Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 7

એલિશાએ જવાબ આપ્યો, “આ યહોવાનાં વચન છે: ‘આવતી કાલે આ સમયે સમરૂનના બજારમાં એક શેકેલની સાટે એક માપ લોટ અને એક શેકેલ સામે બે માપ જવ વેચાશે.’”

ત્યારે રાજાના અંગત મદદનીશે દેવના માણસ એલિશાને જવાબ આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું?”

અને તેણે કહ્યું કે, “જો તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”

અરામી તંબૂ ખાલી જોતા રોગીઓ

હવે નગરના દરવાજા આગળ ચાર લોકો જેઓને ચામડીનો રોગ થયો હતો; તેઓ એકબીજાને પૂછતાં હતા, “આપણે શા માટે બેઠાં છીએ? જો આપણે શહેરમાં જવાનો વિચાર કરીએ તો ત્યાં ભૂખમરો છે, અને આપણે મરી જઈશું. જો આપણે અહીં રહીએ છીએ તો ય આપણું મોત નિશ્ચિત છે, તો ચાલો, આપણે અરામીઓની છાવણીમાં ચાલ્યા જઈએ; તેઓ જો આપણને જીવતદાન આપશે, તો આપણે જીવી જઈશું, અને મારી નાખશે તોયે શું, મરી જઈશું!”

આથી સંધ્યા સમયે તેઓ અરામીઓની છાવણીએ જવા નીકળી પડયા; પણ જયારે તેઓ છાવણીની હદમાં પહોચ્યાં ત્યારે ત્યાં કોઈ નહોતું. કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”

તેથી સંધ્યાકાળે જ તેઓ તેમના ઘોડાઓ, તંબુઓ અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાગી ગયા, અને તેઓએ તેમનો પડાવ છોડી દીધો અને તેમનો જીવ બચાવવા માટે ભાગી ગયા.

દુશ્મનના પડાવમાં રોગીઓ

રકતપિત્તના રોગીઓ છાવણીમાં પહોંચીને એક તંબુમાથી બીજા તંબુમાં ગયા, ત્યાં તેઓએ ખાધું-પીધું, વળી તેઓને સોનું ચાંદી અને વસ્ત્રો જે મળ્યું તે લઇ લીધું અને તેને સંતાડી દીધું. પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે જે કરી રહ્યાં છીએ તે બરાબર નથી. આ તો ઉજવણીનો દિવસ છે અને આપણે નગરના લોકોને જણાવતા નથી! જો આપણે સવાર સુધી રાહ જોઇશું, તો એ તો ગુનો હશે તેથી ચાલો, આપણે રાજાના મહેલ પાસે પાછા જઇએ અને રાજાને કહીએ કે શું થયું હતું.”

ખુશખબર આપતા રોગીઓ

10 આથી તેઓ ગયા, અને નગરના દરવાજાના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, ત્યાં કોઈ માણસો ન હતાં કે ન હતો કશો અવાજ, ફકત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતાં, અને તંબૂઓ જેમના તેમ ઊભા હતા.”

11 પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના મહેલમાં ખબર પહોંચાડી. 12 હજી તો અંધારું હતું ત્યાં જ ઊઠીને રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ શું કર્યુ છે તે હું તમને કહું છું, તે લોકો જાણે છે કે આપણે ભૂખે મરીએ છીએ, આથી તેઓ છાવણી છોડીને વગડામાં સંતાઈ ગયા છે. તેમણે એમ ધાર્યુ છે કે, ‘એ લોકો શહેરમાંથી બહાર આવશે એટલે આપણે તેમને જીવતા પકડી લઈશું અને શહેરમાં દાખલ થઈ જઈશું.’”

13 રાજાના અમલદારોમાંના એકે કહ્યું, “તમે કોઇને સત્ય જાણવા ત્યાં મોકલશો તો સારું થશે. ભલે થોડા માણસો નગરમાં બાકી બચેલા ઘોડામાંથી પાંચ ઘોડાને લઇને જાય, આ ઘોડાઓ જો મરી જશે તો તેમનું નશીબ ઇસ્રાએલના નશીબથી જુદું નહિ હોય આખરે તો આપણે બધાં પણ મરી જવાના છીએ.”

14 આથી તેમણે બબ્બે ઘોડા જોડેલા બે રથ તૈયાર કરાવ્યા અને અરામીઓ ક્યાં સંતાઇ ગયા છે “તેની તપાસ કરવા માટે બે રથચાલકોને મોકલવામાં આવ્યા.”

15 તેઓ યર્દન સુધી પાછળ પાછળ ગયા, તો આખો રસ્તો અરામીઓએ ગભરાટમાં ને ગભરાટમાં ફેંકી દીધેલાં વસ્ત્રો અને સરસામાનથી છવાઈ ગયેલો હતો. સંદેશવાહકોએ પાછા આવીને રાજાને ખબર આપી.

16 પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી, અને યહોવાએ કહ્યું હતું તેમ એ દિવસે સમરૂનના બજારમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.

17 રાજાએ પોતાના અંગત મદદનીશને શહેરના દરવાજાની ચોકી કરવા રોકયો હતો; પણ લોકોએ તેને ત્યાં જ પગ તળે છૂંદીને મારી નાખ્યો. આમ રાજા જયારે દેવના માણસ એલિશાને મળવા આવ્યો હતો ત્યારે એલિશાએ જે વાતની ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી. 18 એલિશાએ રાજાને કહ્યું હતું કે, “આવતી કાલે, આ વખતે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.” આમ પણ પ્રબોધકે રાજાને કહ્યું હતું. 19 ત્યારે એ અમલદારે કહ્યું હતું કે, “યહોવા આકાશમાં બારીઓ પાડે તો પણ આ સાચું પડે એમ છે ખરું?” અને એલિશાએ જવાબ આપ્યો હતો કે, “તું તારી સગી આંખે એ જોવા પામશે. જો કે એમાનું કશું તું ખાવા નહિ પામે.” 20 અને એમ જ બન્યું; લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરી ગયો.

1 તિમોથી 4

જૂઠા ઉપદેશકો વિષે ચેતવણી

પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં કેટલાએક લોકો સાચા વિશ્વાસમાંથી દૂર જશે. તે લોકો ખોટું બોલનારા આત્માઓની આજ્ઞાનું પાલન કરશે. વળી તે લોકો ભૂતોના ઉપદેશને અનુસરશે. જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે. એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે. દેવે સર્જલી દરેક વસ્તુ સારી છે. દેવની આભારસ્તુતિ કરીને સ્વીકારેલી કોઈ પણ વસ્તુનો ઈન્કાર કે અનાદર કરવો ન જોઈએ. દેવે જે કહ્યુ હોય તે કારણે પ્રાર્થના વડે દેવે બનાવેલી દરેક વસ્તુ પવિત્ર બનાવાય છે.

ખ્રિસ્ત ઈસુના એક સારા સેવક બનો

આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ. દેવના સત્યની સાથે સુસંગત ન હોય એવી મૂર્ખાઈભરી વાતો લોકોને કહેતા ફરે છે. એવી વાતોનું શિક્ષણ તું ગ્રહણ કરતો નહિ. પરંતુ દેવની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ. શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હુ જે કહું છું તે સાચું છે. અને તારે સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. 10 એ કારણે જ આપણે સખત મહેનત તથા પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે જીવતા દેવમાં આશા રાખીએ છીએ. સર્વ લોકોનો તે તારનાર છે. વિશેષ કરીને જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તે સર્વ લોકોનાં તારનાર છે.

11 આ બધી બાબતોની તું આજ્ઞા આપજે તથા શીખવજે. 12 તને જુવાન જાણીને તારું કઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ન દઈશ. વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે, અને તારા સ્વચ્છ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારુંપ થજે.

13 લોકોની આગળ પવિત્રશાસ્ત્ર વાચવાનું તું ચાલુ રાખ, તેઓને વિશ્વાસમાં દૃઢ કર, અને તેઓને ઉપદેશ આપ. હુ ત્યાં આવી પહોંચું ત્યા સુધી તું એ કાર્યો કરતો રહેજે. 14 તારી પાસે જે કૃપાદાન છે તેનો ઉપયોગ કરતા રહેવાનું યાદ રાખજે. જ્યારે વડીલોએ તારા પર તેઓના હાથ મૂક્યા[a] તે વખતે થયેલ પ્રબોધ દ્વારા એ કૃપાદાન તને આપવામાં આવ્યુ હતુ. 15 એ બધી પ્રવૃત્તિઓ તું ચાલુ રાખજે. તે પ્રવૃત્તિઓ કરવા તું તારું જીવન આપી દે. પછી બધા લોકો જોઈ શકશે કે તારું કાર્ય પ્રગતિ સાધી રહ્યું છે. 16 તારા જીવનમાં અને તારા ઉપદેશમાં સાવધ રહેજે. યોગ્ય રીતે જીવતો રહેજે અને ઉપદેશ આપતો રહેજે. આમ, તારો ઉપદેશ સાંભળનારા લોકોને તથા તારી જાતને તૂં તારીશ.

દાનિયેલ 11

11 “‘માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે તેને મદદ કરવા અને તેને શકિતશાળી બનાવવા માટે મને મોકલવામાં આવ્યો હતો.

“‘અને હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે. બીજા ત્રણ રાજાઓ ઇરાન પર રાજ કરશે. પછી જે ચોથો રાજા થશે, તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. રાજકીય ફાયદા માટે પોતાના ધનનો ઉપયોગ કરીને તે ગ્રીસ સામે યુદ્ધ કરવા બધાને ઉશ્કેરશે. ત્યારપછી ગ્રીસમાં એક શકિતશાળી રાજા ઊભો થશે. તે વિશાળ રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છામાં આવે તેમ કરશે. પણ તેનો સૂર્ય મધ્યાહને તપતો હશે ત્યાં જ તેનું રાજ્ય છિન્નભિન્ન થઇ જશે અને ચારે દિશામાં વહેંચાઇ જશે. પણ તે એના વંશજોને નહિ મળે, તે એના વંશજો કરતા બીજાના જ હાથમાં જઇ પડશે, પણ તેઓ એના જેવી સત્તા ભોગવવા નહિ પામે.

“‘દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં બળવાન થશે, ને સત્તા ભોગવશે. તેની સત્તા મહાન થશે. અને તેનું રાજ્ય પણ મોટું હશે.

“‘થોડાં વર્ષો પછી અરામ અને મિસરના રાજાની વચ્ચે કરાર થશે. મિસરના રાજાની પુત્રીના લગ્ન શાંતિના પ્રતીક તરીકે અરામના રાજા સાથે કરવામાં આવશે. પણ આ કરાર લાંબો સમય ટકશે નહિ અને તે, તેનું સંતાન તેમજ સાથે ગયેલા તેના સર્વ ચાકરોને શત્રુના હાથમાં સોંપી દેવામાં આવશે.

“‘પરંતુ તેના કુટુંબીજનોમાંથી જ એક જણ મિસરનો રાજા બનશે. તે અરામના રાજાની વિરૂદ્ધ એક સૈન્ય ઊભું કરશે અને તેની સામે જશે, ને તેને હરાવશે. વળી, તે મિસર પાછો ફરશે ત્યારે તેઓની ધાતુની મૂર્તિઓ અને મૂર્તિઓને અપેર્લાં સોનાના તથા ચાંદીના અસંખ્ય પાત્રો પોતાની સાથે લઇ જશે. અને થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે. ત્યારબાદ ત્તરનો રાજા દક્ષિણના રાજ્ય ઉપર ચઢી આવશે, પણ તેને પોતાના દેશમાં પાછા જવું પડશે.

10 “‘તેના પુત્રો યુદ્ધની તૈયારી કરશે અને મોટી સેના ભેગી કરશે. તેઓમાંનો એક તો ઘસમસતા પૂરની જેમ ઘસી જઇને દુશ્મનના ગઢ સુધી પહોંચી જશે. 11 પછી મિસરનો રાજા ભારે ક્રોધમાં અરામના મોટા સૈન્યની સામે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે. 12 આ મહાન વિજયને કારણે અભિમાનમાં આવી જઇને તે પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તેનો વિજય થોડા સમયનો હશે. આખરે તેમનો પરાજય થશે; 13 કારણ, ઉત્તરનો અરામનો રાજા ફરી પહેલા કરતા પણ મોટી સેના ઊભી કરશે અને થોડાં વર્ષો બાદ તે મોટું સૈન્ય અને પુષ્કળ સામગ્રી લઇને ચઢી આવશે.

14 “‘તે દિવસોમાં ઘણા, દક્ષિણના રાજાની વિરૂદ્ધ બળવો કરશે અને તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ એમને સાંપડેલા કોઇ સંદર્શનને સાચું પાડવા માટે બળવો પોકારશે, પણ નિષ્ફળ જશે. 15 ત્યારબાદ ઉત્તરનો અરામનો રાજા અને તેની સાથે કરારથી જોડાયેલ રાજ્યો આવશે, અને મિસરના કિલ્લાવાળા નગરને ઘેરો ઘાલશે અને કબજો મેળવશે. દક્ષિણનું સૈન્ય અથવા તેના ચુનંદા લડવૈયાઓ પણ ટકી શકશે નહિ, કારણ, તેમનામાં એટલું બળ જ નહિ હોય.

16 “‘પણ એની સામે ચઢી આવેલો અરામનો રાજા કોઇ પણ જાતના અવરોધ વગર આગળ વધશે, કોઇ તેને રોકી શકશે નહિ; અને તે ઇસ્રાએલની મહિમાવાન ભૂમિમાં દાખલ થશે અને તેનો કબજો મેળવશે. 17 પછી સમગ્ર મિસરને સર કરવા માટે તે યોજનાઓ ઘડશે અને તેની સાથે સંધિ કરશે, તે તેના રાજ્યનો નાશ કરવા માટે તેને એક કુંવરી પરણાવશે, પણ એ યોજના કામ નહિ આવે અને તેથી એને કશો લાભ નહિ થાય.

18 “‘તે પછી તે સમુદ્ર તટના નગરો ઉપર હુમલો કરશે અને ઘણા પ્રદેશો કબજે કરશે. પણ એક સેનાપતિ તેના અત્યાચારનો અંત લાવશે, જો કે, તે એવું કરશે કે, અત્યાચારના બદલામાં અત્યાચાર ન કરી શકે.

19 “‘એ પછી તે પોતાના દેશના ગઢ તરફ જવા પાછો ફરશે, પણ ઠોકર ખાઇને પડશે અને ફરી કદી નજરે નહિ પડે.

20 “‘તેના પછી એક બીજો એવો રાજા ઊભો થશે, જે રાજવી સંપત્તિ વધારવા માટે એક માણસને જબરદસ્તીથી કર ઉઘરાવવા મોકલશે. પણ થોડાં વર્ષોમાં તેનો પણ અંત આવશે, પણ ક્રોધ કે, યુદ્ધના કારણને લીધે નહિ.

21 “‘તેના પછી એની જગ્યા પર એક તિરસ્કારપાત્ર પુરુષ આવશે. જેને રાજ્યસત્તા પામવાનો અધિકાર નહિ હોય, તે અચાનક આવશે અને તરત શાસન મેળવશે. 22 પૂરના પાણીની જેમ, તે તેની આગળ આવતાં સૈન્યોને પાછા તાણી જશે, અને તેમનો સંહાર કરશે, કરારના લોકોનો નેતા પણ નાશ પામશે. 23 તે સંધિ કર્યા પછી છળકપટ કરશે અને તે થોડા માણસોની મદદથી બળવાન બની જશે.

24 “‘તે શાંતિના સમયમાં તે પ્રદેશના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઇ કરશે અને તેના પિતૃઓએ કદી કર્યું નહોતું એવું તે કરશે; તે ધનવાનોનું ધન અને સંપતિ લઇ જશે અને તેના પોતાના સાથીઓમાં વહેંચી દેશે. તે કિલ્લેબંદીવાળા નગરો ઉપર ચઢાઇ કરવાની યોજના કરશે પણ તે થોડા સમય માટે જ.

25 “‘પછી તે પોતાની બધી શકિત અને હિંમત ભેગી કરીને મિસરના રાજાની સામે એક મોટું સૈન્ય ઊભું કરશે. પણ મિસરનો રાજા પણ એક મોટું અને બળવાન સૈન્ય ઊભું કરશે. પણ તે ટકી નહિ શકે, કારણકે તેની વિરૂદ્ધ કરેલાં કાવતરાં સફળ થશે. 26 જે તેની સાથે પોતાના મેજ ઉપર જમશે તે તેનો નાશ કરશે, તેનું સૈન્ય વિખેરાઇ જશે અને તેના ઘણા સૈનિકો રણભૂમિમાં સાફ થઇ જશે. 27 એ બે રાજાઓ એક જ મેજ પર જમવા બેસશે. પણ તેઓ મનમાં એકબીજાને થાપ આપવાની ઇચ્છા સેવતા ભેગા જમવા બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેમની ઇચ્છા પૂર્ણ થશે નહિ, કારણ, તેમના અંતનો સમય નક્કી થઇ ગયો છે.

28 “‘પછી તે પુષ્કળ દ્રવ્ય લઇને પોતાને દેશ પાછો જશે; પણ અંત:કરણમાં પવિત્ર કરાર પ્રત્યે દ્વેષ હશે, તે મરજીમાં આવે તેમ વર્તશે અને પોતાને દેશ પાછો ચાલ્યો જશે.

29 “‘પછી તે ફરીથી અગાઉથી નક્કી કરેલા સમયે ચેતવણી આપ્યા પ્રમાણે પોતાના સૈન્યોને દક્ષિણ તરફ લઇ જશે, પણ આ વખતે પહેલાના બે પ્રસંગો કરતાં કાઇંક જૂદું જ બનશે. 30 કારણકે પશ્ચિમમાંથી આવતાં રોમન યુદ્ધના વહાણો તેની વિરૂદ્ધ આવશે; તેથી તે ગભરાઇને પાછો જશે, ને પવિત્ર કરાર વિરૂદ્ધ તેને ક્રોધ ચઢશે, અને રોષે ભરાઇ પવિત્ર કરાર ઉપર દાઝ ઉતારશે. પાછા ફર્યા પછી તે પવિત્ર કરારને છોડીને જનાર પ્રત્યે દયા રાખશે. 31 તેના લશ્કરના માણસો યરૂશાલેમમાં આવીને મંદિરને અને તેના ગઢને ષ્ટ કરશે. અને નિત્યનું દહનાર્પણ બંધ કરાવશે અને ત્યાં વેરાનકારક મૂર્તિની સ્થાપના કરાવશે.

32 “‘વળી જેમણે પવિત્રકરારનો ભંગ કર્યો છે તેને ધર્મષ્ટ કરશે; પરંતુ દેવને ઓળખનારા લોકો તો મક્કમ રહીને પગલાં ભરશે.

33 “‘લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણા લોકોને સમજાવશે, જો કે, થોડા દિવસ સુધી તો તેમણે આગ, તરવાર, કેદ અને લૂંટફાટનો ભોગ થવું પડશે. 34 હવે જ્યારે તેઓને શિક્ષા થશે, ત્યારે તેઓને થોડીઘણી સહાય કરવામાં આવશે; પણ ઘણાઓ આજીજી દ્વારા તેઓની સાથે જોડાશે. 35 કેટલાક ડાહ્યાં લોકો અંતનો સમય આવે ત્યાં સુધી લોકોને પવિત્ર કરવા, અને ઊજળા બનાવવા ખપી જશે, કારણ, તે સમય આવવાને હજી વાર છે.

આત્મપ્રશંસક રાજા

36 “‘તે રાજા પોતાને મન ફાવે તે રીતે વર્તશે અને સર્વ દેવો કરતાં પણ પોતાને મોટો માનશે, અને દેવાધિદેવને વિષે પણ આભા થઇ જઇએ એવા નિંદાવચનો બોલશે. તેની સજાનો સમય આવે ત્યાં સુધી તો તે સુખસમૃદ્ધિ ભોગવશે. પણ જે નિર્માયું છે તે સાચું પડશે જ.

37 “‘તે પોતાના પિતૃઓના દેવ અને સર્વ દેવોની તે અવગણના કરશે. કારણ, તે કહેશે કે, તેઓ સર્વના કરતાઁ તે પોતે મહાન છે. 38 તે દેવોને બદલે તે કિલ્લાના દેવની પૂજા કરશે, જેને તેના પિતૃઓ કદી જાણતા નહોતા, તે કિલ્લાના દેવનું તે ભજન કરશે અને તેને સોનું, ચાંદી તેમજ કિમતી ભેટસોગાદો અર્પણ કરશે.

39 “‘આ વિદેશી દેવની મદદ વડે તે મજબૂત કિલ્લાઓ ઉપર હુમલો કરી તેમને જીતી લેશે. તેને આધીન થનારાઓને તે મોટું માન આપશે. તેઓને મોટી સત્તાઓ આપશે અને પૈસાના બદલે જમીન વહેંચી આપશે.

40 “‘પછી તેના અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા ફરીથી તેની ઉપર હુમલો કરશે. અને ઉત્તરનો અરામનો રાજા રથો, ઘોડેસવારો અને અનેક વહાણો લઇને તેના ઉપર પ્રચંડ વંટોળની જેમ ઘસી આવશે અને તેના પ્રદેશમાં દાખલ થઇ, પૂરના પાણીની જેમ બધે ફરી વળી પાર નીકળી જશે. 41 તે રસ્તામાં રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે; હજારો માણસો માર્યા જશે, પણ અદોમ, મોઆબ, અને આમ્મોનનો મુખ્ય ભાગ તેના કબજામાંથી બચી જશે. 42 તે વારાફરતી એક પછી એક દેશ તરફ પોતાનો હાથ લંબાવશે અને મિસર પણ બચવા નહિ પામે. 43 મિસરના સોનાચાંદીના ભંડારો અને બધી કિંમતી વસ્તુઓ તેના કબજામાં આવશે અને લિબિયાના તથા કૂશના લોકો તેના ચાકરો બની તેની પાછળ પાછળ ચાલશે. 44 પરંતુ પૂર્વ અને ઉત્તર તરફથી આવતા સમાચારોથી તે ભયભીત થઇ જશે અને ઘણા બધાનો નાશ કરવા, તેમનું નિકંદન કાઢી નાખવા ભારે રોષમાં ઘસી જશે. 45 તે યરૂશાલેમ અને સમુદ્રની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ નાખશે. પરંતુ તે ત્યાં હશે તેવામાં જ તેનો સમય એકાએક પૂરો થશે અને તેને મદદ કરનાર કોઇ જ નહિ હોય.’”

ગીતશાસ્ત્ર 119:25-48

દાલેથ

25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
    તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
    મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
    જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
    તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
    કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
    તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
    મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
    કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.

હે

33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો;
    અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34 મને સમજણ આપો,
    એટલે હું તમારા નિયમ પાળીશ;
    હા, મારા અંત:કરણથી તેને માનીશ.
35 મને તમારા આજ્ઞાઓના માર્ગે દોરો.
    કારણકે હું તેમાં આનંદ માણું છું.
36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે,
    કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
    અને તમારા માર્ગે જીવન જીવવા માટે મને મદદ કરો.
38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
    તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
    કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું;
    મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.

વાવ

41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
    મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
    હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
    હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
    તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
    અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
    તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
    હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International