અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ. 21 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે. 22 તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.
23 આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે.
ઈસુ જગતનો પ્રકાશ છે
12 પાછળથી ઈસુએ લોકોને કહ્યું, “હું જગતનો પ્રકાશ છું. જે વ્યક્તિ મને અનુસરે છે તે કદી અંધકારમાં રહેશે નહિ. તે વ્યક્તિને પ્રકાશ મળશે જે જીવન આપે છે.”
13 પરંતુ ફરોશીઓએ ઈસુને કહ્યું, “જ્યારે તું તારી જાત વિષે કહે છે ત્યારે તું જ ફક્ત એક એકલો એવો છે જે આ વાતો સાચી છે એમ કહે છે. તેથી અમે આ વાતો જે તું કહે છે તે અમે સ્વીકારી શકીએ તેમ નથી.”
14 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું મારી જાત વિષે આ વાતો કહું છું. પરંતુ હું જે વાતો કહું છું, તે લોકો માની શકશે. શા માટે? કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું, અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું, હું તમારા લોકો જેવો નથી. હું ક્યાંથી આવ્યો છું. અને ક્યાં જાઉં છું તે જાણતા નથી. 15 તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો. હું કોઈ માણસનો ન્યાય કરતો નથી. 16 પણ જો હું ન્યાય કરું તો, મારો ન્યાય સાચો હશે. શા માટે? કારણ કે જ્યારે હું ન્યાય કરું ત્યારે હું એકલો હોતો નથી. મને મોકલનાર પિતા મારી સાથે હોય છે. 17 તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ. 18 હું સાક્ષીઓમાંનો એક છું કે હું મારી જાત વિષે બોલું છું, અને મને જેણે મોકલ્યો છે તે પિતા મારા બીજા સાક્ષી છે.”
19 લોકોએ પૂછયું, “તારો પિતા ક્યાં છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને કે મારા પિતાને જાણતા નથી. પણ જો તમે મને જાણ્યો હોત તો પછી તમે મારા પિતાને પણ જાણતા હોત.” 20 જ્યારે ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો, ત્યારે તેણે આ બાબતો કહી. જ્યાં બધા લોકો પૈસા આપવા આવતા હતા. તે જગ્યાની નજીક તે હતો. પરંતુ કોઈ વ્યક્તિએ તેને પકડ્યો નહિ. ઈસુ માટેનો યોગ્ય સમય હજુ આવ્યો ન હતો.
યહૂદિઓ ઈસુ વિષે સમજતા નથી
21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”
22 તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ’?”
23 પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. 24 તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”
25 યહૂદિઓએ પૂછયું, “તો પછી તું કોણ છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને શરુંઆતથી જે કહ્યું છે તે હું છું. 26 મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”
27 ઈસુ કોના વિષે વાત કરતો હતો તે લોકો સમજતા ન હતા. ઈસુ તેઓને પિતા (દેવ) વિષે વાત કરતો હતો. 28 તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું. 29 જેણે (દેવે) મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેને જે ગમે છે તે હું હમેશા કરું છું. તેથી તેણે મને એકલો છોડ્યો નથી.” 30 જ્યારે ઈસુ આ વાતો કહેતો હતો ત્યારે, ઘણા લોકોએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. ઈસુ પાપમાંથી છુટકારા વિષે વાત કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International