Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. સ્તુતિગીત.
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો,
તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને,
ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
યહોવાએ નબૂખાદનેસ્સારને શાસનકર્તા બનાવ્યો
27 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાની કારકિદીર્ના આરંભમાં યર્મિયાની પાસે આ વચન યહોવાની પાસેથી આવ્યું, 2 “યહોવાએ મને કહ્યું, તું તારે માટે ઝૂંસરી જોડતર બનાવ અને તે તારી ડોક પર મૂક, જેમ ખેતર ખેડતા બળદની ડોક પર હોય છે. 3 ત્યારબાદ અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને યહૂદિયાના રાજા સિદકિયાના દરબારમાં આવેલા તેના એલચીઓ મારફતે સંદેશા મોકલ: 4 તેઓને કહે કે, ‘તમે જઇને તમારા માલિકોને કહો કે, સૈન્યોનો દેવ યહોવા ઇસ્રાએલના દેવે આ સંદેશો તમને મોકલાવ્યો છે, 5 મેં પોતે જ મહાન સાર્મથ્ય અને શકિતથી પૃથ્વીને અને એના પર વસતાં માણસો અને પશુઓને સર્જ્યા છે, અને હું ચાહું તેને તે આપી દઇ શકું છું. 6 તેથી હવે તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી જંગલી પશુઓ પણ તેની સેવા કરે તેવું મેં ઠરાવ્યું છે. 7 બધી પ્રજાઓ તેના અને તેના પુત્રના અને પૌત્રના તાબામાં રહેશે, અને અંતે જ્યારે તેના દેશનો વારો આવશે ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેને તાબે કરશે; તેને આધીન થાઓ અને તેની સેવા કરો.
8 “‘બળવાન પ્રજા અને રાજ્ય, બાબિલની ઝૂંસરી નીચે તમારી ગરદન મૂકો! જે કોઇ પ્રજા તેના ગુલામ બનવા ના પાડશે તેને હું શિક્ષા કરીશ. તે પ્રજા પર હું યુદ્ધ, દુકાળ અને મરકી મોકલીશ જેથી અંતે તે બાબિલના હાથમાં સોંપાઇ જાય. 9 માટે તમારા પ્રબોધકો, જોશીઓ, ભૂવાઓ અને જાદુટોણા કરનારાઓ જેઓ તમને કહે કે, તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ, તો તેની તરફ ધ્યાન ના આપશો. 10 કેમકે તેઓએ તમને જૂંઠુ કહ્યું છે, જો તમે તેમની સલાહ માનશો અને બાબિલના રાજાના શરણે નહિ જાવ તો તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢવામાં આવશે. હા, હું તમારો પીછો પકડીશ. અને તમે નાશ પામશો.
11 “‘પણ જો કોઇ પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી આગળ ગરદન ઝુકાવી દેશે, તો હું તેને પોતાની ભૂમિમાં સુખથી રહેવા દઇશ. તેઓ ત્યાં ખેતી કરશે અને વસસે.’” આ યહોવાના વચન છે.
12 યહૂદિયાના રાજા સિદકિયાને આ બધી બાબતો મે કહી, મેં કહ્યું, “તમે બાબિલના રાજાને શરણે જાવ, જેથી તમે જીવતા રહેશો. 13 તારે તથા તારી પ્રજાએ યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી શા માટે મરવું જોઇએ? જે કોઇ પ્રજા બાબિલના રાજાની તાબેદારી ન સ્વીકારે તેની યહોવાએ આ દશા કરવાની ધમકી આપેલી છે.
14 “તેણે કહ્યું છે, ‘પ્રબોધકોની વાત ના સાંભળશો, જેઓએ તમને કહ્યું છે કે, તમારે બાબિલના રાજાની સેવા ન કરવી, કારણ કે તેઓ જૂઠા છે. 15 મેં તેમને મોકલ્યા નહોતા. તેઓ મારા નામે તમને જૂઠાણા કહે છે. જો તમે તેઓનું સાંભળ્યા કરશો તો હું તમને આ દેશમાંથી હાંકી કાઢીશ, અને તમે આ ખોટું ભવિષ્ય ભાખનારા પ્રબોધકો સાથે નાશ પામશો.’”
16 ત્યારબાદ મેં યાજકોને અને બધા લોકોને આ પ્રમાણે કહ્યું, “આ યહોવાના વચન છે: જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાના મંદિરની સાધનસામગ્રી થોડા જ વખતમાં બાબિલમાંથી પાછી લાવવામાં આવશે તેમની વાત સાંભળશો નહિ.’ તેઓ તમને જૂઠું કહે છે; 17 તે લોકોનું કહેવું તમે સાંભળશો નહિ. બાબિલના રાજાની શરણાગતિ સ્વીકારો જેથી તમે જીવતા રહેશો, શા માટે આખું શહેર નાશ પામે? 18 જો તેઓ સાચા યહોવાના પ્રબોધકો હોય, જો તેઓ મારી વાણી ઉચ્ચારતા હોય, તો તેમણે અત્યારે મારી સૈન્યોના દેવ યહોવાની એવી પ્રાર્થના કરવી કે, મંદિરમાં અને યહૂદિયાના રાજમહેલમાં અને યરૂશાલેમમાં બાકી રહેલી સાધનસામગ્રી બાબિલ ચાલી ન જાય.
19 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તથા યહૂદિયાના તેમ જ યરૂશાલેમના સર્વ કુલીન લોકોને યરૂશાલેમમાંથી બાબિલમાં બંદીવાસમાં લઇ ગયો. 20 ત્યારે મંદિરની સામેનો સ્તંભ, મંદિરના આંગણામાંનો પિત્તળનો મોટો હોજ, ધાતુના પાયા અને ક્રિયાકાંડ માટેના પાત્રો તે લઇ ગયો નહોતો. 21 જે પાત્રો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરૂશાલેમમાં હજુ રહેલા છે, તેના વિષે હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, આમ કહું છું; 22 તે સર્વ ખજાનો બાબિલ લઇ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. ત્યાર પછી હું તે સર્વ ખજાનાને ફરીથી યરૂશાલેમ લાવીશ.”
ખ્રિસ્ત ઈસુનો વફાદાર સૈનિક
2 તિમોથી, મારા માટે તો તું દીકરા સમાન છે. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે કૃપા છે તેમાં બળવાન થા. 2 મેં જે જે બાબતોનો ઉપદેશ આપ્યો છે તે તેં સાંભળ્યો છે. બીજા અનેક લોકોએ પણ એ બધું સાંભળ્યું છે. તારે એ જ બાબતો લોકોને શીખવવી જોઈએ. જે કેટલાએક લોકો પર તું વિશ્વાસ મૂકી શકે તેઓને તું એ ઉપદેશ આપ. પછી તેઓ બીજા લોકોને એ બાબતો શીખવી શકશે. 3 આપણને જે મુશ્કેલીઓ પડે છે તેમાં તું સહભાગી થા. ખ્રિસ્ત ઈસુના એક સારા સૈનિકની જેમ એ મુશ્કેલીઓ તું સ્વીકારી લે. 4 જે માણસ સૈનિક હોય તે પોતાના ઉપરી અધિકારીને ખુશ રાખવાની ઇચ્છા ધરાવે છે. તે પોતાની રોજીંદી જીવનમાં પોતાનો સમય વેડફતો નથી. 5 જો કોઇ અખાડામાં હરીફાઇમાં ઊતરે તો, નિયમોના પાલન વિના તેને ઈનામ મળતું નથી. 6 સખત પરિશ્રમ કરનાર ખેડૂતને તેના ઉગાડેલા અનાજમાંથી કેટલોક ભાગ મેળવવાનો પહેલો હક્ક છે. 7 હું જે બાબતો કહું છું તેના પર તું વિચાર કરજે. આ બધી વાતો સમજવા માટે પ્રભુ તને શક્તિ આપશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International