Revised Common Lectionary (Semicontinuous)
આલેફ
1 જેઓ પવિત્ર જીવન જીવે છે,
તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે,
તેઓ સર્વ આશીર્વાદિત છે.
3 તેઓ કદી ખરાબ કામ કરતા નથી,
અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
4 તમે અમને નિયમો આપ્યાં છે,
તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
5 મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે
તેમ હું ઇચ્છુ છું.
6 પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ
હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
7 તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ;
ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
8 હું તમારા વિધિઓને અનુસરીશ,
તેથી કૃપા કરી મને છોડશો નહિ!
ઇસ્રાએલીઓ તેમની ભૂમિમાં પાછા ફરશે
30 “મે તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો. 2 અને તમે તથા તમાંરા બાળકો ફરીવાર આધિન બનશો અને આજે હું જે આજ્ઞા તમને કરું છું તેનું પાલન પૂર્ણ હદયપૂર્વક કરશો. 3 તમાંરા દેવ યહોવા તમાંરા પર દયાદૃષ્ટિ કરીને તમાંરું ભાગ્ય ફેરવી નાખશે, અને તમને જે બધા દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી ફરી પાછા ભેગા કરશે. 4 તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે. 5 તમાંરા દેવ યહોવા તમને જે દેશ એક વખત તમાંરા પિતૃઓના કબજામાં હતો, ત્યાં ફરીથી લાવશે, અને તમે તેનો કબજો પાછો મેળવશો, પછી યહોવા તમાંરા પિતૃઓ કરતાં પણ તમાંરી આબાદી અને વસ્તીમાં વૃદ્વિ કરશે. 6 તમાંરા દેવ યહોવા તમાંરાં તથા તમાંરાં સંતાનોનાં હદય પરિવર્તન કરશે, જેથી તમે તેને પૂર્ણ હૃદય અને આત્માંથી પ્રેમ કરો અને જેથી તમે જીવતા રહેશો.
7 “ત્યારબાદ તમાંરા દેવ યહોવા આ બધા શ્રાપ તમાંરા શત્રુઓ તથા તમને રંજાડનાર પર મોકલી આપશે. 8 અને તમે ફરીથી તેને આધિન થશો અને આજે હું તમને તેની જે આજ્ઞાઓ જણાવું છું તેનું ફરીથી પાલન કરશો, 9 તેથી તમાંરા યહોવા દેવ તમે જે કોઈ કામ કરશો તેમાં તમને સફળતા આપશે, અને તમને ઘણાં સંતાનો, પુષ્કળ ઢોરઢાંખર તથા ઉત્તમ પાકની ઉપજ આપશે. યહોવા તમાંરા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તમાંરા પર પણ ફરી પ્રસન્ન થશે અને તમાંરું કલ્યાણ કરશે;
દેવની આજ્ઞા અને મનુષ્યએ બનાવેલ નિયમો
(માર્ક 7:1-23)
15 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’(A) અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’(B) 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે.
તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.’”(C)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International