Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 65

નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.

હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
    અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
    અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
    પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
    તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
    સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
    તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
    તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
    તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
    તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
    સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
    અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
    જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
    વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
    અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
    તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
    અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
    આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
    અને હા, તેઓ ગીતો ગાય છે.

યોએલ 1

તીડો પાકને ખાઇ જશે

પથુએલના પુત્ર યોએલને સંભળાયેલી યહોવાની વાણી:

સાંભળો, હે ઇસ્રાએલના વડીલો!
    અને દેશના સર્વ વતનીઓ,
તમે પણ ધ્યાન આપો!
    તમારા કે તમારા પૂર્વજોના સમયમાં કદી આવું બન્યું છે?
તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો;
    તેઓ તેમનાં સંતાનોને વાત કરશે
    અને તેઓ પછીની પેઢીને કહેશે.
તીડો તમારો બઘો પાક ખાઈ જશે.
    જે કાતરનારા તીડોએ છોડયું
તે ગણગણતા તીડો ખાશે;
    જે ગણગણતા તીડોએ છોડયું
તે કૂદતા તીડો ખાશે;
    છેલ્લે આંકરાંતિયા તીડ બચેલું બઘું ખાઈ જશે.

તીડોનું આગમન

હે છાકટાઓ, તમે જાગો અને આક્રંદ કરો!
    સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, જોરથી રડો!
મીઠો દ્રાક્ષરસ તમારી
    પાસેથી લઈ લેવાયો છે.
કારણ, એક દેશે પૃથ્વીને ઢાંકી દીધી છે.
    તેઓ અગણિત છે.
એમનાં દાંત સિંહના દાંત જેવા છે,
    તેમની દાઢો સિંહણની દાઢો જેવી છે.

તેઓએ મારી દ્રાક્ષની લતાઓનો નાશ કર્યો છે
    અને અંજીર વૃક્ષો પર ફકત પાતળી ડાળીઓ છોડી છે.
તેઓએ તેની છાલ સંપૂર્ણત: ઉતારી લીધી છે અને તેને બાજુમાં ફેંકી દીઘું છે.
    ડાળીઓ સફેદ દેખાય છે.

લોકોનો આક્રંદ

કોઇ કુંવારી કન્યા પોતાના જુવાન પતિના
    અવસાનથી શોકના વસ્ત્રો પહેરીને આક્રંદ કરે તેમ તમે આક્રંદ કરો.
યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી.
    યાજકો જે યહોવા આગળ સેવક છે તેઓ શોક કરે છે.
10 ખેતરો લૂંટાઇ ગયા છે.
    ભૂમિ આક્રંદ કરે છે.
    કેમ કે અનાજ લૂંટાઇ ગયું છે.
નવી દ્રાક્ષ સુકાઇ ગઇ છે.
    તેલ સુકાઇ જાય છે.
11 હે ધરતીના ખેડનારાઓ! પોક મૂકો, આક્રંદ કરો,
    હે દ્રાક્ષનીવાડીના માળીઓ!
ઘઉં માટે અને જવ માટે પોક મૂકો;
    કારણ કે ખેતરોના પાકનો નાશ થયો છે.
12 દ્રાક્ષની વેલીઓ સુકાઇ રહી છે,
    અંજીર સુકાઈ રહ્યાં છે.
દાડમ, તાડ, સફરજન
    અને ખેતરમા બધાં વૃક્ષો સૂકાઇ ગયા છે.
    લોકોમાંથી આનંદ જતો રહ્યો છે.
13 હે યાજકો! શોકના વસ્ત્રો ધારણ કરીને શોક કરો.
    હે વેદીના સેવકો, આક્રંદ કરો.
હે મારા દેવના સેવકો, શોકના વસ્ત્રોમાં આખી રાત ગાળો.
    તમારા દેવના ઘરમાં કોઇ ખાદ્યાર્પણ કે પેયાર્પણ નથી.

તીડોથી ભયંકર વિનાશ

14 પવિત્ર ઉપવાસની જાહેરાત કરો. પવિત્રસભા બોલાવો, તમારા દેવ યહોવાના મંદિરમાં આગેવાનોને અને દેશવાસીઓને ભેગા કરો, અને યહોવા આગળ રૂદન કરો.

15 અરર! કેવો ભયંકર દિવસ. યહોવાનો વિશેષ દિવસ નજીક છે! સૈન્યોનો દેવ યહોવા તરફથી વિનાશ રૂપે આવશે. 16 આપણી નજર સામે જ આપણું અન્ન અદ્રશ્ય થઇ ગયું. આપણા દેવના મંદિરમાંથી સર્વ આનંદ અને ઉત્સાહ ઊડી ગયા છે. 17 સૂકી જમીન નીચે ધાન્ય સડી જાય છે. વખારો નષ્ટ થઇ છે. કોઠારો ઓછા થયા છે. ખેતરોમાં અનાજ સુકાઈ ગયું છે.

18 ઢોર ભાંભરી રહ્યાં છે! અને બળદો મુંજાયા છે; કારણકે તેઓ માટે ઘાસચારો રહ્યો નથી. ઘેટાંનાં ટોળાંઓ પણ કષ્ટ સહન કરી રહ્યાં છે. 19 હે યહોવા, હું તમને બોલાવું છું, કારણકે અગ્નિએ મરૂભૂમિના ઘાસચારાને ભસ્મ કર્યો છે અને પ્રજવલિત જવાળાઓએ ખેતરના બધા વૃક્ષો બાળી નાખ્યાં છે. 20 હા, વનચર પશુઓ પણ પાણી માટે તમને પોકારે છે; કારણકે પાણીની ઘારાઓ સુકાઇ ગઇ છે, ને અગ્નિએ વનનો ઘાસચારો ભસ્મ કર્યો છે.

2 તિમોથી 3:1-9

છેલ્લા દિવસો

આ યાદ રાખજે! છેલ્લા દિવસોમાં ધણી બધી મુશ્કેલીઓ આવશે. એવો સમય આવશે કે જ્યારે લોકો પોતાની જાતને જ તથા પૈસાને પ્રેમ કરશે. તેઓ બડાશખોર અને અભિમાની બનશે. લોકો બીજાની નિંદા-કૂથલી કરતા થઈ જશે. લોકો પોતાના મા-બાપની આજ્ઞા નહિ પાળે. લોકોમાં આભારની ભાવના મરી પરવારશે. દેવને જેવા લોકો ગમે છે તેવા તેઓ નહિ હોય. લોકોને એકબીજા માટે પ્રેમ નહિ હોય. તેઓ બીજા લોકોને માફ કરી શકશે નહિ. અને તેઓ ખરાબ વાતો કરશે. લોકો પોતાની જાત પરનો કાબૂ ગુમાવશે. તેઓ ક્રોધી અને હલકી વૃત્તિવાળા અને જે વસ્તુઓ સારી હશે તેને ધિક્કારશે. આવનારા છેલ્લા દિવસોમાં લોકો પોતાના મિત્રોના વિશ્વાસઘાતી બની જશે. તેઓ જરા પણ વિચાર કર્યા વગર મૂર્ખતાભર્યા કામો કરશે. લોકો દેવ પર પ્રીતિ રાખવાને બદલે વિલાસ પર પ્રીતિ રાખનારા થશે. એ લોકો દેવની સેવા કરવાનો ડોળ ચાલુ રાખશે, પરંતુ તેઓની જીવન જીવવાની રીત પરથી ખ્યાલ આવશે કે તેઓ દેવની સેવા ખરેખર કરતાં જ નથી. તિમોથી, એવા લોકોથી તું દૂર રહેજે.

તેઓમાંના કેટલાએક લોકો તો પારકાના ઘરમાં ઘૂસી જઇને અબળા સ્ત્રીઓને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એ સ્ત્રીઓમાં પણ પુષ્કળ પાપ હોય છે. અનેક અનિષ્ટ કુકર્મો કરવાની ઈચ્છા ધરાવતી એ સ્ત્રીઓ પાપૅંેથી ભરપૂર હોય છે. એ સ્ત્રીઓ હંમેશા નવું નવું શિક્ષણ શીખવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ સત્યના જ્ઞાન સુધી પહોંચી શકવા શક્તિમાન થતી નથી. યાન્નેસ અને યાંબ્રેસને યાદ કર. તેઓ મૂસાના વિરોધીઓ હતા. આ લોકોની બાબતમાં પણ એવું જ છે. તેઓ સત્યનો વિરોધ કરે છે. એ એવા લોકો છે જેમની વિચાર-શક્તિ ગૂંચવાઇ ગઇ છે. તેઓ વિશ્વાસનો માર્ગ અનુસરવામાં નિષ્ફળ ગયા છે. પરંતુ તેઓ જે કાર્યો કરી રહ્યા છે તેમાં સફળ તવાના નથી. બધા લોકોને ખબર પડશે કે તેઓ કેવા મૂર્ખ છે. યાંન્નેસ અને યાંબ્રેસનું આવું જ થયું હતું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International