Revised Common Lectionary (Semicontinuous)
મેમ
97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
16 ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. એણે આપણા દેવ યહોવાને નામે આપણને સંભળાવ્યું છે.”
17 પછી દેશના કેટલાક વડીલો અને જ્ઞાની માણસો ઊભા થયા અને આજુબાજુ ઊભા રહેલા સર્વ લોકોને સંબોધીને કહ્યું, 18 “યહૂદિયાના રાજા હિઝિક્યાના વખતમાં મોરાશ્તી મીખાહ દેવી વાણી ભાખતો હતો અને તેણે યહૂદિયાના બધા લોકોને આ પ્રમાણે કહ્યું હતું.
‘સૈન્યોના દેવ યહોવાના વચન છે,
સિયોન ખેતરની જેમ ખેડાઇ જશે,
યરૂશાલેમ ખંડેરનો ઢગલો થઇ જશે,
અને હાલમાં જે જગ્યાએ મંદિર આવેલું છે
ત્યાં જંગલ ઊગી નીકળશે!’(A)
19 “શું યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધાં લોકોએ આ માટે મીખાહને મારી નાખ્યો હતો? તેને બદલે, હિઝિક્યાએ યહોવાનો ડર રાખીને તેની પાસે માફી નહોતી માગી? આને કારણે યહોવાએ તેમના પર જે આફત ઉતારવાની ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળ્યું. આ રીતે તો આપણે જ આપણા પર મોટી આફત નોતરીશું.”
20 વળી શમાયાનો પુત્ર ઊરિયા કિર્યાથ-યઆરીમનો વતની હતો અને યહોવાનો બીજો સાચો પ્રબોધક હતો. યર્મિયાના સમયમાં તે પણ આ નગર તથા દેશની વિરુદ્ધ ભવિષ્યવચન કહેતો હતો. 21 રાજા યહોયાકીમે પોતાના બધા અમલદારો અને અંગરક્ષકો સહિત તેણે જે કહ્યું તે સાંભળ્યું હતું. અને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે ઊરિયાને એની ખબર પડી ત્યારે ભયભીત થઇ મિસર ભાગી ગયો. 22 ત્યારે યહોયાકીમ રાજાએ ઊરિયાને બંદીવાન કરવા માટે આખ્બોરના પુત્ર એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા. 23 તેઓ તેને બંદીવાન બનાવીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઇ આવ્યા, ત્યારે રાજાએ તેનો તરવારથી વધ કરાવ્યો, અને તેના મૃતદેહને હલકા લોકોના કબ્રસ્તાનમાં દાટયો.
24 પરંતુ શાફાનના પુત્ર અને રાજવી મંત્રી અહીકામે યર્મિયાનો પક્ષ લીધો અને ન્યાયસભાને સમજાવ્યું કે યાજકો, પ્રબોધકો, લોકોના હાથમાં યર્મિયાને સોંપવો નહિ, કે તેઓ તેને મારી નાખે.
પસંદગી પામેલ કાર્યકર
14 લોકોને આ બધી વાતો કહેવાનું તું ચાલુ રાખજે. અને દેવ આગળ એ લોકોને તું ચેતવજે કે તેઓ શબ્દો વિષે દલીલબાજી ન કરે. શબ્દો વિષે દલીલબાજી કરનાર કઈજ ઉપયોગી કરી શકતો નથી. અને તે સાંભળનાર લોકોનો તો સર્વનાશ થાય છે. 15 દેવ તને પસંદ કરે છે એવી પાત્રતા મેળવવા તું સર્વોત્તમ કાર્યો કર, અને તું દેવને પૂર્ણ સમર્પિત થઈ જા. પોતાના કામની બાબતમાં જે શરમ અનુભવતો નથી એવો કાર્યકર તું થા-કે જે કાર્યકર સાચા ઉપદેશનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે.
16 દેવ તરફથી જે બાબતો કદી આવી જ નથી એવી વ્યર્થ વાતો કરનારા લોકોથી તું દૂર રહેજે. એવી વાતો માણસને દેવથી વધુ ને વધુ વિરૂદ્ધ કરનારી હોય છે. 17 તેઓની વાતો શરીરમાં જેમ રોગ ફેલાય છે તેમ અનિષ્ટ ફેલાવે છે. હુમનાયસ અને ફિલેતસ એવા માણસો છે. 18 તેઓએ સાચો ઉપદેશ ત્યજી દીધો છે. તેઓ તો એમ કહે છે કે મૃત્યુમાંથી લોકોનું પુનરુંત્થાન તો ક્યારનું થઈ ગયું છે. અને તેઓ બંન્ને કેટલાએક લોકોનો વિશ્વાસ નષ્ટ કરી રહ્યા છે.
19 પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.”[a] દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.”
20 મોટા ઘરોમાં સોના-ચાંદીની વસ્તુઓ હોય છે પરંતુ લાકડાની અને માટીની વસ્તુઓ પણ ત્યાં હોય છે. કેટલીક વસ્તુઓ વિશિષ્ટ હેતુ માટે વપરાય છે. બીજી અમુક વસ્તુઓ સાફસૂફી કે સ્વચ્છતા કરવા બનાવેલી હોય છે. 21 જો કોઇ વ્યક્તિ આ બધા જ દુષ્ટ કર્મોથી સ્વચ્છ બનશે તો ખાસ હેતુસર એ વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવશે. એ વ્યક્તિને પવિત્ર બનાવવામાં આવશે, અને સ્વામી તેનો ઉપયોગ કરી શકશે. કોઇ પણ સારું કામ કરવા એ વ્યક્તિ તૈયાર થશે.
22 જુવાન માણસને જે ખરાબ કામો કરવાનું મન થતું હોય છે તેવી બાબતોથી તું દૂર રહેજે. યોગ્ય રીતે જ જીવન જીવવાનો અને વિશ્વાસ, પ્રેમ, અને શાંતિ પ્રાપ્ત કરવાનો તું ખૂબ પ્રયત્ન કરજે. શુદ્ધ હ્રદયથી પ્રભુમાં વિશ્વાસ ધરાવતા લોકોની સાથે રહીને તું આ બધું કરજે. 23 અક્કલ વગરની અને મૂર્ખાઇભરી દલીલબાજીથી તું દૂર રહેજે. તું જાણે છે કે આવી દલીલોમાંથી મોટી દલીલબાજી જન્મે છે. 24 પ્રભુના સેવકે તો ઝઘડવું ન જોઈએ! તેણે તો દરેક વ્યક્તિ પ્રત્યે માયાળુ થવું જોઈએ. પ્રભુના સેવકે તો એક સારા શિક્ષક થવું જોઈએ. તે સહનશીલ હોવો જોઈએ. 25 પ્રભુના સેવકે તો તેની સાથે અસંમત થતા વિરોધીઓને નમ્રતાથી ઉપદેશ કરવો જોઈએ. શક્ય છે કે દેવ એવા લોકોને પસ્તાવો કરવા દે, જેથી તેઓ સત્ય સ્વીકારી શકે. 26 શેતાને એવા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે અને તેઓની પાસે પોતાનું ધાર્યું કરાવે છે. પરંતુ શક્ય છે કે તેઓ જાગી જાય અને સમજે કે શેતાન તેઓનો દુરુંપયોગ કરી રહ્યો છે, અને અંતે શેતાનની માયાજાળમાંથી પોતાને મુક્ત કરાવે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International