Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ થાઓ!
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
6 તે વ્યકિત કદી પડશે નહિ
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
યરૂશાલેમ ઉપર ઝઝૂમતા સંકટના વાદળ
29 “યહોવાની યજ્ઞવેદી સમી હે યરૂશાલેમનગરી, તને અફસોસ! જ્યાં દાઉદે પડાવ નાખ્યો હતો તે નગરીને અફસોસ! વર્ષ પર વર્ષ જવા દો, ઉત્સવોનું ચક્ર ફરવા દો, 2 ત્યારબાદ દેવ તારા પર આફત ઉતારશે, તારે ત્યાં શોક અને આક્રંદ વ્યાપી જશે. તું યજ્ઞવેદી જેવી લોહી નીગળતી થઇ જશે.
3 “તારી આસપાસ યહોવા છાવણીઓ નાખશે, બુરજો બાંધી તને ઘેરો ઘાલશે અને તારી સામે સૈન્યો ઊભા કરશે, 4 તું ભોંયભેગી થઇ જશે અને ભૂમિ પર પડી પડી તું બોલશે. તું ધૂળમાં રગદોળાશે; ત્યાં જમીનમાંથી તારો અવાજ આવશે. તને દફનાવી દીધી છે તે ભૂમિમાંથી પ્રેતના જેવો તારો ધીમો અવાજ આવશે.”
5 પણ ત્યાં તો તારા ઘાતકી શત્રુઓનું સૈન્ય ધૂળની જેમ અને ફોતરાંની જેમ ઊડી જશે. 6 હું સૈન્યોનો દેવ યહોવા ગર્જના, મોટા આવાજ, ધરતીકંપ અને વંટોળિયો અને અગ્નિની જવાળાઓ મારફતે તેઓ પર ઊતરી આવીશે. 7 અને તું દેવની યજ્ઞવેદી સમી એની સામે લડતી અને તને ભીસમાં લેતી બધી પ્રજાઓનું સૈન્ય એના બધા સરંજામ સાથે સ્વપ્નની જેમ, રાત્રિએ દેખાતા આભાસની જેમ અલોપ થઇ જશે. 8 જેમ કોઇ ભૂખ્યો માણસ સ્વપ્નમાં આરોગે અને જાગે ત્યારે ભૂખ્યો ને ભૂખ્યો હોય છે, અથવા કોઇ તરસ્યો માણસ સ્વપ્નમાં પાણી પીએ, પણ જાગે ત્યારે તરસ્યો ને તરસ્યો હોય છે; તેમ તારા શત્રુઓ તારા પર ભવ્ય વિજય મેળવવાનું સ્વપ્ન જોશે, પણ તેથી તેઓનું કાઇં વળશે નહિ.
9 શું તમે વિસ્મિત થઇ અચંબો પામો છો?
શું તમે વિશ્વાસ કરી શકતા નથી?
તો પછી આગળ વધો અને આંધળા થઇ જાઓ!
તમે છાકટા થયા છો, પણ દ્રાક્ષારસથી નહિ!
તમે લથડિયાં ખાઓ છો પણ દ્રાક્ષારસને લીધે નહિ!
10 કારણ કે યહોવાએ તમારા પર પુષ્કળ નિદ્રાનો આત્મા રેડી દીધો છે.
તેમણે તમારા પ્રબોધકોની આંખો બંધ કરી છે.
અને દ્રષ્ટાઓનાં મગજ ઢાંકી દીધાં છે.
11 બધાંય દિવ્યદર્શન તમારા માટે મહોર મારી બંધ કરેલા ગ્રંથના શબ્દો જેવા થઇ ગયા છે; કોઇ વાંચી શકે એવા વ્યકિતને આપીને કોઇ કહે કે, આ વાંચ, તો તે કહે છે કે, “હું નથી વાંચી શકતો, કારણ, એને મહોર મારી બંધ કરેલો છે.” 12 અને વાંચી ન શકે એવા માણસને આપીને કહે છે કે, આ વાંચ; તો તે કહે છે કે, “મને વાંચતા નથી આવડતું.”
સાચું જ્ઞાન
13 તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી. 14 તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે. 15 આ એવી જાતનું “જ્ઞાન” નથી કે જે દેવ પાસેથી પ્રાપ્ત થતું હોય, તેને બદલે તે જ્ઞાન જગતમાંથી પ્રાપ્ત થાય છે. તે ઐહિક, વિષયી, શેતાન પ્રેરિત છે. 16 જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે. 17 પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે. 18 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International