Revised Common Lectionary (Semicontinuous)
નુન
105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે;
મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી,
“હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું;
તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો;
અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે;
છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે;
છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ,
તે મારા હૃદયનો આનંદ છે.
112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે
મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
લોકોએ નિયમ સાંભળ્યો
23 ત્યારબાદ રાજાએ પોતાની સાથે યહોવાના મંદિરમાં આવવા માટે સંદેશવાહકો મોકલીને યરૂશાલેમના તથા યહૂદાના વડીલો તથા આગેવાનોને બોલાવ્યા. 2 યરૂશાલેમ અને યહૂદાના સર્વ યાજકો, પ્રબોધકો, અને નાનાથી મોટા સર્વ લોકો મંદિર આગળ ભેગા થયા. રાજાએ તેઓની આગળ મંદિરમાંથી મળી આવેલું દેવના નિયમશાસ્ત્રનું પુસ્તક પૂરેપૂરું વાચી સંભળાવ્યું.
3 ત્યારબાદ રાજાએ મંચ પર ઊભા રહીને, તેમને યહોવાને અનુસરવાનું કહ્યું. અને તેના બધા આદેશો અને હુકમોનું પાલન કરવાનું અને તેમની બધી સુચનાઓને તેમના પૂર્ણ હૃદયથી અને તેમના પૂર્ણ આત્માથી અનુસરવાનું કહ્યું. અને એ રીતે આ પુસ્તકમાં લખેલા કરારની શરતોનો પૂરેપૂરો અમલ કરવાની પ્રતિજ્ઞા કરી; અને બધા લોકોએ પણ એ કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી.
4 એ પછી રાજાએ વડા યાજક હિલ્કિયાને તથા મદદનીશ યાજકને તેમજ દ્વારના રક્ષકોને બઆલદેવની અશેરાદેવીની તેમજ આકાશનાં નક્ષત્રોની પૂજામાં વપરાતી બધી સામગ્રી યહોવાના મંદિરમાંથી હઠાવી લેવાનો હુકમ કર્યો, અને તે બધીને તેણે યરૂશાલેમ બહાર કિદ્રોનનાં કોતરમાં બાળી મુકાવી, અને તેની રાખ બેથેલ લઈ જવામાં આવી.
5 તેણે યહૂદાના રાજાઓએ, યહૂદાના નગરોમાંના અને યરૂશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ અર્પણો કરવા નીમેલા વિધર્મીર્ યાજકોને બરતરફ કર્યા, આમાં બધાં જેમણે બઆલમાં અર્પણો કર્યા હતા તે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને આકાશના બધાં સમૂહોનો સમાવેશ થતો હતો.
6 યરૂશાલેમના મંદિરમાંથી અશેરાદેવીની મૂર્તિને યરૂશાલેમની બહાર કિદ્રોનના કોતરમાં લઈ જઈને બાળીને ભસ્મ કરી નાખી અને તેની રાખ ગાઝા નજીક સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.
7 તેણે યહોવાના મંદિરમાં આવેલું દેવદાસો અને દેવદાસીઓ માટેનું ઘર, જેમાં સ્રીઓ અશેરા માટે વસ્ત્રો વણતી, તે તોડી પાડયું.
8 યહૂદાના નગરોમાંથી તેણે બધા યાજકોને યરૂશાલેમમાં ભેગા કર્યા, અને ગેબાથી બેર-શેબા સુધી સર્વત્ર તેઓ જ્યાં જ્યાં અર્પણ સ્તંભ અને અર્પણ વેદીઓ હતી, તે બધાં તેણે ષ્ટ કર્યા. પછી તેણે નગરના શાસક યહોશુઆના દરવાજા પાસે આવેલા ઉચ્ચસ્થાનો તોડી નાખ્યા. જે મુખ્ય નગર દરવાજાની ડાબી બાજુએ હતો.
પાસ્ખાપર્વ ઉજવતાં યહૂદાના લોકો
21 રાજાએ સમગ્ર પ્રજાને આ પ્રમાણે આજ્ઞા કરી, “તમારા દેવ યહોવાના માનમાં, કરારના આ પુસ્તકમાં ઠરાવ્યા મુજબ, પાસ્ખાપર્વ ઊજવો.”
22 ન્યાયાધીશોના સમયથી કયારેય આવો પાસ્ખાપર્વ ઊજવાયો નહોતો, ઇસ્રાએલ કે યહૂદાના એક પણ રાજા દ્વારા પણ નહિ. 23 પણ યોશિયાના અમલના 18મે વર્ષે જ આ પાસ્ખાપર્વ યહોવાના માનમાં યરૂશાલેમમાં ઊજવાયો.
24 આ ઉપરાંત યોશિયાએ યાજક હિલ્કિયાને યહોવાના મંદિરમાંથી મળેલી પોથીમાંના નિયમશાસ્ત્રાનાં વચનોનું પાલન કરવા માટે કહ્યું અને બધાં તાંત્રિકો, મેલી વિદ્યાના ઉપાસકો, કુળદેવો અને યહૂદાના પ્રદેશમાં અને યરૂશાલેમમાં જોવામાં આવતી બધી મૂર્તિઓ જે અનાદરને પાત્ર હોય તે બધી બાળી નાખીને તેનો નાશ કરીને તે જગ્યા સાફ કરી નાખી.
25 એના પહેલાં કે પછી એવો કોઈ રાજા થયો નથી, જેણે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પૂરા હૃદયથી અને સંપૂર્ણ બળથી યહોવાની ભકિત કરી હોય.
માટીની બરણીઓમાં આધ્યાત્મિક ખજાનો
4 દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી. 2 પરંતુ અમે રહસ્યમય અને લજજાસ્પદ રીતોથી વિમુખ થયા છીએ. અમે કાવતરાંનો ઉપયોગ કરતા નથી, અને દેવના ઉપદેશમાં કશો ફેરફાર કરતા નથી. ના! અમે ફક્ત સત્યનો જ સ્પષ્ટતાથી ઉપદેશ કરીએ છીએ. અને આ રીતે અમે કોણ છીએ તે લોકોને દર્શાવીએ છીએ અને આ રીતે તેઓના હૃદયમાં તેઓ જાણે કે દેવ સમક્ષ અમે કેવા લોકો છીએ. 3 સુવાર્તા જે અમે પ્રગટ કરીએ છીએ તે કદાચ ગૂઢ હોઈ શકે. પરંતુ જે લોકો ભટકી ગયા છે તેમને માટે જ તે ગૂઢ છે. 4 આ જગત (શેતાન) ના શાસકે જેઓ વિશ્વાસુ નથી તેઓનાં માનસને અંધ કરી દીધાં છે. તેઓ સુવાર્તાના પ્રકાશ (સત્ય) ને જોઈ શકતા નથી; એ સુવાર્તા જે ખ્રિસ્તના મહિમા વિષે છે. ખ્રિસ્ત એ એક છે, જે આબેહૂબ દેવ સમાન છે. 5 અમે અમારા વિષે ઉપદેશ નથી આપતા. પરંતુ અમે ઉપદેશ આપીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે; અને અમે ઉપદેશ આપીએ છીએ કે ખ્રિસ્ત થકી અમે તમારા સેવકો છીએ. 6 દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.
7 આ ખજાનો અમને દેવ તરફથી મળ્યો છે. પરંતુ અમે તો માત્ર માટીનાં પાત્રો જેવા છીએ જે આ ખજાનાને ગ્રહણ કરે છે. આ બતાવે છે કે આ પરાક્રમની અધિકતા દેવ અર્પિત છે, અમારી નથી. 8 અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી. 9 ધણીવાર અમે પીડિત થયા છીએ, પરંતુ દેવે અમારો ત્યાગ નથી કર્યો. ધણીવાર અમે ધવાયા છીએ પરંતુ અમારો સર્વનાશ નથી થયો. 10 અમારા શરીરમાં ઈસુનું મરણ છે. અમે આ મરણ સદા ઊંચકીને ફરીએ છીએ કે જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રતિબિંબિત થાય. 11 અમે જીવિત છીએ, પરંતુ ઈસુ માટે હંમેશા અમે મરણનો સામને કરીએ છીએ. અમારી સાથે આમ થયું કે જેથી અમારા ક્ષણભંગુર શરીરમાં ઈસુનું જીવન પ્રતિબિંબિત થાય. 12 મરણ અમારામાં કાર્યશીલ છે. પરંતુ જીવન તમારામાં કાર્યશીલ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International