Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 રાજાઓનું 6

મંદિરનું બાંધકામ

ઇસ્રાએલીઓ મિસરમાંથી 480 વર્ષ પછી બહાર આવ્યા પછી, રાજા સુલેમાંનના ઇસ્રાએલ પરના શાસનનું ચોથું વર્ષ હતું, બીજા મહિનામાં એટલે કે ઝીવ માંસમાં તેણે યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું. રાજા સુલેમાંને જે મંદિર યહોવા માંટે બંધાવ્યું તે 60 હાથ લાંબુ, 20 હાથ પહોળું અને 30 હાથ ઊંચું હતું. મંદિરની સામેની પરસાળની પહોળાઈ 20 હાથ અને લંબાઇ 10 હાથ હતી. તેણે ચોકઠાં અને આડશવાળી બારીઓવાળું મંદિર બંધાવ્યું. તેણે બરોબર મંદિરની દીવાલોની ફરતે એક બાંધકામનું માંળખું બનાવ્યું જેની અંદર નાની ઓરડીઓ હતી. આ ઓરડીઓના ત્રણ માંળ હતા. ભોંયતળિયાની ઓરડીઓ 5 હાથ પહોળી, વચ્ચેના માંળની 6 હાથ પહોળી અને ઉપલા માંળની 7 હાથ પહોળી હતી. તેણે દીવાલની બહારના ભાગમાં થાંભલા બનાવ્યા હતા જેથી કરીને ટેકાવાળાં ખંભા મંદિરના અંદરના ભાગની દીવાલમાં દેખાય નહિ. મંદિર બાંધવામાં જે પથ્થરો વપરાતા હતા, તેને ખાણમાંજ કાપીને ચમકદાર બનાવાતાં હતા. તેથી મંદિર બંધાતુ હતુ ત્યારે હથોડા કુહાડી કે બીજા કોઈપણ લોખંડના ઓજારનો અવાજ સંભળાયો નહોતો.

ભોંય તળિયાનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણ બાજુએ આવેલું હતું, ત્યાં વચલા માંળે જવાનો એક વળાંક વાળો ગોળાકાર દાદરો હતો અને વચલા માંળેથી સૌથી ઉપલે માંળે જવાતું હતું.

સુલેમાંને મંદિરનું બાંધકામ પૂરું કર્યુ અને છત દેવદારના પાટડા અને પાટિયાની બનાવી. 10 મંદિરની દીવાલો બંધાઇ ગઇ હતી અને દીવાલોની દરેક બાજુએ દેવદારના પાટિયા હતાં. બધાં માંળ પાંચ હાથ ઊંચા હતાં.

11 પછી સુલેમાંનને યહોવાના વચન સંભળાયાં; 12 “તું માંરા માંટે આ મંદિર બાંધે છે, તો હવે જો તું માંરા ઉપદેશનો અમલ કરશે અને માંરા બધા કાનૂનો અને આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે; તો મેં તારા પિતા દાઉદને તારે વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ. 13 વળી હું ઇસ્રાએલીઓ વચ્ચે વસવાટ કરીશ અને માંરા ઇસ્રાએલી લોકોને તજી દઈશ નહિ.”

14 આમ, સુલેમાંને મંદિરનું બાંધકામ લાકડાથી પૂરું કર્યુ. 15 તેણે મંદિરની અંદરની દીવાલોને ભોંયતળિયાથી છત સુધી દેવદારના પાટિયાથી જડી દીધી હતી અને તેણે ચીડના લાકડાંથી મંદિરના ભોંયતળિયાને જડી દીધો હતો. 16 મંદિરની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબો એક ઓરડો બાંધ્યો. તેણે તેની દીવાલો દેવદારથી જડી દીધી હતી અને તે તળિયેથી છેક છત સુધી પહોંચતી હતી, આ અંદરની જગ્યા હતી, પરમપવિત્ર સ્થળ હતું. 17 પરમ પવિત્રસ્થળની સામેની બાકીની જગ્યા 40 હાથ લાંબી હતી. 18 મંદિરની અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર ફૂલો અને વેલાઓ કોતરેલાં હતાં. અંદરનો બધો જ ભાગ દેવદારના લાકડાથી મઢી લેવામાં આવ્યો હતો. જેથી મંદિરની અંદરના હિસ્સામાં કયાંય પથ્થર દેખાતો નહોતો.

19 મંદિરના પાછલા ભાગમાં “પવિત્રકોશ” રાખવાની પરમ પવિત્ર જગ્યા હતી, આ કોશમાં દેવનો ઇસ્રાએલ સાથેનો ખાસ કરાર હતો. 20 તે 20 હાથ લાંબું, 20 હાથ પહોળું અને 0 હાથ ઊંચું હતું અને તેને શુદ્વ સોનાના પતરાથી મઢી લીધું હતું. અને વેદીને દેવદારના લાકડાંથી મઢી હતી. 21 પછી સુલેમાંને મંદિરની અંદરની દીવાલો સોનાના આવરણથી મઢી લીધી, અને અંદરની ઓરડીઓને પણ શુદ્વ સોનાના પતરાથી મઢી લીધી. અને તે પવિત્રસ્થાનના પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો લટકતી હતી. 22 આમ, સુલેમાંને મંદિરની અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો હતો. તેણે અંદરની પવિત્ર જગ્યામાંની વેદીને પણ સોનાથી મઢી હતી.

23 સુલેમાંને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનના લાકડામાંથી બનાવેલા બે કરૂબ દેવદૂતો મૂકયા. તે દરેક દસ હાથ ઉંચા હતા. 24 દરેક કરૂબને બે પાંખ હતી અને તે દરેક પાંખ 5 હાથ લાંબી હતી; આથી દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર 10 હાથ હતું. 25 બીજા કરૂબની બે પાંખો વચ્ચેનું અંતર પણ 10 હાથ હતું, બંને કરૂબો કદ અને આકારમાં સરખા જ હતા. 26 દરેક દેવદૂતની ઊંચાઈ 10 હાથ હતી. 27 તેઓએ એ બંન્ને કરૂબોને મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં ગોઠવ્યા હતાં. કરૂબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક દેવદૂતની પાંખ એક ભીંતને અને બીજા દેવદૂતની પાંખ બીજી ભીંતને અડતી હતી, અને તેમની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને મળતી હતી. 28 એ કરૂબ સોનાથી મઢેલા હતાં.

29 મંદિરની બંને ઓરડીઓની બધી જ દીવાલો પર કરૂબ દેવદૂતો ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું. 30 મંદિરના બધાજ ભાગના તળિયાં સોનાથી મઢેલાં હતાં.

31 પરમપવિત્ર સ્થળના પ્રવેશ માંટે સુલેમાંને જૈતૂનના લાકડાના દરવાજા બનાવ્યા હતા. થાંભલા અને દરવાજાના ચોકઠાને પાંચ બાજુ હતી. 32 બંને દરવાજા પર કરૂબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરેલું હતું અને તેને સોનેથી મઢી દીધું હતું.

33 એ જ રીતે મંદિરના બારણા માંટે પણ જૈતૂનના લાકડાની બારસાખ કરાવી હતી અને ઉંબર ચારખૂણિયો હતો. 34 અને દરવાજાના બેબારણાં સાયપ્રસના લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરવાજાના દરેક બારણાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા. 35 એ બારણાંઓ પર કરૂબ દેવદૂતો, ખજૂરીનાં વૃક્ષો, અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું અને બારણાં સોનાના પતરાંથી મઢેલાં હતાં.

36 તેણે કાપીને ઘસીને ચકચકિત કરેલાં પથ્થરોની ત્રણ હાર અને દેવદારના ખંભાની એક હાર વડે અંદરનું પ્રાંગણ બનાવ્યું.

37 સુલેમાંનના રાજયશાસન દરમ્યાન ચોથા વર્ષના ઝીવ માંસમાં મંદિરના બાંધકામનો પાયો નાખવામાં આવ્યો હતો. 38 અને અગિયારમાં વર્ષનો આઠમો મહિનો, એટલે કે બુલનાં મહિનામાં મંદિરનું સર્વ બાંધકામ પૂરું થયું. આમ મંદિરનું બાંધકામ પૂરુું થવામાં સાત વર્ષ લાગ્યાં હતાં.

એફેસીઓ 3

વિદેશીઓ પ્રતિ પાઉલની સેવા

હું પાઉલ તમારા માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન છું તમે લોકો કે જે યહૂદી નથી તેમનો પણ હું બંદીવાન છું. તમને ખરેખર ખબર છે કે દેવે કૃપા કરીને મને આ કામ તમને મદદરૂપ થવા સોંપ્યું છે. દેવે તેની ગૂઢ યોજના મને જાણવા દીધી. મને તેના દર્શન કરાવ્યા જે વિષે મેં પહેલા પણ થોડું લખ્યું છે. અને મેં પહેલા જે લખ્યું હતું, તે જો તમે વાંચશો તો તમને સમજાશે કે દેવના ગૂઢ સત્યને હું ખરેખર જાણું છું. લોકો જે અગાઉના સમયમાં જીવતા હતા, તેઓને આ ગૂઢ સત્યનું જ્ઞાન કહ્યું નહોતું. પરંતુ હવે, આત્મા દ્વારા, દેવે તેના પવિત્ર પ્રેરિતો અને પ્રબોધકોને આ ગૂઢ સત્યના દર્શન કરાવ્યાં. ગૂઢ સત્ય આ છે કે: દેવના પોતાના લોકો માટે જે કાંઈ લભ્ય છે તે બધું જ યહૂદિઓની જેમ, બિનયહૂદિઓને પણ લભ્ય બનશે. બિનયહૂદિઓ યહૂદિઓ સાથે તેના શરીરના અવયવોમાં સહભાગી છે અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે આપેલાં વચનના તેઓ પણ સહભાગીદાર છે. સુવાર્તાથી બિનયહૂદિઓને આ સર્વ સુલભ થયું છે.

દેવના કૃપાદાનથી, આ સુવાર્તાને કહેવા હું સેવક બન્યો હતો. દેવનું સાર્મથ્ય જે મારામાં કામ કરે છે તેનાથી મને આ કૃપા પ્રાપ્ત થઈ છે. દેવના સર્વ લોકોમાં હું બિલકુલ બિનમહત્વનો છું. પરંતુ બિનયહૂદિઓને ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા આપવાનું દાન દેવે મને આપ્યું છે. એ સંપત્તિની સંપૂર્ણ સમજણ આપણી સમજશક્તિની બહાર છે. જ્યારથી સમયનો આરંભ થયો, ત્યારથી જે ગૂઢ સત્ય દેવમાં ગુપ્ત હતું, તે દેવના ગુઢ સત્યને લોકો આગળ પ્રગટ કરવાનું કાર્ય પણ દેવે મને સોપ્યું છે. દેવ જ સર્વ વસ્તુઓનો સરજનહાર છે. 10 જે જુદી જુદી પદ્ધતિથી દેવ તેની પ્રજ્ઞાના દર્શન કરાવે છે તે સ્વર્ગના દરેક શાસક અને શક્તિઓને બતાવવા ઈચ્છતો હતો. મંડળી[a] ને લીધે તેઓ આ જ્ઞાન જાણશે. 11 અને સમયની શરૂઆતથી દેવની જે યોજના હતી તેને આ અનુકુળ છે. દેવે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ થકી પોતાની યોજના પ્રમાણે આ કામ કર્યુ. 12 આપણે ખ્રિસ્તમય બનીને અને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને, ભય વિના મુક્ત રીતે દેવ સમક્ષ ઉપસ્થિત થઈ શકીએ છીએ. 13 તેથી તમને હું કહું છું કે તમારા માટે જે વેદના થાય તેનાથી નાહિંમત કે નિરાશ ન થશો. મારી વેદના તમારા માટે મહિમા લાવે છે.

ખ્રિસ્તનો પ્રેમ

14 તેથી પ્રાર્થનામાં હું બાપની આગળ ઘુંટણે પડું છું. 15 આકાશમાં તેમ જ પૃથ્વી પરના દરેક કુટુંબ પોતે પોતાનાં નામ તેની પાસેથી પ્રાપ્ત કરે છે. 16 તેની મહિમાની સંપતિ પ્રમાણે પિતાને હું પ્રાર્થના કરું છું કે તે તમને તેના આત્મા દ્વારા આંતરિક મનુષ્યત્વમાં બળવાન બનવાની શક્તિ આપે. તેના આત્મા દ્વારા તે તમને સાર્મથ્ય આપશે. 17 હું પ્રાર્થના કરું છું કે વિશ્વાસથી તમારાં હૃદયમાં ખ્રિસ્તનો વાસ હો, અને તમારું જીવન પ્રીતિનાં મજબૂત મૂળિયાં પર પાયો નીખીને પ્રીતિમય બનાવો. 18 અને હું પ્રાર્થના કરું છું કે તમે બધા સંતો ખ્રિસ્તની પ્રીતિની મહાનતાને સમજી શકવાનું સાર્મથ્ય પ્રાપ્ત કરો. હું પ્રાર્થના કરું છું કે તે પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. 19 ખ્રિસ્તની પ્રીતિની મહાનતાને સમજવી કોઈ પણ વ્યક્તિની જ્ઞાન મર્યાદાની બહાર છે પરંતુ હું પ્રાર્થુ છું કે તમે તે પ્રેમને સમજી શકો. પછી તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.

20 દેવનું સાર્મથ્ય જ્યારે આપણામાં સકિય બને, ત્યારે તેના થકી આપણે માંગીએ કે ધારીએ તેના કરતાં અનેક ઘણું વધારે દેવ સિદ્ધ કરી શકશે. 21 મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં તેનો મહિમા સર્વકાળ સુધી સ્થાપિત રહો. આમીન.

હઝકિયેલ 36

ઇસ્રાએલ દેશનું ફરી નિર્માણ થશે

36 યહોવાએ કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પર્વતોને મારા વચન સંભળાવ, તેમને કહે; હે ઇસ્રાએલના પર્વતો યહોવાની વાણી સાંભળો, આ યહોવા મારા માલિક કહે છે; ‘દુશ્મન તમારે વિષે વાત કરે છે અને કહ્યું, આહા! હવે આ પ્રાચીન ઉચ્ચસ્થાનો[a] અમારા તાબામાં આવ્યા છે!’

“એમને તું એમ કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે ઇસ્રાએલના પર્વતો, બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, અને તમને વેરાન બનાવી દીધા અને તમને બધી બાજુએથી તમને કચડી નાખ્યા એટલે તમે તો કુથલીનો વિષય બની ગયા છો અને લોકો તમારા વિષે ખરાબ વાતો કરે છે.’”

માટે, હે ઇસ્રાએલના પર્વતો, મારાં વચનો સાંભળો, યહોવા મારા માલિકે, પર્વતોને અને કોતરોને અને ખીણોને, તથા આસપાસની બીજી પ્રજાઓની લૂંટ અને હાંસીનો ભોગ બનેલા વેરાન ખંડિયેરોને અને ઉજ્જડ શહેરોને જે કહ્યું છે તે સાંભળો; યહોવા મારા માલિક કહે છે, “મારો કોપ અન્ય પ્રજાઓની અને મુખ્યત્વે અદોમની વિરુદ્ધ સળગી ઊઠયો છે: કારણ કે તેઓએ હર્ષાવેશમાં આવીને તિરસ્કારપૂર્વક ઇસ્રાએલના પ્રદેશોનો કબજો લઇને તેને લૂંટી લીધો છે.”

“તેથી તું પ્રબોધ કર અને ઇસ્રાએલના ડુંગરોને અને પર્વતોને, ખીણોને અને કોતરોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: તમે આજુબાજુની પ્રજાઓના મહેણાં સહન કર્યા છે. તેથી હું કોપાયમાન થયો છું.’”

યહોવા મારા માલિક કહે છે, “તેથી મેં પ્રતિજ્ઞા લીધી છે કે તમારી આસપાસની પ્રજાઓએ પોતે મહેણાંટોણાં વેઠવા પડશે;

“પરંતુ, હે ઇસ્રાએલના પર્વતો, તમારાં વૃક્ષોને શાખાઓ ફૂટશે અને ટૂંક સમયમાં પાછા ફરનાર મારા લોકો માટે ફળો બેસશે. કારણ કે જુઓ, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે; 10 હું તમારા પર પુષ્કળ માણસોને વસાવીશ, ઇસ્રાએલના આખા વંશને હું વસાવીશ; શહેરોમાં ફરી વસ્તી થશે અને ખંડિયેરો ફરી બંધાશે. 11 માત્ર લોકોની વસતી જ નહિ, પણ તમારા ઢોરઢાંખર પણ અતિ ઘણાં વધારીશ. હે ઇસ્રાએલના પર્વતો ફરીથી તમે ઘરોથી ઢંકાઇ જશો. મેં અગાઉ તમારે માટે જે કર્યું છે તેથી વિશેષ હું તમારે માટે કરીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 12 હું મારી પ્રજાને ફરીથી તમારા પર ચલાવીશ અને તેઓ ઇસ્રાએલના પર્વતો પર વાસો કરશે અને કબજો જમાવશે. અને હવે પછી કદી તમે તેમના સંતાનોને હરી લેશો નહિ.”

13 યહોવા મારા માલિક કહે છે: “બીજી પ્રજાઓ તારી હાંસી કરતા કહેતી હતી કે, ઇસ્રાએલ એવો દેશ છે જે પોતાના માણસોને ભરખી જાય છે અને પ્રજાને નિ:સંતાન બનાવે છે. 14 તો હવે પછી તું કદી માણસોને ભરખીશ નહિ અને તારા લોકોનાં સંતાનોને હરી લઇશ નહિ,” આ યહોવા મારા માલિકના વચન છે. 15 “હવે પછી તારે કદી બીજા લોકોના મહેણાં સાંભળવાનો કે વિદેશીઓની નિંદા સહેવાનો વખત નહિ આવે. તું તારી પ્રજાને ફરીથી કદીયે ઠોકર ખવડાવશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે.

યહોવા પોતાના સારા નામની રક્ષા કરશે

16 ફરીથી યહોવાની વાણી મને આ પ્રમાણે સંભાળાઇ: 17 “હે મનુષ્યના પુત્ર, જ્યારે ઇસ્રાએલીઓ પોતાની ભૂમિમાં વસતાં હતાં ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી અશુદ્ધ કરી હતી. મારી સામે તેઓ રજસ્વલા સ્ત્રીની જેમ ચાલતાં હતાં. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ધૃણાજનક હતો. 18 તેમણે આ ભૂમિને ખૂનથી અને મૂર્તિપૂજાથી પ્રદુષિત કરી હતી. તેથી મારો રોષ તેઓ પર સળગી ઊઠયો હતો. 19 મેં તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા અને વિદેશોમાં રઝળતા કરી દીધા. તેમના કૃત્યો અને વર્તાવ જેને લાયક હતા તે જ સજા મેં તેમને કરી. 20 પણ જ્યારે તેઓ જે જે પ્રજાઓમાં ગયા તેમની વચ્ચે તેમણે મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો. લોકો તેમને વિષે એવું કહેવા લાગ્યા કે, ‘આ યહોવાના લોકો છે, અને એમને યહોવાના દેશમાંથી નીકળવું પડ્યું છે.’

21 “હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું, કારણ કે મારા લોકોએ સમસ્ત જગતમાં મારા નામને તેઓ જ્યાં જયાં ગયા છે ત્યાં ત્યાં બટ્ટો લગાડ્યો છે. 22 એટલે તું ઇસ્રાએલીઓને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલીઓ, હું આ જે કહું છું તે તમારે માટે નથી કરતો પણ મારા પવિત્ર નામને માટે કરું છું, અને તમે જે વિદેશોમાં ગયા હતા તેમની વચ્ચે બદનામી કરી છે. 23 તમારે લીધે કલંકિત થયેલા મારા નામની પવિત્રતા હું એ પ્રજાઓમાં સિધ્દ કરી બતાવીશ, અને જ્યારે હું તેમની આગળ તમારી મારફતે મારી પવિત્રતા સિધ્દ કરીશ ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.’”

24 દેવ કહે છે, “હું તમને બધાને પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ. 25 હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીને તમને મૂર્તિપૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુકત કરીશ.” 26 દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ. 27 હું તમારામાં મારા પોતાના આત્માનો સંચાર કરીશ, તમે મારા નિયમો પ્રમાણે ચાલો, ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરોતો એમ કરીશ. 28 તમારા પૂર્વજોને આપેલા ઇસ્રાએલના દેશમાં તમે વસશો. તમે મારી પ્રજા થશો અને હું તમારો દેવ થઇશ.” 29 દેવ કહે છે, “હું તમને બધી અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ, તમારે ત્યાં દુકાળ કદી પડવા દઇશ નહિ, 30 હું વૃક્ષોના ફળ અને ખેતીની પેદાશમાં મબલખ વધારો કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવાનું રહેશે નહિ. 31 ત્યારે તમે તમારાં ભૂતકાળના પાપ યાદ કરશો અને તમારા દુષ્કર્મોને લીધે દુ:ખી થશો અને પોતાની જાતનો તિરસ્કાર કરશો.”

32 યહોવા મારા માલિક કહે છે, “પણ હંમેશા યાદ રાખો; આ હું તમારે માટે કરતો નથી એની ખાતરી રાખજો, હે ઇસ્રાએલીઓ, આને તમે તમારા દુષ્કર્મોથી થતી અપકીર્તિ ને બેઆબરૂ સમજો.”

33 યહોવા મારા માલિકનું આ વચન છે: “જ્યારે હું તમને તમારા પાપોથી શુદ્ધ કરીશ ત્યારે હું તમને ફરીથી ઇસ્રાએલમાં તમારા ઘરે પાછા લાવીશ અને ઉજ્જડ થયેલા નગરોને ફરીથી બાંધીશ. 34 તમારા બંદીવાસ દરમ્યાન જે ભૂમિ વરસો સુધી વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વ તમારા દેશને ખંડિયેર જોઇને નવાઇ પામતા હતા તે ભૂમિ ફરીથી ખેડાતી થશે. 35 જ્યારે હું તમને પાછા ‘લાવીશ ત્યારે તેઓ કહેશે, દેવથી તજાયેલી આ ભૂમિ હવે એદનવાડી સમાન થઇ ગઇ છે! ખંડિયેર જેવા નગરોની આસપાસ કોટ બાંધવામાં આવ્યા છે અને તેમાં ઘણા લોકો વસે છે!’”

36 દેવ કહે છે, “ત્યારે આજુબાજુની બચી ગયેલી પ્રજાઓ જાણશે કે હું યહોવા છું અને મેં ખંડિયેર નગરોને ફરી બાંધ્યા છે અને ખેતરોમાં પાક ઉગાડ્યો છે. હું યહોવા તે કહું છું અને હું આ પ્રમાણે કરીશ.”

37 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલીઓની વિનંતી હું સાંભળીશ. હજી હું તેઓ માટે એટલું કરવા તૈયાર છું કે હું એમની ઘેટાંની જેમ વંશવૃદ્ધિ કરીશ. 38 યરૂશાલેમમાં પવિત્ર ઉજવણીને દિવસે બલિદાનના ઘેટાંનાં ટોળા ઊભરાય છે, તેવી જ રીતે આ નાશ થઇ ગયેલા નગરોમાં માણસોના ટોળા ઊભરાશે; અને ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”

ગીતશાસ્ત્ર 86

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International