Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 129

મંદિર ચઢવા માટેનું ગીત.

ઇસ્રાએલને કહેવા દો,
    “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
    પણ તેઓ મને હરાવી ન શક્યા!
પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
    હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
પરંતુ યહોવા તો ન્યાયી છે,
    દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
    અને હારીને ભાગી જાય.
તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
    જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
જેથી કાપનાર પોતાનો હાથ
    અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
    “યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
    યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”

યર્મિયા 50:1-7

બાબિલના લોકોનું ભાવિ

50 યહોવાએ યર્મિયા પ્રબોધક મારફતે બાબિલ અને ખાલદીઓ વિરુદ્ધ આ સંદેશો મોકલાવ્યો,

“સર્વ પ્રજાઓને આ સંદેશો કહો!
    ઢંઢેરો પિટાવો, બધી પ્રજાઓને જાહેર કરો,
છુપાવશો નહિ, ખબર આપો કે,
    ‘બાબિલ જીતાયું છે,
બઆલ દેવની બેઆબરું થઇ છે,
    મેરોદાખ દેવના ફુરચા ઉડાવી દેવામાં આવ્યાં છે;
બાબિલની મૂર્તિઓને શરમજનક કરવામાં આવી છે,
    તેના પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’
કારણ કે, ઉત્તરમાંથી એક પ્રજા તેના પર ચઢી આવે છે;
    તેઓ એ દેશને વેરાન બનાવી દેશે,
જ્યાં કોઇ રહેશે નહિ, જ્યાંથી માણસો
    અને પશુઓ ભાગી જશે.”
યહોવા કહે છે, “તે દિવસોમાં,
    તે સમયે, તેઓ સાથે મળીને આવશે,
તેઓ રડતાં રડતાં આવશે અને તેમના દેવ યહોવાની શોધ કરશે.
    તેમને ફકત તેઓ જ અને બીજું કોઇ નહિ જોઇએ.
તેઓ સિયોનના માર્ગ પૂછશે
    અને તેની તરફ આગળ વધશે.
તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી
    ન જવાય તેવો સનાતન કરાર
    કરીને આપણે યહોવા સાથેના સંબંધમાં જોડાઇએ.’

“મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા,
    તેઓના ઘેટાં પાળકોએ તેમને ભૂલા પડવા દીધા,
અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધા,
    તેઓ પોતાના માર્ગ ભૂલી ગયા
    અને વાડામાં કઇ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.
જે કોઇએ તેમને જોયા,
    તેઓને મળ્યા તે સર્વ તેઓને ખાઇ ગયા,
અને કહ્યું, તેઓ પર આક્રમણ કરવા અમે મુકત છીએ,
    કારણ કે તેમણે યહોવા
તેમના ખરેખરા પોષક (ચરાણ) વિરુદ્ધ જેમનો
    તેમના પૂર્વજોએ વિશ્વાસ કર્યો હતો પાપ આચર્યુ છે.

યર્મિયા 50:17-20

17 “ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે
    કે જેની પાછળ સિંહ પડ્યો હોય,
પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો.
    પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”
18 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“મેં જે રીતે આશ્શૂરના રાજાને સજા કરી હતી તે રીતે બાબિલના રાજાને
    અને તેના દેશને પણ સજા કરીશ.

19 “‘હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ,
    તે કામેર્લ પર્વત અને બાશાન પર ચઢશે.
તેની ભૂખ એફ્રાઇમ
    અને ગિલ્યાદના ડુંગરો પર સંતોષાશે.’”
20 “જ્યારે એ સમય આવશે
    ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે,
યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે,
    કારણ કે, જેમને હું જીવતા
રહેવા દઇશ તેમને માફ કરીશ.”
    આ યહોવાના વચન છે.

લૂક 22:39-46

ઈસુનું પ્રેરિતોને પ્રાર્થના કરવા કહેવું

(માથ. 26:36-46; માર્ક 14:32-42)

39-40 ઈસુએ શહેર છોડ્યું અને જૈતૂન પહાડ પરની જગ્યાએ પહોંચ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા. (ઈસુ ત્યાં વારંવાર જતો.) ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.”

41 પછી ઈસુ તેઓનાથી લગભગ 50 ડગલા દૂર ગયો અને ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી. 42 “હે, બાપ જો તારી ઈચ્છા હોય તો, આ યાતનાનો પ્યાલો મારાથી દૂર કર: તોપણ તારી ઈચ્છા પ્રમાણે નહિં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.” 43 પછી એક દૂત દેખાયો, તે દૂત આકાશમાંથી ઈસુની મદદ માટે આવ્યો હતો. 44 ઈસુ ખૂબ પીડાતો હતો. પ્રાર્થનામાં તેણે ખૂબ આગ્રહ કર્યો, તેના મોઢા પરથી પડતો પરસેવો લોહીનાં ટીપાં જેવો ધરતી પર પડતો હતો. 45 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી તેના શિષ્યો પાસે ગયો ત્યારે તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા. (તેઓ તેમના દુ:ખોથી વધારે થાક્યા હતા) 46 ઈસુએ તેઓને કહ્યું કે, “તમે શા માટે ઊંઘો છો? ઊભા થાઓ અને પરીક્ષણો સામે મજબૂત બનવા પ્રાર્થના કરો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International