Revised Common Lectionary (Semicontinuous)
1 બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
2 કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
3 તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”
4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
મારો માલિક તેમની મજાક કરે છે.
5 અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
6 યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”
7 મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
આજે હું તારો પિતા થયો છુ.”
8 તું મારી પાસે માગ,
એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
9 તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.
10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.
20 આહાબે એલિયાને કહ્યું, “ઓ માંરા દુશ્મન, તેં આખરે મને પકડી પાડયો!”
એલિયાએ કહ્યું, “મેં તને પકડી પાડયો છે, કારણ, યહોવાની નજરમાં તેઁ ખોટું કર્યુ છેં. 21 હવે યહોવા કહે છે, ‘હું તારે માંથે આફત ઊતારીશ, હું તારા કુટુંબનો નાશ કરીશ. ઇસ્રાએલમાંના તારા એકેએક વંશજને ધરતીના પડ પરથી નાશ કરીશ. 22 મેં નાબોથના પુત્ર યરોબઆમ અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબોનો નાશ કર્યો છે, હું તેવું જ તારા કુટુંબ સાથે કરીશ. કારણ તેઁ ઇસ્રાએલના લોકો પાસે પાપ કરાવ્યા છે અને તેં માંરો રોષ વહોરી લીધો છે.’ 23 યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે. 24 આહાબનાં કુટુંબના જે માંણસો શહેરમાં મૃત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે. અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેને પંખીઓ ખાઈ જશે.’”
25 આહાબ જેવું બીજું કોઈ નહોતું. દેવની દૃષ્ટિમાં જે પાપ હતું તે કરવા માંટે સંપૂર્ણ રીતે તે સમર્પિત થઈ ગયો હતો, કેમકે તેની પત્ની ઈઝેબેલ સર્વ પ્રકારની દુષ્ટતા કરવા તેને ઉત્તેજન આપતી હતી. 26 જે રીતે અમોરીઓએ મૂર્તિઓની પૂજા કરી હતી તે રીતે આહાબે પણ કરી. જો કે ઇસ્રાએલીઓને જમીન આપવા માંટે યહોવાએ અમોરીઓને હાંકી કાઢયાં હતાં.
27 પ્રબોધકનાં વચનો સાંભળીને આહાબે પશ્ચાત્તાપથી કપડાં ફાડી નાખ્યાં. તેણે ઉપવાસ કર્યા અને શોકના કપડાં પહેર્યા, તેમાં સૂઇ ગયો અને ચૂપચાપ બધે ચાલતો રહ્યો.
28 એ સમય દરમ્યાન એલિયા જે તિશ્બેનો હતો તેને યહોવાની વાણી સંભળાઈ, 29 “આહાબ માંરી સમક્ષ નમ્ર બની ગયો છે તે તેં જોયું? તે આમ નમ્ર બન્યો છે એટલે હું એ જીવશે ત્યાં સુધી એના કુટુંબ પર આફત નહિ ઊતારું, પણ જ્યારે તેનો પુત્ર રાજા બનશે ત્યારે ઊતારીશ.”
9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે પાછા ઉતરતા હતા ત્યારે ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી, “તમે પર્વત પર જે વસ્તુઓ જોઈ છે તે વિષે કોઈ વ્યક્તિને કહેશો નહિ. માણસનો પુત્ર મૂએલામાંથી સજીવન ન થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તમે જે જોયું છે તે લોકોને કહી શકો છો.” 10 તેથી શિષ્યોએ ઈસુની આજ્ઞા માની, અને તેઓએ જે જોયું હતું તે વિષે કશું કહ્યું નહિ. પણ તેઓએ મૂએલામાંથી સજીવન થવા વિષે ઈસુ શું સમજે છે તેની ચર્ચા કરી. 11 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રથમ એલિયાએ આવવું જોઈએ એવું શાસ્ત્રીઓ શા માટે કહે છે?”
12 ઈસુએ ઉત્તર આપ્યો, “એલિયાએ પ્રથમ આવવું જોઈએ એ કહેવા માટે તેઓ સાચા છે. એલિયા બધી વસ્તુઓ જે રીતે હોવી જોઈએ તેવી બનાવે છે. પણ શાસ્ત્ર એવું શા માટે કહે છે કે માણસનો પુત્ર ઘણું સહન કરશે અને લોકો તેનો અસ્વીકાર કરશે? 13 હું કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે; અને તેના વિષે શાસ્ત્રમાં કહ્લું છે તે પ્રમાણે લોકોએ જેમ ચાહ્યું તેમ તેને કર્યુ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International