Revised Common Lectionary (Semicontinuous)
સાદે
137 હે યહોવા, તમે ન્યાયી છો,
તમારા ન્યાયવચનો યથાર્થ છે.
138 તમે તમારા સાક્ષ્યો અમને આપ્યા,
ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.
139 તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે,
કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.
140 તમારા શબ્દો તદૃન નિર્મળ છે;
અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.
141 જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી,
હું તમારા શાસનોને કદી ભૂલી જતો નથી.
142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે;
તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે.
143 મને ઉપાધિઓ અને આપત્તિઓએ જકડી લીધો છે.
પરંતુ તમારી આજ્ઞામાં મારી પ્રસન્નતા રહે છે.
144 તમારા સાક્ષ્યો સદાકાળ ન્યાયયુકત છે,
માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.
સારી શાખા
14 યહોવા કહે છે કે, “એવો દિવસ આવશે કે ઇસ્રાએલ તથા યહૂદિયાના હકમાં સર્વ સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ. 15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે. 16 તે સમયે યહૂદિયા તથા યરૂશાલેમના લોકો સમૃદ્ધ થશે અને તેઓ સુરક્ષામાં જીવશે. ‘યહોવા આપણું ન્યાયીપણું’ એ તેઓનું નામ હશે.”
17 કારણ કે યહોવા આ પ્રમાણે કહે છે, “ઇસ્રાએલની ગાદીએ બેસવા માટે દાઉદના કુટુંબમાં કદી વારસની ખોટ નહિ પડે, 18 અને ત્યાં અર્પણ એવા બલિદાન, પ્રાણીઓના બલિદાન વગેરે માટે હવે લેવી વંશી યાજકનો અભાવ નહિ હોય.”
19 ત્યારબાદ યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: 20 મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી. 21 એ જ પ્રમાણે મેં મારા સેવક દાઉદ સાથે કરાર કર્યો છે કે, રાજ્યશાસન પર હંમેશા તેનો વંશજ રાજ કરશે. વળી લેવી કુળના યાજકો સાથે મેં કરાર કર્યો છે કે, તેઓ હંમેશા મારી સેવા કરશે અને આ કરારોનો પણ ભંગ થઇ શકે નહિ. 22 આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના અને મારી સેવા કરનાર લેવીવંશી યાજકના કુળસમૂહોની વૃદ્ધિ કરીશ.”
23 યહોવાએ યર્મિયા સાથે ફરીથી વાત કરી અને કહ્યું, 24 “લોકો શું કહે છે તે તેં સાંભળ્યું છે? ‘યહોવાએ યહૂદિયા તથા ઇસ્રાએલને પસંદ કર્યાર્ અને પછી ફરી તેઓનો ત્યાગ કર્યો! તેઓ હાંસી કરે છે અને કહે છે કે, દેવની પ્રજા તરીકે ઇસ્રાએલની ગણના કરી શકાય તેમ નથી.’”
25 પરંતુ યહોવાનો ઉત્તર આ છે: “દિવસ તથા રાત અને પૃથ્વી તથા આકાશના પરિમણનો સમય નિર્ધારિત કરેલો છે; 26 એટલી ખાતરી છે કે યાકૂબના વંશજો અને મારા સેવક દાઉદ સાથેનો કરાર એ પણ એટલો જ ચોક્કસ છે. હું જરુર ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર રાજ કરવા માટે દાઉદના કોઇ વંશજને પસંદ કરીશ. હું તેઓ પર દયા દર્શાવીશ અને તેઓના ભાગ્યને બદલી નાખીશ.”
1 ખ્રિસ્ત ઈસુના, પ્રેરિત પાઉલ તરફથી, કુશળતા હો હું એક પ્રેરિત છું કારણ કે દેવની એવી ઈચ્છા હતી. આપણો ભાઈ તિમોથી જે ખ્રિસ્તમાં છે તેના તરફથી પણ અભિવાદન.
દેવની મંડળી જે કરિંથમાં છે અને આખા અખાયામાંના દેશના દેવના બધાજ લોકોને:
2 આપણા દેવ પિતા તરફથી તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
પાઉલ દેવનો આભાર માને છે
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને ધન્ય હો. દેવ પિતા છે જે દયાથી પૂર્ણ છે. તે સર્વ દિલાસાનો બાપ છે. 4 જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે તે આપણને દિલાસો આપે છે કે જેથી અન્ય લોકો જેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, ત્યારે આપણે તેમને દિલાસો આપી શકીએ. જે રીતે દેવ આપણને જે દિલાસો આપે છે તે જ દિલાસો આપણે તેમને આપી શકીએ. 5 આપણે ખ્રિસ્તની ધણી પીડાઓમાં ભાગીદાર થઈ શકીએ. એજ રીતે ધણો દિલાસો આપણને ખ્રિસ્ત તરફથી મળે છે. 6 જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે. 7 તમારા માટેની અમારી આશા મજબૂત છે. અમે જાણીએ છીએ કે અમારા દુ:ખમાં તમે સહભાગીદાર છો. તેથી અમે જાણીએ છીએ કે અમારા દિલાસામાં પણ તમે ભાગીદાર છો.
8 ભાઈઓ તથા બહેનો, અમે ઈચ્છીએ છીએ કે આસિયાના દેશમાં અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનાથી તમે પરિચિત થાઓ. અમારી શક્તિ કરતાં પણ વધુ એવો એ બોજ હતો. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી. 9 ખરેખર, અમને અમારા મનમાં તો એમ જ હતું કે અમે મરી જઈશું. પરંતુ આ બન્યું કે જેથી અમે અમારી જાત પર વિશ્વાસ ન કરીએ પણ જે લોકોને મરણમાંથી ઊઠાડે છે તે દેવ પર વિશ્વાસ કરીએ. 10 મૃત્યુના આ મોટા ભયમાંથી દેવે અમને બચાવ્યા અને દેવ અમને સતત બચાવશે. અમારી આશા તેનામાં છે, અને તે અમને બચાવવાનું ચાલુ રાખશે. 11 અને પછી ધણા લોકો આભાર માનશે. કારણ કે દેવે તેમની ધણી પ્રાર્થનાઓ દ્વારા આપણને આશીર્વાદ આપ્યા છે. અને તમે તમારી પ્રાર્થનાઓ દ્વારા અમને મદદરૂપ થશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International