Revised Common Lectionary (Semicontinuous)
ખેથ
57 હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
58 મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે;
તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
59 મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે,
અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
60 તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે;
જરાય મોડું કર્યુ નથી.
61 મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે;
પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
62 હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ
તમારો આભાર માનીશ.
63 જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે,
અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
64 હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે,
મને તમારા વિધિઓ શીખવો.
11 પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે. 12 જ્ઞાની વ્યકિતનો ઠપકો કાને ધરનારને માટે સોનાની કડી અને સોનાના ઘરેણાં જેવા છે.
13 વફાદાર સંદેશાવાહક તેના મોકલનાર માટે ઉનાળામાં બરફ જેવો શીતલ હોય તેના જેવો લાગે છે, તે પોતાના ધણીના આત્માને ફરીથી તાજો કરે છે.
14 જે એમ કહે છે કે તે ભેટ આપશે, પણ કોડીય આપતો નથી, તે વરસાદ વગરના વાદળ અને વાયુ જેવો છે.
15 લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.
16 જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ. 17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
18 પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે. 19 સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
20 ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.
21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ. 22 એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે.
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”(A) એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” (B)
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International