Revised Common Lectionary (Semicontinuous)
15 “જુઓ, આજે હું તમને જીવન અને મૃત્યુ વચ્ચે; સારા અને દુષ્ટ વચ્ચે પસંદગી આપું છું. 16 આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનો અમલ કરશો, તમાંરા દેવ યહોવા પર પ્રેમ રાખશો અને તેમની આજ્ઞાઓ, નિયમો અને કાયદાઓનું પાલન કરીને તેને માંગેર્ ચાલશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પર આશીર્વાદ વરસાવશે, તમે જે દેશનો કબજો લેવા માંટે તેમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યાં સદાને માંટે રહી શકશો, તથા વૃદ્ધિ અને સમૃદ્ધિ પામશો. 17 પરંતુ જો તમાંરા હૃદય યહોવાથી વિમુખ થઈ જાય અને તમે તેની અવજ્ઞા કરો અને તેનું ન સાંભળો, અને અન્ય દેવોની તમે સેવા પૂજા કરવા માંટે દોરવાઈ જાઓ, 18 તો આજે હું તમને જણાવી દઉ છું કે તમે નાશ પામશો, અને યર્દન ઓળંગીને તમે જે દેશમાં કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં વધારે આયુષ્ય ભોગવી નહિ શકો.”
19 “આજે હું આકાશ અને પૃથ્વીની સાક્ષીએ તમાંરી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ પસંદગી માંટે રજૂ કરું છું. તમે જીવન પસંદ કરો જેથી તમે અને તમાંરાં સંતાનો એ દેશમાં સદાય રહો. 20 તમાંરા દેવ યહોવા પર પ્રેમભાવ રાખજો; તેમને આધિન રહો, અને તેમને કદી છોડી દેશો નહિ, કારણ કે યહોવા તમાંરું જીવન છે. અને તે તમને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબને આપેલા વચન પ્રમાંણે આપેલા દેશમાં દીર્ધાયુ પ્રદાન કરશે.”
આલેફ
1 જેઓ પવિત્ર જીવન જીવે છે,
તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે,
તેઓ સર્વ આશીર્વાદિત છે.
3 તેઓ કદી ખરાબ કામ કરતા નથી,
અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
4 તમે અમને નિયમો આપ્યાં છે,
તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
5 મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે
તેમ હું ઇચ્છુ છું.
6 પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ
હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
7 તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ;
ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
8 હું તમારા વિધિઓને અનુસરીશ,
તેથી કૃપા કરી મને છોડશો નહિ!
માનવોને અનુસરવું ખોટું છે
3 ભાઈઓ અને બહેનો, ભૂતકાળમાં હું તમારી સાથે વાતચીત નહોતો કરી શક્યો જે રીતે હું આધ્યાત્મિક માણસો સાથે વાતચીત કરું છું. મારે તમારી સાથે દુન્યવી માણસોની રીતે વાતચીત કરવી પડેલી-ખ્રિસ્તમાં બાળકોની જેમ. 2 જે શિક્ષણ મેં તમને આપેલું તે દૂધ જેવું હતું, અને નક્કર આહાર જેવું ન હતું. મેં આમ કર્યુ કારણ કે નક્કર આહાર માટે તમે તૈયાર ન હતા. અને અત્યારે પણ તમે નક્કર આહાર માટે તૈયાર નથી. 3 હજુ સુધી તમે આધ્યાત્મિક માનવી નથી. તમારામાં ઈર્ષ્યા અને વિવાદ છે. આ દર્શાવે છે કે તમે આધ્યાત્મિક બન્યા નથી. તમે તો દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો. 4 તમારામાંનો એક કહે છે કે, “હું પાઉલને અનુસરું છું.” અને કોઈ વ્યક્તિ કહે છે કે, “હું અપોલોસને અનુસરું છું.” જ્યારે તમે આવી બાબતો કહો છો, ત્યારે તમે દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો.
5 શું આપોલોસ મહત્વપૂર્ણ છે? ના! શું પાઉલ મહત્વપૂર્ણ છે? ના! અમે તો ફક્ત દેવના સેવકો છીએ જેણે તમને વિશ્વાસ કરવામાં મદદ કરી. અમારામાંના પ્રત્યેક જણે દેવે અમને જે કામ સોંપ્યું હતું તે કર્યુ. 6 મેં બીજ વાવ્યાં અને અપોલોસે તેને પાણી સિંચ્ચુ. પરંતુ દેવે તે બીજ અંકુરિત કર્યુ. 7 તેથી જે વ્યક્તિ વાવણી કરે છે તે મહત્વપૂર્ણ નથી. અને જે વ્યક્તિ જળસિંચન કરે છે તે પણ મહત્વપૂર્ણ નથી. ફક્ત દેવ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ બીજને અંકુરિત કરે છે. 8 જે વ્યક્તિ વાવે છે અને જે વ્યક્તિ જળ સિંચે છે તેમનો હેતુ તો સરખો જ છે. અને પ્રત્યેક વ્યક્તિને તેના કામનો બદલો મળશે. 9 આપણે દેવ માટેના સહકાર્યકરો છીએ અને તમે દેવની માલિકીનું ખેતર છો.
અને તમે દેવની માલિકીનું મકાન છો.
ઈસુ ક્રોધ વિષે શિક્ષણ આપે છે
21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,(A) જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’ 22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.
23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે. 24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. 26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
ઈસુ વ્યભિચારના પાપ વિષે શિક્ષણ આપે છે
27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’(B) 28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે. 30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.
ઈસુ છૂટા છેડા વિષે શિક્ષણ આપે છે
(માથ. 19:9; માર્ક 10:11-12; લૂ. 16:18)
31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.’ 32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
ઈસુ સમ વિષે શિક્ષણ આપે છે
33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.[a] પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.’ 34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે. 35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે. 36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ. 37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International